પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં એણે રસ્તા પર પડેલાં પગલાં જોયાં. આ પગલાંની પડેલી રેખાઓને જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ, આ પગલાંની રેખાઓ એમ દર્શાવતી હતી કે, આ ચરણચિહ્ન કોઈ મહાન દિગ્વિજયી-ચક્રવર્તીનાં જ હોવાં જોઈએ. તેણે રસ્તામાંથી પસાર થતાં માણસોને પણ આ જ વાત કરી પણ કોઈને તેની વાતમાં રસ ન હતો. તેઓ બધા પોતપોતાને રસ્તે પડ્યા પણ આ મુખ-સામુદ્રિક પુષ્ય તો પગલે પગલે ચાલતો ચાલતો ઊપડ્યો પોતાના શાસ્ત્રનું સત્ય પુરવાર કરવા. ભલેને લોકો ગમે તે માને, પણ તેને પોતાની વિદ્યામાં અતૂટ શ્રધ્ધા હતી. ચરણચિહ્નના ચીલે ચીલે ચાલતાં એક ધ્યાનમગ્ન તપસ્વી સમક્ષ આવીને ઊભો અને આ મહાન તપસ્વી બીજા કોઈ નહીં પણ સ્વયં ભગવાન મહાવીર હતા. તેઓ ધ્યાનાવસ્થામાંથી બહાર આવતાં જ પુષ્યે તેમને પૂછ્યું : “મહારાજ! આપ એકલા જ છો?” એને મન આ કોઈ રાજાધિરાજ મનની શાંતિ માટે અહીં આવ્યા હોય તેવું હતું. પુષ્યના પ્રશ્નના અનુસંધાને ભગવાન મહાવીરે કહ્યું, “ભાઈ, આ દુનિયામાં જે કોઈ આવે છે તે એકલો જ આવે છે અને જાય છે ત્યારે એકલો જ હોય છે. તેનો કોઈ સાથી-સંગાથી નથી હોતો.” પુષ્યે આ તત્ત્વજ્ઞાનની વાત સાંભળીને કહ્યું, “મહારાજ, હું એ આધ્યાત્મિક ભૂમિકાની વાત નથી કરતો. હું તો ભૌતિક-દુન્યવી જગતની વાત કરું છું.” ભગવાન મહાવીરે કહ્યું : “ભાઈ, તમારી ભૌતિક દૃષ્ટિએ પણ એકલો નથી.” પુષ્યે આશ્ચર્ય સાથે પૂછ્યું : “મહારાજ, આપનાં પરિવારજનો કોઈ સાથે નથી અને છતાંયે આપ એકલા કેમ નથી?” આ સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું, “ભાઈ, મારો પરિવાર મારી સાથે જ છે.” પુષ્યે વળી પૂછ્યું : “આપના પરિવારજનો ક્યાં છે?” આ પ્રશ્નના જવાબમાં મહાવીર ભગવાને કહ્યું: “જો ભાઈ, સંવર-નિર્વિકલ્પ સમાધિ મારા પિતા છે, અહિંસા મારી માતા છે, બ્રહ્મચર્ય મારો ભાઈ છે, અનાસક્તિ મારી બહેન છે. અને શાંતિ નામની સહધર્મચારિણી, વિવેક નામે પુત્ર, ક્ષમા નામે પુત્રી પણ છે. મારું ઘર ઉપશય છે. અને સત્ય મારો મિત્રપરિવાર છે. આ બધો મારો પરિવાર સદૈવ મારી સાથે જ રહે છે, ફરે છે. તો પછી હું એકલો કેમ?”
પુષ્યે આ સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું : “મહારાજ, આપના શરીરનાં લક્ષણો એક મહાન ચક્રવર્તી સમ્રાટ જેવાં છે અને આપની જીવનચર્યા એક અદના માનવી જેવી છે!” એટલે મહાવીરે પુષ્યને પૂછ્યું : “વારુ ભાઈ, ચક્રવર્તીનાં લક્ષણો કેવાં હોય છે?” પુષ્યે કહ્યું : “જેની આગળ આગળ ચક્ર ચાલતું રહે છે તે ચક્રવર્તી.” મહાવીરે કહ્યું : “અને બીજું લક્ષણ ક્યું?” પુષ્યે ઉમેર્યું : “તેની આસપાસ બાર-બાર જોજન સુધી વિસ્તરેલી સેનાનું છત્રરત્ન પણ હોય છે.” મહાવીરે વળી પ્રશ્ન કર્યો : “અને ત્રીજું લક્ષણ ક્યું?” પુષ્ય બોલી ઊઠ્યો, “એ ચક્રવર્તી પાસે એવું ચર્મરત્ન હોય છે કે, જેથી વાવેલું બીજ સાંજ સુધીમાં જ પરિપક્વ બની જાય છે.”
આ સાંભળીને મહાવીરે સસ્મિત વદને કહ્યું: “ભાઈ, તું અહીં-તહીં ઉપર-નીચે સર્વત્ર નજર કર. બધે જ મારું ધર્મચક્ર આગળ આગળ ચાલે છે. આચાર બની રહે છે મારું છત્રરત્ન. આ આચાર છત્રરત્ન સમગ્ર માનવજાતને સંરક્ષવા સમર્થ છે અને જે ક્ષણે બીજ વાવો એ જ ક્ષણે પરિપક્વતા આપતું મારું ચર્મરત્ન છે – ભાવનાયોગ. ભાઈ, હવે તો હું ચક્રવર્તી ખરોને? તમારી જ્યોતિષવિદ્યામાં ધર્મસમ્રાટની સંકલ્પના ખરી કે નહીં?” પુષ્ય બોલી ઊઠ્યો : “મહારાજ, આજે મારો ભ્રમ ભાંગ્યો અને હું મારા મનનું સાચું સમાધાન શોધીને જાઉં છું.” શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે :
तस्मै नमः परेशाय ब्रह्मणेऽनन्तशक्तये ।
अरूपायोरुपाय नमः आश्चर्यकर्मणे ॥
અનન્ત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને નમસ્કાર કરું છું. રૂપરહિત છતાં અનેક સ્વરૂપો ધારણ કરનાર અને આશ્ચર્યકારક કાર્ય કરનાર તે પ્રભુને મારા નમસ્કાર હજો.
ભગવાન મહાવીરના આ ઈશરૂપને આપણાં શતશત વંદન હજો.
આવી અનન્ય આધ્યાત્મિક ભાવના જ માનવજીવનની તારણહાર બની શકે.
સંકલન : શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here




