સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ વખતે મળેલ ભક્તસંમેલનમાં તા. ૭-૫-૯૫ના રોજ ભક્તો તરફથી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો તેમણે સુંદર રીતે આપ્યા હતા. તેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.
પ્રશ્ન : આપે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાથી આપની નિષ્ફળતા સફળતામાં બદલાઈ ગઈ. એ પુસ્તકો ક્યાં હતાં?
જવાબ : સ્વામી વિવેકાનંદના અંગ્રેજી સાહિત્યના પ્રથમખંડમાં પ્રકાશિત થયેલ ‘કર્મયોગ’ તથા ‘રાજયોગ’. પરંતુ આપને સ્વામી વિવેકાનંદનાં અન્ય કોઈ પુસ્તકો પણ પ્રેરણા આપી શકે.
પ્રશ્ન : પોતાના કામના સમય દરમ્યાન એક વિદ્યાર્થી તથા એક ડૉક્ટર ભગવાનનો અનુભવ ક્યાં પ્રકારે કરી શકે?
જવાબ : વિદ્યાર્થીએ એમ સમજવું જોઈએ કે એ જે શિક્ષણ લઈ રહ્યો છે એ ઈશ્વરની આરાધના કરવા માટે જ લઈ રહ્યો છે. એટલે પૂરી નિષ્ઠાથી એ કાર્ય કરે. પોતાના શિક્ષકોને નારાયણ સ્વરૂપ માને. વિદ્યાર્થી જીવન ચરિત્ર-નિર્માણ કરવાનો સમય છે. ચરિત્ર નિર્માણને સર્વશ્રેષ્ઠ ઉપાસના માને. ડૉક્ટર પોતાના દર્દીને સ્વયં નારાયણ માને. જેમ મૂર્તિની આરાધના ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ચંદન વગેરેથી થાય છે, તેવી જ રીતે રોગીની આરાધના ટીકડી, મિક્ષ્ચર, ઇંજેક્શન, પથ્ય, ઘાનું ડ્રેસિંગ, ઑપરેશન વગેરે દ્વારા થાય છે. ‘इहागच्छ’ ‘અહીં આવો’ ‘इहतिष्ठ’ ‘અહીં ઊભા રહો’ વગેરે મંત્રોને બદલે, ‘ભાઈ, ગભરાઓ નહિ, તમે સાજા થઈ જશો’ વગેરે. આ રોગીનારાયણની પૂજાના મંત્રો છે. આવી રીતે ડૉક્ટર પોતાના કાર્યને આરાધનામાં પરિણત કરી શકે છે.
પ્રશ્ન : આપના પ્રવચનમાં મેં સાંભળ્યું કે સર્વમાં ઈશ્વરનાં દર્શન કરવાં જોઈએ. પરંતુ જો કોઈની સાથે દુશ્મનાવટ હોય તો એમાં એની દુષ્ટતા જ નજરમાં આવે છે. આવે વખતે શું કરવું જોઈએ?
જવાબ : દુષ્ટતા જોવાને બદલે એની અંદર વિદ્યમાન ઈશ્વરને જોવાનો વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. પહેલાં તો એકાંતમાં બેસીને વિચાર કરવો જોઈએ કે એનામાં ભગવાન છે. અને પછી એને એ જ પ્રમાણે વ્યવહારમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે કદાચ તેને દુષ્ટ સમજો છો પણ સંભવ છે કે એ દુષ્ટ ન પણ હોય. જો એનામાં તમે ભગવાનને જોવાનો પ્રયત્ન કરશો તો એની અસર એના ઉપર પણ પડશે. અને તમારી સાથેના એના સંબંધમાં સુધારો થવાની સંભાવના રહેશે.
ગાઝીપુરના એક સંત પવહારી બાબાના ઘરમાં એક રાત્રે ચોર ઘૂસ્યો. પવહારી બાબાની ઊંઘ ઊડી ગઈ અને એ નાઠો. ચોરીનો સામાન લઈને પવહારી બાબા એની પાછળ પાછળ દોડ્યા અને આખરે એને પકડી પાડ્યો. ચોર તો બીકનો માર્યો થરથર કાંપતો હતો. પરંતુ પવહારી બાબાએ એની સામે હાથ જોડી પ્રાર્થના કરતાં કહ્યું, ‘પ્રભુ, આપ મારે ઘેર પધાર્યા હતા, મારી ઊંઘ ઊડી જવાને લીધે આપના કાર્યમાં વિક્ષેપ પડ્યો. કૃપા કરી ક્ષમા કરો. આ આપનો સામાન લઈ લો.’ પવહારી બાબાના આ પ્રકારના વ્યવહારને લીધે ચોર એનો શિષ્ય બની ગયો અને આગળ જતાં એક સારો સાધુ બની ગયો.
પ્રશ્ન : વેપારમાં જો કોઈ અમારી સાથે વિશ્વાસઘાત કરે તો અમારે ક્યાં પગલાં ભરવાં જોઈએ?
જવાબ : એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એને સજા કરાવવી જોઈએ. આપણે સજ્જન બનવું જોઈએ, પરંતુ આપણું પોતાનું રક્ષણ પણ કરવું જોઈએ અને એ માટે ચતુર પણ બનવું જોઈએ, જેથી કોઈ આપણી સામે વિશ્વાસઘાત ન કરી જાય. બીજા કોઈને દુઃખ ન પહોંચાડો, નુકસાન ન કરો, પરંતુ આપણા રક્ષણ માટે આપણે બીજાને થોડી બીક પણ બતાવવી પડે છે. શઠનારાયણની ઉપાસનાની આ જ રીત છે.
પ્રશ્ન : કાર ચલાવતી વખતે અમે ધ્યાન કેવી રીતે કરી શકીએ?
જવાબ : મહેરબાની કરી કાર ચલાવતી વખતે ધ્યાન ન કરશો, નહિ તો તમે અકસ્માત કરી બેસશો. મેં મારા પ્રવચનમાં ભગવાનના સાંનિધ્યની વાત કરેલી. તમારી કારના સ્ટિયરિંગ ઉપર કે એની પાસે ભગવાનનું ચિત્ર રાખીને અને વચમાં એકાદ ક્ષણ એની તરફ નજર નાખીને, તમે આ કાર્ય (ઉપાસનાનું કાર્ય) કરી શકો છો. કાર ચલાવતી વખતે સંપૂર્ણ એકાગ્રતા રાખીને જ ચલાવો અને છેવટે એ કાર્ય ભગવાનને સમર્પણ કરી દો.
પ્રશ્ન : ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હોય છતાં પણ આપણું મન સંસારનું ચિંતન વધારે કરે છે. પરિણામ એ આવે છે કે સ્કૂટર ચાલતું હોય અને મન કાંઈક બીજી જ બાબતનું ચિંતન કરતું હોય છે, આથી અકસ્માત થવાની શક્યતા રહે છે. કૃપા કરીને આ માટે કોઈ ઉપાય સૂચવશો?
જવાબ : દરરોજ સવારના પહોરમાં નિયમિત રીતે એક આસન ઉપર બેસીને ધ્યાન અને જપ કરવાની ટેવ પાડવા માંડો, ધીમે ધીમે તમારું મન પહેલાં કરતાં વધારે શાંત અને સજાગ થવા માંડશે. ચંચળતા તો મનનો સ્વભાવ જ છે. એને કાબૂમાં લાવવું હોય તો સમય માગી લે છે. સ્કૂટર ચલાવો અથવા જે કોઈ પણ કાર્ય કરો તે પૂરા મનથી કરો. એ પણ એક સાધના જ છે.
પ્રશ્ન : હું ભગવાન રામકૃષ્ણ અને બીજા બધાને અદ્ભુત ભાવથી જોવાની ઈચ્છા રાખું છું તો એ માટે આપ કોઈ ઉપાય બતાવશો?
જવાબ : બધાંમાં અદ્વૈતનો સાક્ષાત્કાર કરવો અને સર્વમાં પરમાત્માનાં દર્શન કરવાં એ સાધનાની ચરમ અવસ્થા છે. તમારી પોતાની અંદર પરમાત્માને જોવાનો પ્રયત્ન કરો. તમે પોતે શરીર અને મનની અથડામણને સમજતા રહેશો તો તમે બીજા કોઈને પોતાના આત્મારૂપે જોઈ નહિ શકો. આથી પહેલાં તો તમારે પોતાને શરીર અને મનથી ભિન્ન એક આત્માના સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બીજા કોઈને જ્યારે પણ જુઓ ત્યારે વિચાર કરો કે એની અંદર ૫રમાત્મા હાજરાહજૂર છે.
પ્રશ્ન : શિવજી તો દેવાધિદેવ છે તો એ કોનું ધ્યાન કરે છે?
જવાબ : એક વાર અર્જુન રાત્રિના સમયમાં શ્રીકૃષ્ણની પાસે ગયા, તો જોયું કે એ તો ધ્યાન કરતા હતા. જ્યારે શ્રીકૃષ્ણ ધ્યાનમાંથી જાગ્રત થયા ત્યારે અર્જુને પૂછ્યું કે પ્રભુ આપ તો સ્વયં ઈશ્વર છો. આપનું ધ્યાન તો સહુ કોઈ કરે; તો પછી આપ કોનું ધ્યાન કરો છો? શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે ‘હું મારા સ્વરૂપનું ધ્યાન કરું છું. આ જ પ્રમાણે ભગવાન શંકર પણ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરે છે. આપણે સૌએ આપણા સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. બીજો એક મત એવો છે કે શંકર ભગવાન શ્રીરામનું ધ્યાન કરે છે, જે એમના ઈષ્ટદેવ છે.
પ્રશ્ન : આપણા શરીરમાં સાત ચક્રો છે. તેને કેવી રીતે ભેદી શકાય?
જવાબ : એકાગ્ર મનથી ભગવાનના નામનો જપ કરવો એ આ માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
પ્રશ્ન : ધ્યાનનો આરંભ કેવી રીતે કરવો જોઈએ? ધ્યાન કરવામાં પ્રાણાયામ કરવાનું પણ જરૂરી છે?
જવાબ : જે કોઈ અવતારી મહાપુરુષ અથવા દેવી અથવા દેવતામાં આપની શ્રદ્ધા હોય તેમના રૂપનું ધ્યાન કરવાથી શરૂઆત કરો. એક આસન ઉપર સુખાસનમાં પલાંઠી મારીને સ્થિર બેસો અને એ દેવી અથવા દેવતાનું ચિત્ર સામે રાખો. પહેલાં આંખો ખુલ્લી રાખીને એ ચિત્રને એકીટસે જોયા કરો અને ત્યાર બાદ આંખો બંધ કરીને એનું જ ધ્યાન કર્યા કરો. જો મન આમ તેમ ભાગવા માંડે તો એને વારંવાર એ સ્વરૂપ ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાણાયામ મદદરૂપ થઈ શકે છે. પરંતુ કોઈના માર્ગદર્શન સિવાય એ કરવામાં ભય રહેલો છે. એને બદલે નાડીને શુદ્ધ કરો. એટલે કે એક નસકોરાંથી ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચવો અને બીજા નસકોરાંથી ધીમે ધીમે એટલી જ વાર સુધીમાં શ્વાસ બહાર કાઢવો. આવું આઠથી દસ વખત કરો. પરંતુ કદાપિ શ્વાસને રોકવો નહિ.
પ્રશ્ન : જપ કરીએ ત્યારે ઈશ્વરના દર્શન માટે વ્યાકુળતા ન થાય તો શું કરવું જોઈએ?
જવાબ : ભગવાનને જ પ્રાર્થના કરો કે તમને વ્યાકુળ બનાવે. સંસારના અને સાંસારિક જીવનના દોષોના દર્શનથી પણ વૈરાગ્ય આવે છે અને વ્યાકુળતા વધે છે.
પ્રશ્ન : ઈશ્વર સાકાર છે અને નિરાકાર પણ છે, તો પછી ઈષ્ટદેવનો સાક્ષાત્કાર શંકા સાથે થાય એ શું સંભવ છે? એને આભાસ અથવા તો દૃષ્ટિભ્રમ ના કહેવાય?
જવાબ : હા, ઈશ્વર સાકાર સ્વરૂપમાં દર્શન દે છે. પરંતુ ઈશ્વરના સાકાર સ્વરૂપનું દર્શન માણસના જેવું નથી હોતું અને એ આ સામાન્ય આંખોથી જોઈ પણ શકાતા. નથી. એ તો દિવ્યચક્ષુથી જ જોઈ શકાય છે. આવાં દિવ્યચક્ષુની પ્રાપ્તિ તો લાંબા સમયની કઠોર સાધના દ્વારા અથવા તો ભગવત્કૃપા દ્વારા જ થઈ શકે. અને બીજી વાત એ કે જો ખરેખર ભગવાનનું દર્શન, પછી તે સાકાર સ્વરૂપમાં કે નિરાકાર સ્વરૂપમાં, થાય તો તેમાં માત્ર ઈષ્ટદેવ પરમાત્માના ચૈતન્ય, જીવંત આનંદમય અને જ્યોતિર્મય સ્વરૂપનાં જ દર્શન થાય છે. સ્વરૂપની અનુભૂતિ કરતાં આનંદ અને ચૈતન્યની અનુભૂતિ વધારે ઊંડી હોય છે. શ્રીરામકૃષ્ણે જ્યારે પહેલ વહેલાં શ્રી જગદંબા માનાં દર્શન કર્યાં ત્યારે તેઓ આનંદસાગરમાં ડૂબી ગયા હતા. ત્રીજી વાત એ છે કે જ્યારે ખરેખર દર્શન થાય છે ત્યારે વ્યક્તિના જીવનનું સમૂળું પરિવર્તન થઈ જાય છે અને એ સંત અથવા ઋષિ બની જાય છે. આ બધું માત્ર આભાસ કે દૃષ્ટિભ્રમમાં કદાપિ શક્ય જ નથી.
પ્રશ્ન : જો કોઈ મૂર્તિ કોઈ વખત અમારી સાથે વાત કરે તો એવી મૂર્તિ વિષે આપનો શો અભિપ્રાય છે? કેટલાક લોકો તો મૂર્તિને પણ પથ્થર માને છે.
જવાબ : મૂર્તિ તો પરમાત્માનું પ્રતીક છે અને એ પરમાત્માના સાધક અથવા પૂજકને સ્મરણ કરાવે છે. જેમ જેમ ધીમે ધીમે સાધક પ્રગતિ કરતો જાય છે તેમ તેમ સાધક પોતાના ઈષ્ટદેવના પ્રકાશનો વધારે ને વધારે અનુભવ કરતો જાય છે. ખરેખર તો સાધક પોતાની અંદર રહેલા ચૈતન્ય આત્માના પ્રકાશને જ મૂર્તિમાં જોતો હોય છે અને એની સાથે વાતો કરતો હોય છે. પરંતુ આ પ્રકારનું વાસ્તવિક દર્શન અને વાતચીત એવા ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાનાં હોય છે કે એને ‘વાતચીત’ કહી શકાય નહિ. જેનું ચરિત્ર ઊંચા પ્રકારનું ન હોય એવી કોઈ સામાન્ય કક્ષાની વ્યક્તિ જો મૂર્તિની સાથે વાત કરતી હોય તો સંભવ છે કે એ મતિભ્રમ અથવા આભાસ જ છે.
પ્રશ્ન : જ્યારે હું સુંદર ભજન સાંભળું છું અથવા તો ભગવાનની કોઈ સુંદર મૂર્તિ જોઉં છું તો મારી આંખોમાં આંસુ આવવા લાગે છે. આ અનુભૂતિ વિષે આપનું શું કહેવું છે?
જવાબ : તમે બહુજ ભાવુક પ્રકૃતિના છો. આ પ્રકારની બાબતોને વધારે મહત્ત્વ આપવું જોઈએ નહિ. આધ્યાત્મિક જીવનમાં ભાવ અને દર્શન વગેરે કરતાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમનું વધારે મહત્ત્વ છે. આંખોમાં આંસુ આવે ત્યારે તેને પ્રકટ ન કરો, બહાર આવવા ન દો, પરંતુ અંદર પાછાં જવાં દો જેથી હૃદય ધોવાઈને સાફ થઈ જાય.
પ્રશ્ન : જે મા કાલીની પૂજા શ્રીરામકૃષ્ણે કરી હતી એની મૂર્તિ રામકૃષ્ણ મિશનનાં મંદિરોમાં કેમ નથી મૂકવામાં આવતી?
જવાબ : શ્રીરામકૃષ્ણના ઉપાસકો એમને સર્વદેવદેવી સ્વરૂપ માને છે. એટલે શ્રીરામકૃષ્ણ અને મા કાલીમાં કોઈ ભેદ નથી. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ વખતે શ્રી શ્રી મા શારદાદેવીએ રડતાં રડતાં કહ્યું હતું કે, ‘હે કાલી! તું મને છોડીને ક્યાં ચાલી ગઈ!’ આ વાત પણ એની સાક્ષી પૂરે છે કે શ્રીરામકૃષ્ણ અને મા કાલીમાં કોઈ અંતર નથી.
પ્રશ્ન : કેટલાક લોકો કેમ સાંકડા મનના હોય છે?
જવાબ : ભગવાને બધા પ્રકારના લોકો બનાવ્યા છે. જાનવરોમાં સાપ, વિંછી, વાઘ જેવા હિંસક પ્રાણી અને ગાય, બકરી વગેરે નમ્ર પ્રાણીઓ પણ છે. એવી જ રીતે માનવીઓમાં પણ અનેક પ્રકારો હોય છે. પરંતુ તમે શા માટે બીજાના ગુણદોષ તરફ દૃષ્ટિ રાખો છો? તમે પોતે સ્વયં કેવા છો એ જોવાનો પ્રયત્ન કરો. જો તમે પોતે જ સાંકડા મનના અથવા સ્વાર્થી હો તો તમે પોતે પહેલાં નિઃસ્વાર્થી અને ઉદાર બનવાનો પ્રયત્ન કરો. બીજા કેવા છે એની ચિંતામાં તમે નકામો સમય ગુમાવો નહિ.
પ્રશ્ન : ધ્યાન કરીએ ત્યારે મનમાં જે ખરાબ વિચારો આવે છે તેને શી રીતે દૂર કરી શકાય?
જવાબ : ધ્યાનની શરૂઆતની અવસ્થામાં ધ્યાનને પરિણામે આપણું અચેતન મન જાગ્રત થઈ જાય છે અને એને લીધે એમાં સંચિત થયેલા ખરાબ વિચારો ચેતન મનમાં આવવા માંડે છે અને ધ્યાન કરીએ તે વખતે પ્રગટ થવા માંડે છે. આવી પરિસ્થિતિમાં ધ્યાન કરતાં પહેલાં થોડા સમય સુધી તમારા મનને નિષ્પક્ષ સાક્ષીના રૂપમાં જોતા રહો; એને હટાવવાનો કે રોકવાનો પ્રયત્ન કરશો નહિ. ધીમે ધીમે મન એની મેળે શાંત થઈ જશે.
પ્રશ્ન : આજકાલ એવું જોવામાં આવે છે કે જૂઠું બોલે છે એ માણસ જ સમાજમાં ટકી શકે છે. એ એનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે. આ બાબતમાં શું ઉપાય કરવો જોઈએ?
જવાબ : માત્ર આજકાલ જ નહિ પરંતુ આવી પરિસ્થિતિ તો હંમેશાંની છે. મહાભારતના સમયમાં પણ ધર્મ-માર્ગ પર ચાલનારા પાંડવોને કેટલાં કષ્ટો સહન કરવાં પડ્યાં? તાત્પર્ય એ છે કે સત્યનો માર્ગ હંમેશાં મુશ્કેલીઓથી જ ભરેલો હોય છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો સત્યનો માર્ગ ‘ફૂલોની પથારી’ હોત તો તો બધા જ એનું પાલન કરી શકત. આપણે હંમેશાં સત્યને જ પકડી રાખવું જોઈએ પછી ભલે પ્રલય થઈ જાય, ભલે મૃત્યુ આવે. આપણે સર્વ પ્રથમ તો આપણા જીવનનો હેતુ અને લક્ષ્ય નિર્ધારિત કરી લેવાં જોઈએ. અને એ લક્ષ્ય હોવું જોઈએ ધર્મ અને સત્ય. અને એને માટે સદાસર્વદા ત્યાગ કરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ.
પ્રશ્ન : શારદામઠમાં બહેનોએ જોડાવું હોય તો એ માટે શી લાયકાતો જરૂરી છે?
જવાબ : શારદામઠ મહિલા સંન્યાસિનીઓની સંસ્થા છે અને શ્રીરામકૃષ્ણ મિશનના આદર્શો અનુસાર કામ કરે છે. એમાં જોડાવા માટે ત્યાગ અને સેવાને જીવનના આદર્શ તરીકે સ્વીકાર કરવો જરૂરી છે. આ જીવન તો સંન્યાસનું જીવન છે, એટલે સંસાર તરફ તીવ્ર વૈરાગ્ય હોવો જરૂરી છે, કારણ કે એ સિવાય આ કઠણ માર્ગ ઉપર વધારે સમય ટકી રહેવું શક્ય નથી.
પ્રશ્ન : ઈર્ષ્યાનો ત્યાગ એ આધ્યાત્મિક શિક્ષણનું અંગ છે, પરંતુ ભક્તોમાંજ ઈર્ષ્યાવૃત્તિ જોવામાં આવે છે. આમ કેમ? આ ઈર્ષ્યાની ભાવનાને દૂર કરવાનો ઉપાય બતાવશો?
જવાબ : આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં સાધક કેટલેક અંશે વધારે સ્વાર્થી બની જાય છે, કારણ કે એ પોતે પોતાની જ આધ્યાત્મિક પ્રગતિનો વિચાર કરવા માંડે છે. આવી પરિસ્થિતિમાં ઈર્ષ્યા વધી જાય છે. ભક્તોમાં અને સાધકોમાં આ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે એનું પણ આ જ કારણ છે. પરતું બધા જ ભક્તો અને સાધકોએ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ બાબત એક બાધારૂપ છે.
ઈર્ષ્યાથી અહંકાર છે. એટલે એને દૂર કરવાનો સર્વ પ્રથમ ઉપાય એ છે કે એ ખરાબ વસ્તુ છે એ બાબતને પહેલાં સ્વીકારી લેવી જોઈએ. બીજું, સુખી માણસ પ્રત્યે મુદિતા, દુ:ખી માણસ પ્રત્યે કરુણા, પુણ્યાત્મા પ્રત્યે મુદિતા અને પ્રસન્નતા અને પાપી પ્રત્યે ઉપેક્ષા, આ ચાર ભાવનાઓનું આપણા જીવનમાં આચરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ માણસ એના જીવનમાં પ્રગતિ કરે અથવા તો એ કોઈ શુભ કાર્ય કરે તો એના પ્રત્યે મૈત્રીભાવ વિકસાવવાનો પ્રયત્ન કરો અને પ્રસન્ન થાઓ.
પ્રશ્ન : શું આહારશુદ્ધિ આવશ્યક છે?
જવાબ : આહારમાં જાતિ, નિમિત્ત અને આશ્રય એમ ત્રણ પ્રકારના દોષ હોય છે. જેટલો બની શકે એટલો શુદ્ધ આહાર લેવો એ ઉત્તમ માર્ગ છે, પરંતુ એ માટે વધારે પડતા સંવેદનશીલ બની જવું ઠીક નથી. આહારનો એક અર્થ થાય છે બધી જ ઈન્દ્રિયો દ્વારા મેળવાતું જ્ઞાન. એટલે માત્ર ખોરાક જ નિહ પરંતુ આંખો, કાન વગેરે દ્વારા જે સંવેદનો પેદા થાય એને પણ આહાર-શુદ્ધિનો જ એક અંશ ગણવામાં આવે છે.
માંસાહારનો પ્રશ્ન છે ત્યાં એ બાબત વ્યક્તિની પ્રકૃતિ પર આધાર રાખે છે. જે લોકો બાળપણથી જ માછલી, માંસ વગેરે ખાતા હોય છે, એમને માટે એ જ ખોરાક શારીરિક અને માનસિક બંને દૃષ્ટિએ સ્વાભાવિક છે. પરંતુ એ વાત પણ એટલી જ સત્ય છે કે ઉચ્ચતર આધ્યાત્મિક જીવન માટે સાત્ત્વિક આહાર જ કલ્યાણકારી છે.
પ્રશ્ન : શું તમે એમ માનો છો કે નોકરી અથવા ધંધો કરીને જ સ્ત્રી પુરુષની બરાબરી કરી શકે છે? શું આવી બરાબરી આવશ્યક છે ખરી?
જવાબ : આ પ્રકારની બરાબરી કરવી કદાપિ જરૂરી નથી. માનવજીવનને સુખમય અને સંતુલિત બનાવવા માટે સ્ત્રીની પોતાની આગવી ભૂમિકા છે અને એ જ પ્રકારે પુરુષની પણ છે. કોમળતા, સ્નેહ, સહનશક્તિ, માતૃત્વ વગેરે ગુણો દ્વારા સ્ત્રી પુરુષની સહભાગિની, સહધર્મચારિણી બનીને પરિવાર અને સમાજને સુખમય બનાવી શકે છે.
પ્રશ્ન : યુવકો અને યુવતીઓના જીવનમાં ‘કામ’ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, પરંતુ આપે આપના ભાષણમાં એનો ઉલ્લેખ સરખોય કેમ ના કર્યો?
જવાબ : હા, જીવનમાં ‘કામ’નું પ્રાધાન્ય રહેલું છે. યુવાનીમાં વ્યક્તિને એ ખૂબ પ્રભાવિત કરે છે, એ વાતનો તો પૂર્વના અને પશ્ચિમના એમ બધાય મનીષીઓ સ્વીકાર કરે છે. પાશ્ચાત્ય મનોવિજ્ઞાની ફ્રૉયડે તો એને માનવજીવનનું સંચાલન કરનારા અંશોમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. એમના અભિપ્રાયનો સ્વીકાર ન કરો તો પણ ‘કામ’ના પ્રભાવને નકારી શકાય નહિ. ભારતમાં તો ‘કામ’ને ચાર પુરુષાર્થ પૈકીનો એક ગણવામાં આવ્યો છે. ‘કામ’ની સમસ્યાનું સમાધાન, મોટા ભાગના લોકોના જીવનમાં, માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તેની સાથે જ થઈ જાય છે. સમાજની વ્યવસ્થા, પરંપરા અને ગૃહસ્થ જીવનમા સુખ-શાંતિ અને ગૌરવ ટકી રહે માટે ભારતીય સમાજમાં લગ્નેતર સંબંધોનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આથી ‘કામ’ની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે વ્યક્તિ પતિ-પત્નીના સંબંધો સિવાય અન્ય સંબંધો રાખવા ચાહતી હોય અથવા તો ‘કામ’ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચારીનું જીવન ગાળવા ઈચ્છા રાખે. આ બંને પ્રકારના લોકો બહુ થોડા હોય છે. આથી જાહેર જનતા સમક્ષ ‘કામ’ના વિષયની ચર્ચા કરવી આવશ્યક નથી રહેતી. જો કોઈ વ્યક્તિગત સમસ્યા હોય તો તેની અલગ ચર્ચા જરૂર થઈ શકે છે.
પ્રશ્ન : બ્રહ્મચર્ય માટેના કોઈ આસન, પ્રાણાયામ, આહાર વગેરે અંગેના નિયમો, દવા વગેરે બતાવશો?
જવાબ : બ્રહ્મચર્યમાં ત્રણ સ્તર છે (૧) આધ્યાત્મિક અર્થાત્ બ્રહ્મમાં એકનિષ્ઠ રહેવું એટલે કે બ્રહ્મનું નિરંતર ચિંતન કરવું (૨) માનસિક અર્થાત્ મનમાં ‘કામ’ અંગેના વિચારોને આવવા દેવા નહિ અને મનને સદ્ચિંતન અને સત્કાર્યોમાં લગાવી રાખવું (૩) ભૌતિક-મૈથુનનો સદંતર ત્યાગ કરવો અને વીર્યનો નાશ થતો અટકાવવો. આમાં પ્રથમ સ્તર લક્ષ્ય અથવા આદર્શ છે. બીજો અને ત્રીજો, એ ઉપાયો છે. એમાં પણ માનસિક બ્રહ્મચર્ય ભૌતિક કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી યોગાનંદ એક યોગી પાસેથી બ્રહ્મચર્ય માટે કેટલાંક આસનો વગેરે શીખવા ઈચ્છતા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણે એમને એમ કરવાની મનાઈ કરી અને એકાગ્ર મનથી ભગવાનના નામનો જાપ કરવાનું કહ્યું. બ્રહ્મચર્ય માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
પ્રશ્ન : પતિ-પત્ની પૈકી કોઈ એક બ્રહ્મચર્યનું જીવનજીવવા માગતા હોય અને બીજા કામોપભોગને વધારે મહત્ત્વ આપતા હોય તો આવા સંજોગોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ?
જવાબ : આ એક જટિલ સમસ્યા છે. જેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય એવા સાધકે પોતાની તીવ્રતા, લક્ષ્યપ્રાપ્તિ માટેની વ્યાકુળતા અને પોતાની આધ્યાત્મિક શક્તિને વધારવી જોઈએ. પ્રભુને એવી પ્રાર્થના કરવી જોઈએ કે પરમાત્મા એમના જીવનસાથીની બુદ્ધિ અને શક્તિને ભોગમાંથી યોગની દિશામાં પરિવર્તિત કરી દે. એવાં અનેક દૃષ્ટાંતો છે, જેમાં એક પવિત્ર નારીના ચારિત્ર્યને લીધે પુરુષના જીવનનું પરિવર્તન થઈ ગયું હોય. સતી તોરલના પ્રભાવને કારણે કામી અને ક્રૂર જેસલ પણ પીર અને સંત બની ગયો. શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં એક દાના-કાલી નામના ભાઈ હતા, જે શરાબી અને વ્યભિચારી હતા. એની પત્નીને શ્રીશારદામાએ મંત્ર આપ્યો જેનો એણે પોતાના પતિના કલ્યાણ માટે બાર વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક જપ કર્યો. દાના-કાલીના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ શ્રીરામકૃષ્ણના એક કૃપાપાત્ર શિષ્ય બની ધન્ય થઈ ગયા.
પ્રશ્ન : અમને સ્કૂલમાં એમ શિખવાડવામાં આવે છે કે ભલા બનો, દયાળુ બનો. કૉલેજના વાતાવરણમાં અમને એમ શિખવાડવામાં આવે છે કે વ્યવહારુ (Practical) બનો. આવો ફેરફાર કેવી રીતે લાવી શકીએ? વ્યવહારકુશળ કેવી રીતે બની શકાય? વ્યવહારકુશળ બનવું એટલે શું?
જવાબ : એક દિવસે શ્રીરામકૃષ્ણે પોતાને માટે એક વાસણ ખરીદી લાવવા માટે એક શિષ્યને કહ્યું. શિષ્યે દુકાનદારને જઈને કહ્યું કે પરમહંસજી માટે એક સરસ વાસણ આપો. પરંતુ જ્યારે શિષ્ય એ વાસણ લઈને આવ્યો તો એ તૂટેલું નીકળ્યું. તે વખતે શ્રીરામકૃષ્ણે શિષ્યને ઠપકો આપતાં કહ્યું કે ભક્ત બની જવાનો એવો અર્થ નથી કે તમે મુર્ખ બની જાઓ. એક દિવસ શ્રીરામકૃષ્ણને એક જગ્યાએ ભોજન માટે નિમંત્રણ – મળ્યું. ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો ખૂબ અવ્યવસ્થા હતી. અને શ્રીરામકૃષ્ણને કોઈએ વિનંતી સરખી ના કરી. એથી ગુસ્સે થયેલા શ્રીરામકૃષ્ણના એક સેવક હતા. શ્રી રાખાલ મહારાજે એમને કહ્યું કે ચાલો, આપણે પાછા જઈએ. જવાબમાં શ્રીરામકૃષ્ણે એમને ઠંડા પાડ્યા અને કહ્યું કે ગુસ્સો કરવાથી કાંઈ વળશે નહિ. જો પાછા જઈશું તો આટલી મોડી રાત્રે દક્ષિણેશ્વરમાં આપણને કાંઈ ખાવાનું નહિ મળે અને પાછા ફરવા માટેનું ગાડી ભાડું ક્યાંથી લાવીશું? શ્રીરામકૃષ્ણ ત્યાં જ રોકાયા, ભોજન કર્યું અને કોઈ પણ હિસાબે ગાડીભાડું લઈને જ પાછા ગયા. આ બે દૃષ્ટાંતો શ્રીરામકૃષ્ણ જેવા મહાન સંતના વ્યવહારકુશળતાનાં છે. બની શકે એટલું બીજાનું ભલું કરો, કોઈને પણ દુઃખ ન પહોંચાડો, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દરેક પ્રકારે આપણે આપણું રક્ષણ કેવી રીતે કરવું એ પણ આપણે જાણવું જોઈએ.
ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ
Your Content Goes Here




