કરુણાસાગર મહાવીરની સહનશીલતા

હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું ધન બની જાય એવા મહાત્માનાં જીવન જ ધન્ય છે. એમની ધન્યતાની દુનિયામાં એક પળનું ડોકિયુંય આપણા જીવનને જીવનભરનું પાથેય પૂરું પાડી શકે છે. આવાં ધન્ય જીવન આપણને જીવતાં શીખવી શકે છે. એમનાં જીવનમાં આવી તો કેટલીયે રસસામગ્રી ભરી ભરી હોય છે કે, એમાં ક્યારેય ઊણપ-ઓછપ વરતાતાં નથી, અવિરત વહેતી એમની જીવનગંગા ભેદભાવથી પર રહીને સૌ કોઈના જીવનને પવિત્ર-શીતલ બનાવી દે છે.

કરુણાસાગર ભગવાન મહાવીરની કીર્તિ ફેલાતી રહી. એમનાં કઠોર તપ, ત્યાગ, અહિંસા અને કરુણા, દયા, અજોડ બની ગયાં. એમનાં ત્યાગ, તપસ્યા, અહિંસા અપરિગ્રહને ઘણાં વંદી રહ્યાં હતાં. પણ કેટલાંક ઈર્ષ્યાની આગમાં જલતાં રહ્યાં હતાં.

એક માણસ આ જ રીતે ભગવાન મહાવીરની ઈર્ષ્યા જ કર્યા કરતો. એને મન મહાવીરનાં ત્યાગ, તપ, અહિંસા નર્યો ઢોંગ જ હતાં. એમની બદબોઈ કરવી એ જ આ વ્યક્તિનું પરમ કાર્ય બની ગયું. મહાવીરને તંગ કરવાની એકેય તક એ મૂકે જ નહીં. મહાવીર પર કેટલાં વીતકો વિતાવ્યાં પણ મહાવીર વિચલિત ન થયા. એમણે તો સંયમ, સહિષ્ણુતા, દયાને જ જીવનમાં સર્વોત્તમ ગણ્યાં હતાં. આ મહાવીર અડગ રહ્યા. એમના મુખેથી ક્યારેય એવો શબ્દ જ ન નીકળ્યો કે, જે પેલી વ્યક્તિને હીણો બનાવે. એવો વિચાર સુધ્ધાંય એમના મનમાં ન આવ્યો. આ મહર્ષિએ તો પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.

અંતે મહાવીરની સંયમશીલતા – સહિષ્ણુતા આગળ પેલી વ્યક્તિની ઈર્ષ્યા હારી ગઈ. એની ઈર્ષ્યા ઓગળી ગઈ. એને પોતાનાં દુષ્કર્મ બદલ પસ્તાવો થયો. અંતે પસ્તાવાની પીડા ન સહેવાતાં ભગવાન મહાવીરને ચરણે ગયો. પોતે કરેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરવા લાગ્યો. તેણે કહ્યું : “હે પ્રભુ, મેં આપને અનેક રીતે સતાવ્યા છે પણ આપ એ બધું સહન કરતા રહ્યા. આ કેવી રીતે બની શક્યું?” પેલી વ્યક્તિના આ શબ્દો સાંભળીને ભગવાન મહાવીરની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એમની આંખમાં આંસુ જોઈને પેલી વ્યક્તિના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી પુછાઈ જવાયું, “આપની આંખમાં આંસુ કેમ?” દયાસાગર મહાવીરે પ્રત્યુત્તરમાં કહ્યું, “હે મિત્ર, તે મને અનેક કષ્ટો આપ્યાં એ માટે આંસુ નથી વહેતાં, પણ આ આંસુ તો એટલા માટે વહે છે કે, મને કષ્ટ આપવા જતાં તારે કેટલું સહન કરવું પડ્યું હશે એ બધું વિચારીને મારી આંખમાં આંસુ વહેવા લાગ્યાં છે. મારા જેવા માટે એક અબોધ આત્માને કેટકેટલું સહેવું પડ્યું એ જાણીને મારું હૃદય રડવા લાગ્યું છે.” આ શબ્દો સાંભળીને પેલી વ્યક્તિની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહેવા લાગ્યાં. તેણે ભગવાન મહાવીરના ચરણોમાં પડી તેમની ક્ષમા માગી. મહાવીરે ઉદાર દિલે ક્ષમા આપી. એ જ સાચો પીર જે જાણે – પરપીડ, બાકી બધા બેપીર-નપીર.

પ્રમાદ-અનંત પ્રમાદ

સામાન્ય માનવને સંસારની વળગણ એટલી હોય છે કે ગમે તેવી ઠોકરો ખાવા છતાં આપત્તિ – વિપત્તિ સહેવા છતાં એમની એષણા – સાંસારિક સુખોની એષણાનો અંત નથી આવતો. નશાખોરને નશા સિવાય બીજું સૂઝતું નથી તેમ સંસારી માનવને સાંસારિક સુખોપભોગ મેળવવાની મૃત્યુ પર્યંત ઈચ્છા રહે છે. નિરાસક્તિ, સંતોષ, નિર્મોહને ન જાણનારાની એષણાનો પાર નથી હોતો.

ભગવાન બુદ્ધ ઉપદેશ આપતાં આપતાં કોંડિયાનગરમાં આવ્યા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં નિર્વાણ પ્રાપ્તિનો મોક્ષપ્રાપ્તિનો ઉપદેશ આપતા ફર્યા કરતા હતા. એક વખત ભગવાન બુદ્ધના ઉપદેશ પછી ભિક્ષુ સંગ્રામજીએ પ્રશ્ન પૂછ્યો : “હે તથાગત, સંસારના પ્રમાદમાં પડ્યા રહેનારા; સાંસારિક સુખોમાં રચ્યાપચ્યા રહેનારાને ઓળખવા કેવી રીતે?” ભગવાન બુદ્ધે એ વખતે એના આ પ્રશ્નનો ઉત્તર ન આપ્યો અને બીજા જ વિષય પર ચર્ચા કરતા રહ્યા. ભિક્ષુ સંગ્રામજીની આતુરતા, અધીરાઈ વધી ગઈ.

બીજે દિવસે ભગવાન બુદ્ધને ભક્તિભાવથી જોતી કોલિયપુત્રી સુપ્પવાસાએ તેમને પોતાનું આતિથ્ય સ્વીકારવાની અને પોતાના ઘરે ભોજન લેવાની વિનંતી કરી. આ સુપ્પવાસા ગર્ભધારણનું કષ્ટ સહન કરી ચૂકી હતી. સાતસાત વર્ષ સુધી પ્રસવ ન થતાં ભગવાન બુદ્ધની અમીદૃષ્ટિની માગણી કરી હતી અને ભગવાન તથાગતની કૃપાદૃષ્ટિથી એને એ કષ્ટમાંથી મુક્તિ મળી હતી. એટલે સુપ્પવાસા પ્રેમપૂર્વક ભગવાન બુદ્ધ અને ભિક્ષુઓને ભોજન માટે નિમંત્રણ આપી આવી હતી. તથાગતે એ આમંત્રણને સ્વીકાર્યું અને સુપ્યપવાસાનું આતિથ્ય સ્વીકાર્યું, ભિક્ષુઓ અને તથાગતને ભાવપૂર્વક ભોજન પીરસ્યું. ભોજન કરતાં કરતાં બુદ્ધે જોયું કે સુપ્પવાસાનો પતિ તેના વહાલસોયા પુત્રની પાસે હતો. સાત વર્ષ સુધી ગર્ભમાં રહેવાને લીધે તેનો ઘણો વિકાસ થયો હતો અને સુંદર પણ હતો. તેની બાળક્રીડા અત્યંત ચિત્તહારી હતી. તે પોતાની માતા પાસે જવા ઈચ્છતો હતો. તેના પિતા તેને વારેવારે રોકતા હતા, પણ ચંચળ ચાલાક બાળક રોક્યો રોકાતો ન હતો. બાળકની આ ક્રીડાઓ જોઈને ભગવાન બુદ્ધે હસતાં હસતાં સુખપવાસાને પૂછ્યું, “હે પુત્રી! તને આવા જ પુત્રો પ્રાપ્ત થાય તો તું કેટલા પુત્રોની ઈચ્છા રાખે છે?” સંસારની માયામાં જ બંધાયેલી પોતાના ગતકાળની પીડાનેય ભૂલીને બોલી ઊઠી :

“હે ભગવાન, મારે આવા સાત સાત પુત્રોને જન્મ આપવો પડે તોય હું દુ:ખ ન અનુભવું.”

ભિક્ષુ સંગ્રામ તથાગતની પાસે જ બેઠા હતા. એને નવાઈ તો એ લાગી કે ગઈ કાલ સુધી જે પોતાના આ પુત્રનો પ્રસવ ન થતાં પ્રસવપીડાના દુ:ખથી વ્યાકુળ હતી, પીડિત હતી તે જ સુપ્પવાસા આજે તથાગત પાસે એક નહીં પણ સાત સાત પુત્રોની કામના કરે છે. ભગવાન બુદ્ધ ભિક્ષુ સંગ્રામના મોં પરના હાવભાવ જોઈને બોલ્યા : “હે સંગ્રામજી! તમારા ગઈ કાલના પ્રશ્નનો ઉત્તર આ છે.”

એટલે જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહેતા : સંસાર, પુત્ર, પત્ની, માતા, પિતા, માટે સૌ કોઈ આંસુ વહાવે છે. પણ પ્રભુપ્રાપ્તિ માટે કોઈની આંખ ભીની થતી નથી. એક વાર પ્રભુ માટે આંખ ભીની થાય તો બેડો પાર થઈ જાય.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.