એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓનો લાભ મળવા લાગ્યો છે. ઉત્તમ વિદ્વાન પ્રાધ્યાપકોનો લાભ મળવા લાગ્યો છે. યુનિવર્સિટીમાં ન જઈ શકે તેના માટે ઘેર બેસીને કે ઓનલાઈન શિક્ષણનો પણ લાભ મળે છે. અદ્યતનમાં અદ્યતન શિક્ષણ અપાય છે. દિન પ્રતિદિન વિશ્વ શિક્ષિત થતું જાય છે.
પણ સમાંતરે, આપણે છાપામાં વાંચીએ છીએ કે ટેલિવિઝનમાં જોઈએ છીએ કે ચારે બાજુ માનસિક અસ્વસ્થતા વધતી જાય છે. શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં
રેગીંગ, ગોળીબારો, ખૂન, છેડતીના બનાવો બનતા દેખાય છે. વિદ્યાર્થીઓના આપઘાતોના બનાવો પણ વધતા દેખાય છે. શિક્ષિતોમાં ડિપ્રેશન વધતું દેખાય છે. ભૌતિકતાની ગુલામી વધતી દેખાય છે. અરે, શિક્ષિતોમાં જ ભ્રષ્ટાચાર વધતો દેખાય છે. કાયદા તોડવાની વૃત્તિ દેખાય છે. કુટુંબોમાં પણ અસ્વસ્થતા વધતી દેખાય છે. અને આ બધા બનાવો શિક્ષિતોમાં જ વધતા દેખાય છે.
ત્યારે, સ્વાભાવિક રીતે વિચાર આવે કે શિક્ષિત વ્યક્તિ તો સ્વસ્થ હોય, સમજુ હોય, તે જ બીજાને યોગ્ય માર્ગદર્શન આપી શકે, તે જ પ્રામાણિક, વિચારક હોય, તેને બદલે ચારે તરફ અસ્વસ્થતા કેમ દેખાય છે? તો શું વ્યક્તિઓમાં વાંધો છે કે પછી શિક્ષણમાં વાંધો છે?
શિક્ષણ સામાન્ય સંદર્ભમાં બરાબર છે. તે શાસ્ત્રીય રીતે જ અપાય છે. અદ્યતન પણ અપાય છે. શાળા-કોલેજો તેમની રીતે બરાબર ચાલે છે. બાહ્ય રીતે કશું જ અયોગ્ય નથી. તો?
મૂળ વાત એ છે કે શિક્ષણ વિશે પાયાનું જે ચિંતન થાય છે તેમાં ગરબડ છે. શિક્ષણમાં વિષયોનું ચિંતન થાય છે, પણ વિષયી-શીખનારનું ચિંતન નથી થતું. વિદ્યાર્થીને માત્ર વિષય બરાબર આવડે તેવું જ નથી કરવાનું. તેના મનને અને બુદ્ધિને તાલીમબદ્ધ કરવાનાં છે, સ્વસ્થ કરવાનાં છે, તેમનાં ચિંતનને જ પાયામાંથી બદલાવવાનું છે, તેને ઊંડાણથી વિચાર કરતાં શીખવવાનું છે. ખાસ કરી પોતાના વિશેનું જ્ઞાન આપવાની જરૂર છે. આ કામ નથી થતું. માત્ર બાહ્ય વિષયો પર જ ધ્યાન અપાય છે. તેને ‘સ્વ-શિક્ષણ’ નથી અપાતું. માટે આ બધા ગોટાળા દેખાય છે.
તો હવે વિદ્યાર્થીને – કે વ્યક્તિને – કયું ચિંતન આપવાનું છે?
અહીં ફરીથી આપણે સ્વામી વિવેકાનંદને જ યાદ કરવા પડશે. તેમણે, સદ્ભાગ્યે શિક્ષણ બાબતે ઊંડાણથી વિચાર્યું છે. તેથી તેમનાં લખાણોમાં તે વિશે સર્વોત્તમ ચિંતન જોવા મળે છે. માત્ર બે જ વિચાર તપાસીએ.
વિવેકાનંદે શિક્ષણની બે વ્યાખ્યા આપી છે. તેમાં જ બધી સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે.
પહેલી વ્યાખ્યા સ્વામીજી આપે છે કે : ‘શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.’
અદ્ભુત વ્યાખ્યા છે આ, નિરાંતે વિચારવા જેવી. આટલી પૂર્ણ વ્યાખ્યા કોઈએ નથી આપી. સ્વામીજી કહે છે કે પ્રથમ એ માનવાનું છે કે માણસ ‘પૂર્ણ’ છે. જન્મથી જ પૂર્ણ છે. મોટા ભાગે એમ વિચારાય છે કે બાળક જન્મથી અધૂરું છે, શિક્ષણ તેને તાલીમ આપી તૈયાર કરે છે, પૂર્ણ બનાવે છે. વિવેકાનંદ તેને નકારતાં કહે છે કે માણસમાં પૂર્ણતા તો ‘રહેલી’ જ છે. તે પૂર્ણ જ છે.
તો શિક્ષણ શું કરે છે? સ્વામીજી કહે છે કે શિક્ષણ આ પૂર્ણતાને અભિવ્યક્ત કરવામાં મદદ કરે છે. તે બાળકને પૂર્ણ બનાવતું નથી. પૂર્ણ તો તે છે જ. પણ આ પૂર્ણતા સુષુપ્ત છે, છુપાયેલ છે, પ્રગટ નથી થયેલ. શિક્ષણ દ્વારા આ પૂર્ણતા પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે, બહાર આવે છે.
એટલે વિષયોનું શિક્ષણ આપતાં પહેલાં અને આપતી વખતે પણ બાળકને સતત એમ જ કહેવાનું છે કે તે પૂર્ણ છે. તેનામાં પ્રગતિ કરવાની બધી જ સંભાવનાઓ હાજર છે. આ સંભાવનાઓને જ પ્રકાશિત કરવાની છે. શિક્ષકે પણ શિક્ષણ આપતાં પહેલાં એ ધારણાથી કામ કરવાનું છે કે તેના સામે બેઠેલ બાળક હોંશિયાર જ છે. તેેને બધું આવડી શકે છે, કારણ કે તેનામાં શીખવાની પૂર્ણ શક્તિ અને ક્ષમતા છે. શિક્ષકે બાળકની ક્ષમતાને જ સતત ઉજાગર કરવાની છે, તેને બહાર લાવવાની કોશિશ કરવાની છે, બાળકને સતત પડકાર ઝીલતાં જ શીખવવાનું છે. એક વાર બાળકને ખ્યાલ આવી જશે કે પોતાનામાં અનંત શક્તિ છે, શીખવાની પૂરી ક્ષમતા છે, તો તરત તેનું વલણ બદલાશે, તેનામાં આત્મવિશ્વાસ વધશે, આત્મછબી ઊંચી થશે. પરિણામે તે સરસ રીતે શીખશે. તે નબળાઈને બદલે ક્ષમતા-સામર્થ્યનંુ જ ચિંતન કરશે અને પડકારો ઝીલવા સક્ષમ બનતું જશે.
પછી સ્વામીજી શિક્ષણની બીજી ઉત્તમ વ્યાખ્યા આપે છે. તે કહે છે કે ‘શિક્ષણ એટલે ચારિત્ર્ય.’
હવે ચારિત્ર્ય શબ્દ પણ ગરબડ કરે છે. અભાવગ્રસ્ત અને બંધનમાં જીવતા સમાજની માન્યતા છે કે ચારિત્ર્ય એટલે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સ્વસ્થ સંબંધ! મર્યાદિત સંબંધ. બે વચ્ચે એક જાતનું શિસ્ત. આ કદાચ સત્ય છે, પણ તેનો મર્યાદિત અર્થ છે. સ્વામીજીના કહેવાનો એ અર્થ નથી.
જ્યારે સ્વામીજી કહે છે કે માણસ પૂર્ણ છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેણે પૂર્ણ માનવની જેમ જ વર્તવાનું છે.
પૂર્ણ માનવની જેમ વર્તવું એટલે?
એટલે કે આવી વ્યક્તિનું એક ચોક્કસ ‘સ્ટાન્ડર્ડ’ હોય, તે માપદંડ તેણે પોતે જ નક્કી કરેલ હોય અને વ્યક્તિ તે સ્ટાન્ડર્ડના આધારે જ વર્તે, જીવે, તેનાથી નીચે ઊતરી ન શકે. દાખલા તરીકે પૂર્ણ વ્યક્તિ પ્રામાણિક જ હોય. પ્રામાણિક હોવું એટલે? એટલે કે તે ભ્રષ્ટાચાર કરી જ ન શકે. ભ્રષ્ટાચાર કરવો એટલે પોતાના સ્ટાન્ડર્ડથી નીચા ઊતરવું, પોતાના માપદંડને નીચે ઉતારવો. ચારિત્ર્યવાન વ્યક્તિ આ કરી જ ન શકે. ચારિત્ર્યવાન વ્યક્તિ બળાત્કાર કરી જ ન શકે, કામચોરી કરી જ ન શકે, વ્યર્થ બોલે જ નહીં અને આ બધું કાયદામાં છે માટે તે ન કરે એમ નહીં, પણ તેણે પોતે જ પોતાનું એવું સ્ટાન્ડર્ડ-જીવન જીવવાનું ધારા ધોરણ નક્કી કરેલ છે કે તે આવું નહિ જ કરે. કોઈ ન જુએ ત્યારે પણ, એકાંતમાં પણ, કરવાની ભરપૂર તક હોય ત્યારે પણ તે અનાચરણ ન જ કરે એનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્યે કોઈ જવાબ આપવાનો નથી, બીકના કારણે સારું વર્તન કરવાનું નથી, પોલીસની હાજરી છે માટે કરવાનું નથી, તે તો શિક્ષિત છે, એટલે કે ચારિત્ર્યશીલ છે, માટે તે આ ન કરી શકે. તે પોતાનો જ પોલીસ છે, ચોકીદાર છે. પોતાનો કાનૂન પોતે જ છે. ગમે તેવો લાભ મળતો હોય કે ભયંકર કટોકટીમાં પણ હોય, તો પણ તે સ્ટાન્ડર્ડ પ્રમાણે જ વર્તશે.
એનું નામ જ શિક્ષિત વ્યક્તિ. આનું નામ જ પૂર્ણતા. સ્ટાન્ડર્ડ રીતે વર્તવું એટલે જ પૂર્ણતાની અભિવ્યક્તિ! એને સુંદરમાં સુંદર વ્યક્તિની લાલચ આપો કે કરોડો રૂપિયા સામે ધરો, પછી ભલે તેને પૈસાની તાતી જરૂર હોય, તો પણ તે હાથમાં નહીં જ લે. કટોકટીભર્યા સંઘર્ષ સહન કરશે, પણ ડગશે નહીં. તેના ચારિત્ર્યમાં એક ક્ષણ માટે પણ ગોબો નહીં પડે. અને એ યાદ રાખવું પડે કે આવી વ્યક્તિની જ કસોટી થશે, અને સતત થતી રહેશે, છતાં તે એક ક્ષણ પણ અસ્વસ્થ નહીં થાય. તેને પોતાના સ્ટાન્ડર્ડનું ક્ષણે ક્ષણે ભાન હશે. આવી વ્યક્તિ દરેક બાબતે પળેપળ જાગૃત હશે.
એટલે વર્તમાન શિક્ષણમાં ટેકનોલોજીનું કે મેનેજમેન્ટનું જ્ઞાન આપવા સાથે પૂર્ણતાનું અને ચારિત્ર્યનું આ જ્ઞાન પણ આપવાનું છે, તેની સતત તાલીમ આપવાની છે. વડીલોએ ઘરમાં અને શિક્ષકોએ પણ શૈક્ષણિક સંસ્થામાં બાળક સામે પોતાનું ચારિત્ર્ય અભિવ્યક્ત કરવાનું છે, તો જ બાળક શીખશે. એટલે શિક્ષણ સર્વવ્યાપી છે. બાળક, વડીલ, શિક્ષક, નેતા-બધાને સમાન રીતે લાગુ પડે છે.ચારિત્ર્ય કેળવવું એ જ સાચી દેશભક્તિ છે.
Your Content Goes Here




