પરિશ્રમ એ જ પારસમણિ

એક ખેડૂત મરણપથારીએ પડ્યો હતો. પુત્રોને સાચો જીવનપાઠ શીખવવા પોતાની પાસે બોલાવ્યા. પથારીની આસપાસ પુત્રો બેઠા એટલે વૃદ્ધે ધીમા અને દુ:ખભર્યા અવાજે કહ્યું: ‘બેટા, હવે મારું મૃત્યુ નજીક છે. મારે તમને એક વાત કરવી છે, એટલે તમને અહીં બોલાવ્યા છે. આપણા દ્રાક્ષના ખેતરમાં એક ખજાનો દાટેલો છે. મારા મરી ગયા પછી એને ખોદીને કાઢશો તો તમારું જીવન નિરાંતે જીવી શકશો.’ ખેડૂતનું મૃત્યુ થયું કે તરત જ છોકરાઓ ત્રિકમ, કોદાળી, પાવડા લઈને મંડ્યા ખોદવા. ખજાનાની શોધમાં આખું ખેતર ખોદી નાખ્યું. દુર્ભાગ્યે એમને ક્યાંય પિતાએ કહેલો ખજાનો મળ્યો નહિ. આખા ખેતરમાં દ્રાક્ષ વાવેલી હતી, ખેતર સારી રીતે ખોદાઈ ગયું હતું અને એ વર્ષના દ્રાક્ષના પાકે એમને ન્યાલ કરી દીધા. એમનું દારિદ્ર્ય દૂર થઈ ગયું. એટલે જ ‘મહેનતનાં ફળ મીઠાં, ભાઈ મહેનતનાં ફળ મીઠાં’ એમ કહેવાય છે.

લોભ પાપનું મૂળ છે

એક માણસે એક ડુંગળીના કોથળાની ચોરી કરી. એ પકડાઈ ગયો અને તેને ન્યાયધીશ સામે ઊભો કર્યો. ન્યાયધીશે બધી હકીકત સાંભળી. એમણે સજા માટે ત્રણ વિકલ્પ ડુંગળીચોરને આપ્યા. પહેલો વિકલ્પ હતો – એક જ બેઠક પર એક કોથળો ડુંગળી ખાઈ જવી; બીજો વિકલ્પ હતો – સો ફટકાનો માર ખાવો; ત્રીજો વિકલ્પ હતો – દંડની રકમ ભરી દેવી.

પેલા માણસે એક જ બેઠકે ડુંગળી ખાઈ જવાની સજા સ્વીકારી. ડુંગળી ખાતી વખતે એને પૂરતો આત્મ-વિશ્વાસ હતો કે એ બધી ડુંગળી ખાઈ જશે. પણ એણે એ બે-પાંચ ખાધી અને એની આંખમાંથી કાળી બળતરા સાથે આંસું વહેવાં માંડ્યાં, નાક વહેવા લાગ્યું અને મોંમાંયે લાય લાગી ગઈ.

આ દશા જોઈને ચોરે વિનંતી કરી: ‘સાહેબ, બધી ડુંગળી હું નહિ ખાઈ શકું. એમ કરો એને બદલે મને સો ફટકા મારો.’ એટલે સિપાઈએ સોટી લીધી અને મંડ્યો સબોડવા. દસ-બાર ફટકા પડ્યા અને પછી એક ફટકોયે સહન કરવો અશક્ય બન્યો. વળી પાછા ન્યાયધીશને વિનંતી કરી: ‘સાહેબ, આ ફટકાયે મારાથી સહન થતા નથી! એમ કરો, આપ કહો તે બધો દંડ ભરી દઈશ.’ આ બિચારા-બાપડા ચોરે, નબળા મનના અને સ્થિર ચિત્તે વિચાર ન કરનારા ચોરે દંડ ભરી દીધો. દંડ ભરીને અને ત્રણેય સજાનો સ્વાદ ચાખીને આખા શહેરમાં એ હાંસીનું પાત્ર બની ગયો. અસ્થિર અને લોભી માનવીઓ ઘણું ઘણું સહન કરે છે. આનું મૂળ કારણ છે લોભ. લોભ બધા પાપનું મૂળ છે.

મૃત્યુનો વેપારી બન્યો સંજીવનીનો દાતા!

૧૦૦ વર્ષ પહેલાં સવારના પહોરમાં એક માણસે સમાચારપત્ર જોયું. આશ્ચર્ય અને ભય સાથે એણે પોતાની અવસાનનોંધ વાંચી. સમાચારપત્રોમાં ભૂલથી ખોટી વ્યક્તિના અવસાનની વાત હતી. એ વાંચીને એણે આઘાત અનુભવ્યો. વાંચનાર માણસ બોલી ઊઠ્યો : ‘હું અહીં છું કે ત્યાં?’ આઘાતમાંથી બહાર આવીને લોકો એમના વિશે શું કહે છે કે ધારે છે એનો બીજો વિચાર આવ્યો. એ અવસાનનોંધમાં આમ લખ્યું હતું : ‘સૂરંગનો રાજા મૃત્યુ પામે છે.’ એમાં આ શબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા. ‘તે તો મૃત્યુનો વેપારી હતો.’ આ વાંચનાર સૂરંગનો શોધક હતો અને જ્યારે એણે ‘મોતનો વેપારી’ એ શબ્દો વાંચ્યા ત્યારે એણે મનોમન પ્રશ્ન કર્યો : ‘શું હું આવી જ રીતે લોકયાદ રહેવાનો છું?’ એના હૃદયમાં એક લાગણીનો સંસ્પર્શ થયો અને તેણે મનથી નિર્ધાર કર્યો કે તે પોતે આવી રીતે લોકયાદમાં રહેવા માગતો નથી. તે જ દિવસથી માંડીને એણે શાંતિ માટેનું કાર્ય આરંભ્યું. આ, માનવીનું નામ હતું આલ્ફ્રેડ નૉબલ અને આજે તેઓ મહાન પારિતોષિક નૉબેલ પ્રાઈસના નામથી જગતમાં ઓળખાય છે. જેમ આલ્ફ્રેડ નૉબેલના હૃદયમાં સંસંવેદનાની વીજળી ચમકી ગઈ અને પોતાના જીવનનાં મૂલ્યોમાં મહાન પરિવર્તન લાવી શક્યા. મૃત્યુનો વેપારી બન્યો સંજીવનીનો દાતા! તેવી જ રીતે આપણે પણ આપણા ગઈકાલના જીવનમાં ડોકિયું કરીને આવું નવું રચનાત્મક પરિવર્તન લાવી શકીએ.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.