(લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. – સં.)
સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ?
જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી હોય. જ્યારે આપણે કશું જ કરી શકતા ન હોઈએ. જ્યારે આપણને આપણી ભૂલનો અહેસાસ થાય. જ્યારે આપણાથી પાપ થઈ ગયાં હોય અને તેનો જ્યારે આપણને પસ્તાવો થતો હોય. ભૂલ કર્યા પછી ભૂલ ન કરવાનો સંકલ્પ કરવા છતાં પણ ભૂલ થઈ જતી હોય, ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ.
પ્રશ્ન થાય છે કે આપણી પ્રાર્થના શું ભગવાન સાંભળે છે? આપણે જે માગીએ છીએ, ભગવાન તે શું આપણને આપે છે? આ પ્રશ્નોના ઉત્તર શોધવાનો આપણે પ્રયત્ન કરીશું.
નારદ મુનિ હિમાલયની ગુફામાં તપસ્યા કરતા હતા. પાસે સુંદર, પવિત્ર ગંગાજી વહેતાં હતાં. સુંદર રમણીય વન હતું. નારદજીને સમાધિ લાગી ગઈ. ઘણા દિવસ વીતી ગયા. નારદજી સમાધિમાં લીન છે. ઇન્દ્રને બીક લાગી કે નારદજી મારું સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા તપસ્યા કરે છે. ઇન્દ્રે કામદેવને મોકલ્યો. નારદજી જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં શીતલ, મંદ અને સુગંધી વાયુ વહેવા લાગ્યો. વીણાના મધુર સ્વરો સાથે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. કામદેવે ઘણા પ્રયત્નો કર્યા પણ નારદજીની સમાધિ ભંગ ન થઈ. કામદેવને નારદજીના શાપની બીક લાગી એટલે તે નારદજીના ચરણોમાં પડીને ક્ષમા માગવા લાગ્યો. નારદજીએ કશો ક્રોધ ન કર્યો. કામદેવ નારદ મુનિની પ્રશંસા કરવા લાગ્યો કે મેં આજ સુધી આપના જેવા મહાત્મા જોયા નથી, જેણે કામ અને ક્રોધ બંનેને જીતી લીધા છે. કામદેવ જતો રહ્યો. પરંતુ નારદજીના મનમાં અહંકાર આવી ગયો કે ‘મેં કામ અને ક્રોધ જીત્યા છે. શિવજીએ કામ જીત્યો હતો પરંતુ કામદેવ પર ક્રોધ કરીને તેને બાળીને ભસ્મ કર્યો હતો, એટલે ક્રોધને જીત્યો ન હતો. પરંતુ મેં તો કામદેવ પર ક્રોધ પણ ન કર્યો.’ શિવજીની પાસે જઈને પોતાનું ચરિત્ર સંભળાવ્યું. શિવજીએ કહ્યું કે આ વાત ભૂલથી પણ ભગવાન વિષ્ણુને ન કહેતા.
નારદજીએ શિવની શિખામણ માની નહીં. વૈકુંઠમાં જઈને શ્રીહરિ નારાયણને આ વાત કહી. ભગવાને કહ્યું, ‘મોહ તો એને થાય જેના હૃદયમાં જ્ઞાન-વૈરાગ્ય નથી. તમે તો બ્રહ્મચર્ય-રત યોગી છો. તમને કામદેવ શું કરી શકે?’
નારદજી કહે છે, ‘પ્રભુ! બધી આપની કૃપા છે.’ કહે છે, આપની કૃપા; પરંતુ મનમાં અહંકાર છે કે મેં કર્યું છે. શ્રીહરિ અંતર્યામી છે. સમજી ગયા કે નારદજીના મનમાં અહંકારનું બીજારોપણ થયું છે. જો આ બીજને અત્યારે જ ઉખાડીશ નહીં, તો મોટું વૃક્ષ થઈ જશે. પ્રભુએ માયાની રચના કરી. રસ્તામાં સુંદર નગરનું નિર્માણ કર્યું. એ નગરનો શીલનિધિ રાજા છે. તેને વિશ્વમોહિની નામની પરમ સુંદર કન્યા છે. નારદ મુનિએ નગરમાં પ્રવેશ કર્યો. શીલનિધિ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું, પૂજા કરી અને કહ્યું, ‘આ મારી કન્યા વિશ્વમોહિનીનો સ્વયંવર છે. તમે તો ત્રિકાળદર્શી છો. મારી કન્યાના દોષ-ગુણનો વિચાર કરો.’
નારદ મુનિએ જેવી વિશ્વમોહિનીને જોઈ, અહા…હા… કેટલું સુંદર રૂપ! બસ માયામાં ફસાઈ ગયા. વિચાર્યું કે બસ, આ કન્યા મને મળી જાય તો હું જ આની સાથે વિવાહ કરીશ. થોડા દોષ-ગુણ બતાવીને નીકળી ગયા. વિચારે છે આ કન્યા કેવી રીતે મળે? જપ-તપ એ સમયે થતાં નથી. વિચારે છે, મારું તો શ્રીહરિ સિવાય કોઈ નથી. નારદ મુનિ શ્રીહરિને વ્યાકુળ થઈને પ્રાર્થના કરે છે. શ્રીહરિ નારાયણ પ્રકટ થઈ જાય છે અને પૂછે છે, ‘નારદ મુનિ, શું જોઈએ છે?’ નારદ મુનિએ કહ્યું, ‘પ્રભુ! મારું હિત કરો. મને તમારું રૂપ આપો, જેથી મને આ કન્યા મળી જાય.’
તમારું રૂપ એટલે હરિનું રૂપ. (હરિનો એક અર્થ વાનર પણ થાય છે) ભગવાને કહ્યું કે ‘નારદજી, હું તમારું હિત નહીં પરંતુ પરમ હિત કરીશ. રોગી જ્યારે વૈદ્યની પાસે કુપથ્ય માગે ત્યારે વૈદ્ય રોગીને એ જ પથ્ય આપે છે જેનાથી રોગીનું કલ્યાણ થાય. હું પણ તેમ જ કરીશ.’ નારદજી પ્રભુનાં વ્યંગ-વચન સમજ્યા નહીં. ભગવાન નારદ મુનિને ભયંકર વાનરનું રૂપ આપે છે, જે ફક્ત રાજકુમારી વિશ્વમોહિની જ જોઈ શકે. બીજાને તો નારદમુનિ જ લાગે, પરંતુ દિવ્ય દૃષ્ટિવાળા શિવના ગણો તે જોઈ શક્યા. ભગવાન ભક્તનું વધારે અપમાન કરવા માગતા નથી. નારદ મુનિ સ્વયંવર સભામાં ગયા. રાજકુમારી ભયંકર વાનરને જોઈ ક્રોધિત થઈને બીજી બાજુ ચાલી ગઈ. ત્યાં સ્વયં વિષ્ણુ ભગવાન મનુષ્યનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. વિશ્વમોહિનીએ વરમાળા ભગવાન વિષ્ણુના ગળામાં પહેરાવી દીધી. શિવના ગણો બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નારદમુનિ પાસે જ બેઠા હતા. તેઓએ નારદમુનિને કહ્યું, ‘તમારા મુખનું પ્રતિબિંબ જોઈ આવો.’
નારદ મુનિએ જળમાં પોતાનું મુખ જોયું તો પ્રતિબિંબ જોઈને નારદજી ક્રોધિત થઈ ગયા. વળી જોયું તો તેમનું મુખ જેવું હતું તેવું જ થઈ ગયું. પરંતુ ક્રોધ જતો નથી. હોઠ ફફડવા લાગ્યા. વિચાર્યું કે વિષ્ણુએ મારું અપમાન કર્યું છે. મને મળે તો તેને શાપ આપું. ભગવાન વિષ્ણુ માર્ગમાં જ મળી ગયા. સાથે લક્ષ્મીજી અને રાજકુમારી. વિષ્ણુ ભગવાન પોતે જ નારદ મુનિને બોલાવે છે, ‘અરે નારદ મુનિ, આમ વ્યાકુળ થઈને ક્યાં જઈ રહ્યા છો?’
નારદ મુનિ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા, ‘તમે કપટી છો, સ્વાર્થી છો, સમુદ્રમંથન વખતે વિષ નીકળ્યું તમે મહાદેવને પિવડાવી દીધું. લક્ષ્મીજી અને કૌસ્તુભ મણિ નીકળ્યાં, તે પોતે લઈ લીધાં. તમે પોતાને પરમ સ્વતંત્ર માનો છો. તમારા માથા પર કોઈ નથી. હું તમને શાપ આપું છું—તમે મને મનુષ્યનું રૂપ ધારણ કરીને ઠગ્યો છે. તમારે મનુષ્યનું રૂપ ધારણ કરવું પડશે. તમે મને વાનરનું રૂપ આપ્યું, તમારે વાનરની સહાયતા લેવી પડશે, વાનરની સાથે રહેવું પડશે. તમે મને સ્ત્રી-વિયોગમાં દુઃખી કર્યો, તમારે પણ સ્ત્રી-વિયોગનું દુઃખ સહન કરવું પડશે.’
ભગવાને માયા ખેંચી લીધી. ત્યાં ન હતાં લક્ષ્મીજી કે ન હતી રાજકુમારી. નારદ મુનિને ખબર પડી ગઈ આ બધી માયા હતી. નારદ મુનિને પસ્તાવો થવા લાગ્યો અને પ્રભુને કહ્યું, ‘પ્રભુ! મારા બધા શાપ મિથ્યા થઈ જાય.’ પ્રભુએ સાંત્વના આપતાં કહ્યું, ‘તમે મને શાપ આપ્યા છે, તે મારી જ ઇચ્છાથી આપ્યા છે.’
જ્યારે ભગવાન શ્રીરામ ત્રેતાયુગમાં અવતરિત થાય છે અને સીતાના હરણથી દુઃખી થઈને વનમાં રડે છે, વૃક્ષ-લતાને પૂછે છે, ‘મારી સીતા ક્યાં છે?’ ભગવાન રામને સીતાના વિયોગમાં દુઃખી જોઈને નારદ મુનિ વિચારે છે કે મારા જ શાપને કારણે પ્રભુ દુઃખી છે. પ્રભુને મળવા નારદ મુનિ આવે છે. શ્રીરામ એમનું સ્વાગત કરે છે, પાસે બેસાડે છે. નારદ મુનિએ જોયું કે મારા પ્રતિ ભગવાનને કશો ક્રોધ નથી; ત્યારે નારદમુનિ પ્રશ્ન પૂછે છે કે ‘પ્રભુ, ત્યારે હું વિવાહ કરવા માગતો હતો, તમે મને વિવાહ કેમ ન કરવા દીધો? મારી પ્રાર્થના કેમ ન સાંભળી?’
અહીં ભગવાન શ્રીરામ સુંદર ઉત્તર આપે છે, જે ઉત્તર આપણા બધા માટે છે. પહેલી વાત છે કે જ્યારે નારદ મુનિને વિવાહ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમને મનમાં દૃઢ વિશ્વાસ છે કે હરિ સિવાય મારું બીજું કોઈ નથી. ભગવાન સિવાય આપણું કોઈ નથી. નારદજી ભગવાનને જ પોતાના સમજીને પ્રાર્થના કરે છે.
ભગવાન શ્રીરામ કહે છે કે હે નારદ, ભક્ત મારી પાસે નાના બાળક જેવા હોય છે. નાનો બાળક પોતાની માતા ઉપર સંપૂર્ણ નિર્ભર હોય છે. ભગવાન કહે છે કે જેવી રીતે માતા નાના બાળકની રક્ષા કરે તેવી જ રીતે હું મારા ભક્તની રક્ષા કરું છું. નાનો બાળક જો અગ્નિમાં હાથ દેવા માગે કે સર્પને પકડવા માગે તો માતા એને એમ કરવા નહીં દે. બાળકને ખબર નથી કે અગ્નિમાં હાથ દેવાથી હાથ બળી જશે. સાપને પકડવાથી સાપ દંશ મારી શકે છે પરંતુ માતાને ખબર છે એટલા માટે માતા જેવી રીતે બાળકની રક્ષા કરે છે, ભગવાન કહે છે હું તેવી જ રીતે ભક્તની રક્ષા કરું છું.
આપણે નાના બાળક જેવા છીએ. શું થવાથી સારું થશે કે શું થવાથી ખરાબ થશે, એ આપણને ખબર નથી. આપણા મનમાં જે કંઈ ઇચ્છા હોય તે આપણે ભગવાનની પાસે માગી શકીએ છીએ. ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ છીએ પણ ભગવાન આપણને એ જ આપશે, જેમાં આપણું મંગળ સમાયેલું છે.
ભગવાન શિવની પત્ની સતીજીએ સીતાનું રૂપ ધારણ કરી શ્રીરામની પરીક્ષા કરી. જ્યારે શિવજીએ પૂછ્યું કે તમે કેવી રીતે પરીક્ષા લીધી તો શિવજીની પાસે ખોટું બોલ્યાં કે મેં કોઈ પરીક્ષા લીધી નથી. શિવજીને ધ્યાનમાં બધી ખબર પડી ગઈ. શિવજીએ મનથી સતીજીનો પત્ની રૂપે ત્યાગ કર્યો અને સમાધિમાં બેસી ગયા. આ સમાધિ સત્યાશી હજાર વર્ષ પછી ભાંગી. આ સમય દરમ્યાન સતીજીનો એક એક દિવસ એક યુગ જેવો વીતતો હતો. સતીજીને પોતાની ભૂલની ખબર પડી ગઈ. ભગવાન શિવે કહ્યું હતું કે શ્રીરામ સ્વયં ભગવાન છે પરંતુ સતીજીએ શિવજીની વાતમાં વિશ્વાસ ન કર્યો. શ્રીરામની પરીક્ષા લેવા ગયાં. વળી પાછાં પતિ પાસે ખોટું બોલ્યાં. સતીજીને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.
કવિ કલાપી કહે છે—
હા! પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
સતીજીએ પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરી—હે પ્રભુ! મને ક્ષમા કરો. મેં તમારી પરીક્ષા લીધી. પતિ પાસે ખોટું બોલી. શિવજીએ મારો ત્યાગ કર્યો છે. મને જલદી મરણ આપો અને બીજા જન્મમાં ફરી પાછી હું શિવજીને પતિ રૂપે પામીને તેની સેવા કરી શકું એવું કરી આપો.
પ્રભુ શ્રીરામે તેની પ્રાર્થના સાંભળી. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં યોગાગ્નિમાં ભસ્મ થયા પછી બીજા જન્મમાં સતીએ હિમાલયની પુત્રી પાર્વતી થઈને શિવજી માટે તપસ્યા કરી.
શિવજી વળી પાછા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતાં કરતાં સમાધિમાં મગ્ન થઈ ગયા. દેવતાઓએ કામદેવને સમાધિ-ભંગ કરવા માટે મોકલ્યા, પરંતુ શિવજીએ કામને ભસ્મ કરી નાખ્યો.
શિવજી પાસે રામ આવીને વિનંતી કરે છે, તમે પાર્વતી સાથે વિવાહ કરો. શિવજી રામની ઇચ્છાથી લગ્ન કરે છે, કામની ઇચ્છાથી નહીં.
પ્રભુ શ્રીરામ સતીજીની પ્રાર્થના સાંભળે છે અને સતીજીની પૂર્વજન્મની તથા પાર્વતીજીની તપસ્યાની કથા સંભળાવીને વિવાહ માટે શિવજીને રાજી કરાવે છે.
અહલ્યાજી શ્રીરામ ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે પછી જ્યાં પણ મારો જન્મ થાય ત્યાં તમારા ચરણોમાં મારો અનુરાગ રહો.
શ્રીરામના શત્રુ રાવણનો ભાઈ વિભીષણ શ્રીરામના શરણમાં આવીને પ્રાર્થના કરે છે, ‘પ્રભુ, હું તમારા દુશ્મનનો ભાઈ છું. મારો જન્મ રાક્ષસયોનિમાં થયો છે. શરીર તામસી છે, મન ચંચળ છે, તમારા ચરણમાં લાગતું નથી, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો.’ પ્રભુ શ્રીરામ કહે છે—
कोटि बिप्र बध लागहि जाहू,
आएँ सरन तजउँ नहिं ताहू।
सनमुख होइ जीव मोहि जबहीं,
जन्म कोटि अघ नासहिं तबहीं॥
જો કોઈએ કરોડો બ્રાહ્મણની હત્યા કરી હોય અને મારી શરણમાં આવે તોપણ હું તેનો ત્યાગ નથી કરતો. જીવ જ્યારે મારી સામે આવે છે કે તરત જ તેના કરોડો જન્મોનાં પાપનો નાશ થઈ જાય છે. જો કોઈ મનુષ્ય ચરાચર જગતનો દ્રોહી હોય અને ભય પામીને છળ, કપટ, મોહ, અહંકાર છોડીને મારા શરણે આવે તેને હું તુરંત સાધુ જેવો કરી દઉં છું.
તુલસીદાસ પોતાના મનને કહે છે, ‘હે મૂર્ખ મન, પ્રભુ દીનદયાળ છે. કારણ વિના જીવો પર દયા કરે છે. તું સંસારની કપટ, માયા, ઝંઝાળ છોડીને પ્રભુના શરણમાં જા.’
Your Content Goes Here




