મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ હોઈ, ઇસ્લામની વિશેષ અસર દેશ પર વરતાતી ન હતી. પરંતુ અગ્યારમી સદીના પહેલા ચરણમાં ગઝનીના સુલતાન મહમ્મદે ભારત પર કરેલાં વિવિધ આક્રમણોને ખાળવા આપણો દેશ અસમર્થ પુરવાર થયો હતો. અનેક બાબતોની અસરોને કારણે આપણે પઠાણો, તુર્કો, મોગલો વગેરેનાં આક્રમણોને ખાળવામાં નિષ્ફળ ગયા હતા. આપણી ખાનાંબદ્ધ જ્ઞાતિ વ્યવસ્થા, સ્પર્શાસ્પર્શ ભાવનાનો અતિરેક, બાહ્ય જગત સાથેના સંપર્કોનો અભાવ, અટક આગળ જ અટકી જવાની આજ્ઞા અને સમુદ્રગમનનો નિષેધ વગેરે અનેક બાબતો આપણા આ પતનને માટે કારણભૂત છે.
મહમ્મદ ગઝનીના આક્રમણથી આરંભાયેલી અથડામણ બે સેનાઓ વચ્ચેની લડાઈ માત્ર ન હતી પરંતુ, બે ભિન્ન ધર્મો વચ્ચે, બે ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેની અથડામણ હતી. આપણી આભડછેટની વૃત્તિને કારણે, ખોટી ગુરુતાગ્રંથીને કારણે તથા, બહિર્જગત સાથેના સંપર્કોના કેળવેલા અભાવને કારણે આપણા પૂર્વજોએ રાજસત્તા ગુમાવી અને, અહીં ગણાવેલાં કારણો ઉપરાંત, સ્વામી વિવેકાનંદે કહ્યા પ્રમાણે આપણા કહેવાતા ઉચ્ચ વર્ણોના જુલમને કારણે અનેક લોકો ધર્માન્તર મુસલમાન બની ગયા.
સોળમી સદીના અંતભાગમાં ફિરંગીઓ આવ્યા અને એમની પાછળ પાછળ ડચ, અંગ્રેજ તથા ફ્રેન્ચ લોકો પણ આવ્યા. વેપાર માટે જ એ આવ્યા હતા પણ, આપણા તે સમયના રાજકર્તાઓની નબળાઈ જોઈ એ લોકો મુલક જીતવા લાગ્યા અને, બીજી યુરોપીય સત્તાઓને પાછળ રાખી, ઓગણસમી સદીના આરંભથી અંગ્રેજો પોતાની સત્તા વિસ્તરવા લાગ્યા. ૧૮૫૭માં દિલ્હીના શહેનશાહ બહાદુરશાહે, નાના સાહેબ પેશ્વાએ, ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈએ વગેરેએ અંગ્રેજોને હાંકી કાઢવાનો કરેલો પ્રયત્ન સફળ ન થયો.
અને અઢારમી સદીના અંતમાંથી આરંભાયેલી ઈંગ્લેન્ડની અને યુરોપની-ઔદ્યોગિક ક્રાંતિએ આપણા દેશને આર્થિક રીતે પાયમાલ કર્યો. અંગ્રેજી શિક્ષણના પ્રવેશે અને રાજ્યના જોરદાર ટેકાથી થતા પાદરીઓના પ્રચારને કારણે, આપણા ધર્મને પણ આપણે નિંદતા થઈ ગયા. અલબત્ત, આપણી ધર્મપરંપરામાં બૌદ્ધિક સમજનું સ્થાન રૂઢિએ લઈ લીધું હતું.
આમ ચોમેર અંધકાર હતો ગાઢ.
મારા દેશે શાશ્વતી શર્વરી કો
નિદ્રા ઘેરાં લોચનો લોકકેરાં –
– કવિ ઉમાશંકરની આ પંક્તિઓ આપણા દેશની તે સમયની પરિસ્થિતિનું યોગ્ય વર્ણન કરે છે. પરંતુ અંધકાર પ્રબળ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રકાશનું આગમન સૂચવતી અરુણી આભા દેખાવા લાગે છે. રાજા રામમોહન રાય મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, મહાદેવ ગોવિંદ રાનડે, કવિ દલપતરામ, કવિ નર્મદ, કેશવચંદ્ર સેન વગેરે મહાપુરુષો આવ્યા અને આપણી પ્રજા પર અને આપણી સંસ્કૃતિ પર છવાયેલા ગાઢ તમસને ભેદવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દલપતરામને બાદ કરતાં બીજા સૌએ અંગ્રેજી શિક્ષણ લીધું હતું, પાશ્ચાત્ય સંસ્કૃતિના મોહથી વધતેઓછે અંશે આકર્ષાયા પણ હતા પરંતુ, પોતાની સંસ્કૃતિને, પોતાના સ્વત્વને જાળવી રાખવા એ સૌ મથ્યા હતા.
વિધિ પણ કેટલીક વાર મશ્કરી કરતો હોય તેમ, જે ૧૮૩૬ની સાલમાં મેકોલેએ દેશમાં અંગ્રેજી શિક્ષણની જડ રોપી અને ભારતીય પ્રજાના માનસ પરિવર્તનની ઉમદા, ઉમેદ સેવી, બરાબર તે જ વર્ષમાં, શ્રીરામકૃષ્ણનું પૃથ્વી પર આગમન થયું. અંગ્રેજીનું તો શું, પોતાની માતૃભાષા બંગાળીનુંયે પૂરું ને સરખું શિક્ષણ એમણે લીધું ન હતું, બ્રાહ્મણના પુત્ર હોવા છતાં એ પાઠશાળાનાં પગથિયાં ચડ્યા ન હતા તેમ જ બીજી કોઈ વિદ્યા એમણે ગ્રહણ કરી ન હતી. એ બધી વિદ્યાઓને એ ‘ચોખા કેળાં’ની વિદ્યા માનતા હતા. એમને ભણવી હતી પરાવિદ્યા, અને મા કાલીની કૃપાથી એમણે એ મેળવી પણ ખરી. ઈ.સ. ૧૮૮૦ આસપાસથી, એમનું વય ૪૪ વર્ષનું થયું ત્યારે, એમની પાસે ભક્તો અને શિષ્યો આવવા લાગ્યા. એ ભક્તવૃંદ તથા શિષ્યવૃંદ મુખ્યત્વે પાશ્ચાત્ય કેળવણી લીધેલા લોકોનું હતું. શ્રીરામકૃષ્ણ પાસે જનાર એ સૌને પ્રકાશની ઉપલબ્ધિ થવા લાગી.
શ્રીરામકૃષ્ણ પાસે આવનારાઓમાં નરેન્દ્રનાથ દત્ત નામે એક કોલેજિયન યુવાન હતો. એનો જન્મ થયો હતો સને ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મી તારીખે. તિથિ હતી પોષ વદ સાતમ ને વાર હતો સોમવાર. તે સમયે એ મકરસંક્રાંતિનો દિવસ હતો. અને પૂર્વમાં સૂર્યનો ઉદય થાઉં થાઉં હતો ત્યારે, સૂર્યોદયની છ મિનિટ પહેલાં, આ નરેન્દ્રનાથે પૃથ્વી પર પગલાં પાડ્યાં હતાં. ભુવનેશ્વરીદેવીની કુખે જન્મેલા એ બાળકના જન્મની સાથે દેશ પરના આઠસો વર્ષોના ઘોર અંધકારનો અંત આરંભાઈ ચૂક્યો હતો.
ગુરુ રામકૃષ્ણે એકવાર એ કોલેજિયન નરેન્દ્રને, ત્યાં દક્ષિણેશ્વરમાં એ સમયે બેઠેલા પોતાના બીજા શિષ્યોને તથા ભક્તોને અને, કેશવસેનના ગયા પછી પણ બેસી રહેલા બ્રાહ્મભક્તોને ખૂબ ચમકાવી દીધા હતા. કેશવસેન, વિજય ગોસ્વામી વગેરે બ્રાહ્મસમાજી નેતાઓ પોતાની સાથે થોડાક બ્રાહ્મસમાજીઓને લઈને દક્ષિણેશ્વર આવ્યા હતા અને, શ્રીરામકૃષ્ણ સાથે આનંદવાર્તા કરી, કેશવ અને વિજય- તથા થોડાક બ્રાહ્મસમાજીઓ – ચાલી ગયા હતા. એ લોકો ઊઠ્યા અને ઓરડાની બહાર નીકળી નદીને ઘાટે ઊતર્યા હશે અને હજી જહાજમાં બેસતા હશે ત્યાં જ શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા હતાં : ‘કેશવનમાં એક શક્તિ છે તો નરેન્દ્રમાં અઢાર છે.’ ત્યાં બેઠેલા સૌ કોઈને અને વિશેષે કરીને બ્રાહ્મભક્તોને તો શ્રીરામકૃષ્ણના આ કથનથી આઘાત લાગે તે સમજી શકાય તેમ છે પણ, આ કથનથી જેણે ફુલાવું જોઈએ તે નરેન્દ્રનાથ પણ આંચકો પામી પોકારી ઊઠ્યા : ‘મહાશય, આ તમે શું કહો છો? ક્યાં સાચો ધર્મગુરુ, વિખ્યાત વક્તા, પ્રભાવશાળી લેખક અને વિદેશોમાં પણ માન પામનાર કેશવ અને ક્યાં મારા જેવો નિશાળિયો? આવું બોલવા માટે કોઈ તમને પાગલ માનશે.’
‘હું કંઈ થોડું મારી મેળે બોલ્યો છું.’ મને તો મા બોલાવે તેમ હું બોલું છું’, શ્રીરામકૃષ્ણે શાંતિથી ઉત્તર વાળ્યો.
આ બાબત ઉપર તત્કાલ તો પડદો પડી ગયો પણ, સાતેક વર્ષો પછી, શ્રીરામકૃષ્ણની મહાસમાધિને ત્રણેક વર્ષોના વહાણાં વાયાં તે પછી, સંન્યાસી બની પરિભ્રમણ કરતા વિવેકાનંદને નામે વિશ્વવંદ્ય બનનાર, એ નરેન્દ્રનાથ વારાણસીમાં પ્રમદાદાસ મિત્રને ત્યાં પોકારી ઊઠેલા, ‘અત્યારે તો હું જાઉં છું પરંતુ, હું પાછો આવીશ ત્યારે બોમ્બની જેમ સમાજ ઉપર તૂટી પડીશ અને, વફાદાર કૂતરાની જેમ સમાજ મારી પાછળ આવશે.’ આ શબ્દો બોલતી વેળા કેટલી તો ઊંડી આત્મશ્રદ્ધા એ પ્રગટ કરી રહ્યા હતા!
એ આત્મશ્રદ્ધા હતી પણ ભાવિ હજી ધૂંધળું હતું. કશો દિશાદોર સ્વામીજીને દેખાતો ન હતો. ‘નરેન માનું મોટું કાર્ય કરવાને આવ્યો છે’, એ ગુરુબોલ સ્વામીજીના કામમાં પડઘાતા હતા.
પોરબંદરમાં શંકર પંડિતે સ્વામીજીનું હીર પારખી એમને પરદેશ જવા સૂચન કર્યું. સંભવત: મણિલાલ નભુભાઈ દ્વિવેદીના મિત્ર છગનલાલ પંડ્યા પાસે જૂનાગઢમાં સ્વામીજીએ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ વિશે સાંભળ્યું. નડિયાદમાં સ્વામીજી મણિલાલ દ્વિવેદીને મળ્યા પણ ખરા. એ પરિષદમાં મણિલાલ જાતે જવાના ન હતા પણ એમણે ત્યાં વાચન માટે બે નિબંધો મોકલી આપ્યા હતા. પછીથી, સ્વામીજી જેમ જેમ દક્ષિણ તરફ આગળ વધતા ગયા તેમ તેમ, આ ધર્મપરિષદમાં ભાગ લેવા માટે અમેરિકા જવાનો સ્વામીજીનો વિચાર દૃઢતર થતો ગયો.
પરિષદોમાં ભાગ લેવા માટે જવાના નિયમોથી પૂરા અજાણ એવા સ્વામીજીનો પરિષદ પ્રવેશ કરાવનાર હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રાઈટે સ્વામીજીનું મૂલ્ય બરાબર આંકી કહ્યું હતું કે, ‘સૂર્યની પાસે એનો પ્રકાશવાનો અધિકાર માગવો તે તમારી પાસે આ પરિષદમાં ભાગ લેવાના અધિકાર માગવા બરાબર છે.’ પ્રો. રાઈટે, આમ સ્વામીજીને સૂર્ય સાથે સરખાવ્યા હતા. અને, બોસ્ટનથી રેલગાડીમાં બેસી, અથડાતા કૂટાતા, શ્રીમતી મેરી હેય્લનું આદરાતિથ્ય પામતા સ્વામી ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૦મી તારીખે એ ધર્મ પરિષદના અતિથિગૃહે પહોંચી ગયા હતા.
અને બીજે દહાડે, ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, બાબુ પ્રમદાદાસ મિત્રને વારાણસીમાં કહ્યા પ્રમાણે, સ્વામીજી બોમ્બની જેમ પ્રસ્ફુટિત થયા. કોઈપણ ધર્મના કે સંપ્રદાયના પ્રતિનિધિ તરીકે એ ત્યાં ગયા ન હતા છતાં, અમેરિકા જવા માટે આગબોટમાં બેસવાના થોડા દિવસ પહેલાં જ, આબુરોડને સ્ટેશને, પોતાના ગુરુભાઈ તુરીયાનંદનને સ્વામીજીએ ઊંડી આત્મશ્રદ્ધાપૂર્વક કહ્યું હતું : ‘હરિભાઈ, આ પરિષદ આને માટે મળી રહી છે’ – ‘આને’ બોલતી વેળા તેમણે પોતાની મુઠ્ઠી પોતાની છાતી ઉપર ઠોકી હતી. પ્રમદાદાસને તથા હરિભાઈ (સ્વામી તુરીયાનંદનું પૂર્વાશ્રમનું નામ) ને કહેલા શબ્દો સ્વામીજીએ પોતાના એ પહેલા પ્રવચનમાં જ સાચા પાડી બતાવ્યા.
પાંચ છ મિનિટના એ ટૂંકા પ્રવચનમાં સ્વામીજીએ હિંદુ ધર્મની સાચી ઓળખ આપી. સર્વ ધર્મોનો સ્વીકાર, સમન્વય અને સંવાદ : આ ત્રણ બાબતો હિંદુ ધર્મના હાર્દમાં રહેલી છે. એમના ગુરુએ હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો અનુસાર તથા, ઇસ્લામ અને ખ્ર્રિસ્તી ધર્મો અનુસાર પણ, સાધના કરી હતી અને એ સર્વ અનુભૂતિને પરિણામે, ‘યતો મત, તતો પથ’ – જેટલા મત (સંપ્રદાય) તેટલા (ઈશ્વરને પામવાના) માર્ગો – એ નિષ્કર્ષ પર શ્રીરામકૃષ્ણ આવ્યા હતા. પોતે જન્મે બ્રાહ્મણ હતા પણ એમણે જ્ઞાતિબંધનો તોડ્યાં હતાં અને કહેતા કે ‘ભક્તોની એક જ જ્ઞાતિ.’ વૈષ્ણવ સંપ્રદાયની વાત કરતાં એમણે ‘શિવજ્ઞાને જીવસેવા’નો પરમ મંત્ર આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે એ મંત્રને લક્ષમાં રાખી એના પાયા ઉપર રામકૃષ્ણ મિશનની સેવાની ઈમારત ચણી છે.
શિકાગોમાંના સ્વામીજીના જે પ્રવચનનો ઉલ્લેખ છે તેમાં અને તે પછી એ વિશ્વધર્મ પરિષદમાં એમણે આપેલાં બીજાં પ્રવચનોમાં, અમેરિકા અને ઈંગ્લેન્ડમાંના સ્વામીજીના કાર્યમાં, ભારત પાછા આવી કોલંબોથી અલમોડા અને લાહોર સુધીનાં અનેક સ્થળોએ સ્વામીજીએ આપેલાં પ્રવચનોમાં આપણને શ્રીરામકૃષ્ણના બોલનો જ પ્રતિધ્વનિ સંભળાશે. શ્રીરામકૃષ્ણ પરમહંસના પટ્ટશિષ્ય બની, એમના બોલને બુલંદ અવાજે પડઘાવી, લેખના આરંભમાં ટાંકેલી કવિ ઉમાશંકરની પંક્તિઓમાં નિર્દેશિત લોકોનાં ‘નિદ્રા ઘેરાં લોચનો’ ઉઘાડી, કઠ ઉપનિષદનો વીર્યવંત સંદેશ – ઉત્તિષ્ઠત જાગ્રત.- સંભળાવી, દરિદ્રનારાયણની અને રોગીનારાયણની સેવા કરવા તરફ પોતાના સંઘ બંધુઓને વાળી, સંન્યાસની ભારતીય પરંપરામાં ક્રાંતિકારક પરિવર્તન લાવનાર સ્વામી વિવેકાનંદ ભારતના પુનરુત્થાનના મહાન જ્યોતિર્ધર હતા. કવિવર રવીન્દ્રનાથ સર્વધર્મ સમન્વયના કવિ હતા તો, એમનાથી બે વર્ષ નાના (રવીન્દ્રનાથ : ૧૮૬૧-૧૯૪૧; સ્વામી વિવેકાનંદ; ૧૮૬૩-૧૯૦૨) સ્વામી વિવેકાનંદ સર્વધર્મસમન્વયના દૃષ્ટા હતા. સદીઓથી સુષુપ્ત બની ગયેલો, નિસ્તેજ બની ગયેલો, આત્મશ્રદ્ધા ગુમાવી બેઠેલો, ભારતદેશ સ્વામીજીના શંખનાદે જાગ્યો. એમને બોલે એની મુખમુદ્રા પરનું વિલાઈ ગયેલું તે જ પુન: પ્રગટ થયું અને સ્વામીજીની શબ્દોઅધિએ દેશમાં અને પ્રજામાં આત્મશ્રદ્ધા પુન: જાગૃત થઈ.
સ્વામીજીનું જીવનકાર્ય તો નવ વર્ષના (૧૮૯૩-૧૯૦૨)ના ગાળામાં જ આટોપાઈ ગયું હતું પણ એમણે વાવેલું અધ્યાત્મસેવાનું બીજ વટવૃક્ષની શાખાઓ પેઠે જગતભરમાં ફેલાયેલું છે; જીવનને આવરી લેતાં તમામ ક્ષેત્રો પર સ્વામીજીની પ્રબળ અસર છે અને એ અસર વધારે ને વધારે ઊંડી અને વ્યાપક બનતી જાય છે; મહાત્મા ગાંધી તથા શ્રી અરવિંદ જેવી વિભૂતિઓને પ્રેરણાનાં પીયૂષ પાય છે; રોમાં રોલાં, સિસ્ટર ગાર્ગી સમી વિદેશી વ્યક્તિઓમાં પરિવર્તન સાધે છે.
સ્વામીજીના આગમન સાથે ભારતમાં પુનરુત્થાનનો સૂર્યોદય થયો છે એ નિર્વિવાદ છે. કોમી દંગલો અને હિંદુત્વ વિશેની સંકીર્ણ માન્યતા રૂપી વાદળો એ સૂર્યને ઢાંકી શકશે નહીં. એ વાદળોના અંધકારથી આચ્છાદિત ન થવું હોય, આપણું સાચું હીર પ્રગટ કરવું હોય અને, દરિદ્રતા, અજ્ઞાન, અસમાનતા જેવી દેશને પીડતી મહામારીઓને મારી હટાવવી હોય તો, એ સૂર્યના પ્રકાશોજ્જ્વલ બોધના અમલ ભણી આપણે સૌએ તરત વળવું રહ્યું.
Your Content Goes Here




