[પ્રાર્થના પલ્લવી : કર્તા – રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-]

શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૩૪માં પ્રકાશિત થયો હતો. ૬૦ વર્ષે માણસ ઘરડો થઈ જાય પણ, રતુભાઈની કલમનો થનગનાટ હજી અવિરત ચાલુ છે ને તે પણ તેમણે અણું વયમાં – એ નેવું વટાવી એકાણું વર્ષના થયા છે ત્યારે પણ એ એટલો જ તાજગીભર્યો છે. એમનું આ પુસ્તક, ‘પ્રાર્થના પલ્લવી’ તેનો સબળ પૂરાવો છે.

પ્રાર્થનામાં આપણે મોટે ભાગે એક કે બીજી વસ્તુની માગણી ઈશ્વર પાસે કરતાં હોઈએ છીએ. ‘ગોવિંદ રે, તમે આરી દેજો ઝારી દેજો’ની માફક, એ માગણી સ્થૂળ સુખોપભોગની વસ્તુઓ હોય, આપણાં કષ્ટ દૂર કરવાની માગણી હોય, ‘તેજોસિ, તેજોમયિ ધેહિ’ માં છે તે મુજબ, તેજ, ઓજ, બલ, વીર્ય આદિની ઝંખના હોય કે, પ્રાણીમાત્રનાં દુઃખ દૂર કરવા માટેની આર્જવભરી વિનંતી હોય. ‘મા’ની ઇચ્છાને આધીન થઈ, કશી જ માગણી ન કરવાની કક્ષાએ કોઈ ઇસુ કે રામકૃષ્ણ જ પહોંચી શકે.

શ્રીરતુભાઈ પણ વિવિધ માગણીઓ કરે છે.
આજે તમને મારો અંતિમ સાદ છે,
મારા આ જેવા તેવા સેતુ પર
તમે હળવે ફૂલપગલે પધારશો? દેવ! (૧૭)
તું ભલે મને ફૂલ ન બનવા દે,
પણ મને તારી બંસીનું,
એક રેશમી રંગીન ફૂમકું બનવા દેજે દેવ! (૩)
આવા પુરુષાર્થની
અને આવી ભક્તિની શક્તિ તું મને આપ! (૪)
આ નાનકડાં નયન-સરોવરમાંથી
મારાં આંસુનાં ટીપાં
રોજ-રોજ છલકતાં રહો એવી મારી ગતિ હો! (૪૪)
તું મને ક્યાં સુધી વ્યસ્ત ત્રસ્ત રાખશે?
ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? (૨૮)
તમારી ભ્રાન્તિ મારામાં ભળો!
તમારાં ક્રાંતિ અને ઉત્સર્ગ
મારાં ક્રાંતિ અને ઉત્સર્ગ બની રહો! (૪૩)

આથી વધારે દૃષ્ટાંતો આપવાની આવશ્યક્તા નથી. ‘દુનિયાના દાતાર’ પાસે, શ્રી સુંદરજી બેટાઈએ કહ્યા પ્રમાણે, કણકણના માગણ એવા આપણે શું ન માગીએ? શ્રી રતુભાઈની કોઈ માગણી પાર્થિવ સંતોષ માટેની માગણી નથી. એમને સાંસારિક સુખની કે દુન્યવી વૈભવની કશી જ ઝંખના નથી એ અહીં આપેલા છ દૃષ્ટાંતોથી સમજાય છે. અને આ દૃષ્ટાંતો રંધાયેલા ભાતના તપેલામાંનો ભાત ચડી ગયો છે કે નહીં તે જો માટેના નમૂનાના જેવા છે. સ્વાતંત્ર્ય-વીર તરીકે, કવિ તરીકે, સંપાદક તરીકે, સમાજ સેવક તરીકે શ્રી રતુભાઈ સન્માન પામ્યા છે. પણ, પુસ્તકના પ્રાક્‌કથનમાં શ્રી ગુણવંત શાહે સમુચિત રીતે કહ્યા પ્રમાણે, શ્રી રતુભાઈની ‘જીવનનિષ્ઠા જાહેર જીવનની સુગંધ દ્વારા પ્રગટ’ થાય છે. કોળાકાપુ અદા બની રતુભાઈ ઘરને ઓટલે નથી ફેંકાઈ ગયા પણ હજી સર્વત્ર પ્રેમાદર પામે છે તે એમની જીવનનિષ્ઠાને કારણે.

અર્ધી માળા જેટલી – ૫૪ – કૃતિઓની આ ‘પલ્લવી’માં, શ્રી ગુણવંતભાઈએ કહ્યું છે તેમ શ્રી રતુભાઈના ‘ઉદ્‌ગારો’ પ્રગટ થયા છે. ઉદ્‌ગાર હંમેશાં ભાવનાપ્રધાન હોય છે. શ્રી રતુભાઈની ભક્તિ-ભાવનાની સરિતા ક્યાંક વેગથી, ક્યાંક મંથર ગતિએ, ક્યાંક ક્ષીણ પ્રવાહે તો ક્યાંક બેઉ કાઠાં ભરીને આ ચોપન કૃતિઓમાં વહે છે.

શ્રી રતુભાઈના આ ઉદ્‌ગારો ક્યાંક ગુરુદેવ રવીન્દ્રનાથના ‘નૈવેદ્ય’ અને ‘ગીતાંજલિ’ની તો ક્યાંક ખલીલ જિબ્રાનના ‘પયગંબર’ની ઝાંખી કરાવે છે. રતુભાઈના આ ‘ઉદ્‌ગારો’ કાવ્યકૃતિનું સઘન સ્વરૂપ ભલે બધે ન પામ્યા હોય પરંતુ, એ બધા છે સાચા અંતરના ઉદ્‌ગારો. અને સાચા અંતઃકરણપૂર્વક જે કંઈ અર્પણ થયું હોય તેને સ્વીકારવાનો કોલ ભગવાને સ્વમુખે ગીતામાં આપેલો છે. શ્રી રતુભાઈના આ ભક્તિનિર્ઝર ઉદ્‌ગારો વૃથા નથી જવાના, કારણ, રતુભાઈ કહે છેઃ

મને પૂર્ણ પણે
શુદ્ધ, બુદ્ધ, અને યુદ્ધભાવ રહિત કર!
જે ખોયું તેનો મને વસવસો નથી.
જે પ્રાપ્ત થયું તે માટે

પરમ પિતા! તારો આભાર!
એ પ્રાપ્તિ પણ હું તો તને ભેટ આપવા ઈચ્છું છું (૫૫)

શ્રી રતુભાઈનું આ પુસ્તક એમનાં પ્રાર્થનાપુષ્પોની મહેક મૂકી જાય છે.

– શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.