(પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. – સં.)
સાધારણ મનુષ્યની દ્વિધા
યુદ્ધથી વિમુખ બનેલા અર્જુન અને તેથી વિપરીત તેને યુદ્ધમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપતા શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદથી ગીતાનો પ્રારંભ થાય છે. તેથી સાધારણ મનુષ્ય પૂછે છે, ‘યુદ્ધમાં પ્રવૃત્ત થવું સારું છે કે ખોટું? ગીતા ઉત્તર આપે છે કે યુદ્ધમાં નિશ્ચિતપણે હિંસા સમાયેલી છે. પરંતુ વાસ્તવિક જગતમાં ઘણી વખત જોવા મળે છે કે દુરાચારી લોકો સત્તા અને સંપત્તિ પર પ્રભુત્વ મેળવે છે અને દરેકને માટે મુસીબત સર્જે છે—જેમ કે મહાભારતના પ્રસંગાનુસાર, શ્રીકૃષ્ણના શાંતિ, સુલેહ અને સમાધાનના સંધિ–પ્રસ્તાવનો દુર્યોધને અસ્વીકાર કર્યો હતો, આવી પરિસ્થિતિમાં દુરાચાર કે અધર્મને નાથવા માટે તેવા લોકોના સ્થાને સદાચારી જનોને પ્રસ્થાપિત કરવા એ સુયોગ્ય માર્ગ છે.
ગીતા આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે સમાજના સુસંસ્કૃત, સજ્જન અને સદાચારી લોકોના રક્ષણ અર્થે હિંસાનો પ્રયોગ કરવો એ કર્તવ્ય છે. ગીતા પ્રબોધે છે: ‘જો તું માર્યો જઈશ, તો સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ, તેથી હે કૌંતેય! યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊઠ.’ જે વ્યક્તિ સદાચારના પક્ષે યુદ્ધ કરે છે, તેને ગીતા ‘સ્વર્ગ’ પ્રાપ્તિની હૈયાધારણ આપે છે. આમ તે સજ્જનોને યથાર્થ કારણોસર લડત માટે પ્રોત્સાહિત કરે છે.
સાંસારિક સમસ્યાઓનો ઉકેલ હોય કે ઈશ્વરની અનુભૂતિની બાબત હોય, સાધારણ મનુષ્ય તત્કાળ ફળ અર્થાત્ સાનુકૂળ પરિણામની અપેક્ષા રાખે છે. આવી વ્યક્તિ ભૌતિક ચીજવસ્તુઓ મેળવવા માટે મુશ્કેલીઓ વેઠવા તૈયાર છે, પરંતુ જ્યારે ઈશ્વરની અનુભૂતિની બાબત ઉપસ્થિત થાય છે ત્યારે તે એમ માને છે કે તે અત્યંત સહજ–સરળ છે અને ધ્યાન દ્વારા સરળતાથી મેળવી શકાશે, પરંતુ તરત જ તેને માલૂમ પડે છે કે આવી અનુભૂતિ સાવ સરળ નથી. ધ્યાન સહજ–સરળ નથી, આંતરિક પવિત્રતા એની પૂર્વશરત છે. તેથી જ્યારે તે વ્યક્તિને સલાહ આપવામાં આવે છે કે નિઃસ્વાર્થભાવે કાર્ય કરીને તથા ઈશ્વરાર્પણ બુદ્ધિથી સઘળાં કાર્ય કરીને (જે કર્મયોગનું સારતત્ત્વ છે), ક્રમશઃ સ્વાર્થી એષણાઓ ઘટાડતા જઈને તેણે પોતાના મનને પ્રશાંત કરવું જોઈએ, ત્યારે સલાહ મુજબ કાર્ય કરવું કે કાર્યને બદલે ધ્યાનની સહાયતા લેવી, એ બે વચ્ચે દ્વિધા અનુભવે છે. શ્રીકૃષ્ણ આવી વ્યક્તિની અનિર્ણાયકતાનો અંત લાવતાં કહે છે,
‘હે નિષ્પાપ! આ લોકમાં જ્ઞાનયોગ વડે સાંખ્યોની (જ્ઞાનયોગીઓની) અને કર્મયોગ વડે કર્મયોગીઓની—એમ બે પ્રકારની નિષ્ઠા મેં પહેલેથી જ કહી છે.’ (ગીતા, 3.3)
આમ આ શ્લોક સૂચવે છે કે આંતરિકતાપૂર્વક નિઃસ્વાર્થ કાર્ય કરીને તથા તેવાં કાર્યને ઈશ્વરાર્પિત કરીને કર્મયોગી જ્ઞાનયોગી બને છે.
મનમાં હવે પછીનો પ્રશ્ન ઊઠે છે:
‘ફળની આસક્તિ રાખ્યા વિના તું (ઈશ્વર અર્થે) કર્મ કર’ એમ કહેવાનો ગીતાનો શો ઉદ્દેશ છે?
આપણે કંઈ પણ પ્રાપ્ત કરવાની અપેક્ષા વિના કે અનાસક્તપણે કેવી રીતે કાર્ય કરી શકીએ?
એનો અર્થ એવો થયો કે આપણે બેંકમાં કાર્ય કરતા કેશિયરનો ભાવ રાખવાનો છે, જે દિવસ દરમિયાન પ્રચુર માત્રામાં નાણાંની લેવડદેવડ કરે છે પરંતુ તે જાણે છે કે એ નાણાંનો નથી તો તે માલિક કે નથી ઉપભોક્તા. કારણ કે એ નાણાંની માલિકી તો બેંકની છે. કેશિયરે તો તેને સોંપેલું કાર્ય નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરવાનું છે.
જો આપણને એમ લાગતું હોય કે આ સર્વસ્વ ઈશ્વરનું સર્જન છે અને ‘તે’ સૌના અંતરાત્મારૂપે સૌને કાર્ય કરાવી રહ્યા છે, તો પછી આપણને એમ લાગવું જોઈએ કે તે સર્વ-કર્તા-હર્તા છે. અને આપણા કર્મોનાં ફળ પણ તેમનાં છે, એટલે પછી આપણે અહંભાવના અને કર્તૃત્વભાવથી મુક્ત બનીશું. આ છે સાચી અનાસક્તિ જે આપણને કર્મથી નીપજતાં પુણ્ય અને પાપના બંધનમાંથી મુક્ત કરશે. આમ આપણને નિષ્કામતા, અને પ્રશાંત મન પ્રાપ્ત થશે. આ રીતે કર્મયોગ વ્યક્તિને જ્ઞાનયોગ અને ભક્તિયોગ પ્રતિ દોરી જાય છે.
ઉપભોકતાવાદી અને ભૌતિકતાવાદી જીવનપ્રણાલીને વરેલા લોકો વિચારે છે કે શા માટે હિન્દુઓ પોતાની પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મના પાસાને પ્રાધાન્ય આપે છે—ભલેને તે શૈક્ષણિક, સામાજિક, આર્થિક કે નૈતિક પાસું હોય.
અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાની થાય છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે એમ નિર્દેશીને ગીતા આના ઉત્તર આપે છે. ઐતિહાસિક પ્રમાણો રજૂ કરે છે કે ભારતમાં સૌથી વધુ વખત ઈશ્વરે અવતાર ધારણ કર્યા છે, તેથી ધર્મ ભારતની કરોડરજ્જુ બન્યો છે. આજ કારણે હિન્દુ સૌથી વિશેષ ધર્મનિષ્ઠ અને આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવે છે. ભારતમાંના મુઘલ શાસનકાળ અને બ્રિટિશ શાસનકાળ દરમિયાનના કપરા ગાળામાં પણ હિન્દુઓની માન્યતા હતી કે ઈશ્વર તેમનું ‘પરિત્રાણ’ કરશે.
આપણને સાંભળવા મળે છે કે શરણ લેનાર પાપીઓનાં પાપ ઈશુ ધોઈ નાખે છે. ખ્રિસ્તી અનુયાયી પૂછે છે કે શું હિન્દુધર્મમાં આવી કોઈ ખાતરી છે ખરી? ગીતા કહે છે,
‘જો તું બધા પાપીઓ કરતાંય વધારે પાપ આચરનારો હોઈશ તોપણ જ્ઞાનરૂપી નાવ વડે સર્વ પાપસાગરને સારી રીતે પાર કરી જઈશ.’ (૪.૩૬)
આવું આશ્વાસક વચન એમ પણ સૂચવે છે કે પ્રત્યેક વ્યક્તિમાં અવ્યક્તપણે દિવ્યતા છુપાયેલી છે અને જ્યારે તે પ્રગટ થાય છે ત્યારે આ પ્રકૃતિગત દિવ્યતા તેનાં સઘળાં પાપ અને દુર્બળતાને ધોઈ નાખે છે.
આધ્યાત્મિક જીવન સૌને માટે છે
આવો જ એક બીજો પ્રશ્ન માનવ-મનને મૂંઝવે છે, કયા પ્રકારની પૂજા-ઉપાસના ચઢિયાતી છે—વિપુલ પ્રમાણમાં ઈશ્વરને નિવેદિત કરાતાં ફળ, મિષ્ટાન્ન, પુષ્પ, વસ્ત્ર, અલંકાર સહિતની આડંબરપૂર્ણ પૂજા કે હૃદયપૂર્વકની પ્રાર્થના, પવિત્રતા, ચિંતન અને ધ્યાન જેવા ઉપચારોથી કરાતી રાગાત્મિક પૂજા? પ્રથમ પ્રકારની પૂજાને દ્રવ્યમય યજ્ઞ અને બીજા પ્રકારની પૂજાને જ્ઞાનયજ્ઞ કહેવાય છે. દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ચઢિયાતો છે કેમ કે સર્વ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. બીજા શબ્દોમાં, વ્યક્તિ કેવા ભાવથી ઈશ્વરની ઉપાસના કરે છે તે મહત્ત્વનું છે.
આધ્યાત્મિક જીવન અર્થે ગુરુ બનવા અને જનસમાજને માર્ગદર્શિત કરવા કોણ યોગ્ય છે તે પણ મહત્ત્વની બાબત છે. ગીતા એ સ્પષ્ટ કરે છે કે સાધક દ્રવ્યમય યજ્ઞ અને જ્ઞાનમય યજ્ઞ દ્વારા મનની પવિત્રતા પ્રાપ્ત કરે છે ત્યારે વૈયક્તિક જીવનમાં ગુરુભાવનું અવતરણ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે આ માગ અને પુરવઠાના સિદ્ધાંત જેવું છે. આધ્યાત્મિક સાધક અધિકારી બનીને વિનમ્રતા, પ્રાર્થનાભાવ અને શરણાગતવૃત્તિથી ગુરુ સમીપે જાય છે ત્યારે ગુરુ તેને વિશુદ્ધ પ્રેમ અને અપાર કરુણાવશ પરમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. ગુરુ સર્વ કામનાઓથી પર હોવાને કારણે કરુણાર્દ્ર બનીને જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો જ્ઞાનોપદેશ કરે છે. ગીતા આપણને સલાહ આપે છે.
‘તત્ત્વસાક્ષાત્કાર કરનારા જ્ઞાનીઓ તને આ જ્ઞાન ઉપદેશશે. તેમને પ્રણામ કરીને, પ્રશ્નો પૂછીને અને તેમની સેવા કરીને તું તે જ્ઞાનને જાણ.’ (ગીતા, ૪.૩૪)
હાલ ઠેર ઠેર સાંભળવા મળે છે કે ઔદ્યોગિક ગૃહો, કારખાનાં અને ખેતરોમાં ધ્યાનનો અભ્યાસ કરાઈ રહ્યો છે. સાચું ધ્યાન શું છે? જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિઃસ્પૃહ થાય છે ત્યારે મનુષ્યને સાચું ધ્યાન થયું કહેવાય છે. વાયુરહિત સ્થાનમાં રહેલા દીપકની જ્યોતિ-શિખા ડગમગતી નથી, તેવી સ્થિતિ મનની થાય ત્યારે ઉપર્યુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. આવા દીપકની જ્યોતિ ડગમગતી નથી—આ ઉપમા પૂર્ણ યોગીના મનને આપવામાં આવી છે.
આ યોગ-પદ્ધતિના અભ્યાસ માટે નિયોજિત સમય અને શક્તિ વ્યર્થ જતાં નથી. કોઈ કારણસર જો કોઈ વ્યક્તિ પૂર્ણ એકાગ્રતાની સ્થિતિ પ્રાપ્ત કર્યા પૂર્વે મૃત્યુ પામે તો તે પુનઃજન્મમાં, જ્યાં અભ્યાસ અધૂરો મુકાયો હતો, ત્યાંથી આગળ વધે છે. આ પ્રક્રિયા આત્મસાક્ષાત્કારનો ધ્યેય પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. ગીતા કહે છે,
‘કાળજીપૂર્વક પ્રયત્ન કરતાં પાપરહિત થયેલ યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમગતિ પામે છે.’ (ગીતા, ૬.૪૫)
કેટલાક લોકો જીવનના પ્રારંભથી જ શા માટે આધ્યાત્મિક વલણ ધરાવે છે જેની આ સમજૂતી છે. આ તેમના પૂર્વજન્મોના સંઘર્ષનું ફળ છે.
કેટલાક લોકો શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ ઈશુ, શ્રીચૈતન્ય, શ્રીરામકૃષ્ણ ઇત્યાદિ અવતારોની પૂજા-ઉપાસના કરે છે, તો વળી કેટલાક સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ અથવા પૂર્વજોની પૂજા-ઉપાસના કરે છે. શું તે સૌ એક જ ધ્યેયે પહોંચે છે? ગીતા કહે છે—
‘દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે. ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મને પૂજનારા મને પામે છે.’ (ગીતા, ૯.૨૫)
તેથી ગીતા સૂચવે છે કે જો વ્યક્તિ ઈશ્વર-કૃપાથી પ્રાપ્ત થતા અમરત્વને ઇચ્છતો હોય તો તેણે ઈશ્વરના અવતારોની પૂજા-ઉપાસના કરવી જોઈએ. જેઓ સરિતાઓ, તીર્થધામો, પર્વતશૃઁગો, વૃક્ષાદિને પવિત્રતા સ્વરૂપ ગણીને પૂજે છે તેવા લોકોનું શું? આવાં સ્થાનો શા માટે પવિત્ર ગણાય છે? ગીતા કહે છે—
‘(આ સંસારમાં) જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બલશાલી—શક્તિયુક્ત—હોય, તે તે મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે, એમ તું જાણ.’ (ગીતા, ૧૦.૪૧)
ભૌતિક પદાર્થો સાથે ઈશ્વરીય ભાવનું સંમિલન કરીને વ્યક્તિ નિરંતર ઈશ્વરનું સ્મરણ કરી શકે છે, ભલેને તે વિભિન્ન જાગતિક પ્રવૃત્તિઓમાં રચ્યો-પચ્યો રહેતો હોય!
કેટલાક સર્વસામાન્ય પ્રશ્નોના ઉત્તર
આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે: શું ઇન્દ્રિયાસકત (સામાન્ય રીતે દુરાચારી ગણાતો) મનુષ્ય તેવી સ્થિતિમાંથી ઊગરી શકે ખરો? તેના માટે કોઈ આશા ખરી?
ગીતા નિર્દેશ કરે છે કે ઈશ્વરની અગમ્ય કૃપાદૃષ્ટિ એવા લોકો પર પણ પડે છે અને તેમનો ઉદ્ધાર કરે છે.
‘ભલે ખૂબ દુરાચારી હોય પણ જે એકનિષ્ઠ થઈને મને ભજતો હોય તો તેને ઉત્તમ જ માનવો કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે. તે જલદી ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે. હે કુંતીપુત્ર! તું નિશ્ચિત રીતે જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી.’ (ગીતા, ૯.૩૦-૩૧)
એકાગ્રચિત્તે ઈશ્વરને ભજતી વ્યક્તિની જેમ દુરાચારી વ્યક્તિ કેવી રીતે વિશુદ્ધ બની શકે! ઈશ્વર-કૃપા અને ઈશ્વર-અનુગ્રહથી આ શક્ય છે, અન્ય કોઈ પ્રકારે નહીં! બુદ્ધના જીવનમાં અંગુલિમાલ અને શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ગિરીશ ઘોષના પ્રસંગો પતિતોદ્ધારણનાં જ્વલંત દૃષ્ટાંત છે.
મોટેભાગે એવું સાંભળવા મળે છે કે વિજ્ઞાનના નિયમો અનુસાર વિશ્વ-ચક્ર ચાલે છે. એમ પણ સાંભળવા મળે છે કે જગતનું સર્વકંઈ ઈશ્વરેચ્છાથી સુશાસિત થઈ રહ્યું છે. શંકા જાગે છે કે શું આ બે નિયમો અલગ અલગ છે? ગીતા સૂચવે છે કે સર્વજ્ઞ ઈશ્વરની ઇચ્છાશક્તિ પરમોચ્ચ છે. જો તેઓ ધારે તો જાગતિક નિયમોનો ભંગ કરી શકે છે. શ્રીરામકૃષ્ણદેવે એક વાર જાસૂદની એક ડાળી પર સફેદ અને લાલ, એમ બે જુદાજુદા રંગનાં પુષ્પો મથુરબાબુને બતાવ્યાં હતાં, જે ડાળી પર આ પહેલાં માત્ર લાલ પુષ્પ જ ખીલતાં હતાં. ઘણી વખત, ભક્તોની આર્ત પ્રાર્થના દ્વારા અલૌકિક ઘટનાઓ પણ બનતી જોવા મળે છે.
જાગતિક નિયમોને એક બાજુ રાખીને ઈશ્વર-કૃપા કાર્યાન્વિત થાય છે, તેનાં આ દૃષ્ટાંત છે. ઈશ્વરના ભક્ત નિર્ભય હોય છે કારણ કે તેઓ ઈશ્વરેચ્છાની છત્રછાયામાં છે અને ઈશ્વર જે પણ કરે છે, ભક્તોનાં માતા–પિતા સ્વરૂપ હોવાથી, તેઓના કલ્યાણ અર્થે જ કરે છે.
વળી, કેટલાક વિચારે છે કે ઈશ્વર સાકાર છે; તો વળી અન્ય વિચારે છે કે ઈશ્વર નિરાકાર છે. કયો મત–ચઢિયાતો છે? ગીતા કહે છે કે દેહધારીઓને માટે સાકાર ઈશ્વરની ઉપાસના સહજ–સરળ છે. જેમને દેહાધ્યાસ નથી અને પોતાને આત્મસ્વરૂપ માને છે, તેઓ નિરાકાર ઈશ્વરની આરાધના કરી શકે છે. તેઓ પણ ઈશ્વરપ્રાપ્તિ કરે છે. પરંતુ તેઓનો પથ અત્યંત દુષ્કર છે. જેમ કે શ્રીકૃષ્ણ કહે છે,
‘જેઓ હંમેશાં મારામાં મન લગાવીને મારા પરાયણ થઈ પરમશ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે, તેમને હું શ્રેષ્ઠ ગણું છું.’ (ગીતા, ૧૨.૨)
‘અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત ચોંટાડનારાઓને કષ્ટ વધારે પડે છે. કારણ કે દેહધારીઓને અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મળી શકે છે.’ (ગીતા, ૧૨.૫)
પરંતુ જ્ઞાતિ–વિચારનું શું? આપણો સમાજ વંશાનુગત ધોરણે અગણિત જ્ઞાતિ અને ઉપજ્ઞાતિઓમાં વહેંચાયેલો છે. એને શ્રીકૃષ્ણનું સમર્થન છે.
ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો સર્જ્યા છે.’
ખરેખર આ ચાર વર્ણો ગીતામાં દર્શાવેલા ત્રણ ગુણોની વિભાવના પર આધારિત છે. જે વ્યક્તિમાં સત્ત્વ–ગુણની પ્રધાનતા છે અને જેઓ પોતાનાં મન–ઇન્દ્રિયોને સંયમમાં લાવી શકે છે, તેઓ બ્રાહ્મણો છે. જેમનું મનોવલણ રાજસિક તથા અલ્પમાત્રામાં સાત્ત્વિક છે, જેઓ ઘણું કરીને સાહસિક છે અને યુદ્ધ લડવા સમર્થ છે, તેઓ ક્ષત્રિયો કહેવાય છે. જેમનામાં રાજસિક વૃત્તિની સાથે તામસભાવ જોડાયેલો છે, જેઓ કૃષિ તેમજ વાણિજ્ય–વેપાર કરવા સક્ષમ છે, તેઓ વૈશ્ય કહેવાય છે. જેમનામાં તામસિકતા (પ્રમાદ) અત્યધિક છે અને અલ્પમાત્રામાં રાજસભાવ છે, તેઓ બીજાની સેવા–શુશ્રૂષા કે સહાયતા કરી શકે છે. તેઓ શુદ્ર કહેવાય છે. એવું પણ જોવા મળે છે કે એક જ પરિવારના સભ્યોમાં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ ઇત્યાદિ વર્ણનું વિભિન્ન મનોવલણ હોય છે. આમ જ્ઞાતિએ વંશાનુગત મુદ્દો નથી. પણ મનોવલણ આધારિત વિભાજન છે. હિંદુ સમાજમાં જોવા મળતી અનેકાનેક ઉપજ્ઞાતિઓ ગીતાની ઉપર્યુક્ત વિચારધારાથી વિપરીત છે. આવી ઉપજ્ઞાતિઓનો આધાર છે માત્ર તેમની વિવિધ વ્યાપારી પ્રવૃત્તિઓ જેવી કે વણાટકામ, સુથારીકામ વગેરે. ગીતા એમ પણ કહે છે કે પ્રત્યેક જીવ ઈશ્વરનો અંશ છે. આમ પ્રવૃત્તિના આધારે બાહ્ય ભેદભાવની અંતર્ગત આધ્યાત્મિકતા સૌમાં અનુસ્યૂત અને ઓતપ્રોત છે.
અંતે એક સર્વત્ર પ્રચલિત પ્રશ્ન: આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો જન્મથી જ સદ્ગુણ સંપન્ન હોય છે. (જ્યારે કેટલાક લોકો અશુભ સંસ્કાર સંપન્ન હોય છે.) ગીતા આ સંબંધમાં શું કહે છે? શ્રીકૃષ્ણ સમજૂતી આપતાં કહે છે, ‘લોકો બે પ્રકારના છે, દૈવી સંપત્તિવાળા અને આસુરી સંપત્તિવાળા.’
દૈવી સંપત્તિવાળા લોકો નિર્ભય, અંતઃકરણથી શુદ્ધ, પરોપકારી, આત્મસંયમી, ત્યાગી, તપસ્વી, સરળ, પ્રેમાળ, સત્યનિષ્ઠ, પ્રશાંત, ધીર, સુહદ, દયાળુ, અપરિગ્રહી, વિનમ્ર, ઉમદા, પ્રચંડ ઇચ્છાશક્તિયુક્ત, સહિષ્ણુ, ક્ષમાવાળા, અને પ્રામાણિક હોય છે. કાળક્રમે આવા લોકો પરમ મુક્તિ પામે છે.
આસુરી વૃત્તિવાળા લોકો હઠીલા, દુરાગ્રહી, ઉદ્દંડ, સ્વાર્થી, ક્રોધી, ઉદ્ધત અને અજ્ઞાની હોય છે. તેવા લોકો નરકના ત્રિક્ષર એવા કામ, ક્રોધ અને લોભને વશ થઈ જન્મ–જન્માંતર પર્યંત પતિત થતા જાય છે. આવા આસુરી સંપત્તિવાળા લોકોને ઇહલોકનું સુખ પ્રાપ્ત થતું નથી. તેઓ જીવનનું પરમ લક્ષ્ય પણ પામી શકતા નથી. તેઓ આ પ્રકારે શિક્ષા ભોગવી રહ્યા છે.
તેથી ગીતા આપણને સાધુ-સંતો અને શાસ્ત્રની આજ્ઞાનું સર્વદા અનુસરણ કરવાનો અનુરોધ કરે છે. ભૌતિકવાદી દૃષ્ટિબિંદુ ધરાવતો આધુનિક મનુષ્ય વિચારે છે કે આપણા સાધુ-સંતો અને શાસ્ત્રોએ ફરજરૂપે નિર્દિષ્ટ કરેલાં પૂજા (યજ્ઞ), દાન કે તપની કોઈ આવશ્યકતા નથી. પરંતુ ગીતા કહે છે કે પૂજા, દાન અને તપ આપણા મનને વિશુદ્ધ કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે સક્ષમ બનાવવા આવશ્યક છે. આ બધું ઈશ્વરની પૂજા-ઉપાસનાની ભાવના સાથે કરવું જોઈએ. ગીતાના મત મુજબ,
स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर:।
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु॥१८.४५॥
‘પોતપોતાનાં સ્વાભાવિક કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉચ્ચતમ સિદ્ધિ પામે છે. સ્વકર્મરત મનુષ્ય જે રીતે સિદ્ધિ પામે છે, તે તું હવે સાંભળ.’ ગીતાનો સાધારણ મનુષ્યને આત્યંતિક સંદેશ છે –
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय:।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्॥१८.५६॥
‘એવો મારામાં લગનીવાળો મનુષ્ય દરરોજ સર્વ કર્મો કરતો હોવા છતાં મારી પ્રસન્નતાથી અક્ષય અને શાશ્વત પદને પ્રાપ્ત કરે છે.’
ઉપસંહાર
ભગવદ્ ગીતા સાધારણ મનુષ્યને સ્પર્શતા જીવ, જગત, જગદીશ્વર, બંધનનું કારણ અને મુક્તિના ઉપાય જેવા મોટા ભાગના પ્રશ્નોનો ઉત્તર આપે છે. અંતે તે નિશ્ચયાત્મકપણે જણાવે છે કે આધ્યાત્મિક જીવનનું સારતત્ત્વ આત્માનુભૂતિ અને જગત્-સ્રષ્ટા સાથેના આપણા શાશ્વત પ્રેમ-સંબંધને પિછાણવામાં છે. અથવા જેમ કે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે: ‘પહેલાં ઈશ્વર, પછી જગત.’ તેઓ કહેતા કે એકડા પાછળ શૂન્યની સંખ્યા વધારતા જતાં તે અંકનું મૂલ્ય વધતું જાય છે પરંતુ જો એકડાના સ્થાનને દૂર કરી દેવામાં આવે તો ગમે તેટલાં શૂન્યનું કંઈ જ મૂલ્ય નથી. બાઇબલમાં પણ કહેવાયું છે કે પહેલાં સ્વર્ગને શોધો, પછી તમને બધુંય આવી મળશે.
વર્તમાન ભૌતિકવાદી અને માહિતીપ્રધાન યુગમાં સાધારણ મનુષ્યને ગીતાના સંદેશમાંથી શ્રેષ્ઠ માર્ગદર્શન સાંપડે છે.
Your Content Goes Here




