(નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન)
પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો.
ભારતના હિંદુ સાધુ સ્વામી વિવેકાનંદ ઉપનિષદનાં વૈશ્વિક સત્યોને પશ્ચિમની પ્રજાને સમજાવવા માટે પશ્ચિમમાં ગયા હતા, એ પ્રસંગની ઉજવણી કરવા આજે આપણે એકઠા થયા છીએ. હઠાગ્રહીપણું વિભાજિત કરે છે, પણ સત્ય સાયુજ્ય કરે છે (જોડે છે). બધા ધર્મોની પાછળ રહેલાં વૈશ્વિક સત્યોનો રહસ્યસ્ફોટ કરવા માટે વિવેકાનંદ ગયા હતા.
વિવેકાનંદે જે પ્રથમ સત્ય ઉદ્ઘોષિત કર્યું તે એ હતું કે માનવી ‘જન્મથી પાપી’ નથી પણ પોતાની અંદર ઈશ્વરને સમાવીને જન્મેલો ઈશ્વર જ છે. મૂળભૂત રીતે મનુષ્ય દૈવી છે. કેલિફૉર્નિયામાં તેમણે જાહેર કર્યું, “ઈશુ કે મહંમદને અનુસરવું એ ધર્મ નથી, પણ ઈશુ બનવું એ જ ધર્મ છે. તમે ઈશુ કે બુદ્ધ જેટલા જ મહાન છો. જ એ નથી તો એ બનવા માટે આપણે સંઘર્ષ કરવો જ પડશે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો.” થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં તેમણે કહ્યું, “માનવીય સ્વભાવની મહત્તા અને ગૌરવને ક્યારેય ભૂલશો નહીં. ઈશુઓ અને બુદ્ધો તો ખરેખર અસીમ સાગરનાં મોજાઓ માત્ર છે અને તે જ હું છું.” આપણે આપણી જાતને ‘રાજકીય પ્રાણીઓ’ કે ‘યંત્રો બનાવતાં પ્રાણીઓ’, કે પછી જૈવિક પ્રાણીઓ માનવા માટે વારંવાર લલચાવતા હોવા છતાં એક સદી સુધી મૂળભૂત દિવ્યત્વના આ સંદેશાએ માનવજાતને ટકાવી રાખી તેને ઉર્ધ્વપંથે લઈ જવામાં મદદ કરી છે.
સ્વામીજીએ જે બીજું સત્ય રજૂ કર્યું તે હતું: દરેક અસ્તિત્વ વચ્ચેના મૂળભૂત ઐક્ય વિષે. આ વિચારને ભારતમાં તેમણે આ રીતે સમજાવ્યો હતો, “આ બ્રહ્માંડનો એકેય અણુ સમગ્ર વિશ્વને પોતાની સાથે ઘસડ્યા સિવાય ખસી શકે નહીં. સમગ્ર વિશ્વને પોતાની પાછળ આવવા માટે મજબૂર કર્યા સિવાય કોઈ પણ પ્રગતિ સંભવી શકે નહીં. ૧૮૯૩માં તેમણે કહ્યું કે દિન-બ-દિન એ સ્પષ્ટ થતું જાય છે કે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ જાતીય, રાષ્ટ્રીય કે બીજા સંકુચિત ઉપાયોથી લાવી શકાય નહીં.
તેમણે આપેલું ત્રીજું સત્ય એ છે કે જુદાજુદા ધર્મો એ ખરેખર બીજું કાંઈ નથી પણ માનવતાને પોતાની અંદર નિહિત દિવ્યત્વને પ્રગટ કરવા અને દરેક અસ્તિત્વ વચ્ચેની મૂળભૂત એકતાને સમજવા માટે મદદ કરનાર જુદાજુદા રસ્તાઓ માત્ર છે. પુસ્તકો, ચર્ચો, મંદિરો, મંતવ્યો અને પયગંબરો સુધ્ધાં કોઈ પ્રાથમિક મહત્તા ધરાવતાં નથી. તેમની અગત્ય ગૌણ છે. સાચા વૈશ્વિક ધર્મ અને સાચી આધ્યાત્મિક સંસ્કૃતિનો આ મૂળભૂત પાયો છે.
આ સત્યોનો પ્રચાર કરવા ભારતના પરિવ્રાજક સાધુને પશ્ચિમમાં જવાની કેમ જરૂર પડી? તેમને લાગ્યું કે પશ્ચિમની સંસ્કૃતિને બચાવવા માટે આ સત્યો તેમને સમજાવવાનો સમય થઈ ગયો હતો. લંડનની ભૂમિ ઉ૫૨ ઊભા રહીને તેમણે જોયું કે ડાર્વિનની થીયરિએ મતમતાંતરોના આધાર ઉપર ઊભેલા બધા ધર્મોને લગભગ પાયામાંથી તોડી નાખ્યા છે. તેમણે જગતને યાદ અપાવ્યું કે તર્ક અને આધુનિક વિજ્ઞાન આ સત્યોને ધીમેધીમે સ્વીકારી રહ્યું છે. નૉબૅલ પારિતોષિક વિજેતા ભૌતિકવિજ્ઞાની ઈરવીન શ્રોડિંજરે જાહેર કર્યું છે કે પ્રાચીન ઉપનિષદોમાંથી નીપજતું સમીકરણ – ‘આત્મા = બ્રહ્મ’ જ આધુનિક વિજ્ઞાનને સતાવતી ચેતનાની સમસ્યાને ઉકેલી શકે છે. તેઓ કહે છે કે ચેતના એક જ છે અને જોવા મળતી તેની વિવિધતા માયા છે3 આજે કણ પદાર્થ વિજ્ઞાને (particle physics) શોધ્યું છે કે એક અણુ પૂરા વિશ્વ સાથે સંકળાયેલો છે. ૧૯૮૫ સુધીના બેલના પ્રમેય ઉપરના બધા જ પ્રયોગોએ સાબિત કર્યું છે કે વિશ્વના પદાર્થો અથવા ધટનાઓ ખરેખર મૂળભૂત સ્વરૂપે એકબીજા સાથે સંકળાયેલાં છે.
‘જૈન-બૌદ્ધ પાસે પૂર્વને આપવાનો સંદેશો હતો, તેમ મારી પાસે પશ્ચિમને આપવાનો સંદેશો છે.’ બ્રુકલીનમાં તેમણે કહ્યું જો બુદ્ધનો સંદેશ શુષ્ક તત્ત્વજ્ઞાન અને વૈદિક કાળના ધર્મગુરુઓના સ્વાર્થી કર્મકાંડમાં કરુણા અને નિ:સ્વાર્થતા લાવવા માટે હતો તો વ્યવહારમાં મૂકવામાં નિષ્ફળ ગઈ છે. વિવેકાનંદનો ઐતિહાસિક સંદેશ જીવન પ્રત્યેની ભારતની સર્વાંગી આધ્યાત્મિક દૃષ્ટિનો પશ્ચિમની ગતિશીલતા અને આધુનિક વિજ્ઞાન સાથે સુમેળ કરવા માટેનો હતો. તેમના મિત્ર હરિદાસ બિહારીદાસ દેસાઈને તેમણે લખ્યું કે આમ થવાથી પૃથ્વી ઉપર ક્યારેય જોવા ન મળી હોય તેવી માનવજાતની એક નવી પેઢી તૈયાર થશે. આજે, વૈજ્ઞાનિકો પણ એવું માનતા થયા છે કે વિશ્વની બીજી થર્મો – ન્યુક્લિઅર (thermo nuclear) દુર્ઘટનાને નિવારવા માટે આઈન્સ્ટાઈનના મગજ સાથે (તીવ્ર બુદ્ધિમતા સાથે) નીલ બોહરની આધ્યાત્મિકતા અને બુદ્ધના હૃદયનો સમન્વય કરવો જ રહ્યો.
યુરોપની ધરતી ઉપર ઊભા રહીને તેમણે જોયું કે ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં, જીવન પ્રત્યેના આધ્યાત્મિક દૃષ્ટિકોણના અભાવમાં યુરોપ નાશ પામશે. ૧૯૦૦માં તેમણે જોયું કે જર્મની વિસ્તરવાની કોશિશ કરશે અને રશિયા તેનો વિરોધ કરશે.4 સંઘર્ષ અનિવાર્ય હતો અને આવો સંઘર્ષ આવ્યો – એક ૧૯૧૪માં અને બીજો ૧૯૩૯માં બે મહાન વિશ્વયુદ્ધોના સ્વરૂપે. હાર્વર્ડમાં તેમણે આપણને યાદ અપાવ્યું કે માત્ર ધનસંચય કરવો એ જ સંસ્કૃતિ નથી પણ મનુષ્યમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ કરવી તે જ સાચી સંસ્કૃતિ છે. લંડનમાં તેમણે કહ્યું, “જે સમાજ સૌથી વધુ સંખ્યામાં બુદ્ધને અને ઈશુને જન્મ આપે છે તે જ સૌથી વધારે સુસંસ્કૃત છે. ૧૮૯૪માં અમેરિકામાં તેમણે વિશ્વને યાદ અપાવ્યું કે કલા અને વિજ્ઞાનમાં પૂર્ણતાને આરે હોવા છતાં ગ્રીક સંસ્કૃતિ નાશ પામી કારણ કે આધ્યાત્મિક્તાનો તેમાં અભાવ હતો. કાયદા અને વહીવટમાં પૂર્ણ એવી રોમન સંસ્કૃતિ પણ નાશ પામી કારણ તેમાં પણ આધ્યાત્મિક્તાનો અભાવ હતો. અને ઇતિહાસની અનેક ચડતી-પડતી જોઈ હોવા છતાં હિંદુ સંસ્કૃતિ તેની આધ્યાત્મિક્તાને લીધે નાશ પામી નથી. જો કે તેણે ૧૨૦૦ વર્ષની ગુલામી ભોગવી છે કારણ કે તે સદા ઉર્ધ્વ અને ગૌરવયુક્ત એવા તેના આધ્યાત્મિક આદર્શોને વ્યવહારમાં મૂકવામાં નિષ્ફળ ગઈ છે.૫
સ્વામીજીએ કહ્યું કે ભવિષ્યની સંસ્કૃતિ એવી હશે જેમાં કલા અને વિજ્ઞાનમાં પૂર્ણ ગ્રીક સંસ્કૃતિ, કાયદા અને વહીવટમાં પૂર્ણ રોમન સંસ્કૃતિ અને શ્રીરામકૃષ્ણના ખૂબ વ્યાવહારિક એવા વૈશ્વિક હિંદુત્વનો સમાવેશ થયો હશે. તેમણે કહ્યું હતું કે આ યુગમાં આધ્યાત્મિક્તાને ક્રિયાશીલ અને વ્યાવહારિક બનાવવા માટે જ તેમનો જન્મ થયો હતો – અને આ નવી સંસ્કૃતિનો પ્રારંભ વિશ્વમાં દરેક જગ્યાએ સ્ત્રીઓથી થશે૬ જે સદીઓથી તેમના ઉપર લાદવામાં આવેલી સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ગુલામીમાંથી મુક્ત થઈ ખડી રહેશે.
તેમણે ૧૮૯૫માં ભાખ્યું હતું કે રશિયા અને ચીનમાં ક્રાંતિ થશે. ૧૯૦૦માં તેમણે ફરીથી કહ્યું કે જે દિવસે યુરોપ બધે સમાનતા અને સરખાપણું લાવવાની કોશિશ કરશે તે દિવસે ‘કોહવાઈને નાશ પામશે’.7 પત્તાંના મહેલની જેમ યુરો કૉમ્યુનિઝમનું તૂટી પડવું અને મુક્ત-બજાર અર્થતંત્ર તેમજ વ્યક્તિગત વ્યાવસાયિક સાહસોએ આ ભવિષ્યવાણીને સાચી ઠેરવી છે.
ભારત માટે તેમણે કહ્યું હતું કે જેનો પાયો નિ:સ્વાર્થતા છે એવો ત્યાગ – અને જાતિ, ધર્મ કે રાષ્ટ્રથી નિરપેક્ષ રહીને દરેક માનવમાં નિહિત દૈવી તત્ત્વની સેવા – આ બંને ઉપર આધાર રાખીને ભારત ભૂતકાળમાં ક્યારેય ન પામ્યું હોય તેવું ઉચ્ચ સ્થાન હાંસલ કરશે.
અને ભારતનું કાર્ય હશે – ધર્મની ધર્મ સાથે, ધર્મની વિજ્ઞાન અને તર્ક સાથે, તેમજ સંસ્કૃતિની સંસ્કૃતિ સાથે સંવાદિતા સાધી માનવજાતિનું આધ્યાત્મીકરણ કરવું અને આ રીતે એક વૈશ્વિક માનવીય સંસ્કૃતિનું નિર્માણ કરવું.
આવી સંવાદિતાના મહાનતમ ઐતિહાસિક પ્રતીક તરીકે વિવેકાનંદ પોતે જ ઝળહળી રહ્યા હતા. રોમાં રોલાંએ કહ્યું છે તેમ, તેમનામાં ચાર પ્રકારની માનવીય શક્તિઓ શારીરિક, ભાવાત્મક, બૌદ્ધિક અને – આધ્યાત્મિક શક્તિઓએ અદ્ભુત તાલ-લય દ્વારા સુંદર સૂર-સંગીત રચ્યું હતું. તેમનામાં શ્રીરામકૃષ્ણનો બધા ધર્મોનો અદ્ભુત સ્વીકાર અને ઈશુની આધ્યાત્મિકતાની સાથે બુદ્ધનું હૃદય, શંકરની બુદ્ધિપ્રતિભા, ઈસ્લામની બંધુત્વની ભાવના, નેપોલિયનની ક્રિયાશીલતા અને વેદિક ઋષિઓએ અનુભવેલ સર્વવ્યાપ્ત દિવ્યતાનો અદ્ભુત સંગમ થયો હતો.
પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના નામ ઉપરથી તેમણે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. તેમના ગુરુ પાસેથી જ તેમણે આ વિચારો મેળવ્યા હતા અને શીખ્યું હતું પૂરા વિશ્વમાં તરછોડાયેલી આમજનતા અને સ્ત્રીઓના ઉદ્ધાર માટે તેમને કઈ રીતે વ્યવહારમાં મૂકવા. તેમણે કહ્યું હતું કે આ ચળવળની આધ્યાત્મિક અસર ઓછામાં ઓછી ૧૫૦૦ વર્ષો સુધી રહેશે. પ્રૉફેસર એ. એલ. બાશામ તેમને કહે છે તેમ વિવેકાનંદ ‘આધુનિક વિશ્વના ઘડવૈયા તરીકે ઉપી ચૂક્યા છે. તેમણે કહેલો એક એક શબ્દ સાચા પડતો આવ્યો છે. બર્લિનની દિવાલો અને બૈરૂતની સીમાઓ જેવા નકલી સીમાડાઓ તૂટી પડ્યા છે. અહીં તહીં ધર્મઝનૂની અથડામણો થવાં છતાં આંતર્-ધર્મીય સંવાદો (Inter-religious dialogues) વારંવાર યોજાઈ રહ્યા છે. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાને હાથ મિલાવવા શરૂ કરી દીધા છે. દરેક જગ્યાએ શ્રમિક વર્ગોનો અભ્યુદય થઈ રહ્યો છે. આ પયગંબરના સ્વપ્નને શું આપણે વાસ્તવિક સ્વરૂપ આપી શકીશું? જરૂર. અહીં અને અત્યારે જ આપણે એ કરી રહ્યા છીએ. જયારે વિવેકાનંદે શિકાગો ધર્મમહાસભામાં ધર્મોની સંવાદિતા અને જીવનની દિવ્યતા વિષે વાત કરી, ત્યારે આ વૈશ્વિક સત્યોનું સમર્થન કરવામાં તેમનો એકનો જ અવાજ હતો. આજે આ હૉલમાં વિશ્વના લગભગ દરેક ભાગમાંથી આવતા વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ એવા આપણે ૧૨,૦૦૦ લોકો વિવેકાનંદની જેમજ તેમની રીતે જ સ્વપ્ન સેવી રહ્યા છીએ. આપણા દ્વારા જ પયંગબર સ્વામી વિવેકાનંદ તેમના સંવાદિતાના આદર્શ પર આધારિત નવા વર્ગ (new order)ના સ્વપ્નને પૂરું કરવાના છે.
ભાષાંતર: ડૉ. ચેતના માંડવિયા
સંદર્ભ સૂચિ:
૧ મૅરી લુઈ બર્ક: સ્વામી વિવેકાનંદ સૅકન્ડ વીઝીટ ટુ ધી વેસ્ટ: અદ્વૈત આશ્રમ (૧૯૭૩) પૃ. ૩૭૦
૨ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ: વૉલ્યુમ. ૩. પૃ. ૨૬૭.
૩ ઈરવીન શ્રોડીંજર: માય વ્યૂ ઑફ ધી વર્લ્ડ (કેમ્બ્રીજ યુનિ. પ્રેસ) ચૅપ્ટર ૪
૪ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ: વૉલ્યુમ ૭: પૃ. ૩૮૯
૫ મૅરી લુઈ બર્ક – સ્વામી વિવેકાનંદ ઈન ધી વેસ્ટ વૉલ્યુમ ૨, પૃ. ૪૨૬
૬ ઉપર મુજબ
૭ કમ્પ્લીટ વર્કસ: વૉલ્યુમ ૭. પૃ. ૩૯૦
Your Content Goes Here




