હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું છે. એની મુલાકાત લઈને અમે સૌ ધન્ય બન્યાં. એનું વિગતે વર્ણન કરવાની ઇચ્છાને હું રોકી શક્તો નથી.

ધ રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ, ઇટાનગર (અરુણાચલ પ્રદેશ) એ રામકૃષ્ણ મિશન, બેલુર મઠની એક શાખા છે. અરુણાચલ પ્રદેશના અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના (મુખ્ય આ જાતિના લોકોની વસતી વાળું રાજ્ય) આરોગ્ય કલ્યાણ માટે ૧૯૭૯ના ઓક્ટોબરમાં ૬ પથારી વાળી અને આઉટડૉર ક્લીનીકની સુવિધા સાથે એક હૉસ્પિટલ અરુણાચલના પાટનગર ઇટાનગરમાં શરૂ થઈ. ‘માનવસેવા એ જ પ્રભુપૂજા’ના આદર્શને નજર સમક્ષ રાખીને ધર્મ-સંપ્રદાય- જ્ઞાતિ-જાતિના ભેદભાવથી પર રહીને આ સંસ્થા અરુણાચલ રાજ્યની એકમાત્ર અને અનન્ય આરોગ્ય સેવા પૂરી પાડતી હૉસ્પિટલ ધરાવે છે. ૧૯ વર્ષ પછી આજે આ સંસ્થા ૧૮૦ પથારી વાળી, દરરોજ ૫૦૦ જેટલા દરદીઓને સેવા આપતી ૪૫ એકર જમીન પર વિસ્તરેલી આ હૉસ્પિટલ એટલે અરુણાચલ પ્રદેશના લોકોનું – રોગી-નારાયણનું આરોગ્ય ક્ષેમ-કલ્યાણ જાળવતી સંસ્થા છે.

પ્રવૃત્તિઓ

. આઉટ ડૉર પેશન્ટ વિભાગઃ આ વિભાગની હેઠળ ચાલતા ક્લિનિકમાં જનરલ મેડિસિન, પેડિયાટ્રિક્સ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ઈ.એન.ટી., એબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ડેન્ટીસ્ટ્રી, ઈમરજન્સી, અને કેઝ્યુલટી વિભાગોની સેવાઓ સાથે ૨૪ કલાક કાર્યરત ‘એમ્બ્યુલન્સ’ સેવાની વ્યવસ્થા છે. અપર એન્ડ લોઅર જી. આઈ. એન્ડોસ્કોપી, અલ્ટ્રાસાઉન્ડ સ્કેનીંગ, ઈકૉકાર્ડીયોગ્રાફી, ઈ.સી.જી., પેથોલોજીકલ અને ક્લિનિકલ લેબોરેટરીઝ, અને રૅડિયોલોજીની બધી સુવિધાઓથી સજ્જ આ વિભાગનું સંચાલન મૅડિકલ અને પેરામૅડિકલ વિભાગના કુશળ સેવાભાવી કર્મચારીઓ ચલાવે છે.

છેલ્લા ત્રણ વર્ષના બહારના દરદીઓની સંખ્યા આ પ્રમાણે રહી છે.

વર્ષ                               ૯૫-૯૬              ૯૬-૯૭              ૯૭-૯૮
અનુ. જનજાતિ                ૮૪,૪૨૫             ૮૬,૫૬૦             ૮૫,૧૦૯
અનુ. જાતિ                     ૨૬, ૧૦૧             ૨૯,૨૯૮             ૨૯,૨૭૧
અન્ય                             ૪૯,૧૬૪              ૪૨,૫૪૧             ૪૪,૭૪૬
કુલ                                ૧,૪૮,૫૯૦          ૧,૫૮,૪૯૯          ૧,૫૮,૦૪૬
ઈમરજન્સી કેઈસ             ૨૮,૫૭૪             ૪૪,૧૫૦             ૪૧,૮૨૯

આ સેવાઓ-માનવ સેવાઓને નજરે નિહાળવી એ પણ એક અનન્ય પૂજા નિહાળ્યાનો આનંદ લ્હાવો બની રહે છે. કેટલી શાંતિ-સ્વસ્થતા ધૈર્ય અને ‘છે કામના ખપી જવાની, પીડિતના દુઃખ નિવારવાની’ ભાવનાનું મૂર્તદર્શન અહીં કાર્યરત સંન્યાસીઓ અને કાર્યકરોમાં થાય છે.

. ઈન્ડૉર પેશન્ટ વિભાગઃ ૧૮૦ પથારીની સુવિધાઓમાં ૧૫૬ પથારી નિઃશૂલ્ક. બીજી ૧૦ શુલ્કવાળી અને ૧૪ કેબિનની સુવિધા સાથે સ્ત્રી-પુરુષ, બાળ દરદીઓને અલગ અલગ વૉર્ડમાં સારવાર આપવામાં આવે છે. સમર્પણની ભાવનાવાળા પરિચારિકા બહેનો અને નિષ્ણાત ડૉક્ટર્સની ટુકડીની જાત દેખરેખ હેઠળ લગભગ બધા રોગના દરદીઓને ચિકિત્સા અને શલ્ય-ચિકિત્સાની સેવાઓ અપાય છે. ડુંગરા-ટેકરાની ભૂમિવાળા આ રાજ્યના દૂર સુદૂરના વિસ્તારોમાંથી દરદીઓને આ હૉસ્પિટલમાં લાવવા લઈ જવા હૅલિકોપ્ટરની સેવાઓ ઉપલબ્ધ છે. આ માટે હૉસ્પિટલને અડીને એક હેલીપેડ પણ છે. ૮૦% થી ૯૦% પથારીઓ દર વર્ષે સતત ઉપયોગમાં લેવાય છે. તદુપરાંત ઈમરજન્સી કેઈસ માટે વધારાની પથારીની વ્યવસ્થા – જેનો સતત સત્વર ઉપયોગ રહ્યા કરે છે – પણ આ હૉસ્પિટલ ધરાવે છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આ સેવા પ્રાપ્ત કરનાર દરદીઓની સંખ્યા આ પ્રમાણે છેઃ

વર્ષ                               ૯૫-૯૬              ૯૬-૯૭              ૯૭-૯૮
અનુ. જનજાતિ                ૪,૯૧૫               ૪,૯૦૮               ૪,૧૪૫
અનુ. જાતિ                     ૯૨૪                  ૧૦૯૬                ૧,૧૭૧
અન્ય                             ૧,૪૮૪                ૧,૬૪૨                ૧,૭૫૭
કુલ                                ૬,૨૨૧                ૬,૬૪૬                ૭,૦૬૪

આઉટ પેશન્ટ – ઈન્ડોર પેશન્ટના ઉપર્યુક્ત વિભાગો ઉપરાંત હૉસ્પિટલની સેવા-સુવિધાઓનું સુપેરે સંચાલન કરવા આ પ્રમાણેની સેવા-સુવિધાઓ પણ આ સંસ્થા ધરાવે છે.

. બ્લડબેન્ક : પૂરી સુવિધા સાથેની આ બ્લડ બેંક જુદાં જુદાં ઑપરેશન તેમજ અન્ય સારવાર માટે જરૂરી લોહી પૂરું પાડવાનું કાર્ય કરે છે. સ્વેચ્છાએ રક્તદાન કરનારા દાતાઓ દ્વારા લોહીનો પૂરવઠો જાળવી શકાય.

. ઑપરેશન થિયેટર્સ : બધી-સાધન-સુવિધાઓથી સજ્જ ત્રણ ઑપરેશન થિયેટર્સમાંથી બે સંપૂર્ણપણે વાતાનુકુલિત છે. નિષ્ણાત સર્જનો અને ઍનૅસ્થેટિક્સની ઉત્તમ સેવાઓને લીધે સફળતાનું પ્રમાણ પણ ઘણું ઊંચું રહે છે. લૅપૅરોસ્કોપીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ઈમેજ ઇન્ટેસિ ફાયર WILD ૬૫૦ સર્જીકલ માઈક્રોસ્કોપની મદદથી ઈ.એન.ટી. વિભાગ માઈક્રો સર્જરી પણ કરી શકે છે. આ વિભાગે ઘણા સમયથી ફન્કશ્નલ એન્ડોસ્કોપિક સાયનસ્ સર્જરી પણ કરે છે.

. ફિજીકલ એન્ડ એક્યુપ્રેશર થેરપી : અહીંના ઓર્થોપેડિક સર્જનની દેખરેખ હેઠળ આ વિભાગ શારીરિક ખોડ- ખાંપણવાળા અને અન્ય દરદીઓની સેવા ૧૯૮૧થી કરી રહ્યો છે.

. કૃત્રિમ અવયવ જોડાણ કેન્દ્ર : એન.ઈ.સી.ની આર્થિક સહાયથી ૧૯૮૬માં શરૂ થયેલું આ કેન્દ્ર અરુણાચલ રાજ્યનું એકમાત્ર કેન્દ્ર છે. અરુણાચલ ઉપરાંત આસામના વિસ્તારના લોકોની સારવાર આ કેન્દ્ર દ્વારા થાય છે. આર્ટિફિસીયલ લિમ્બસ, કેલિપર્સ, બ્રેઈસીઝ, સ્પ્લીંટના કેટલાક કૃત્રિમ અવયવો આ કેન્દ્ર જ ઉત્પન્ન કરે છે.

. નર્સીંગ સ્કૂલ : અરુણાચલ પ્રદેશનાં આદિવાસી બહેનોને નર્સીંગ તાલીમ આપવા માટે ૪ વર્ષનો સર્ટિ. કોર્સ ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરીનો અભ્યાસક્રમ આસામ નર્સીંગ કાઉન્સિલ સાથે સંલગ્ન રહીને આ સંસ્થા ચલાવે છે. ૫૬ તાલીમાર્થી બહેનો એમાં તાલીમ લે છે.

. મૅડિકલ કોન્ફરન્સીઝ : મૅડિકલ ક્ષેત્રના ખ્યાતનામ નિષ્ણાતો અને આ હૉસ્પિટલના કર્મચારી સમૂહ દ્વારા અવારનવાર વર્કશોપ-સેમિનાર-કોન્ફરન્સનું આયોજન આ સંસ્થા દ્વારા થાય છે. ઈ.એન.ટી. સર્જન્સ, ઑર્થોપેડિક સર્જન્સ અને જનરલ સર્જન્સની ત્રણ કોન્ફરન્સ વિશાળ પાયે હાથ ધરાઈ હતી. એન્ડોસ્કોપી વિશે વર્કશોપ-સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલક : શ્રી મનસુખભાઈ મહેતા

Total Views: 409

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.