ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક વખત એવો આવશે, કે જ્યારે દુનિયાનાં બધાં દુ:ખો નાશ પામશે અને માત્ર આનંદ અને સુખ જ બાકી રહેશે, અને ત્યારે આ પૃથ્વી સ્વર્ગ બની જશે. હું આ વાતમાં માનતો નથી. આ દુનિયા જેવી છે તેવી જ સદાય રહેશે. આ કહેવું ઘણું ભયંકર છે, પણ હું બીજો કોઈ માર્ગ જોતો નથી. આ જગતનાં દુ:ખો શરીરમાંના કાયમી સંધિવા જેવાં છે. એક ભાગમાંથી તમે તેને હાંકી કાઢો એટલે તે તમને બીજે ક્યાંય દેખાશે; ત્યાંથી કાઢો તો વળી ત્રીજે સ્થળે દેખા દેશે. તમે ગમે તે કરો પણ તે ત્યાં છે તો ખરો જ. જૂના કાળમાં લોકો જંગલમાં રહેતા અને એકબીજાને ખાઈ જતા; આધુનિક જમાનામાં તેઓ એકબીજાનું માંસ તો નથી ખાતા પણ એકબીજાને છેતરે છે. છેતરપિંડીથી દેશના દેશ અને શહેરોનાં શહેરો નાશ પામ્યાં છે. આ કાંઈ બહુ પ્રગતિદર્શક નથી. દુનિયામાં તમે જેને પ્રગતિ કહો છો, તેમાં તો તૃષ્ણાઓની અનેકગણી વૃદ્ધિ સિવાય બીજું કંઈ હું જોતો નથી. જો કોઈપણ વાત મારી પાસે સ્પષ્ટ હોય તો તે એ છે કે તૃષ્ણાઓ સર્વ દુ:ખ લાવે છે. આ રોજ રોજ કંઈક કંઈક વસ્તુની ભીખ માગતા પેલા ભિખારીના જેવી સ્થિતિ છે; ભિખારી તે મેળવવાની આશા સિવાય બીજી કોઈ વસ્તુ નહિ જોતાં હંમેશાં તૃષ્ણામાં જ રહ્યા કરે છે. જો આપણી તૃષ્ણાઓને સંતોષવાની શક્તિ ગણિતશ્રેણીની રીતે વધી છે તો તો તૃષ્ણાઓ ભૂમિતિશ્રેણીની રીતે વધી છે. જગતમાં સુખ અને દુ:ખનો સરવાળો સદાયને માટે કાંઈ નહિ તો તેટલો ને તેટલો જ રહે છે. જો સમુદ્રમાં ક્યાંય મોજું ઉત્પન્ન થાય છે તો બીજે સ્થળે ખાડો થાય છે; જો એક માણસને સુખ મળે તો બીજા કોઈકને દુ:ખ મળે; છેવટે કોઈક પ્રાણીને તો દુ:ખ મળે જ. મનુષ્યોની સંખ્યા વધતી જાય છે તો કેટલાંક પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે; આપણે તેમનો નાશ કરીએ છીએ અને તેમની રહેવાની જગ્યા લઈ લઈએ છીએ. આપણે તેમનાં આજીવિકાનાં સઘળાં સાધનો પણ લઈ લઈએ છીએ. તો પછી એકંદરે સુખ વધે છે તેમ આપણે કેમ કહી શકીએ? બળવાન પ્રજા નબળી પ્રજાનો નાશ કરે છે; પણ તે બળવાન પ્રજા ખૂબ સુખી થશે તેમ તમે માનો છો? ના, તેઓ પરસ્પર એકબીજાનો સંહાર કરવાનું શરૂ કરશે. વ્યાવહારિક દ્દષ્ટિએ, પણ આ દુનિયા સ્વર્ગ કેમ બની શકે તે મને સમજાતું નથી; હકીકતો તેની વિરુદ્ધમાં છે. સિદ્ધાંતની દૃષ્ટિએ પણ હું તો જોઉં છું કે તે બની ન શકે.
પૂર્ણતા સદા અનંત છે… આપણે ઇન્દ્રિયોથી બદ્ધ છીએ ત્યાં સુધી આપણે માટે પૂર્ણ થવું અશક્ય છે. અને પછી મૂળ અનંત તત્ત્વ તરફના પ્રયાણની તપાસ શરૂ થશે.
આનું નામ છે ત્યાગ. જે રીતે આપણે આ મુશ્કેલીમાં સપડાયા એ જ રીતને ઉલટાવીને આપણે તેમાંથી બહાર નીકળવું પડશે; અને ત્યારબાદ નીતિધર્મ, દાનધર્મ વગેરે શરૂ થશે. બધાં નૈતિક શાસ્ત્રોનો મૂળમંત્ર શું છે? ‘હું નહિ પણ તું’ અને આ ‘હું’ તે બાહ્ય જગતમાં પોતાને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહેલા પાછળના અનંતનો પ્રગટભાવ છે. આ ક્ષુદ્ર ‘અહં’ તે કાર્ય છે, અને તેણે પાછા જઈને પોતાના મૂળ સ્વરૂપ અનંતમાં ભળી જવું પડશે. દરેક વખતે જ્યારે તમે કહો છો કે ‘ભાઈ! હું નહિ, પણ તું,’ ત્યારે તમે મૂળ સ્વરૂપમાં પાછા જવાનો પ્રયાસ કરો છો.
(‘જ્ઞાનયોગ’, પૃ.૧૦૫-૦૭)
Your Content Goes Here




