“હું રામકૃષ્ણ મિશનની નિષ્ઠાપૂર્વકની નિષ્કામ સામાજિક સેવાપ્રવૃત્તિઓ માટે ઋણી છું. આ સંસ્થાને સન્માનું છું, અને એને મારો હાર્દિક સહકાર છે.” પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી જ્યોતિ બસુએ ઉપર્યુક્ત શબ્દો ઉત્તર કલકત્તાના આઝાદ હિંદ બાગમાં શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા બંધાયેલા રામબાગાનના સ્લમ વિસ્તારનાં કુટુંબીજનોને ફલેટ્સ અર્પણવિધિ પ્રસંગે ઉચ્ચાર્યા હતા. રામકૃષ્ણ મિશનનો આ એક અનન્ય પ્રકલ્પ છે.

“રામબાગાનનાં આ હરિજન ભંગી કુટુંબોને સ્થળાંતરિત કર્યા વિના પુન:સ્થાપિત કરનારી આ વસાહતનો પ્રકલ્પ એક અનન્ય ઉદાહરણ બની રહેશે. નાની શણમિલ ચલાવવાનો રામકૃષ્ણ મિશનનો સ્વરોજગારી આપવાનો એક બીજો અનન્ય પ્રયોગ છે.” એમ શ્રી જ્યોતિ બસુએ ઉમેર્યું હતું.

રામકૃષ્ણ મિશન – આશ્રમ, નરેન્દ્રપુર ઉત્તર કલકત્તામાં રામબાગાન્ ‘સ્લમ્’ વિસ્તાર સાથે ચારેક દાયકાથી સંકળાયેલ છે. રામબાગાન્ કલકત્તાનો એક વિશિષ્ટ ‘સ્લમ્’ વિસ્તાર છે. ખુલ્લી ઉભરાતી ગટરો, સાંકડી અંધારી ગલીઓ, સ્વચ્છતા, સફાઈ, અને જાજરૂની વ્યવસ્થા વિનાનું અને નળ પર ઉભરાતા માનવીઓનો આ વિસ્તાર છે. આ વિસ્તારનાં ૨૧૫૬ નિવાસી કુટુંબોમાંથી મોટા ભાગના ડોમ-હરિજનભંગી કોમનાં કુટુંબો છે. આ ડોમ જાતિ વાંસ અને નેતરમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવાની કારીગરી-ચિત્રકલા અને તેમના લોકસંગીત માટે સુખ્યાત છે.

આ ડોમ કુટુંબોના રહેણાંકની વ્યવસ્થા સુધારવા અને તેઓ પણ સારું ગુણવત્તાવાળું જીવન જીવતા બને તેવા ઉદાત્ત હેતુઓને નજર સમક્ષ રાખીને રહેઠાણ વસાહત બાંધી આપવાનો એક અનન્ય પ્રકલ્પ રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ભારતભરમાં આવો પ્રકલ્પ એ સર્વપ્રથમ પ્રકલ્પ બની રહેશે. આ વસ્તીને સ્થળાંતરિત કર્યા વિના મિશન સાથેના આ લોકોના શ્રમ અને સહકારથી તેમને આ નવા વસવાટના બાંધકામમાં સક્રિય રીતે કાર્યશીલ કરીને તેમને પુન:સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

કલકત્તા મ્યુ. કોર્પોરેશન અને આવા ગરીબો માટેના ઓછામાં ઓછી કિંમતનાં મકાનોના બાંધકામોના રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત સ્થપતિઓની સહાયથી “કામ સાથે રહેણાંકના મકાનોનો પ્રકલ્પ” ત્રણ તબક્કામાં ૧૬ ફ્લેટવાળા ૬ બ્લોક બાંધવામાં આવશે. બીજા ૬ બ્લોક બીજા તબક્કામાં અને બાકીનું બાંધકામ ત્રીજા તબક્કામાં કરવામાં આવશે. બાવીસ માળની આ ભવ્ય ઈમારતના દરેક બ્લોકમાં ૧૬ ફ્લેટસ હશે. દરેક ફ્લેટ્ ૨૭.૪૨ ચો.મિ.નો રહેશે. શહેરી વિકાસના આવા ગરીબોની વસાહતના રાષ્ટ્રીય પ્રમાણ કરતાં પણ ૫.૫૨ ચો.મિ. વધુ બાંધકામ મળશે. દરેક ફ્લેટમાં બે ઓરડા અને જાજરૂની વ્યવસ્થા હશે. આ ઉપરાંત દરેક માળે ચાર ફ્લેટ્સ સામૂહિક સામાજિક કાર્ય માટે રહેશે, જેમાં એક પરસાળ પણ હશે.

આ વસાહતની ડિઝાઈન, આયોજન અને બાંધકામમાં કરકસર કરીને એક બ્લોકનું બાંધકામ ખર્ચ રૂ.૫,૬૬,૦૦૦ અને દરેક ફ્લેટનો રૂ.૩૫,૩૭૨ સુધીનો અંદાજ્યો છે. બધી સાધનસુવિધાઓ સાથે આ સમગ્ર બાંધકામના પ્રકલ્પનો અંદાજિત ખર્ચ ૧.૫ કરોડ રૂપિયાનો છે.

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.