આજનો યુવાન જમાનાના પ્રવાહમાં તણાયે જાય છે, દિશાશૂન્ય છે અને નિરાશાઓથી ઘેરાયેલો છે. સાયન્સ અને ટૅક્નોલોજી દ્વારા સંસ્કૃતિની કહેવાતી પ્રગતિએ તો આ પરિસ્થિતિમાં અસ્ત-વ્યસ્તતા અને અંધાધૂંધીનો ઉમેરો કર્યો છે. ભૌતિક સગવડો વધારવામાં એણે જરૂર ફાળો આપ્યો છે અને માત્ર ભૌતિક આનંદથી ભરપૂર એવા મોહક જીવન જીવવાનું શક્ય બનાવી દીધું છે. પરંતુ એણે યુવાનોના સાચા જીવનની કવિતાને તથા આંતરિક સૌંદર્ય અને પરમાનંદનાં સંવર્ધન અને વિકાસને છીનવી લીધાં છે.

આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે ઉપદેશેલા આદર્શો અને સા૨ગર્ભિત વિચારો તમામ યુવાનો માટે વૈશ્વિક મહત્ત્વ ધરાવે છે. તેમનું બુલંદ આહ્વાન આપણી નસોમાં પ્રાણ પૂરે છે.

સ્વામીજીની હાકલ યુવાનોને બહાદુર, હિંમતવાન, સાચા ભારતવાસી બનવા તથા દરેક ભારતવાસીને પોતાના ભાઈ માનવા, ભારતના કલ્યાણને જ પોતાનું કલ્યાણ માનવા, નિર્બળતાઓનો નાશ કરવા, કાયરતાને દૂર હટાવવા, જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા રાખવા તથા ચારિત્ર્યઘડતર, આત્મશ્રદ્ધા, આત્મનિર્ભરતા, આત્મજ્ઞાન, આત્મસંયમ અને આત્મત્યાગ કેળવવા પ્રેરણાદાયી સંદેશો આપે છે.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં તમામ કેન્દ્રો અનેકાનેક સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓની સાથોસાથ સ્વામીજીના અદ્ભુત ચૈતન્યદાયી અને પ્રે૨ક સંદેશાઓ જ્ઞાતિ, ધર્મ કે જાતિના ભેદ વિના તમામ લોકોમાં પ્રચાર પામે તે માટે કાર્યરત છે.

બેલુડમઠ ખાતે આવેલા સંઘના મુખ્ય મથક ઉપરાંત ૧૩૪ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૫૭ મિશન કેન્દ્રો છે, ૨૫ મઠ અને મિશન કેન્દ્રો છે અને ૫૨ મઠ કેન્દ્રો છે. આ પૈકી ૧૦૦ કેન્દ્રો ભારતમાં છે અને ૩૪ કેન્દ્રો વિદેશોમાં છે. સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, ભક્તો, તજ્જ્ઞો, વૈજ્ઞાનિકો, તથા નીચલા થરના લોકો સહિત તમામ વર્ગના લોકો આ કાર્યોમાં સહભાગી થાય છે અને પોતપોતાનો ફાળો આપે છે.

શિક્ષણ:

ડિગ્રી કોલેજો, સંસ્કૃત કોલેજ, ટિચર્સ ટ્રેનિંગ કોલેજો, જુનિયર બેઝીક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટસ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલો (બૉય્ઝ અને ગર્લ્સ), નર્સિંગ સ્કૂલો, સંસ્કૃત સ્કૂલો, સમાજના જુદા જુદા વર્ગો માટેની સ્કૂલો, પોલિટેકનિકો, જુનિયર ટેકનિકલ અને ઈન્ડસ્ટ્રીયલ સ્કૂલો, છાત્રાલયો અને છાત્રગૃહો તથા વિદ્યાર્થી મંદિરો, અનાથાશ્રમો, કૃષિ સંસ્થાઓ, લેન્ગ્વેજ સ્કૂલો, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટરો, અંધ વિદ્યાર્થીઓ માટે એકેડેમી, ગ્રંથપાલો માટે ટ્રેનિંગ સેન્ટર, ગ્રામ વિકાસ તાલીમ સંસ્થાઓ અને અવિધિસરનાં (નોન ફોર્મલ) આમ કુલ ૬,૮૨૨ શિક્ષણ કેન્દ્રોમાં ૧૯૯૩-૯૪ના વર્ષમાં કુલ ૧,૨૭,૦૪૧ વિદ્યાર્થીઓ તથા ૮૦,૪૧૪ વિદ્યાર્થિનીઓ સહિત ૨,૦૭,૪૫૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વર્ષમાં આ પ્રવૃત્તિઓ પાછળ કુલ ચોત્રીસ કરોડ અને બેતાલીસ લાખ રૂપિયાની રકમનો ખર્ચ ક૨વામાં આવ્યો.

ગામડાંઓમાં તથા પછાત અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા નીચેનાં કેન્દ્રોમાં મિશન તરફથી કરવામાં આવી છે

રાજ્ય                                                                       કેન્દ્ર

(૧) અરુણાચલ પ્રદેશ                  અલોંગ અને નરોત્તમનગર

(૨) આસામ                                              ગૌહાટી અને સિલચર

(૩) બિહાર                                જમશેદપુર, જામતાડા અને રાંચી (મોરાબાદી)

(૪) મદ્રાસ                                 મદ્રાસ

(૫) ગુજરાત                                               રાજકોટ

(૬) કેરાલા                                 કાલડી

(૭) મધ્યપ્રદેશ                                            નારાયણપુર

(૮) મેઘાલય                                               ચેરાપુંજી અને શિલોંગ

(૯) ઓરિસ્સા                                            પુરી (જગન્નાથપુરી)

(૧૦) ત્રિપુરા                                               અમતાલી

(૧૧) પશ્ચિમ બંગાળ                                    નરેન્દ્રપુર, પુરુલિયા, રહારા, સરિષા, જયરામવાટી, કામારપુકુર, મનસા દ્વીપ, રામહરિપુર, (બાંકુરા) તથા નરેન્દ્રનગર

વિવિધ કેન્દ્રોમાં ટૂંકા ગાળાના જુદા જુદા અભ્યાસક્રમો શિખવવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે તેની મુખ્ય મુખ્ય વિગતો આ સાથેના પરિશિષ્ટ ‘૧’માં આપવામાં આવી છે.

મઠ તથા મિશનનાં તમામ કેન્દ્રોમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. માનવ નિર્માણ અને ચારિત્ર્ય નિર્માણ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. યુવાનોનો સર્વાંગી વિકાસ થાય, તેઓ દૃઢ નૈતિક વિચારસરણીમાં સ્થિર થયેલા શક્તિશાળી અને નિરોગી વ્યક્તિઓ બને તથા જીવનનાં ઉચ્ચ મૂલ્યોનો આદર કરે તથા પોતાની આસપાસના દરિદ્ર અને પદદલિત જનસમૂહો પ્રત્યેની પોતાની જવાબદારીથી સભાન રહે તે માટે આ કેન્દ્રો ખાસ ધ્યાન આપે છે.

મિશન કેન્દ્રો દ્વારા આયોજિત તહેવારો અને ઉત્સવોની ઉજવણીમાં લાખો લોકો ભાગ લે છે જેમાં યુવાનોની સંખ્યા પણ ઘણી મોટી હોય છે.

ઓડિયો વિઝ્યુઅલ શો, શૈક્ષણિક ફિલ્મો, પરિસંવાદો, ચર્ચાપરિષદો, ડિબેટ, વક્તૃત્વ અને અન્ય સ્પર્ધાઓ, ક્વીઝ, વિસ્તરણ સમાજસેવા શિબિરો વગેરે દ્વારા યુવાનોમાં સર્વતોમુખી વિકાસ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવે છે. રામકૃષ્ણ મઠ અને મિશનના અનેક કેન્દ્રો દર વર્ષે આવી સ્પર્ધાઓ યોજે છે, જેમાં હજારો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

લગભગ તમામ કેન્દ્રોના યુવાનો ઉત્તમમાં ઉત્તમ પરિણામો લાવે છે. એટલું જ નહિ પરંતુ રમતગમત અને ઈતર પ્રવૃત્તિઓની સ્પર્ધાઓમાં પણ વિશિષ્ટ સ્થાન મેળવે છે. રાજ્યો અને અન્ય સેવાભાવી સંસ્થાઓ તરફથી અપાતી શિષ્યવૃત્તિઓ મેળવે છે.

અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યાં જ્યાં તેઓ સેવા આપતા હોય છે ત્યાં ત્યાં તેઓ જીવનનાં ઉચ્ચ મૂલ્યોને અગ્રતા આપતા હોય છે. મિશનનાં કેન્દ્રોનાં પુસ્તકાલયો અને અન્ય સગવડોનો લાભ અનેક યુવાનો લે છે.

આધ્યાત્મિક શિબિરોઃ

રામકૃષ્ણ મઠ મિશનના અનેક કેન્દ્રો દ્વારા આધ્યાત્મિક શિબિરોનું વારંવાર આયોજન કરવામાં આવે છે. આ શિબિરોમાં યુવાનો ઘણી મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે. આ શિબિરોમાં પ્રાર્થના, ધ્યાન, એકાગ્રતા, સર્વધર્મ સમભાવ, ધર્મ વિશેની સાચી સમજણ, ધાર્મિક સહિષ્ણુતા, યોગનાં અંગો જેવાં કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, વગેરે અનેક નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો ઉપર યુવાનો જાણકારી મેળવી જીવનનાં મૂલ્યો વિષે પ્રેરણા મેળવે છે.

યુવ-શિબિરો, યુવ-સંમેલનો, રાષ્ટ્રીય યુવ-દિન તથા યુવક નેતૃત્વ તાલીમઃ

રામકૃષ્ણ મઠ અને મિશનનાં લગભગ બધાં કેન્દ્રો દ્વારા યુવ-શિબિરો, યુવ-સંમેલનો અને રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યુવાનોને પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવાની તક આપવામાં આવે છે. પ્રશ્નોત્તરીના કાર્યક્રમ દ્વારા યુવાનોની સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. સ્વામીજીઓ તથા વિશેષ આમંત્રિત મહેમાનોનાં પ્રેરણાદાયી માર્ગદર્શક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે છે. મોટા ભાગના યુવાનોનો એવો અભિપ્રાય હોય છે કે, ‘આશ્રમના આ શિબિરો અને સંમેલનોમાંથી જે કાંઈ ભાથું મળે છે તે અમને બીજે ક્યાંયથી મળતું નથી’, આથી યુવાનોને આશ્રમની વારંવાર મુલાકાત લઈ માર્ગદર્શન મેળવવા, પોતાની સમસ્યાઓનું સમાધાન શોધવા તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશો જીવનમાં ઉતારી શકાય તે માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય, ખાસ કરીને યુવાનો માટે પ્રકાશિત થયેલ સાહિત્ય વાંચવા પ્રેરણા આપવામાં આવે છે.

શારીરિક, આર્થિક અને માનસિક દરેક રીતે યુવાન પોતાના પગ ઉપર ઊભો રહી શકે એવા માનવ નિર્માણના પાઠો આ સંમેલનોમાં શિખવવામાં આવે છે. યુવાનોએ જીવનના પડકારો કેવી રીતે ઝીલવા, પોતાની આજીવિકા માટે કેવા પ્રકારના સિદ્ધાંતો અપનાવવા, સમાજના તમામ વર્ગો સાથે કેવા પ્રકારનું વર્તન રાખવું વગેરે જીવનોપયોગી વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવે છે. યુવાનો પોતાના જીવનમાં દયા, કરુણા, હિંમત, ધીરજ, ખંત વગેરે ગુણો કેળવીને બલિષ્ઠ બનવાની સાથે સાથે સરળ અને સજ્જન બને તેવી પ્રેરણા આપવામાં આવે છે. નેતૃત્વના ગુણો ખીલવવા તાલીમ આપવામાં આવે છે. દેશનાં નહેરુ યુવક કેન્દ્રો સાથે પણ મિશનના સંકલિત કાર્યક્રમો ગોઠવવામાં આવે છે.

મઠ અને મિશનનાં રાજકોટ અને અન્ય કેટલાંક કેન્દ્રો દ્વારા મૅનૅજમૅન્ટમાં ભારતીય પદ્ધતિ અને આચાર- સંહિતાના ઉપયોગ વિશેના શિબિરોનું આયોજન ક૨વામાં આવે છે. યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ મૅનેજમેન્ટનાં રહસ્યોની જાણકારી મેળવે છે. ભારતીય સંસ્કૃતિનું યોગ્ય અને સાચું મૂલ્યાંકન તથા અર્થઘટન એ વિશે સમજણ આપવામાં આવે છે.

વિવેકાનંદ યુવક સંઘ:

સોળ થી ત્રીસ વર્ષની વયના યુવાનો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગ્લોર દ્વારા વિવેકાનંદ યુવક સંઘની સ્થાપના ૧૯૮૫માં કરવામાં આવી છે. યુવાનોને વેદગાન, સ્તોત્રો, ભજનો વગેરે શિખવવામાં આવે છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિષયો ઉપર બોધદાયક વ્યાખ્યાનો યોજવામાં આવે છે. આ ઉપરાંત રમતગમત, ગ્રંથાલય, યોગાસન, વ્યાયામ, પોતપોતાની રુચિ તથા વ્યકિતગત વિકાસ અને સમાજસેવાનાં કાર્યો માટે પણ સગવડ આપવામાં આવે છે.

યુથ કલબ:

રામકૃષ્ણ મિશન લોકશિક્ષા પરિષદ, નરેન્દ્રપુ૨ તરફથી ગામડાંના યુવાનોનાં જૂથો બનાવીને યુથ કલબો સ્થાપવામાં આવી છે. આ કલબોમાં યુવાનોને વિવિધ ધંધાકીય તાલીમ આપવામાં આવે છે, તાલીમ પામેલ યુવાનો અને યુવતીઓ પોતાના ધંધા શરૂ કરે છે અથવા ચાલુ ધંધાનો વિકાસ કરે છે અને સાથે સાથે ગામડાંમાં વિસ્તરણ કાર્યકરો તરીકે પોતાના પ્રદેશોમાં સેવાનું કાર્ય કરે છે. આવી લગભગ ૩૦૦ કલબો તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે આઠ થી દસ હજાર યુવાનો અને યુવતીઓને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ગામડાંના યુવાનો માટે જ નહિ પરંતુ શહેરોના, ખાસ કરીને કલકત્તાના ગંદા વસવાટોમાં નિવાસ કરતા યુવાનોને માટે પણ યોજવામાં આવે છે. હાલ અનેક તાલીમ કાર્યક્રમો ચાલે છે જેની યાદી આ સાથે પરિશિષ્ટ ‘૨’માં આપવામાં આવી છે. આવી જ રીતે રાંચી (બિહાર)માં ૫૫ યુથ કલબો સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્રના નામે પ્રારંભ થઈ છે.

સ્વામી વિવેકાનંદ યુથ કલબ બેંગ્લોર, જિલ્લાના શિવનહલ્લી ખાતે શરૂ કરાયેલા આશ્રમના બધા જ વિકાસ કાર્યક્રમોને ક૨વા માટે ચર્ચાઓ કરી તેનું આયોજન ગોઠવે છે. દર પંદર દિવસે શૈક્ષણિક ફિલ્મ શોનું આયોજન કરે છે. ગામડાંમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રી શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદ ઉપર આધારિત હરિકથાઓનું તથા ગામડાંમાં ઉત્સવો તથા નાટકોનું આયોજન કરે છે.

યુથ સ્ટડી સર્કલ:

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તેમજ અન્ય કેન્દ્રોમાં વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલ ચાલે છે. દર રવિવારે સાંજે ૪ વાગે યુવા ભાઈઓ આશ્રમના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોનું વાચન કરી તેના પર પરસ્પર ચર્ચા-વિચારણા કરે છે તેમજ રચનાત્મક કાર્યોમાં પણ ભાગ લે છે. ત્રંબા અને અણિયારા વગેરે ગામોમાં બાળકોને ભણાવવા, વૃક્ષો રોપવા, દવા વિત૨ણ ક૨વું વગેરે સેવા કાર્યો દ્વારા પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

યુવાનોને સહાય:

બેંગ્લોર આશ્રમ દ્વારા દર વર્ષે મેડિસિન, ઈજનેરી, કૃષિ, સંસ્કૃત તથા નર્સિંગના પદવી અભ્યાસક્રમમાં ભણતા ૨૧ વિદ્યાર્થીઓને રૂપિયા ૫૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ચેરાપુંજી આશ્રમ દ્વારા રોકડ તથા અન્ય પ્રકારે ગરીબ તથા આદિવાસી યુવાનો તથા અન્ય લોકોને સહાય આપવામાં આવે છે.

અંધ યુવાનો માટે સગવડો:

રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની અંધ યુવા એકેડેમી અંધ યુવાનોને તાલીમ આપે છે. તેમને વ્યવસાય શોધી આપવામાં સહાય કરે છે. અંધ કાર્યકરો માટે પેટા-કોન્ટ્રેક્ટ વર્કશોપ ચલાવે છે. બ્રેઈલ લાયબ્રેરીની સગવડ આપે છે. સ્વાવલંબી બનવા માટે યોગ્ય મદદ કરે છે. એકેડેમી તરફથી બ્રેઈલ પ્રેસની વ્યવસ્થા કરવામાં આવી છે. દૃષ્ટિહીન શિક્ષકોની તાલીમ માટે પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ટોકીંગ- બુક (ટેપ, કેસેટ, ડીસ્ક) લાયબ્રેરી તથા કૃત્રિમ સ્વીમીંગ પુલ ચલાવવામાં આવે છે. આ ઍકેડેમીના ઘણા અંધયુવાનોએ અનુસ્નાતક પદવી મેળવી છે. સંગીત, હસ્ત કૌશલ, લેથ મશીનના પાવરથી ચાલતાં મશીનો ચલાવવાં, આર્મેચર વાઈન્ડિંગ અને રિવાઈન્ડિંગ વગેરેની તાલીમ આપવામાં આવે છે. અક્ષમ વ્યક્તિઓના કલ્યાણ માટે ઉત્તમમાં ઉત્તમ ફાળો આપવા બદલ આ ઍકેડેમીને ૧૯૮૩માં ભારત સરકાર તરફથી રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રામકૃષ્ણ મિશન વિદ્યાલય કોઈમ્બતુરની નિવાસી હાઈસ્કૂલમાં પણ અંધ વિદ્યાર્થીઓને શિક્ષણની સગવડો આપવામાં આવે છે.

આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો:

શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગ, દેવધર (બિહાર), ચેરાપુંજી, અલોંગ, નરેન્દ્રપુ૨, સિલચર, ગોહાટી, અબૂઝમાડ (મધ્યપ્રદેશ), પોર્ટ બ્લેયર (આંદામાન), જમશેદપુર, દિવ્યાયન (રાંચી), વિવેકનગર (ત્રિપુરા), બેંગ્લોર, કાલડી વગેરે ત૨ફથી આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિવાસી છાત્રાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાચીન આશ્રમોની પ્રતિકૃતિ જેવા આ આધુનિક આશ્રમમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુરૂપ થાય તેવી તાલીમ આપે છે. આધ્યાત્મિક જીવન માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

ગ્રામ-સેવા વિકાસ તથા આદિવાસી સેવા વિકાસ કાર્યક્રમો:

મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના અબૂઝમાડ વિસ્તારમાં (સૌથી વધારે એવા પછાત વિસ્તારમાં) રામકૃષ્ણ મિશન, નારાયણપુ૨ના કાર્યક્ષેત્ર હેઠળ આકાબેડા, કુતુલ, કરચયલ, ઈરાકભટ્ટી અને કુંડલામાં પ્રાથમિક શાળા, ઉદ્યાન નિર્માણ, ફૂલો અને ખેતીવાડીનાં નિદર્શન કેન્દ્રો છે. મધમાખી ઉછે૨, બેકરી ઉદ્યોગ, દરજીકામ, સુથારકામ, લાકડાં ઉપરનું કોતરણી કામ, વાંસકામ, કાંસાંકામ વગેરેની તાલીમ ગામડાઓનાં યુવાનોને અને યુવતીઓને આપવામાં આવે છે. શિક્ષક તરીકેની, બાગાયત ઈન્સ્ટ્રક્ટર તથા આરોગ્ય કાર્યકર તરીકેની તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ પામેલા યુવાનો બહુલક્ષી (મલ્ટીપ૨૫ઝ) સામાજિક કાર્યકરો તરીકે ગામડાંમાં કાર્ય કરે છે.

નારાયણપુરનું કેન્દ્ર ગામડાંમાં તથા આદિવાસી વિસ્તારમાં રસ્તા બાંધકામ, વીજળીકરણ, પાણી પૂરવઠો (બોરકૂવા, પમ્પહાઉસ સાથેની ઓવરહેડ ટાંકીઓ), ગટર વ્યવસ્થા, ગોબર ગેસ પ્લાન્ટ્સ, રમતગમતનાં મેદાનો, વૃક્ષારોપણ તથા કુદરતી સૌંદર્ય વૃદ્ધિ, જમીન વિકાસ, માછીમારી માટેનાં તળાવો, ફાર્મહાઉસ માટેનાં મકાનો, ડેરીનાં મકાનો વગેરે કામો ગામડાંના અને આદિવાસી યુવાનોને સંકલિત કરીને સરકારી અને અન્ય સહાય મેળવી કરે છે.

રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિર (યુથ ટ્રેનિંગ સેન્ટર) રામકૃષ્ણ મિશન શારદાપીઠ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી નવ મહિનાની તાલીમ બાદ નિખાલસ અને સમર્પિત આયોજકો અથવા ગ્રામ વિકાસ માટેના સમાજસેવકો તૈયાર કરવામાં આવે છે. તાલીમ પામેલા યુવાનો પોતાના પ્રદેશમાં કાર્ય કરી એ સમાજના ઉત્થાન માટે કાર્યરત રહે છે. તાલીમ પામેલા યુવાનોએ “સાર્વત્રિક વિવેકાનંદ ગ્રામ સેવા સંસ્થા”ની સ્થાપના કરી છે. આ સંસ્થા બંગાળના આઠ જિલ્લાઓમાં ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ કેન્દ્રમાં છેંતાલીસથી પણ વધુ અભ્યાસક્રમો છે.

રામકૃષ્ણ મિશન, મૈસુરમાં સમગ્ર આદિવાસી વિકાસ કાર્યક્રમ ત્રણ તાલુકાઓમાં ખાસ કરીને ખેતી, બાગાયત અને રેશમ ઉત્પાદનનાં ક્ષેત્રોમાં ચલાવે છે. મૈસુરથી બસો કિ.મી. દૂર બી.આર.હિલ્સ છે ત્યાં કૃષિ વિકાસ માટે સિંચાઈની પદ્ધતિઓમાં સુધારા માટે તથા સાધનો માટે જરૂરી સહાય આપવામાં આવે છે.

બેલુડના મુખ્ય મથકેથી ‘‘પલ્લીમંગલ” યોજના દ્વારા સમર્પિત સ્વૈચ્છિક પરિબળ તરીકે સ્થાનિક યુવાનોને તાલીમ આપી ગ્રામ વિકાસના કાર્યક્રમોનું સંચાલન તથા તેના વિકાસની જવાબદારી સોંપવામાં આવે છે. આ તાલીમી યુવાનો દ્વારા ગામડાંમાં નિદર્શનો અને શિબિરોના આયોજનો દ્વારા ખેતી, મત્સ્ય ઉછેર, ડેરી, મધમાખી ઉછેર તથા અગરબત્તી બનાવવી, હેન્ડલુમ્સ ચલાવવા, કાંતણ વગેરે ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે. ગ્રામજનો મારફત ગૃહ ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ વેચવાની વ્યવસ્થા મિશન કરે છે. શણ ઉદ્યોગ પલ્લીમંગલનું આકર્ષક પાસું છે.

કલકત્તાની નજીક આવેલ રામકૃષ્ણ મિશન શારદાપીઠ દ્વારા જનશિક્ષણ મંદિર મારફત એકતાલીસ કેન્દ્રોમાં જનસમૂહના શિક્ષણ માટેના વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દરજીકામ, સુથારીકામ, મશીન દ્વારા ઊનનું ભરતકામ, વગેરેની તાલીમ આપવામાં આવે છે. શિલ્પમંદિર દ્વારા કૉમ્યુનિટિ પોલિટેકનિક મારફત કૌશલ વિકાસનાં કેન્દ્રોમાં વેલ્ડીંગ, વાયરીંગ, સુથારીકામ, રેફ્રિજરેટર અને એરકન્ડિશન રીપેર, કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ તથા કૉમ્યુટરની જાળવણી વગેરે ધંધાકીય તાલીમ આપવામાં આવે છે.

લોકશિક્ષાપરિષદ સાથે જોડાયેલાં ૫૭૦ યુવા સંસ્થાનો તથા લગભગ ૭૦૦ સહયોગી સંસ્થાઓ મારફત હાલમાં ત્રણ હજાર ગામડાંઓમાં યુવાનો મા૨ફત કાર્ય કરે છે. પરિષદની તાલીમ પાંખ દ્વારા (૧) નેતૃત્વ તાલીમ કાર્યક્રમ (૨) ખેતી તાલીમકેન્દ્ર (૩) પશુપાલન (૪) ખેતીની પદ્ધતિઓનું સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર (૫) જમીન પરીક્ષણ પ્રયોગ શાળા (૬) માહિતી વિકાસ અને સ્રોત એજન્સી (૭) ઓરિએન્ટેશન અને રિસર્ચ સેન્ટર (૮) શ્રમિક વિદ્યાપીઠ (૯) નિવાસી વ્યવસાયી તાલીમ કાર્યક્રમ (૧૦) મૂળભૂત શહેરી સેવા કાર્યક્રમ માટે ક્ષેત્રિય તાલીમ સંસ્થા (૧૧) સંશોધન અને મૂલ્યાંકન જૂથ (સેલ) તથા ક્ષેત્રિય પાંખ દ્વારા (૧) બાળકોની કેળવણી તથા આરોગ્ય સંભાળ (૨) પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંવર્ધન (૩) સ્વાવલંબન અને ઉદ્યોગ સાહસિક્તા વિકાસ (૪) કોમ્યુનિટિ સેવીંગ પ્રકલ્પ (ગ્રામ બેંક) (૫) પડતર જમીન વિકાસ કાર્યક્રમ (૬) સહયોગી વન સંચાલન કાર્યક્રમો (૭) સમગ્ર ગ્રામ વિકાસપ્રકલ્પના કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

દિવ્યાયનના નામથી રામકૃષ્ણ મિશન આશ્રમ, મોરાબાદી, રાંચી દ્વારા ગ્રામ વિકાસના ‘‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’’ મારફત સાધુઓની સીધી દેખરેખ હેઠળ સમર્પિત ક્ષેત્રિય કાર્યકરો તૈયાર કરવામાં આવે છે. ‘‘વિવેકાનંદ સેવા સંઘ”ના નામથી યુવકોનું સંગઠન ચાલે છે. આવા સંગઠનોના માધ્યમથી આદિવાસી યુવાનોને માર્ગદર્શન આપવામાં આવે છે. નાના ખેડૂતો માટે પાણીના બોર બનાવવામાં આવે છે. “જલધારા”નો આ કાર્યક્રમ ગામડાઓ માટે આશીર્વાદ સમાન થઈ પડ્યો છે. “દરેક માટે દરરોજ ખોરાક” એ ઉદ્દેશ્યને લક્ષમાં રાખી ગામડાંઓનો આર્થિક વિકાસ થાય એ પ્રમાણે ખેતી વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. બેંકો મારફત લોનો અપાવવામાં આવે છે. મોબાઈલ વેટરીનરી હોસ્પિટલ દ્વારા ઢોરોની માવજત કરવામાં આવે છે. કલમી આંબા અને નાળિયેરીના છોડ આપવામાં આવે છે. મકાનો બાંધવામાં આવે છે. ગામડામાં વીજળી આવે તથા રસ્તાઓ તૈયાર થાય એ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ બધાં કાર્યો “સમર્પિત ક્ષેત્રિય કાર્યકરો’’ દ્વારા મિશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ સંસ્થાને દેશનું સર્વોત્તમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માનવામાં આવે છે. ૧૯૮૬માં વૃક્ષારોપણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ટ્રાયસેમ (TRYSEM) યોજના હેઠળ યુવકોને સ્વરોજગારમાં નિયોજન કરવા માટે વિભિન્ન પ્રકારના તાલીમ વર્ગો ચાલે છે. આવાસ તથા ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક હોય છે. આ સાથે આ કેન્દ્રની પ્રવૃત્તિઓના ચિત્રો આપવામાં આવ્યા છે.

વિવેકનગર (અંતાલી, ત્રિપુરા-વેસ્ટ) દ્વારા બે આદિવાસી વિસ્તારના ગામડામાં કૃષિ વિકાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

હરિજન યુવાનો માટે તાલીમ કાર્યક્રમઃ

રામકૃષ્ણ મિશન આશ્રમ, કાલડી (એર્નાકુલમ) દ્વારા હરિજનો માટે કૉમ્યુનિટિ સેન્ટર ચલાવવામાં આવે છે તથા હરિજનો માટે ટાઈપરાઈટીંગની તાલીમની વ્યવસ્થા કરવામાં આવે છે. હરિજન યુવતીઓને દરજીકામની તાલીમ આપવામાં આવે છે.

વ્યવસાયમાં રોકાયેલી હરિજન યુવતીઓ માટે ઘોડિયાઘરની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્રિપુરા આશ્રમ દ્વારા હરિજનો માટે કલ્યાણકેન્દ્ર ચલાવવામાં આવે છે. સરિષા આશ્રમ દ્વારા સ્ત્રીઓ માટે કૉમ્યુનિટિ સેન્ટર ચલાવવામાં આવે છે. નરેન્દ્રપુર આશ્રમ દ્વારા ઉત્તર કલકત્તાના કાલાબાગાન અને રામબાગાનના ઝૂંપડપટ્ટી વિસ્તારના વસવાટોમાં કેન્દ્ર ઊભાં કરીને હરિજન યુવાનો અને યુવતીઓને દરજીકામ, ચિત્રકામ, નેતર અને વાંસકામ, લેથ ચલાવવા વગેરેની તાલીમ આપવામાં આવે છે. હરિજનો માટે ચેરિટેબલ ડિસ્પેન્સરી ચલાવવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને ત્યાંથી બીજે સ્થળાંતર કરાવ્યા સિવાય મિશનની સાથેના તેમના સંપૂર્ણ સહકારથી બાવીસ ચાર ચાર માળના બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં સોળ ફલેટની યોજના છે. દરેક ફલેટમાં ૨૭.૪૨ સ્કવેર મીટર જગ્યા તથા દરેકમાં બે રૂમ તથા ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. વરંડા સાથે દરેક બ્લોકમાં ચાર ફલેટ જેટલી જગ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રાખવામાં આવી છે.

કિસાનમેળાનું આયોજન:

રામકૃષ્ણ મિશન, રાંચીના દિવ્યાયન કેન્દ્ર દ્વારા દર વર્ષે ‘‘કિસાનમેળા’’નું આયોજન કરવામાં આવે છે, જે યુવાનો માટે ખૂબ લાભકારક નીવડ્યા છે.

શહેરમાં રહેતા યુવાનો માટે શ્રમિક વિદ્યાપીઠ દ્વારા કાર્યક્રમો:

વિવિધ કળાકારીગરી શહેરોના યુવાનો શિખી શકે તે માટે રામકૃષ્ણ મિશન, નરેન્દ્રનગર, ચોવીસ પરગણા (દક્ષિણ) તરફથી શ્રમિક વિદ્યાપીઠનું આયોજન કરવામા આવે છે જેમાં બુક બાઈન્ડિંગ, ઘડિયાળ રીપેરીંગ, ટાઈપરાઈટર રીપેરીંગ, સીલ્ક સ્ક્રીનપ્રિન્ટિંગ, સાઈનબોર્ડ પેઈન્ટીંગ, રેડિયો અને ટી.વી. રીપેરીંગ, ઘરગથ્થું ઈલેક્ટ્રીક સાધનોનું રીપેરીંગ, મોટર વાઈન્ડિંગ, ઓટો ડ્રાઈવીંગ, મોટર ડ્રાઈવીંગ, મોટર મીકેનીક્સ, કૉમ્પ્યુટર, દરજીકામ, મશીનથી ભરતકામ, રૂમોની સાચવણી, સાબુ અને ડિટરજન્ટ બનાવવાની કામગીરી, ફોટોગ્રાફી, ટેલીફોન ઓપરેટીંગ, ટેલેક્ષ ઓપરેશન, ઓફિસ મૅનૅજમૅન્ટ, લેબોરેટરી ટેકનિશિયન (પેથોલોજી), ફિઝિયોથેરપી, આરોગ્ય અને પોષણ માટેની કેળવણી, ફર્સ્ટ એઈડ અને જનરલ સેફ્ટી, તથા પર્યાવરણની સ્વચ્છતા વગેરે અનેક તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ તાલીમથી હજારો બેકાર યુવાનોને રોજી મેળવવામાં, પોતાનો ધંધો શરૂ ક૨વામાં વગેરે માટે ખૂબ ફાયદો થયો છે.

પ્રકાશનો:

માયાવતીથી પ્રકાશિત થતું રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખપત્ર ‘‘પ્રબુદ્ધ ભારત’’ છેલ્લાં સો વરસથી ભારતના લોકો તથા ખાસ કરીને યુવાનોની સેવા કરી રહ્યું છે. વૈશ્વિક વેદાંત અને આધ્યાત્મિકતાના ઉંચા આદર્શોવાળું જીવન જીવવાની પ્રેરણા યુવાનોને પૂરી પાડે છે. શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રી મા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશો તથા વેદાંતના સ૨ળ તત્ત્વજ્ઞાનને યુવાનો સમક્ષ મૂકીને ભૌતિક લાભોનો ત્યાગ કરવાની સમર્પિત જીવન જીવવાની અને દેશના દરિદ્રનારાયણની નિઃસ્વાર્થ સેવા કરવાની હાકલ યુવાનોને કર્યા કરે છે.

દેશની જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત મિશનના સામયિકોમાં પણ યુવાનો માટે પ્રેરણાત્મક વાચન પીરસવામાં આવે છે. મઠ અને મિશન દ્વારા વિવિધ ભાષામાં પ્રકાશિત થતાં અનેક પુસ્તકો અને ખાસ કરીને યુવાનો માટે પ્રકાશિત થતાં પુસ્તકો ખૂબ પ્રેરણાદાયી સાહિત્ય પૂરું પાડે છે.

એવોર્ડ્ઝ વગેરે:

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રામકૃષ્ણ મિશનને માનવ હિત જ સર્વોપરી છે એ વિચા૨સ૨ણી માટે ઉત્કૃષ્ટ ફાળો આપવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલના હસ્તે શ્રી જી. ડી. બિરલા ઈન્ટરનેશનલ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

બાળકોની કેળવણી માટે ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા પુરુલિયા વિદ્યાપીઠને રાષ્ટ્રીય એવોર્ડ (૧૯૯૨) એનાયત કરવામાં આવ્યો.

સદ્ભાવના નિબંધ સ્પર્ધામાં બંગાળી ભાષામાં ઉત્તમ નિબંધ માટે શારદાપીઠ બેલુડના વિદ્યામંદિર કોલેજના વિદ્યાર્થીને ભારતના વડાપ્રધાન દ્વારા ઈનામ આપવામાં આવ્યું.

શારીરિક રીતે અક્ષમ એવા વધારેમાં વધારે યુવાનોને નોકરીમાં રાખવા માટે મુખ્ય પ્રધાનનો એવોર્ડ કોઈમ્બતુર વિદ્યાલયને આપવામાં આવ્યો.

રાજ્યકક્ષાની રિપબ્લિક ડે એથલેંટિક મીટમાં ૪x૧૦૦ મીટર રીલે સુવર્ણચંદ્રક કોઈમ્બતુર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેળવ્યો.

શારદા વિદ્યાલય મદ્રાસના એક સંગીત શિક્ષકો તમીલનાડુ સરકાર તરફથી ઉત્તમ શિક્ષક એવોર્ડ ૧૯૯૨ પ્રાપ્ત થયો.

અરુલાચલ પ્રદેશના ઉત્તમ શિક્ષક તરીકેનો રાજ્યપાલશ્રીનો એવોર્ડ (૧૯૯૨) તથા રાષ્ટ્રીય કક્ષાએ (૧૯૯૪)નો ઍવોર્ડ મિશનની અલોંગ સ્કૂલના એક શિક્ષકને મળ્યો. એ જ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ અને દ્વિતીય ઈનામ મેળવ્યાં. એમાંના એક વિદ્યાર્થીએ પૂર્વ ભારત વિજ્ઞાન પ્રદર્શનમાં બીજું ઈનામ તથા પૂર્વ ભારત વિજ્ઞાન ક્વીઝ સ્પર્ધામાં ત્રીજું ઈનામ મેળવ્યું.

ઑલ ઈન્ડિયા સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા (૧૨મું ધોરણ) ૧૯૯૨માં રામકૃષ્ણ મિશન સ્કૂલ નરોત્તમનગરનો વિદ્યાર્થી અરુણાચલ પ્રદેશના પછાત આદિવાસી વિદ્યાર્થીઓમાં પ્રથમ આવ્યો. એ વિદ્યાર્થીને રિજિયોનેલ રિસર્ચ લેબોરેટરી, જોરહાટ તરફથી રૂપિયા ત્રણ હજારનું રોકડ ઈનામ મળ્યું. હાલ આ વિદ્યાર્થી કાનપુરની આઈ.આઈ. ટી.માં બી. ટેક. કૉમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે.

જગદીશ બોઝ નેશનલ સાયન્સ ટેલેન્ટ રિસર્ચ તરફથી ૧૯૮૧માં રામકૃષ્ણ આશ્રમ નરેન્દ્રપુરને ઉત્તમમાં ઉત્તમ કોલેજ ગણીને રૂપિયા પાંચ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. ૧૯૮૯-૯૦માં પણ ઉત્તમમાં ઉત્તમ કોલેજ ગણીને એવોર્ડ આપવામાં આવ્યો.

આમ રામકૃષ્ણ મઠ અને મિશનની યુવાપ્રવૃત્તિઓ અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલી છે. આ તો માત્ર એક ટૂંકુ વિવેચન છે.

પરિશિષ્ટ “૧”

રામકૃષ્ણ મઠ અને મિશનનાં વિવિધ કેન્દ્રોમાં ગ્રામ વિસ્તારો તથા આદિવાસી વિસ્તારો માટેના ટૂંકાગાળાના તાલીમી અભ્યાસક્રમોઃ

અભ્યાસક્રમ                                                                                                              સ્થાન

(૧) ઈલેક્ટ્રોનિકસ                                                                                       રહારા

(૨) ઈલેક્ટ્રીશિઅન                                                                                     નરેન્દ્રપુર

(૩) કૃષિ તથા કૃષિ અર્થશાસ્ત્ર                                                                       અલોંગ

નરોત્તમનગર,

સકવાર (મુંબઈ), રાંચી (દિવ્યાયન)

(૪) કૃષિમશીનરી                                                                                        રાંચી (દિવ્યાયન)

(૫) કૃષિ સાધનોની જાળવણી                                                                      નરેન્દ્રપુર

(૬) કૃષિ વનરોપણ                                                                                      નરેન્દ્રપુર

(૭) કૃષિ સેવાકેન્દ્ર તથા કૃષિ બજારના સંચાલન માટેની તાલીમ          નરેન્દ્રપુર

(૮) કૃષિ નિદર્શન                                                                                         સકવાર (મુંબઈ)

(૯) કાંસાંકામ                                                                                                            નારાયણપુર

(૧૦) કુંભારકામ                                                                                                         નારાયણપુર

(૧૧) ખરીદી કળા                                                                                        નારાયણપુર

(૧૨) ખેતી માટે જમીન તૈયાર કરવી, બી વાવવું,

ખાતર વગેરે માટેની આધુનિક ટેકનિક દર્શાવતી તાલીમ             નારાયણપુર

(૧૩) ખેતી માટેની આધુનિક પદ્ધતિ                                                               મૈસુર, બેંગ્લોર

(૧૪) ઘાસના દોરડાં બનાવવાની તાલીમ                                         નારાયણપુર

(૧૫) છાપકામ                                                                                                            આલોંગ

(૧૬) ટાઈપરાઈટિંગ                                                                                    ચેરાપુંજી તથા સોહબરગંજ

(૧૭) ટાઈપરાઈટર રીપેરીંગ                                                                          નરેન્દ્રપુર

(૧૮) ડેરી ઉદ્યોગ                                                                                         આલોંગ, રાંચી (દિવ્યાયન)

(૧૯) ડેરી મેનેજમેન્ટ                                                                                    નરેન્દ્રપુર

(૨૦) નોન-ફોર્મલ એજ્યુકેશન                                                                      રામહરિપુર (બાંકુરા)

(૨૧) નૈતિક અને શૈક્ષણિક વર્ગો                                                                    મદ્રાસ

(૨૨) દરજીકામ                                                                                                           ચેરાપુંજી, સોહબરગંજ, રહરા,

સકવાર (મુંબઈ), કરીમગંજ, નારાયણપુર

નટરામપલ્લી (તમીલનાડુ)

(૨૩) નેતરકામ                                                                                                           નરોત્તમનગર

(૨૪) નિર્ધૂમચૂલા,                                                                                        રાંચી (દિવ્યાયન) કૂવા સિંચાઈ,

બાયોગેસપ્લાન્ટ્સ

સૂર્ય ઉર્જા ઉપયોગ

અર્જુન વૃક્ષારોપણ

(૨૫) પશુપાલન                                                                                                          નારાયણપુર

(૨૬) પ્રોત્સાહક પ્રેરણાત્મક કાર્યક્રમો                                                             રાંચી (દિવ્યાયન)

(૨૭) પ્લમ્બીંગ અને સેનેટરી ફિટિંગ                                                              નરેન્દ્રપુર

(૨૮) પરચુરણ વસ્તુઓ ચોંટાડીને કાર્ડ તૈયાર કરવાં                         નરેન્દ્રપુર

(૨૯) પડતર જમીન વિકાસ (કૃષિ-વિજ્ઞાન જ દ્વારા)                         નરેન્દ્રપુર

(૩૦) બાગાયત                                                                                                           નરોત્તમનગર, રાંચી (દિવ્યાયન)

બેંગ્લોર, મૈસુર

(૩૧) બેકરી                                                                                                રાહરા

(૩૨) ભરતગુંથણ                                                                                        ચેરાપુંજી, સોહબરગંજ

સરિષા, નારાયણપુર

(૩૩) મરઘાઉછેર                                                                                        આલોંગ, રાંચી (દિવ્યાયન)

(૩૪) મધમાખી ઉછેર                                                                                   આલોંગ, રાંચી (દિવ્યાયન)

(૩૫) મત્સ્ય ઉછેર (વૈજ્ઞાનિક પદ્ધતિ)                                                             રાંચી (દિવ્યાયન), નારાયણપુર

(૩૬) રૂરલ લાયબ્રેરીયનશીપ                                                                         રાહરા

(૩૭) રેડિયો મેન્યુફેંક્ચરીંગ ટી.વી. સર્વિસીંગ                                  નરેન્દ્રપુર

(૩૮) રેશમ ઉદ્યોગ                                                                                       મૈસૂર, બેંગ્લોર

(૩૯) રેશમના કીડા (કોશેટા) ઉછેર                                                               નરેન્દ્રપુર

(૪૦) લુહારીકામ                                                                                        નારાયણપુર

(૪૧) લાકડાં ઉપર કોતરણીકામ                                                                   નારાયણપુર

(૪૨) વોકેશનલ ટ્રેનિંગ                                                                                 પુરી (માછીમારો માટે) ચેરાપુંજી

(૪૩) વણાટકામ                                                                                                        ચેરાપુંજી, સોહબરગંજ,

મનસાદ્વીપ, સરિષા, નારાયણપુર

(૪૪) વિવિધકળાઓ                                                                                    નરોત્તમનગર

(૪૫) વાંસકામ                                                                                                           નારાયણપુર

(૪૬) વેલ્ડીંગ                                                                                                               ચેરાપુંજી, સોહબરગંજ

(૪૭) સુથારીકામ                                                                                        ચેરાપુંજી, સોહબરગંજ

આલોંગ, મનસાદ્વીપ,

નરોત્તમનગર, નારાયણપુર

રાંચી (દિવ્યાયન), રાહરા,

(૪૮) સ્વાવલંબન અને સાંસ્કૃતિક મૂલ્યોની તાલીમ                          નારાયણપુર

પરિશિષ્ટ “૨”

રામકૃષ્ણ મિશન લોકશિક્ષા પરિષદ નરેન્દ્રપુર તરફથી યુથ કલબો માટેના તાલીમ અભ્યાસક્રમો

સુથારીકામ, ઈલેક્ટ્રીશિયન, લેથ ઓપરેશન, પ્લમ્બીંગ અને સેનેટરી રૂટીંગ, રેડિયો મેન્યુફેક્ચરીંગ અને ટી.વી. સર્વિસીંગ, મરઘાં ઉછે૨ અને ડેરી મૅનૅજમૅન્ટ, કૃષિ સાધનોનો ઉપયોગ અને જાળવણી, ખેતી માટે મશીનરી સાધનો અંગે ખેડૂતોના પુત્રોને તાલીમ, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછે૨ ઉદ્યોગ, સાહસિકતા, રેશમના કોશેટાં ઉત્પાદન, નિર્ધૂમ ચૂલા તૈયા૨ ક૨વાની તાલીમ, અંગ્રેજી બોલવાની કળા, ફોટોગ્રાફ, ટાઈપરાઈટર રીપેરીંગ, સ્કુટર અને મોપેડ રીપેરીંગ, કૉમ્પ્યુટર (બેઝિક), મશીનથી ભરતકામ, ઘડિયાળ રીપેરીંગ, ટેલેક્ષ ઓપરેશન, મોટર ડ્રાઈવીંગ, મોટર મીકેનીક, સીલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગ, ઢીંગલીઓ બનાવવી, ટેલીફોન ઓપરેશન, ઓટોરીક્ષા ડ્રાઈવીંગ, બેટરી, એલિમિનેટર તથા સ્ટેબિલાઈઝર બનાવવાં તથા તેનુ રીપેરીંગ, ફળોની જાળવણી, લેબોરેટરી ટેકનિશિયન (પેથોલોજી), ઓફિસ મૅનેજમેન્ટ, બૂક બાઈન્ડિંગ વગેરે.

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.