ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ હતી. એ લેખમાં સર જમશેદજી તાતાની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટેની પરિકલ્પનાનો આપણે ઉલ્લેખ કર્યો હતો. આધુનિક ભારતના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સ્વામી વિવેકાનંદ અને એમના શિષ્યોએ આ યોજનાને સફળ બનાવવામાં કરેલા મહાન પ્રદાન વિશે આ સંપાદકીયમાં ચર્ચા કરીશું.

વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને ઔદ્યોગિકીકરણથી ભારતની થનારી ઉન્નતિ વિશે સ્વામી વિવેકાનંદના વિચારો ઘણા આધુનિક અને પ્રગતિશીલ વિચારસરણીવાળા હતા. આધુનિક વિજ્ઞાનને વ્યવહારુ સ્વરૂપ આપવાના કાર્યમાં તત્કાલીન પરતંત્ર ભારત માટે બ્રિટિશ સરકારની સહાય અને પ્રોત્સાહનની અપેક્ષા રાખવી એ અંધારામાં ફાંફાં મારવા જેવું હતું. આવી વિષમ પરિસ્થિતિમાં સર જમશેદજી તાતાએ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસ માટે કરેલા પ્રયાસોમાં સ્વામીજીએ અને પછીથી ભગિની નિવેદિતાએ પૂરું પાડેલ પ્રેરણાબળ આ કાર્યની ઉન્નતિ અને વિકાસ માટે અત્યંત ઉપયોગી બની ગયું.

‘એસ.એસ.એમ્પ્રેસ ઓફ ઈંડિયા’ નામના વહાણમાં સ્વામીજીની જમશેદજી તાતા સાથે મુલાકાત થઈ. એ વખતે તેઓ ભારતના એક અજ્ઞાત સંન્યાસી રૂપે અને કોઈ પણ જાતના પરિચય પત્ર વિના વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા જાપાનના યોકોહામાથી અમેરિકા જઈ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદની જમશેદજી તાતા સાથે વિવિધ વિષયોની ચર્ચા થઈ હતી. સ્વામી વિવેકાનંદના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત પોતાનાં સંસ્મરણોમાં લખે છે:

‘સુખ્યાત શ્રીમાન તાતા એ જ વહાણમાં જઈ રહ્યા હતા. સ્વામીજીના એક પત્રમાંથી માહિતી મળે છે કે એમણે તાતાને કહ્યું હતું કે તેઓ શા માટે જાપાનમાંથી વેંચાણ માટે દીવાસળીની પેટીઓ મગાવે છે? એનાથી તો ભારતની સંપત્તિ ત્યાં ઢસળાઈ જવાની છે અને એના બદલામાં કમિશન રૂપે તાતાને બહુ નાની એવી રકમ મળે છે. સ્વામીજીએ વ્યગ્રતાપૂર્વક તાતાની સાથે એવી ચર્ચા દલીલ કરતાં કહ્યું કે એમણે ભારતમાં દીવાસળીની ફેકટરી ઊભી કરવી જોઈએ જેથી એમને સારો એવો નફો તો મળી રહેશે પણ સાથે ને સાથે ઘણા મોટી સંખ્યામાં કામધંધો કે રોજગાર લોકોને આપી શકાય અને આપણા દેશમાંથી બીજા દેશમાં ચાલી જતી સંપત્તિને ખાળી શકાય.’

શિકાગોની વિશ્વધર્મ પરિષદની અનન્ય સફળતા પછી ભારતનાં બધાં વર્તમાનપત્રોમાં સ્વામી વિવેકાનંદ અને તેમનાં અમેરિકામાં આપેલાં પ્રવચનો વિશે ઘણી માહિતી પ્રગટ થવા માંડી. પશ્ચિમના જગતની પોતાની વિશ્વવિજયી યાત્રામાંથી તેઓ ભારતમાં ૧૮૯૭માં પાછા આવ્યા. એ સમયે ભારતમાં આપેલાં વ્યાખ્યાનોમાં તેમણે ભારતની આધ્યાત્મિકતા, તેમજ સમાજ, શિક્ષણ, ઉદ્યોગ, વિજ્ઞાન, જેવાં અનેક ક્ષેત્રોમાં ભારતીય જનોને હૃદયપૂર્વકના પ્રયત્નોથી, ત્યાગ-તપશ્ચર્યા અને આત્મબલિદાનની ભાવનાથી ભારતને આગળ લાવવા માટે હાકલ કરી. આ બાબતો પ્રત્યે સર જમશેદજી તાતાનું ધ્યાન પણ ખેંચાયું હશે એમ આપણે નિ:શંકપણે કહી શકીએ. આ ઘટનાના અનુસંધાને જ જાણે કે ૧૮૯૮ના ૨૮ સપ્ટેમ્બરના ‘ધ ટાઈમ્સ ઓફ ઈંડિયા’માં સર જમશેદજી તાતાએ સાર્વત્રિક ખળભળાટ મચાવતી આવી જાહેરાત કરી: 

વૈજ્ઞાનિક સંશોધન માટે ઉત્પ્રેરણા

અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવતી સુયોગ્ય બંધારણ સાથે સ્થપાયેલી સંસ્થાને મુંબઈના સુખ્યાત વેપારી અને ઉદ્યોગપતિએ ચોક્કસ શરતો સાથે વર્ષે એક લાખ પચ્ચીસ હજારની આવક આપતી મિલકત આપવાની દરખાસ્ત મૂકી છે. સર જમશેદજી તાતા ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રની પૂર્વતૈયારી માટે શિક્ષણનું ઘણું ઊંચું મૂલ્ય આંકે છે. અવારનવાર તેઓ એક વર્ષથી માંડીને ત્રણ વર્ષની તાલીમ માટે ઘણા સ્નાતકોને પસંદ કરે છે. આ સ્નાતકોએ એમની મિલ્સ કે કારખાનાઓમાં તાલીમ લેવાની રહે છે અને એમના આ અનુકાર્યકાળ દરમિયાન સુયોગ્ય વળતર પણ આપે છે… શ્રીમાન તાતાને થોડાક સમયથી એવું લાગે છે કે આપણા વિશ્વવિદ્યાલયના શિક્ષણમાં ઉન્નતિ લાવવાની જરૂર છે…

જ્યારે જાપાન આટલા બધા વિશ્વવિખ્યાત બનેલા સંશોધકો વિશ્વને આપે છે અને બે જાપાની સદ્‌ગૃહસ્થો શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પણ નિમણૂક પામ્યા છે ત્યારે આપણાં ભારતનાં વિશ્વવિદ્યાલયો આવું વિશ્વ વિખ્યાત સુકાર્ય કરી શકતાં નથી એ કંઈ નાનીસુની નિરાશા ન ગણી શકાય; એમ જમશેદજી તાતાને સ્પષ્ટપણે લાગ્યું હતું. ભારત દેશના સંસાધનક્ષેત્રોની ઉન્નતિ પણ ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્રે ઉદ્‌ભવતી સમસ્યાઓ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક સમસ્યાઓના ઉકેલ માટે કામ કરતા પ્રતિભાશાળી અસંખ્ય યુવાનો પર મોટો આધાર રાખે છે… 

ઉષ્ણકટિબંધના દેશોના રોગ, તેના રસાયણ વિજ્ઞાનની સમસ્યાના સંશોધનોમાં આ દેશના વિદ્યાર્થીઓને કામે લગાડવા; આપણા રાષ્ટ્રના ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની ઉપેક્ષિત વિશાળ સામગ્રીની શોધ કરવાના કાર્યમાં યુવાનોને ઉત્તેજવા આપણે પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયોની સ્થાપના કરવી ઘણી આવશ્યક છે. આવાં ગ્રંથાલયો અને પ્રયોગશાળાઓમાં મહાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સંશોધનો કરવા એ યુવા વિદ્યાર્થીઓને મૂકવા જોઈએ.

ભારતમાં સંશોધનાત્મક દૃષ્ટિકોણનો સાચો ઉદ્‌ભવ થાય તે માટે સર્વપ્રથમ તો યુનાઈટેડ સ્ટેટની યુનિવર્સિટીઓમાં ચાલતા જ્હોન્સ હોપકિંગ્સ ઓર ક્લાર્ક જેવા અનુસ્નાતક અને સંશોધનાત્મક અભ્યાસક્રમોને આદર્શ રૂપ માનીને આપણી હાલની યુનિવર્સિટીઓમાંથી કોઈ એકને એ સંશોધન કાર્ય માટે ઉન્નત કરવી જોઈએ કે એ માટે નવી યુનિવર્સિટીની સ્થાપના કરવી જોઈએ; એવું એક સૂચન સર જમશેદજી તાતાને કરવામાં આવ્યું હતું. યુરોપમાં પ્રાથમિક તરતપાસ કરીને અને ઈંગ્લેન્ડ તેમજ એ ઉપખંડના સર્વોત્કૃષ્ટ શિક્ષણના ધુરંધરોની સલાહ મેળવીને તેમણે ઉપર્યુક્ત દરખાસ્ત મૂકવાનો નિર્ણય કર્યો છે.’

ભારતમાં શિક્ષણના પ્રચારપ્રસાર માટે આમ કહીએ તો બ્રિટિશ સરકારે વધુ કર્યું નથી. એમણે તો માત્ર કારકૂનોની ફોજ ઊભી કરવાનું થોડુંઘણું કાર્ય કર્યું છે. અને આ ફોજ પોતાની અમલદારીની મશીનરીને ચલાવવા માટે આવશ્યક હતી. સ્વાભાવિક રીતે જ આ આખી શિક્ષણ પ્રણાલી સાવ વાંઝણી અને ઉપરછલ્લા દેખાવવાળી હતી. એને જીવનની જરૂરતો સાથે કંઈ લેવા દેવા ન હતી. એટલું જ નહિ પણ રાષ્ટ્રની સમૃદ્ધિની ઉન્નતિમાં પણ આ કેળવણીએ કશીયે સહાય કરી નથી. સ્વામીજીએ મેરી હેઈલને ૩૦ ઓક્ટોબર, ૧૮૯૯ના રોજ લખેલા પત્રમાં આ વાતને વધારે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે: 

‘આધુનિક અંગ્રેજી અમલે ભારતમાં જે નીપજાવ્યું છે તે થોડાક હજાર, આધુનિક ઢાળાના અર્ધભણેલા, અને રાષ્ટ્રિયભાવના રહિત થઈ ગયેલા માણસો જ, બીજું કંઈ જ નહિ… પરિસ્થિતિ આવી છે – કેળવણી સુધ્ધાં વ્યાપક બનવા દેવામાં આવતી નથી. અખબારોની સ્વતંત્રતા તો બંધ જ થઈ ગઈ છે. (અલબત્ત, લાંબા કાળથી અમને શસ્ત્રહીન તો બનાવ્યા જ છે) અને થોડાં વર્ષો સુધી જે સ્વશાસનનો ટુકડો આપવામાં આવ્યો હતો તે પણ જલદી લઈ લેવાઈ રહ્યો છે… જૂનાં રાજ્યોએ કેળવણીની સહાય અર્થે જે જમીન અને મિલકતો આપી હતી તે પાછી ઝૂંટવી લેવામાં આવી છે; અને અત્યારની (બ્રિટિશ) સરકાર તો રશિયાના કરતાં પણ કેળવણી પાછળ ઓછો ખરચ કરે છે. અને એમને કેળવણી કેવી આપે છે? થોડીશી પણ મૌલિકતાને રુંધવામાં આવે છે.’ (સ્વા. ગ્રં.મા. ભાગ-૧૨, પૃ.૨૫૪-૫૫-૫૬)

સર જમશેદજી તાતાએ પોતાની સ્થાવર મિલકતોમાંથી ૧૪ ભવનો અને મુંબઈમાં આવેલી ૪ વિશાળ સ્થાવર મિલકતોનું આવી વિજ્ઞાન ટેકનોલોજીની કેળવણી અને તેના વિકાસ માટેના નિભાવફંડ માટે દાન આપવાની જાહેરાત કરી હતી. ઘણા લોકોએ આ જાહેરાતને વધાવી લીધી પણ એમના કેટલાક પારસી બંધુઓએ સલાહ આપતાં કહ્યું કે આ ધનનો ઉપયોગ ગરીબ પારસીઓના અન્ન-વસ્ત્ર અને રહેઠાણમાં દાન આપવામાં થવો જોઈએ. દૂરંદેશીવાળા તાતાએ એ વખતે પ્રત્યુત્તરમાં આમ કહ્યું હતું: 

‘પોતાના અત્યંત નિર્બળ અને અસહાય લોકોને ટૂંકાગાળાની સહાય કરવી એના કરતાં રાષ્ટ્રની કે સમગ્ર સમાજની સાર્વત્રિક ઉન્નતિ માટે દેશના સર્વશ્રેષ્ઠ અને જન્મજાત પ્રતિભાવાળા લોકોને કેળવણી દ્વારા ઉન્નત કરવા એ રાષ્ટ્રને માટે મોટામાં મોટી સેવા થઈ ગણાશે.’

એટલે તાતાની આ યોજનામાં સ્વામીજીને રસ પડે એ ખરેખર સ્વાભાવિક વાત જ છે. પોતાના પરિવ્રાજક જીવનમાં એમણે ભારતના જનસામાન્યની અત્યંત દુ:ખમય કંગાલિયત જોઈ. પ્રજાના આ દારુણ દારિદ્ર્યથી તેઓ અત્યંત વ્યગ્ર થઈ ગયા. એટલે જ અમેરિકામાં તેઓ આ આર્થિક સમસ્યાના નિરાકરણ માટે ગયા હતા. એમાં વળી શિકાગોની વિશ્વધર્મ પરિષદથી એમને ઉત્તમ તક સાંપડી હતી. વિશ્વધર્મ પરિષદ પહેલાં સ્વામીજીએ પોતાની અમેરિકાની યાત્રા વિશે કાઢેલા ઉદ્‌ગારો તત્કાલીન અમેરિકાના વર્તમાન પત્રોમાં આ રીતે પ્રસિદ્ધ થયા હતા. 

‘વક્તાએ (સ્વામીજીએ) પોતાના આ દેશના કાર્ય વિશે સમજાવતાં કહ્યું કે એના દેશની ઔદ્યોગિક સુધારણા માટે કાર્ય કરે તેવા સંન્યાસીઓનું સંગઠન કરવા માગે છે. એનાથી લોકોને ઔદ્યોગિક કેળવણીનો લાભ મળી શકે અને એમની પરિસ્થિતિમાં ઔદ્યોગિક પ્રગતિ દ્વારા સુધારો પણ આવી શકે.’ (ડેઈલી ગેઝેટ, ૨૯ ઓગસ્ટ, ૧૮૯૩)

‘ખ્રિસ્તી મિશનરીઓની પાસે સારા સિદ્ધાંતો છે અને સદ્‌વિચારોથી એનો પ્રારંભ પણ કર્યો છે પણ એમણે લોકોની ઔદ્યોગિક પરિસ્થિતિમાં સુધારો થાય એવું કંઈ કર્યું નથી. એટલે અમેરિકનોએ ભારતમાં ધર્મનું શિક્ષણ આપવા માટે મિશનરીઓ મોકલવાને બદલે એ લોકોને ઔદ્યોગિક કેળવણી મળી રહે તેવા કોઈક સુધારક મિશનરીઓને મોકલવા વધારે સારું રહેશે.’ (સાલેમ ઇવનિંગ ન્યૂઝ, ૨૯ ઓગસ્ટ, ૧૮૯૩)

અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યા પછી તરત જ તાતા જેવા સ્વદેશભક્ત અને ઉત્સાહી વ્યક્તિને અમેરિકા જતાં વહાણમાં આવી બધી વાતો કરી હોય એ સ્વાભાવિક છે. એમણે તાતાને આ ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક હેતુઓ માટે સંન્યાસીઓને સુવ્યવસ્થિત રીતે સંગઠિત કરવાની યોજના તેમજ પોતે વિચારેલ વિવિધ પ્રકલ્પો વિશે પણ એમને કહ્યું હશે. આટલાં વર્ષોથી તાતાના મનમાં વવાયેલાં બીજ ઊગી નીકળવા માટે સ્વામીજીની પ્રેરણા જ મૂળકારણભૂત બની હશે. અહીં આપેલી કેટલીક વિગતો ઉપર્યુક્ત તારણને ન્યાયી ઠરાવે છે. ૨૩ નવેમ્બર, ૧૮૯૮ના પત્રમાં જમશેદજી લખે છે: 

એસ્પ્લેનેડ હાઉસ, મુંબઈ

૨૩મી નવેમ્બર, ૧૮૯૮

પ્રિય સ્વામી વિવેકાનંદ,

આપ જાપાનથી શિકાગો જઈ રહ્યા હતા ત્યારે હું આપનો સહપ્રવાસી હતો એ આપને યાદ હશે, એવી મને શ્રદ્ધા છે. આપે ભારતમાં સંન્યાસીવૃત્તિનો વિકાસ થાય, એના વિશે વિચાર પ્રગટ કરેલો, તે મને અત્યાર સુધી ખૂબ યાદ આવે છે. આપે કહેલું કે તેમની ફરજ વિનાશ કરવાની નથી પણ એ વૃત્તિને ઉપયોગી માર્ગોએ વાળવાની છે.

ભારત માટે ‘રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ શરૂ કરવાની મારી યોજના સંબંધી વિચારો પણ યાદ છે. આપે આ વિશે સાંભળ્યું કે વાંચ્યું જ હશે એના વિશે શંકા નથી. મઠોની સ્થાપના અથવા સંન્યાસી વૃત્તિના પ્રભુત્વવાળા માણસો માટે આવાસો બનાવવા સિવાય આ વૃત્તિનો વધારે સારો ઉપયોગ ન કરી શકાય, એમ મને લાગે છે. આ સ્થળોએ તેઓ સાદગીપૂર્ણ મર્યાદાઓ સાથે રહી શકે અને તેમના સમયનો સદુપયોગ નૈસર્ગિક અને માનવીય વિજ્ઞાનના વિકાસમાં કરી શકે. મારો મત એવો છે કે આ પ્રકારની સંન્યાસીવૃત્તિની તરફેણમાં કાર્યક્ષમ નેતા દ્વારા લડત હાથ ધરવામાં આવે તો એ સંન્યાસી ધર્મ વિજ્ઞાન અને આપણ દેશના શુભ નામને માટે બહુ સહાયરૂપ બની રહે; અને મને ખબર નથી કે આવી સામરિક પ્રવૃત્તિનો વિવેકાનંદ કરતાં વધારે લાયક સેનાપતિ બીજો કોઈ હોઈ શકે! આ બાબતમાં આપણી પ્રાચીન પરંપરાઓને સમુજ્જ્વલ રીતે જીવનમાં ઉતારવામાં આપ પોતે જોડાવાનો વિચાર કરી શકો ખરા? કદાચ આ બાબતમાં આપણા લોકોને જગાડવામાં આપ આગ્નિ સમાન ઉત્તેજક ચોપાનિયું પ્રકાશિત કરો તો વધુ સારું થાય. આ પ્રકાશનનો બધો ખર્ચ હું આનંદપૂર્વક ઉપાડી લઈશ. ભલી લાગણીઓ સાથે, સ્વામી હું છું આપનો વફાદાર,

જમશેદજી એન. તાતા

તાતા બરાબર જાણતા હતા કે પોતાની યોજનાની સફળતા માટે પૈસા જ અગત્યના ન હતા. એને માટે ખરી જરૂર હતી ‘માનવની’. સ્વામીજી પણ ભારતના સર્વાંગી વિકાસ માટે આવું જ આહ્‌વાન કરે છે:

‘જરૂર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય.’ 

સ્વામીજીએ કોલંબોથી આલમોડા સુધીમાં વિવિધ સભાઓમાં આપેલાં ભાષણોમાં તેમજ પત્રોમાં માનવને ઊભા કરનારા, સાચા માનવને ઘડનારા અને એમના જીવન અને ચારિત્ર્યઘડતર દ્વારા રાષ્ટ્રઘડતર કરતાં આવા અનેક અગ્નિમંત્રો આપણને સાંપડે છે. તાતાની નજરે પણ આવા અગ્નિમંત્રો પડ્યા હશે એટલે જ એમણે આવી અનન્ય યોજનામાં નેતૃત્વ પૂરું પાડવા માટે સ્વામી વિવેકાનંદ જેવા કોઈ અદ્‌ભુત રાષ્ટ્રપ્રેમી અને અનન્ય ખંત-નિષ્ઠા-ત્યાગ ધરાવતા સંન્યાસીની ઝંખના રાખી હતી. તાતાના સૂચન પ્રમાણે કોઈ આવી પ્રેરક નાની પત્રિકા બહાર પાડી હોય કે નહિ એ વિશે આપણે ચોક્કસ કહી શકીએ તેમ નથી. એપ્રિલ, ૧૮૯૯ના ‘પ્રબુદ્ધ ભારત’માં જાણે કે તાતાની યોજનાના સમર્થન રૂપે આવી નોંધ પ્રગટ થઈ હતી. કદાચ આવી નોંધ સ્વામીજીએ પોતે પણ લખી હોય કે એમના કહેવાથી બીજા કોઈએ લખી હોય એવી સંભાવના છે. આટલું તો ચોક્કસ કહી શકીએ કે અહીં આપેલી ‘પ્રબુદ્ધ ભારત’ની આ નોંધ એમના સમર્થન વિના પ્રસિદ્ધ ન જ થઈ હોય.

શ્રી જમશેદજી તાતાની યોજના

તાતાએ અનુસ્નાતક સંશોધન વિશ્વવિદ્યાલય માટેની જે યોજના ભારતમાં દાખલ કરવાનો ઇરાદો કર્યો છે તેવી કલ્યાણકારી અને દુરંદેશી તેમજ અનેક તકો આપતી યોજના અમારી જાણમાં હજુ સુધી આવી નથી. આપણા દેશના સર્વાંગી કલ્યાણની આડે આવતી, મહત્ત્વની અને ઊડીને આંખે વળગતી મુખ્ય આડખીલીઓને આ યોજના એના ઉકેલ માટે એક અદ્‌ભુત અને અનન્ય ઉકેલ પણ સુઝાડે છે. આ દૂરંદેશીવાળો ઉકેલ તાતાએ કરેલ મોટા આર્થિક દાન જેટલો જ મહત્ત્વનો છે.

તાતાના પ્રકલ્પની વિગતમાં અમે ઊંડા ઊતરવા માગતા નથી. અમારા બધા વાચકોએ શ્રી પાડશાહના એ વિશેના પ્રાસાદિક સમજૂતિવાળાં વર્ણનો વાચ્યાં હશે. એમાંથી કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો અમે અહીં આપવાનો પ્રયત્ન કરીએ છીએ: 

‘જો ભારતે ટકી રહેવું હોય અને સમૃદ્ધ થવું હોય તો તેમજ વિશ્વના મહાન રાષ્ટ્રની હરોળમાં ઊભા રહેવું હોય તો સર્વપ્રથમ તો અન્નની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. અને આજના જમાનાની ગળાકાપ હરિફાઈમાં આ પ્રશ્નનો ઉકેલ તો માનવજાતના બે મહાન પોષક, કૃષિ અને વ્યાપારઉદ્યોગના ક્ષેત્રમાં આધુનિક વિજ્ઞાનનો પ્રકાશ પાડવામાં રહેલો છે. આધુનિક માનવની લુચ્ચાઈ ભરેલી રીતભાતોની દરરોજ થતી વૃદ્ધિ સામે પ્રાચીન કાળની બાબતોનું કેવળ અનુકરણ ઝાઝો વખત ટકી શકશે નહિ. જે માનવ પોતાના મનમસ્તિષ્કનો ઉપયોગ પ્રકૃતિમાંથી બને તેટલું વધારે પ્રાપ્ત કરવા ન કરે તો આ બધી ઊર્જાશક્તિઓ વ્યર્થ જશે. પ્રજા કે રાષ્ટ્રનું અધ:પતન થશે અને અંતે એનો વિલય પણ થાય ખરો. આમાંથી બચવાનો બીજો કશો માર્ગ નથી.

પ્રકૃતિની વિનાશક અને સર્જનાત્મક શક્તિઓને કાબૂમાં રાખવાનો, વળી પ્રકૃતિને નિષ્ઠૂર માલિકને બદલે વફાદાર સેવક બનાવી શકે, એવી યોજનાઓ હાથ ધરવાનો માર્ગ તાતાની આ યોજનાઓ એક અંગુલિનિર્દેશ કરે છે. આ જ્ઞાન આપણને પ્રકૃતિ પર વિજય મેળવીને આપણું અસ્તિત્વ ટકાવવા અને એને વધુ સમૃદ્ધ બનાવવા સહાયરૂપ થશે. ૭૪ લાખ જેટલી ઘણી મોટી રકમની આવશ્યકતા હોવાને કારણે કેટલાક લોકોને આ યોજનાઓ તરંગી લાગે છે. આ ભયનો સર્વોત્તમ પ્રત્યુત્તર આ છે – કોઈ એક માણસ ભલે સૌથી વધારે સમૃદ્ધ ન હોવા છતાં જો ત્રીસ લાખ રૂપિયા આપી શકે છે તો બાકીની રકમ સમગ્ર દેશના લોકો ન આપી શકે? જ્યારે આ યોજના આટલી બધી મહત્ત્વની અને ભગીરથકાર્ય જેવી છે ત્યારે દેશવાસીઓ પાસે અપેક્ષા રાખવી એ અસ્થાને ન ગણાય.

અમે પુન: પુન: કહીએ છીએ – રાષ્ટ્રના ક્ષેમ-કલ્યાણ માટે આધુનિક ભારતમાં આનાથી વધારે સારી પરિકલ્પના કે યોજના જોવા મળી નથી. એટલે જ સમગ્ર રાષ્ટ્રે વર્ગ, વર્ણ, સંપ્રદાય કે ધર્મના પોતપોતાના અંગત રસરુચિવલણને ભૂલીને આ યોજનાની સફળતામાં જોડાઈ જવું જઈએ.’

સ્વામીજી અને તાતા બંને આપણો દેશ ભારત એક પ્રબળ આધ્યાત્મિક શક્તિ સાથે રાખીને આર્થિક રીતે સ્વનિર્ભર દેશ બને એમ ઇચ્છતા હતા. સ્વામીજી એક સંન્યાસી હોવા છતાં પણ એમને વિજ્ઞાનમાં ગહન રસરુચિ હતાં. તાતાની જેમ સ્વામીજી પણ ઇચ્છતા હતા કે ભારતના પ્રાચીન દર્શનશાસ્ત્ર સાથે અભ્યાસક્રમમાં એટલે કે શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થવો જોઈએ. એને લીધે ભારતીય પ્રજાની સુષુપ્ત શક્તિઓ બહાર આવશે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય એ સ્વામી વિવેકાનંદના ઉપદેશોનો મુખ્ય વિષય છે. સ્વામીજીએ પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં દૂરસુદૂર સુધી પ્રવાસ ખેડ્યો હતો અને ભારતની ખનીજ સંપત્તિના સ્રોતોનું પૂરું જ્ઞાન પણ મેળવ્યું હતું. ખનીજના આ મૂળ સ્રોતોની નજીકમાં ઉત્પાદન કેન્દ્રો ઊભાં કરવાની ઔદ્યોગિક સાહસિકોને સલાહ પણ આપતા. શ્રીમતી બુલને પાંચમી જૂન, ૧૮૯૬ના રોજ એક પત્રમાં એમની ટેકનિકલ શિક્ષણની રસરુચિ અને ઝંખના વિશે આમ લખ્યું હતું: 

‘હું જેમને ચાહું છું તે વકીલ બને એમ હું ઇચ્છતો નથી. જો કે મારા પિતાજી કાયદાશાસ્ત્રી જ હતા. મારા ગુરુદેવ (શ્રીરામકૃષ્ણ) એના વિરોધી હતા. હું માનું છું કે જે સમાજમાં વધુ વકીલ હોય ત્યાં દુ:ખપીડા તો આવવાનાં જ. આપણો દેશ તો આવાઓથી ભરેલો છે. વિશ્વવિદ્યાલયો આવા સંખ્યાબંધ વકીલોને બહાર પાડે છે. મારું રાષ્ટ્ર તો સાહસિક વીર અને વૈજ્ઞાનિક પ્રતિભાવાળા માનવો ઝંખે છે.’

કૃષિ અને ઉદ્યોગની ઝીણામાં ઝીણી બાબતો વિશે સામાન્ય જનને કેળવણી મળી રહે એવાં કાર્ય કરવામાં રામકૃષ્ણ મિશનનાં મુખ્ય કેન્દ્રો રસ લે તેમ સ્વામીજી ઇચ્છતા હતા. ૨૦ જૂન, ૧૮૯૭ના રોજ સ્વામી વિવેકાનંદે આલમોડાથી રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ને એક પત્રમાં આમ લખ્યું હતું:

‘રુડોક્સની પ્રેક્ટિસ ઓફ મેડિસિન કે કંઈક એવી બાબત વિશે બધું કાર્ય ચાલે છે એમ શુદ્ધાનંદ લખે છે. વર્ગમાં આવી બાબતો શીખવવી એ તમારી દૃષ્ટિએ મૂર્ખામી ભરેલું છે? કેટલાક ભૌતિક શાસ્ત્રના કે રસાયણ શાસ્ત્રના સામાન્ય સાધનોનો સંપૂટ, એકાદ દૂરદર્શક કે સૂક્ષ્મદર્શક યંત્ર, આ બધું દોઢસો બસો રૂપિયામાં મળી રહે. શશિબાબુ પ્રાયોગિક રસાયણશાસ્ત્ર વિશે અઠવાડિયામાં એક વખત વ્યાખ્યાન આપી શકે અને હરિપ્રસન્ન ભૌતિક વિજ્ઞાન પર, વગેરે. અને બંગાળીમાં પ્રાપ્ય હોય તેવાં વિજ્ઞાનનાં પુસ્તકો ખરીદી લો, એનું વાચન કરો.’

સ્વામીજીને વિજ્ઞાનમાં કેટલાં રસરુચિ હતાં એ આ પત્રથી જાણી શકાય છે. સ્વામીજીએ આ વિષયના જે પાસાંઓ પર વિચાર્યું હતું તે ઘણા દૃષ્ટિકોણથી નિ:શંકપણે ક્રાંતિકારી છે. એ જમાનામાં એક વેદાંતિક હિંદુ સાધુ ઉદ્યોગ અને ટેકનોલોજીના વિકાસ વિશે બોલે એ માત્ર કઠિન હતું એટલું નહિ પણ એક સાહસભર્યું કાર્ય હતું. એટલે જ સ્વામીજીના વિચારો એમના યુગના બીજા બધા કરતાં વધારે પ્રગતિશીલ હતા. સ્વામીજીને એ સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હતો કે વ્યવહારુ વેદાંત જેવી ધર્મસુધારાની ચળવળ જનસમુહની ન્યૂનતમ આર્થિક જરૂરતથી ભિન્ન ન હોઈ શકે. મૂડીવાદી ઉત્પાદન પ્રણાલીને કારણે એમાંથી ઉદ્‌ભવતું શોષણ પણ વધી શકે છે. ઔદ્યોગિકીકરણની આ ખામીઓથી પણ તેઓ નિ:શંકપણે વાકેફ હતા. એટલે જ આધ્યાત્મિક કેળવણી અને વેદાંતિક સામાજિકતા જ મૂડીવાદનાં દૂષણોનો રામબાણ ઉપાય છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

મહારાણી વિક્ટોરિયાના અભિવાદન કે સ્વાગત સમારંભમાં કે એમની કાયમી સ્મૃતિ જાળવવા માટે અઢળક ધનસંપત્તિ ખર્ચાતી. એને બદલે આવી મોટી રકમ મહારાણી તરફથી તાતા જેવી યોજનાને મળે તો એમની સ્મૃતિ સારી રીતે અને કાયમને માટે જળવાઈ શકે. આવા એકાદ-બે પ્રસંગે સ્વામીજીના જીવનકાળ દરમિયાન ‘પ્રબુદ્ધ ભારત’માં આ યોજના વિશેના વિચારો અને ટીકાટિપ્પણ પ્રસિદ્ધ થયાં હતાં. ૧૯૦૧ના માર્ચના અંકમાં કરેલ ટીકાટિપ્પણ અને સૂચન ઘણાં મહત્ત્વનાં ગણી શકાય. એના સંપાદકીયમાં આવી નોંધ છે:

‘પ્રાચીન યુગમાં ભારતમાં જ્યારે કોઈ રાજા કે રાણીનું અવસાન થતું ત્યારે રાજ્યના ખજાના લગભગ ખાલી થઈ જતા અને વર્ષો દ્વારા પ્રજા પાસેથી કર કે મહેસૂલ રૂપે એકઠાં થયેલાં નાણાં ગરીબ અને જરૂરતમંદ લોકોમાં વહેંચી દેવામાં આવતાં. આ જ કાયમી સ્મૃતિ જાળવવાનો આદર્શ હતો. સમયના પરિવર્તન સાથે પરિસ્થિતિઓ અને રીતિરિવાજો સાવ બદલાઈ ગયાં. હવે લોકો જ આવી સ્મૃતિ માટે પૈસા એકઠા કરે છે. ભારતનો આવી ચિરંજીવ સ્મૃતિ જાળવવાનો આદર્શ એ ખરેખર સર્વોત્કૃષ્ટ કક્ષાનો હતો અને એમાં દુ:ખદર્દ અને ગરીબાઈને દૂર કરવાની વાત હતી. આ ભૂમિ પર આવી પડેલા દુષ્કાળના દૃશ્યને જોતાં સર્વનાશ નોતરતા અને અભિશાપ જેવા પ્રાકૃતિક સંકટો સામે લોકોને લડતાં કરવાના કેટલાંક અસરકારક અને કાયમી જેવાં પ્રસાધનો ઊભાં કરવાથી વિકટોરિયાની સ્મૃતિ વધારે સારી રીતે જળવાઈ રહેશે. આ બાબતમાં દરેકેદરેક વ્યક્તિ સહમત થઈ શકે કે દેશના ઔદ્યોગિક વિકાસ માટે સંપૂર્ણપણે સાધનસજ્જ એવી કોઈ કેન્દ્રસ્થ શિક્ષણ-સંસ્થા સ્થાપવી એ આ સ્મૃતિ જાળવવાનું સર્વશ્રેષ્ઠ કાર્ય ગણાશે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીયો આવી બાબતોમાં જવાબદારી ઉપાડી શકે તેમ નથી. ૧૮૫૮ના પોતાના ઢંઢેરામાં રાણી વિકટોરિયાએ ‘ભારતની શાંતિમય ઉદ્યોગશીલતાને વધારે પ્રોત્સાહિત કરવાની અંતરની ઇચ્છા છે’ એવું કહ્યું હતું. અત્યારે આ કાર્ય કરવા માટે બીજો વધુ સારો સમય કયો છે? એટલે મહારાણીની સ્મૃતિ સુયોગ્ય રીતે જળવાઈ રહે, પ્રણાલીને અનુરૂપ હોય તે રીતે ભારતના લોકોને સુદૃઢ આર્થિક પાયા પર મૂકી શકે તેવી અમે સુચવેલી સંસ્થાની સ્થાપના એ વધારે ઇચ્છવા યોગ્ય ગણાય. તાતા સંશોધન મહાવિદ્યાલયના પ્રકલ્પની સ્થાપનામાં મોટી આર્થિક સહાય આપીને એમની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ વધુ સુયોગ્ય ગણાય. આવી રીતે ભારતની સમૃદ્ધિ, જીવનધોરણ અને સુખાકારીનો નવો યુગ શરૂ કરી શકાય. આ સર્વોત્કૃષ્ટ તક આપણા દૂરંદેશી અને સહાનુભૂતિશીલ વાઈસરોય ઝડપી ન શકે?’

આ રીતે ‘પ્રબુદ્ધ ભારતે’ સ્વામીજી પ્રેરિત તાતાની આ વિજ્ઞાન-સંસ્થા માટે પોતાનું દૃઢ અને ખૂલું સમર્થન આપ્યું. એટલું જ નહિ પણ પડદા પાછળ રહીને તાતાની યોજનાને સફળ બનાવવા અને જાગ્રત રાખવા ૧૯૦૨માં સ્વામીજીની મહાસમાધિ અને ત્યાર પછીના ૧૯૦૪માં જમશેદજી તાતાના અવસાન પછી સ્વામીજીનાં શિષ્યાઓ ભગિની નિવેદિતા, શ્રીમતી ઓલે બુલ, જોસેફાઈન મેક્લાઉડે પણ જે મહાન પ્રદાન કર્યું છે તે વાત પણ અત્યંત રસપ્રદ અને પ્રેરક છે. આ બાબતની ચર્ચા આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.