ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને ભાઈબંધોને કરાવ્યો હતો. બાળપણમાં બગીચામાં ફરવા ગયેલ બુદ્ધે ત્યાં જાંબુના ઝાડ તળે સમાધિસ્થ થઈ જઈને દેવતાઓ અને મનુષ્યોની દૃષ્ટિ આકર્ષી હતી. ઈશુ શૈશવમાં વનનાં પંખીઓને પોતાના પ્રેમથી આકર્ષીને પોતાને હાથે ચણ દેતા. શંકરાચાર્યે પોતાનાં માતાને દિવ્યશક્તિના પ્રભાવથી મુગ્ધ કરીને અને આશ્વાસન આપીને નાનપણમાં જ સંસાર ત્યાગ કર્યાે હતો, શ્રી ચૈતન્યે શૈશવમાં જ દિવ્યભાવમાં આવી જઈને સારીનરસી બધી વસ્તુની અંદર ઈશ્વરનો પ્રેમીજન ઈશ્વર પ્રકાશ જોઈ શકે એ વાતનો આભાસ કરાવ્યો. ઠાકુરના જીવનમાં પણ આ પ્રકારની ઘટનાનો અભાવ નથી.

***

(ઉપર પ્રમાણે અવતારની ભાવ-અવસ્થાની સમજ આપી હવે સ્વામી સારદાનંદ ગદાધરની (શ્રીરામકૃષ્ણદેવનું બાળપણનું નામ) પ્રથમ ભાવ-અવસ્થાનું વર્ણન કરે છે. -સં.)

આ પ્રમાણે દિવસ પછી પખવાડિયાં ને તેની પછી મહિના વહી ચાલ્યા ને બાળકને સાતમું વર્ષ બેઠું અને બાળપણના એ માધુર્યે વધુને વધુ ગાઢા રંગો ધારણ કરીને એને દિવસે દિવસે સહુનો અધિકતર પ્રિય કરી મૂક્યો. ગામની સ્ત્રીઓ પોતાના ઘરમાં કશીક સારી વાનગી બનાવે તો એમના મનમાં સૌથી પહેલો વિચાર એ આવતો કે કેમ કરીને ગદાધરને એમાંથી થોડું ખવડાવે. સરખે સરખા છોકરા-છોકરીઓને પોતાનું ખાવાનું એની સાથે ભાગે વહેંચીને ખાવામાં વધારે તૃપ્તિનો અનુભવ થતો. અને બધાં પાડોશીઓ એની મીઠી વાતો, ગીતો ને વ્યવહારથી મોહિત થઈને એનાં બાળ સુલભ મસ્તી-તોફાનોને આનંદથી ખમી લેતાં. આજ ગાળાની એક ઘટનાને પરિણામે બાળકે એનાં માતાપિતાને અને મિત્રો-સગાસંબંધીઓને ભારે ચિંતા કરતાં મૂકેલાં. ઈશ્વરની કૃપાથી સ્વસ્થ અને સબળ શરીર લઈને ગદાધરે પૃથ્વી ઉપર પગલાં માંડેલાં અને જન્મથી માંડીને અત્યાર સુધી એને કોઈ ખાસ વ્યાધિ થયેલો નહિ. તેથી બાળક આકાશે ઊડતાં પંખીના જેવી અદ્‌ભુત સ્વાધીનતા અને ચિત્તની પ્રસન્નતા સહિત દિવસો વિતાવી રહ્યો હતો. પ્રસિદ્ધ વૈદરાજોના કથન પ્રમાણે શરીરના અસ્તિત્વની સભાનતા ન હોવી તે જ પૂર્ણ સ્વાસ્થ્યનું લક્ષણ છે. જન્મથી માંડીને બાળક આવું સ્વાસ્થ્ય-સુખ અનુભવતો આવેલો, તે ઉપરાંત તેનું સ્વાભાવિક એકાગ્ર ચિત્ત જ્યારે કોઈ એક ખાસ વિષયમાં પરોવાઈ જતું ત્યારે તેની દેહબુદ્ધિમાં એથી પણ વધુ ઓટ આવી જતાં તેને જાણે કે તદૃન ભાવમય બનાવી મૂકતું. નિર્મળ વાયુની વીંઝણે લહેરાતી હરિયાળી સીમનું સૌંદર્ય, અવિરત ખળખળ વહેતો નદીનો પ્રવાહ, પંખીનું કલરવગાન અને એ બધાંથી એ ચઢી જાય તેવી નીલા આકાશમાં ક્ષણે ક્ષણે રંગ ઢંગ બદલતાં રહેતાં મેઘપુંજની માયાનગરી વગેરેમાંથી જે કોઈ એકાદ પદાર્થની છબી એના મન ઉપર પડીને પોતાનાં રહસ્ય અને મહિમા ખુલ્લાં કરી દઈને એના ચિત્તનું આકર્ષણ કરતી કે તરત જ બાળક એને લીધે સુધબુધ વીસરી જઈને ભાવરાજ્યની કોઈ એક સુદૂર એકાંતે આવેલી ભોમકામાં ઊતરી પડતો. જે ઘટનાની વાત હવે કહીએ છીએ તે પણ એની ભાવપ્રવણતામાંથી જ નીપજેલી (આ જ ઘટના શ્રીરામકૃષ્ણે પોતાને મુખે જે રીતે કહેલી તે સાધકભાવ: અધ્યાય – ૨માં જોવા મળશે.) એક દિવસે ખેતર સીમમાં મનની મોજે અહીં તહીં ફરતાં ફરતાં બાળક ગદાધરે શ્યામલ નવીન મેઘની સોડમાં પોતાની ધવલ પાંખોને પ્રસારીને હારબંધ ઊડ્યે જતાં બગલાંનો સુંદર સ્વાધીન વિહાર દીઠો અને તે જોઈને તે એટલો તો તન્મય થઈ ગયો કે પોતાના શરીરનું અને જગતના બીજા સર્વે પદાર્થાેનું ભાન સાવ જ લોપ થઈ ગયું અને બાળક બેભાન થઈને ત્યાં જ રસ્તા પર ઢળી પડ્યોે. એની આવી દશા જોઈને ભાઈબંધો તો ભયભીત થઈ ગયા અને ગભરાઈ જઈને એનાં માતાપિતાને ખબર આપી અને ગદાધરને ભેગાં મળીને ઊંચકીને સીમમાંથી ઘરભેગો કર્યાે. પણ બાળક તો જેવો પાછો ભાનમાં આવ્યો તેવો જરાવારમાં જ હતો તેવો સાજો નરવો થઈ ગયો. આ બનાવે ખુદીરામ અને ચંદ્રાદેવીને ભારે ચિંતાતુર કરી મૂકેલાં અને ફરીવાર એની આવી અવસ્થા થઈ ના આવે એને માટે જાતજાતના ઉપાયો યોજવા લાગેલાં. પરિણામે બાળકને આમ થઈ આવેલું તેમાં એને મૂર્છાનો વિષમ વ્યાધિ લાગ્યો હોવાનાં ચિહ્નો જોઈને તેને માટેનાં દવાદારૂ અને શાંતિ-અનુષ્ઠાનો કરાવવા માંડેલાં. જો કે ગદાધર તો એ ઘટના સંબંધે એમને વારંવાર કહેતો કે એક કંઈક અવનવા અદ્‌ભુત ભાવમાં એનું મન લીન થઈ ગયેલું અને તેથી જ એની આવી અવસ્થા થઈ આવેલી. વળી બહારથી જોતાં બેહોશી જણાવા છતાં અંદરની બાજુએ એને શુદ્ધિ રહેલી હતી અને એક પ્રકારના અપૂર્વ આનંદનો બોધ થતો હતો. જે હોય તે ખરું, પણ તે પછી ફરીવાર એની એવી અવસ્થા નથી થઈ અને એના સ્વાસ્થ્યને પણ કશી આંચ નથી આવી તે જોઈને ખુદીરામે વિચાર્યું કે કોઈ જાતના વાયુના પ્રકોપથી એકાદ વાર આવું થઈ ગયું હશે; અને ચંદ્રાદેવીની પાકી ધારણા બંધાઈ કે ભૂત-પ્રેતની ઝપટમાં આવવાથી એમ થઈ ગયેલું. પણ એ બનાવ પછી તેઓએ બાળકને થોડા દિવસો નિશાળે જવા દીધો નહિ. તેને લીધે બાળક પોતાની મરજીમાં આવે તેમ પડોશીઓને ઘેર અને ગામમાં બધે ફરફર કરીને પહેલાંના કરતાં પણ વધારે રમતગમતમાં પડી ગયો.

Total Views: 586

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.