આદર્શ માનવનું નિર્માણ : જયોતિર્ધરની પ્રેરક વાણી
(આદર્શ માનવનું નિર્માણ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સંકલન; ચતુર્થ સંસ્કરણ, ૧૯૮૯; પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂ. રૂ. ૩-૫૦)
‘જ્યારે આપણે કેળવણી વ્યા૫ક કરી શકીશું. ભોગ આપતાં શીખીશું. જયારે આપણે અંગત હિતો અને સ્વાર્થથી પર થતાં શીખીશું, ત્યારે જ આપણે ત્યાં પણ પ્રજાતંત્રની બુનિયાદ ઉપર કામ કરી શકીશું.” (પૃ.૧)
‘દરેક સત્તા માટે ઝઘડે છે.’ (પૃ.૨)
‘એવો કોઈ માણસ ન હોઈ શકે કે જે એક બાજુ સમાજને રાજી રાખવા હાજી હા કરતો જાય અને સાથે સાથે મહાન કાર્ય પણ કરતો જાય.’ (પૃ.૩)
ભારતની વર્તમાન પરિસ્થિતિને લાગુ પડતાં આ કથનો આજથી નવ દાયકા પહેલાં, કહો કે, એક સૈકા પહેલાં, સ્વામી વિવેકાનંદે કર્યા હતાં એમ જાણી આશ્ચર્ય થશે. કારણ, આજના ભારતની સ્થિતિનો તેમાં હૂબહૂ ચિતાર છે. આટલાં વર્ષો અગાઉ ભારતનું સતત ચિંતન કરનાર અને એની ગ્લાનિને દૂર કરવા ભગીરથથીયે મહાન પ્રયત્ન કરનાર સ્વામી વિવેકાનંદે ઉચ્ચારેલા આ શબ્દો આપણે સૌ સ્વાર્થી વામનજીઓએ કેટલા સાચા પાડી બતાવ્યા છે ! આપણી આ બધી નબળાઈઓને આપણે જીતીશું નહીં ત્યાં સુધી આદર્શ માનવ તો શું! સામાન્ય નાગરિક પણ બની શકીશું નહીં. પ્રજાતંત્રની દિશામાં સાચો વિકાસ સાધવા માટે આપણે પ્રબળ સંગઠન-શક્તિ, ચુસ્ત આજ્ઞાપાલન અને પરસ્પર પ્રેમ ખીલવી વ્યક્તિનિષ્ઠાને સ્થાને તંત્રનિષ્ઠાની સ્થાપના કરવી પડશે. નેતાને સ્વામીજીએ ‘દાસસ્ય દાસ’ (દાસોનો દાસ) કહેલ છે. ‘પણ આપણે તો બધા જરાય ત્યાગ કર્યા વિના નેતા બનવાના કોડ સેવીએ છીએ. એટલે પરિણામ શૂન્ય જ હોય ને!’ (પૃ. ૬) એક સૈકામાં આ રોગ ખૂબ ફૂલ્યોફાલ્યો જણાય છે!
ત્રીજા પ્રકરણમાં આધ્યાત્મિક જ્ઞાન આપનાર શિક્ષક પાસે ઉચ્ચ પ્રકારની આત્મશુદ્ધિ, ચારિત્રશુદ્ધિ, શા માટે હોવી જોઈએ તે વાત સ્વામીજી પોતાની આગવી શૈલીમાં સમજાવે છે.
કાલુ માછલીનો (મોતી પકવતી છીપનો) દાખલો આપી ચોથા પ્રકરણમાં સ્વામીજી ‘સફળ જીવનનું રહસ્ય’ આપણને સુગમ કરી આપે છે.
માણસ નિર્ધારિત ધ્યેયની બરાબર પાછળ પડે તો, ઈસુ ખ્રિસ્તની અમૃતવાણી ટાંકી સ્વામીજી કહે છે, ‘માગો અને તમને તે આપવામાં આવશે’ – (પૃ. ૧૨). સેવાકાર્યનો સાચો અર્થ સ્વામી વિવેકાનંદ લાક્ષણિક રીતે રજૂ કરે છે: “તમારા મનમાંથી મદદ-સહાય એ શબ્દો ભૂંસી નાખો. તમે મદદ કરી શકો જ નહીં. ‘મદદ કરું છું’ એ ભાવના પણ અધાર્મિક છે… કર્મયોગમાં આ જ રહસ્ય શીખવાનું છે.” (પૃ. ૧૪). આમ, થોડા સરળ શબ્દોમાં સ્વામીજીએ કર્મયોગનું રહસ્ય સુલભ કરી આપ્યું છે. ‘શિવ જ્ઞાને જીવ સેવા’ની ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસની પ્રેરણાનું પીયૂષ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રત્યેક સેવાકાર્યના પાયામાં અમીસિંચન કરી રહ્યું છે. એટલે જ તો રામકૃષ્ણ મઠનું રાજકોટ કેન્દ્ર એક દાયકા પહેલાંની મોરબી હોનારત સમયે ‘મુંબઈ સમાચારે’ એકઠા કરી મોકલાવેલ લાખો રૂપિયાની રકમમાંથી, એ કાર્ય પૂરું થયા પછી વધેલી રકમને—એ પણ નાની ન હતી—એ અખબારને પરત મોકલી આપી એ સૌને આશ્ચર્યચકિત કરી મૂકે છે.
સ્વામી વિવેકાનંદ જેને ‘આદર્શ ધાર્મિક જીવન’ (પૃ.૫) કહે છે તેને ખરેખર તો, ‘સાચું ધાર્મિક જીવન’ જ કહેવું જોઈએ. પૂજાની ઓરડી અને પૂજાની વિધિમાં જ સમાઈ રહેલા ધર્મને મુક્ત કરવો રહ્યો. એ જ રીતે, ધર્માંધતા અને દુરાગ્રહીપણું પણ તજવાં જ રહ્યાં. દરેક કાર્ય પવિત્ર છે એમ સમજીએ એટલો મોટો ગઢ જીત્યો ગણાય. પછી બીજાનો દોષ કાઢવાપણું રહે નહીં. આમ થતાં આપણામાં રહેલા દેવી અંશની ઓળખ થાય.
છઠ્ઠા ને છેલ્લા પ્રકરણમાં ‘ચારિત્ર નિર્માણ’ની વાત કરતાં સ્વામીજીએ જાણે કે, ‘ભગવદ્ ગીતા’ના છઠ્ઠા અધ્યાયનું વાર્તિક આપ્યું છે. આપણામાં જ આપણું જીવન ઘડવાની શક્તિ છે. (પૃ.ર૯), એમ સ્વામીજી એ અધ્યાયના પાંચમા શ્લોકનું રૂપાંતર કરતાં કહે છે. સાચું મનુષ્યત્વ આત્મસંયમ અને સદ્વિચાર વિના પ્રાપ્ત કરી શકાતું નથી એમ સ્વામી વિવેકાનંદે યોગ્ય જ કહ્યું છે. શ્રેષ્ઠ ચારિત્ર્ય વિના સાચા માનવી બની શકાતું નથી. ‘ઈશ્વર ખાતર જ જીવન સમર્પણ કરે’ તેવા સાચા સંન્યાસી થવાનું ઉદ્બોધન સ્વામીજી કરે છે. એક સાચો સંન્યાસી જ તેમ કરી શકે. લોકોને મોહ, નિદ્રામાંથી જગાડવા માટે સ્વામી વિવેકાનંદ ‘કઠ’ ઉપનિષદના પોતાના પ્રિય શબ્દોનો ટંકાર કરે છે:
‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’
ઊર્જસ્વી વાણીમાં સંકલિત કરાયેલી આ નાની પુસ્તિકા પોતે જ એક અર્વાચીન ઋત્વિજે લોકસંગ્રહ માટે રચેલું ઉપનિષદ છે.
દુષ્યત પંડયા, જામનગર
Your Content Goes Here




