(ગતાંકથી આગળ)

મૃત્યુની પ્રક્રિયા

હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન, આ અંત:કરણ, આ સૂક્ષ્મ શરીર વિદ્યમાન હોય છે. કારણ કે એના જ માધ્યમથી શરીરમાં આત્મચૈતન્યનું પ્રતિફલન થાય છે; જ્યારે આ મનોયંત્ર (એટલે કે સૂક્ષ્મ શરીર) આ સ્થૂલ શરીરમાંથી પોતાની ક્રિયા સંકેલી લે છે અને કારણ શરીર ઉપર આરૂઢ થઈને શરીરમાંથી નીકળી જાય છે, ત્યારે એના અભાવમાં આત્મચૈતન્યનું પ્રતિબિંબિત થવાનું બંધ થઈ જાય છે, એટલે કે આત્માનો ચૈતન્યધર્મ, પોતાને પ્રકટ કરનાર એ યંત્રના અભાવમાં ફરીથી પ્રચ્છન્ન આવૃત્ત, ઢંકાયેલો બની રહે છે. જેવી રીતે બલ્બમાં ફિલામેન્ટ તૂટી જતાં, વિદ્યુતની હસ્તી હોવા છતાંય એનો પ્રકાશધર્મ છુપાયેલો બની રહે છે, તે પ્રમાણે જ આ છે. આવી દશામાં આ શરીરને ‘નિર્જીવ’, ‘પ્રાણહીન’ અથવા ‘જડ’ કહીને ઓળખવામાં આવે છે અને આ જ મૃત્યુની અવસ્થા છે. એવી વાત તો છે જ નહિ કે, મૃત શરીરમાંથી આત્મા જ ચાલ્યો ગયો હોય. આત્મા તો સર્વવ્યાપી છે, વિભુ છે. એ વળી ક્યાં ચાલી જશે ભલા? હા, એના ચૈતન્યને પ્રકાશિત કરનારું ‘અંતકરણ’ નામનું યંત્ર અવશ્ય ચાલ્યું જાય છે. એટલા માટે આપણે કહી ઊઠીએ છીએ કે ‘જીવાત્મા શરીરને છોડીને ચાલ્યો ગયો.’ ‘જીવાત્મા’ અને ‘આત્મા’ – આ બે શબ્દોનો અર્થભેદ તો આપણે પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. આપણે ત્યાં કહ્યું હતું કે ‘આ જીવાત્મા’ને જ ‘જીવ’ કહેવામાં આવે છે. ‘અમીબા’ એ આ જીવનું કમ સંકુચિત રૂપ છે.

શરીરાંતરગ્રહણ : વસ્ત્ર, ઘર અને જળોનાં ઉદાહરણો

ગીતાના બીજા અધ્યાયના બાવીસમા શ્લોકમાં ‘મૃત્યુ’ અને ‘પુનર્જન્મ’ની સરખામણી, જૂનાપુરાણાં વસ્ત્રોનો ત્યાગ કરવા અને નવાં વસ્ત્રો ધારણ કરવાની ક્રિયા સાથે કરવામાં આવી છે. એ રીતે મહાભારતમાં પુનર્જન્મની સરખામણી, નવા ઘરમાં પ્રવેશ કરવાની ક્રિયા સાથે કરવામાં આવી છે. ત્યાં શાન્તિપર્વના પંદરમા અધ્યાયમાં લખ્યું છે :

यथा हि पुरुषः शालां पुनः संप्रविशेन्नवाम् ।
एवं जीवः शरीराणि तानि तानि प्रपद्यते ॥५७॥

देहान्पुराणानुत्सृज्य नवान्सम्प्रतिपद्यते ।
एवं मृत्युमुखं प्राहुर्जना ये तत्त्वदर्शिनः ॥५८।।

જેવી રીતે મનુષ્ય વારંવાર નવાં ઘરોમાં પ્રવેશ કરે છે, તેવી રીતે જ જીવ જુદાં જુદાં શરીરો ગ્રહણ કરે છે. જૂના શરીરોને છોડીને નવાં શરીરોને અપનાવી લે છે. આને જ તત્વદર્શી મનુષ્યો મૃત્યુના મુખ તરીકે દર્શાવે છે; પરંતુ, શ્રીમદ્ભાગવતમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં મરણ પછીની ગતિ માટે જળોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ભાગવતના દસમ સ્કંધમાં કહેવામાં આવ્યું છે કે, ‘यथा त्रुणजलुकैवं देही कर्मगति गतः’- ‘જેમ જળો પહેલાં કોઈક આગળનાં તણખલાને પકડી લે છે, ત્યાર પછી જ પોતે પકડેલાં તણખલાંને છોડે છે, એવી જ રીતે જીવ પણ પોતાનાં કર્મો અનુસાર જુદી જુદી ગતિઓ પ્રાપ્ત કરે છે.’ यथात्रुणजलुयुकः त्रुणस्यानतम गत्वाअन्यं आक्रमम् आक्रम्य आत्मानम् उपसंहरति’- ‘જેમ કોઈ જળો એક તણખલાને છેડે પહોંચીને બીજાં તણખલાં રૂપી આશ્રયને પકડીને પછી પહેલા તણખલા ઉપરથી પોતાને સંકોચીને અલગ કરી દે છે, તે જ પ્રમાણે આ આત્મા, પૂર્વ શરીરના નાશ થવાને વખતે અણજાણી રીતે જ બીજા શરીરનો આશ્રય લીધા પછી પૂર્વના દેહમાંથી પોતાને સમેટી લે છે.’ હવે, વસ્ત્ર અને ઘરનાં ઉદાહરણો તો સમજી શકાય તેવાં છે, પણ આ જળોનું ઉદાહરણ તો એક નવી મુશ્કેલી ઊભી કરે છે. આ જળોને ચાલવા માટે તો આગળનું તણખલું પણ જોઈએ અને પછીનું તણખલું પણ જોઈએ! તો શું આનું તાત્પર્ય એવું છે કે, આ દેહધારી જીવને પોતાના મરણ પહેલાં જ એક નવું શરીર જરૂરી છે? જો એમ હોય તો લાખો – કરોડો સૂક્ષ્મ શરીરો એકસાથે તૈયાર ક્યાં મળશે? પળે પળે જુદી જુદી યોનિઓનાં અસંખ્ય શરીરો નષ્ટ થઈ રહ્યાં છે; તો આ બધાંને માટે પણ નવાં શરીરો પહેલેથી જ તૈયાર થયેલાં હોવાં જોઈએ. વળી, આ અસંખ્ય શરીરને બનાવીને ક્યાં રાખવામાં આવે છે? કારણ કે સ્થૂલ શરીર તો જીવ ગર્ભમાં પ્રવેશ કરે, ત્યાર પછી જ તૈયાર થાય છે ને? તો પછી ઉપરનાં બન્ને ઉદાહરણોનો મેળ કઈ રીતે બેસાડવો? અન્ય શરીરની પ્રાપ્તિનો સાચો ક્રમ ક્યો સમજવો જોઈએ?

પંચાગ્નિક્રમ: જીવના શરીરગ્રહણની પ્રક્રિયા

આ પ્રશ્ન ઉપર આચાર્ય શંકરે બ્રહ્મસૂત્ર ઉપરના પોતાના શારીરક ભાગમાં બહુ સારી રીતે વિચાર કર્યો છે. એમણે અનેક પ્રમાણો આપીને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે, શરીરાંતરગ્રહણ દેહત્યાગની પહેલાં પણ થતું નથી અને કપડાં બદલવાની જેમ તત્કાલ પણ થતું નથી. શરીરાંતરગ્રહણ તો ઉપનિષદોમાં વર્ણવાયેલ પંચાગ્નિક્રમથી જ થાય છે. સ્વર્ગ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી-આ પાંચ અગ્નિઓ છે. શરીર છોડ્યા પછી જીવને આ પાંચ અગ્નિઓમાંથી પસાર થવું પડે છે, અને ત્યારે જ એને આગલું નવું શરીર પ્રાપ્ત થાય છે, સ્વર્ગનો અર્થ અહીં ચંદ્રલોક થાય છે. ચન્દ્રમા મનનો દેવતા છે. શ્રુતિ કહે છે કે, ‘ચન્દ્રમા મનસો જાત’ – ‘ચન્દ્રમા મનમાંથી ઉત્પન્ન થાય છે.’ આનો અર્થ એ છે કે, ચન્દ્ર સાથે મનને સતત સંબંધ રહેલો છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે. ત્યારે એનું સ્થૂલ શરીર તો અહીં જ નષ્ટ થઈ જાય છે. પરન્તુ સૂક્ષ્મ શરીર કે જેને આપણે સાધારણ રીતે ‘મન’ એવા નામથી ઓળખાવ્યા કરતા હોઈએ છીએ, તે પોતાના કારણે શરીરની સાથે ઉર્ધ્વલોકમાં ગમન કરે છે. આને જ આપણે જીવ તરીકે ઓળખીએ છીએ. આ જીવ એ ઊર્ધ્વલોકમાંથી વર્ષા દ્વારા પૃથ્વી પર પતિત થાય છે, અને કોઈક વનસ્પતિમાં સમાઈ જાય ત્યારે એ જીવ, એ પુરુષમાં આવી જાય છે, અને એના વીર્યના માધ્યમથી સ્ત્રીમાં પ્રવેશ કરે છે. સ્ત્રીના ગર્ભમાં, પુરુષનું વીર્ય જ્યારે સ્ત્રીના રજ સાથે સંયુક્ત થાય છે, એ જ ક્ષણે માતાના ગર્ભમાં જીવને પોતાના આવનારા સ્થૂલ શરીરનું બીજ પ્રાપ્ત થાય છે. એ બીજ સમયાનુસાર વિકસિત થઈને પ્રસવમાર્ગ દ્વારા ગર્ભમાંથી બહાર નીકળે છે. ગર્ભમાં આ જીવને પિતાના વીર્યથી પિતાના અને માતાના રજથી માતાના કેટલાક શારીરિક અને માનસિક સંસ્કારો પ્રાપ્ત થાય છે. એને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં આપણે આનુવંશિક ક્રમ કહીએ છીએ. જ્યારે આ જીવ ગર્ભમાંથી બહાર નીકળીને ક્રમે ક્રમે વિકાસ પ્રાપ્ત કરે છે, ત્યારે એ પોતાના સંસ્કારોને લીધે આગળ વધેજ છે. પણ એની સાથે સાથે એની ઉપર એના માતા અને પિતાના સંસ્કારોની છાપ પણ હોય છે. માતા અને પિતાની સાથે વર્ષો સુધીના ઘનિષ્ઠ સંપર્કને કારણે તેમની ટેવોની છાપ પણ તેમનાં સંતાનો ઉપર પડ્યા જ કરતી હોય છે. જીવ દ્વારા ખાસ પ્રકારનાં માતા-પિતાની આવી જે પસંદગી થાય છે, એ પણ એ જીવના ‘પ્રારબ્ધ’ દ્વારા જ નિયંત્રિત હોય છે. આ ‘પ્રારબ્ધ’ને સામાન્ય ભાષામાં આપણે ભાગ્ય કહીને પિછાણીએ છીએ; પણ ‘ભાગ્ય’ શબ્દથી તો એવું કંઈક સૂચિત થાય છે કે એમાં પરવશતા હોય! અને જાણે એમાં વૈજ્ઞાનિકતા નામની કોઈ વરત જ ન હોય! પણ અહીં કોઈ એવી વાત નથી. ‘પ્રારબ્ધ’ની આ પ્રણાલી તો પૂરેપૂરી રીતે વૈજ્ઞાનિક છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.