મા, તારે ચરણ–કમલે
લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪)
મૂલ્ય રૂ. ૩૦/-
દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી આ આકર્ષક રીતે અને સુંદર કાગળમાં છપાયેલી ૬૮ પાનાની પુસ્તિકામાં આપણને સાંપડે છે. પુસ્તકને આરંભે લેખકે ‘વિરહી હૈયાનું રુદન!’ નામક પ્રસ્તાવનામાં જે થોડીક વાત કહી છે તે એક ચમત્કાર જેવી જ છે. લેખકના અંતરમાં ભક્તિનું ઝરણુ કેમ પ્રગટયું તેનો એમાં ઈશારો છે. શ્રી ઠક્કરનો દાવો કવિ હોવાનો નથી, ભક્ત હોવાનો છે એટલે એમની કૃતિઓમાંની છંદની કે ઈતર બંધની ત્રુટિઓને આપણે લક્ષમાં નહીં લઈએ. તાલાવેલીનો દ્વાર ખોલવાનો, કૃપાયાચનાનો, નિર્મળ હૃદયની યાચનાનો, પ્રતીક્ષાનો ઈત્યાદિના ભાવો લેખકે સંસ્કૃત છંદોમાં, ગીતોના ઢાળમાં, ગઝલોમાં શ્રી ઠક્કરે મૂક્યા છે. લેખકના પ્રેરક શ્રી મકરન્દ દવેએ લખ્યા પ્રમાણે આ કૃતિમાં ‘આપણને પણ તેમની હૃદયની વાણીનો ભાવસ્પર્શ થયા વિના રહેતો નથી.’
કળિયુગનું મારણ
લેખક અને પ્રકાશક : બલદેવભાઇ ઓઝા (૧૯૯૫),
મૂલ્ય રૂ. ૩૫/-
વિવેચન સાહિત્યનો અભ્યાસી આ સંગ્રહની ૧૬ કૃતિઓના કવન, વાર્તાઓ તરીકે ન સ્વીકારે પણ લેખકે આ સંગ્રહને ‘હેતુલક્ષી વાર્તાસંગ્રહ’ કહ્યો છે. ૧૯૬૯ પછી દેશમાં ભ્રષ્ટાચારને છુટ્ટોદોર મળ્યો છે. જે તે ખાતાના અમલદારો અને કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરી પૈસો ભેગો કરે છે. પણ તે દરેકને પોતાનાં કર્મનું ફળ એક યા બીજી રીતે અહીં જ ભોગવવું પડે છે. તે જુદી જુદી વાર્તાઓમાંનાં જુદાં જુદાં પાત્રો દ્વારા લેખકે સારી રીતે દર્શાવ્યું છે. જાહેર કાર્યકરો પણ અપવાદ નથી રહ્યા. ‘કળિયુગનું મારણ’ – પુસ્તકનું શીર્ષક આ કૃતિ પરથી લીધું છે તે –માં સીધા નામ આપ્યાં નથી પણ વાચક સમજી શકે એમ છે કે એમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના અને તેમના બંને પુત્રોનાં અકુદરતી મૃત્યુના ઉલ્લેખ છે. કર્મના સિદ્ધાંતનું એ કદાચ વધારે પડતું સરળ અર્થઘટન છે. નિરાડંબરી અને સીધી શૈલીમાં શ્રી ઓઝાએ આજના સામાજિક સડા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.
– દુષ્યંત પંડ્યા
Your Content Goes Here




