(કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.)

ભુવનેશ્વરીદેવી : હે ભોળાનાથ! હે આશુતોષ! આપની કૃપાથી મને એક પુત્ર પ્રાપ્ત થયો છે. મારા ફઈબાએ કાશીમાં વીરેશ્વર મહાદેવની આ બાળક માટે નિત્ય પૂજા કરી છે તેથી મારા સંતાનનું ટૂંકું નામ ‘બિલે’ રાખ્યું છે. હે પ્રભુ! મારો બિલે નાદાન છે, તેથી બહુ તોફાન કરે છે. તેને શાંત કરો. મેં તો તમારી પાસે એક દીકરો માગ્યો હતો પણ મને લાગે છે કે તમે તો તમારા એક ભૂતને જ મોકલી દીધો છે કે શું?

(બિલે પોતાની મોટી બહેનને ચીડવે છે. તોફાની હાવભાવ કરે છે. જીભ કાઢે છે, દાંતિયા કરે છે. મોટી બહેન બિલેની પાછળ પાછળ દોડે છે. બિલેને પકડીને મા પાસે લઈ જવા મથે છે તેથી બિલે ગુસ્સે થઈને ચીજવસ્તુ ફેંકવા લાગે છે.)

મોટીબહેન : મા, જુઓને, બિલે મને ચીડવે છે. તમારી પાસે લાવું છું તો ચીજવસ્તુઓ ફેંકવા લાગ્યો છે.

ભુવનેશ્વરીદેવી : બિલે, બિલે! ઊભો રહે, હમણાં તને બોધપાઠ આપું છું. 

(તેટલામાં પડોશી વૃદ્ધા પ્રવેશે છે.)

પડોશી વૃદ્ધા : બહુમા, શા માટે દેકારો કરો છો? બિલે તો દેવનો દીધેલો છે. તેના પર ગુસ્સો નહિ કરો. એક લોટો પાણી માથા પર રેડી દો – બાળક આપોઆપ શાંત થઈ જશે.

ભુવનેશ્વરીદેવી : ઠાકુરમા, તમે સારી શિખામણ આપી છે. આમેય શિવનો દીધેલો છે. તેથી તેના માથા પર જળ ચઢાવીશ તો ભોળિયો રાજી થશે.

(માતા જળનો લોટો લઈને આવે છે અને બિલેને પકડી લાવે છે અને માથા પર જળ રેડે છે.)

ભુવનેશ્વરીદેવી : હર હર મહાદેવ, હર હર મહાદેવ. બિલે ‘શિવ, શિવ’ બોલ, આ રીતે તોફાન કરીશ તો શંકર ભગવાન તને કૈલાસમાં નહિ જવા દે.

બિલે : મા, તમે કેવા મીઠા મીઠા શબ્દો કહીને સમજાવો છો. અને આ દીદી તો કારેલા જેવી કડવી. મને ગુસ્સો જ કરાવે છે.

(મા બિલેનો હાથ પકડી ઓરડામાં લઈ જાય છે. મોં હાથ લૂછી દે છે.)

ભુવનેશ્વરીદેવી : જા, તારા ભાઈબંધ સાથે રમવા જા. મારે રસોઈ કરવી છે.

(ભુવનેશ્વરીદેવી રસોઈ બનાવી રહ્યાં છે. બિલે ભાઈબંધો સાથે જાતજાતની રમત રમવા લાગ્યો.)

બિલે : દોસ્તો, આજે આપણે રાજા કે ચોર સિપાઈની રમત રમવી નથી.

એક મિત્ર : તો આજે આપણે કઈ રમત રમીશું?

બિલે : આજે આપણે ધ્યાનની રમત રમીશું.

બીજો મિત્ર : ધ્યાનની રમત વળી કેવી હોય?

બિલે : સુખાસન લગાવી બેસવાનું. ખોળામાં હાથ ઉપર હાથ મૂકીને આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન ધરવાનું.

બધા મિત્રો : વારુ, વારુ. ચાલો ધ્યાન ધરીએ.

(બધા મિત્રો બિલે સાથે ધ્યાનની રમત રમવા લાગ્યા પણ તેઓ બિલેની માફક સ્થિર બેસી શકતા નથી. વચ્ચે વચ્ચે તેઓ આંખ ઉઘાડીને જુએ છે તો વળી ક્યારેક પાછી આંખો મીંચે છે. આમ થોડો સમય પસાર થયો. એવામાં એક મોટો સાપ ક્યાંકથી આવ્યો. સાપને જોઈને બીજાં બધાં બાળકો ગભરાઈને ભાગવાં લાગ્યાં અને બૂમો પાડવાં લાગ્યાં.)

મિત્રો : બિલે, સાપ આવ્યો! ઊઠી જા, અહીં દોડી આવ. બિલે, ઊભો થા.

(બિલે એકદમ ધ્યાનસ્થ છે. સાપ પણ બિલે પાસેથી ચાલ્યો ગયો. બિલે એમ ને એમ ધ્યાનમાં બેઠો છે. મિત્રો ભુવનેશ્વરી માતાને લઈ આવે છે.)

ભુવનેશ્વરીદેવી : બિલે, બિલે! ઊઠ બેટા!

બિલે : મા, હું શિવજીનું ધ્યાન ધરતો હતો. જોઉં, તો મારા વાળ વડની વડવાઈઓ જેવા મોટા થઈ ગયા કે નહિ? મારા વાળની જટા જમીન પર ફેલાણી કે નહિ?

ભુવનેશ્વરીદેવી : બિલે, એકાદ કલાક કે એકાદ દિવસના ધ્યાનમાં જટા ન થાય. તે માટે તો ઘણાં દિવસો અને વરસો સુધી ધ્યાનમાં બેસવું પડે. ચાલ, ઘરે ચાલ. તારા માસ્ટરજી ભણાવવા આવ્યા છે.

(બિલે પોતાના ઓરડામાં પ્રવેશે છે.)

બિલે : નમસ્તે, માસ્ટરજી.

માસ્ટરજી : નમસ્તે, બેટા. વ્યાકરણના પાઠ યાદ કર્યા છે ને?

બિલે : હાજી, મને બરાબર યાદ છે.

(બિલે માસ્ટરજીના હાથમાં ચોપડી મૂકીને ભણાવવાનું કહે છે.)

બિલે : ગુરુજી, આજે મને આનો અર્થ સમજાવો. તમે એકવાર સમજાવશો તો બધું મને યાદ રહી જશે.

માસ્ટરજી : સારુ, હું વાચું છું, તું સાંભળ.

બિલે : હા, માસ્ટરજી. એકવાર સાંભળીશ તો યાદ રહી જશે.

(માસ્ટરજી વાંચે છે… થોડીવાર પછી..)

બિલે : માસ્ટરજી, આજનું અધ્યયન પૂરું થયું. નમસ્તે.

માસ્ટરજી : નમસ્તે.

(બિલે પોતાના ઓરડામાંથી પિતાજીના દીવાનખાનામાં દૂરથી ડોકિયાં કરે છે. વકીલ પિતા વિશ્વનાથ પાસે બ્રાહ્મણ, વાણિયા, કણબી, સુતાર, મુસલમાન વગેરે જાતિના લોકો આવે છે. તેથી બધા માટે જુદા જુદા હુક્કા રાખ્યા છે. બિલે પિતાજી પાસે આવે છે.)

બિલે : પિતાજી, આટલા બધા હુક્કા શા માટે? એકમાંથી જ બધા હુક્કો ન પી શકે?

એક સદ્‌ગૃહસ્થ : એમ તે કંઈ થાય? એક જાતિનો માણસ બીજી જાતિના માણસનો હુક્કો પીએ તો તે અભડાય જાય – તેની જાત જાય.

(બિલે વિચારમાં પડી ગયો. આમ કઈ રીતે જાત જાય?)

પિતાજી : બિલે, તું તારાં માતાજી પાસે ભોજન કરવા જા. ભોજનનો સમય થઈ ગયો છે.

બિલે : સારુ પિતાજી.

(બિલે ચાલ્યો જાય છે. થોડા સમય પછી બિલે દીવાનખાનામાં ફરી આવે છે. ત્યાં કોઈ નથી, એથી એક પછી એક બધી જાતના હુક્કાની નળીને મોઢું લગાડીને જોવા લાગ્યો કે જાત જાય છે કે નહિ?)

બિલે : (સ્વગત) જાત જાય છે કે નહિ. (સ્મિતપૂર્વક) જાત જાય તો કઈ રીતે જશે? જાત જવાનું તથ્ય વળી શું છે?

(પિતાજી અચાનક દીવાનખાનામાં આવે છે.)

પિતાજી : બિલે, બિલે! આ શું કરે છે?

બિલે : જાત જાય છે કે નહિ તે જોઉં છું.

પિતાજી : બિલેની મા, ક્યાં છો? જુઓ, તારો દીકરો સાચું જાણવા પ્રયોગ કરી રહ્યો છે.

(ભુવનેશ્વરીદેવી ચિબૂક પકડીને ચુંબન કરે છે.)

ભુવનેશ્વરીદેવી : મારો દીકરો, સત્યનો મહાન ઉપાસક થશે. અત્યારથી એના એંધાણ મળે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી. 

(બિલે માતાને ભેટી પડે છે.)

પિતાજી : હા, સાચું કહ્યું તમે. પુત્રનાં લક્ષણ પારણામાં.

પડદો પડે છે.

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.