(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

શ્રીશંકરે જ્યારે વિષ પીધું ત્યારે લોકોએ ‘को कृपाल सकर सरिस’ કહી એમની પ્રશંસા કરી. જ્યારે કૈકેયી માતાએ વિષ પીધું છતાં લોકોએ તેનો મહિમા ન જાણ્યો, ન સમજ્યો પણ અંતર્યામી પ્રભુથી એ વાત કેમ છાની રહે? એમણે તે પ્રગટ કર્યું કે-

दोसु देहिं जननिहि जड़ तेई ।
जिन्हें गुरसाधु सभा नहि सेई ।।

હા, કૈકેયી માતાએ પોતાના પ્રિય રામનું કાર્ય પરિપૂર્ણ કરવા જ આ બધું કર્યું હતું. પણ તેમાં તેમને તો કાળી ટીલી, વૈધવ્ય અને પિતાના પ્રાણપ્રિય પુત્રથી તિરસ્કાર જ મળ્યો! બલિહારી છે પ્રારબ્ધની! હા, તો પ્રભુ પોતે જ ભરત–સાગરના મંથન કરનારા હતા, તેમણે દેવ અને સાધુ પુરુષોને તો ભરતના પ્રેમામૃતનું પાન કરાવી અમર કર્યા અને પોતાની માતાને હળાહળ વિષ પિવડાવીને અમર કરી. એમણે ‘એક પંથ અને દો કાજ’નો અત્યંત વિલક્ષણ પ્રયોગ કર્યો. આપણને આ પ્રયોગમાં એક બાજુ ભરતજીનો રામપ્રેમ દેખાય છે, જે માત્ર લૌકિક સંબંધ નથી, એમને મન તો એમના ‘સર્વસ્વ’ રામ જ છે. તો બીજી બાજુ રામ-પ્રેમી કૈકેયીનો મહાત્યાગ! સાચા પ્રેમીનો આદર્શ પ્રેમમાર્ગ ઘણો કઠણ છે. એ ફૂલોનો નહીં કાંટાનો માર્ગ છે. શક્ય છે કે કોઈક પ્રેમીઓ પર ફૂલ વરસતાં હોય, અને કાંટાય વેરવામાં આવી રહ્યા હોય તે સહન કરવાની શક્તિ હોય તે જ આ માર્ગે આગળ વધી શકે છે.

રામાયણકાળમાં સૌથી વધુ તિરસ્કૃત પાત્ર જો કોઈ હોય તો તે કૈકેયી જ હતી. પણ ભગવાને તો કહ્યું કે “જેમણે સત્સંગ દ્વારા એમનાં પગલાંનું રહસ્ય નથી જાણ્યું એવા જડ લોકો જ મા કૈકેયીને દોષ આપે છે.”

એ પરથી તો એમ પણ કહી શકાય કે કૈકેયીને માટે કટુ વચન લખનાર આપણા મહાકવિ તથા શ્રી ભરત ઇત્યાદિ પણ જડબુદ્ધિના છે! આ સત્ય પણ છે. અત્યંત પ્રેમ હોય ત્યાં આગળ-પાછળને વિચાર રહેતો નથી. પોતાના પ્રભુને દુઃખ આપનાર હૃદયના ભાવોને સમજવાનો પ્રેમીને અવકાશ જ ક્યાં છે? તે તો દેખીતું કારણ જ જુએ છે. અને કારણરૂપ વ્યક્તિ ઉપર પ્રહારો કરે છે. શ્રી લક્ષ્મણજીનું ચરિત્ર આનું સાક્ષી છે. મહાકવિ, શ્રી ભરત તથા નગરજનો આવેશમાં આવી જે કંઈ કહે છે એ જ તો પ્રેમીઓના હૃદયના ઉદ્‌ગારો છે. પરંતુ ‘दोष देहि जननिहि जड तेई’ તો આપણા જેવાઓ માટે છે પરંતુ તટસ્થ બુદ્ધિથી વિચાર કરનારાઓ ૫ણ ક્યાંક કૈકેયી માતાને એવા માની ન લે એ જ પ્રભુનું કહેવું છે.

લખતાં લખતાં પ્રસંગથી દૂર નીકળી જવાયું. પણ એ સમયે શ્રી ભરતે જે કહ્યું તે યોગ્ય જ હતું—એમના પ્રભુ પ્રેમને અનુરૂપ જ હતું. અમે એમના ચરિત્રની એ વિશેષતા માનીએ છીએ કે ત્યાં ધર્મ અને પ્રેમ એકરૂપ થયા છે; એક જ અર્થ-વાચક થયા છે.

પણ અહીં જે જુદાપણું લાગે છે તે માત્ર માર્ગ બતાવવા પૂરતું જ છે. જો પ્રેમી સામે એવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ (ભગવત્પ્રેમ) એક સાથે નિભાવવા અસંભવ થઈ જાય ત્યારે તેને માટે એક જ માર્ગ રહે છે—તે છે રામ-પ્રેમ.

પરંતુ, કઠોર વચન કહેતાં કહેતાં શ્રી ભરતજી વળી પાછા એમના મૂળ સ્વભાવ ઉપર આવી જાય છે. એમની ધાર્મિકતા અને પ્રેમ એકરૂપ થાય છે. તેઓ પોતે જ બધો દોષ પોતાના ઉપર ઓઢી લે છે : ‘બધો દોષ મારો જ છે.’

આ દોહામાં કોઈના દોષ ન જોનાર શ્રી ભરતજીના ચરિત્રનું કેવું સરસ આલેખન જોવા મળે છે. –

राम विरोधी हृदय ते प्रकट कीन्ह विधि मोहि ।
मो समान को पातकी बादि कहउँ कछु तोहि ।।

કેવી વિલક્ષણ દીનતા છે? એમની આ વિલક્ષતા આગવી છે. જે બીજે મળવી અશક્ય છે. આ વિલક્ષણતા જ એમને પ્રેમાચાર્યના પદે સ્થાપે છે. પ્રભુથી વ્યક્તિને દૂર કરે એવા અહંકારનો અહીં પ્રવેશ નથી. એ અહંકાર કે જેણે દેવર્ષિ નારદનું એક વાર પતન કર્યું, અને શ્રી ભક્તરાજ હનુમાનના હૃદયને પણ સ્પર્શી ગયો તે ભરતજીને અડકી ન શક્યો.

આથી આપણને સમજાય છે કે પ્રભુ શા માટે શ્રી ભરતજીનું નામ જપે છે, શા માટે એમનું નામ એમને વિહ્વળ બનાવે છે? ત્યારે કહેવું પડે છે કે : ‘भरत भरत सम जानि ।’

કુટિલોમાં શિરોમણિ જેવી મંથરા શણગાર સજીને હવે ત્યાં આવે છે. માતાના કાર્યથી શ્રી શત્રુઘ્નજી આમેય ક્રોધમાં હતા, ત્યાં શણગાર સજેલી મંથરાને જેતાં તેઓ ક્રોધિત થઈ જાય છે. એને લાત મારીને ભૂમિ પર પછાડે છે. એનાં મોંમાંથી લોહી નીકળવા લાગે છે. માથું ફૂટી જાય છે. એ કુટિલ-બુદ્ધિ માટે સાચેસાચ તો આટલી શિક્ષા પણ ઓછી હતી. આટલો માર પાડવા છતાંય જ્યારે એણે કહ્યું કે :

‘करत नीक फल अनइस पात्रा ।’

(સારું કરવા ગઈ તો આ ફળ મળ્યું.)

ત્યારે વળી ક્રોધ કરીને શત્રુઘ્ને એને પૃથ્વી પર ઘસડવા માંડી. ભલા, લક્ષ્મણના નાના ભાઈને (શત્રુઘ્નને) શાંત કોણ કરે? પરંતુ ‘દયાનિધિ’ ભરત એને મુક્ત કરાવે છે. અહીં બન્ને ભાઈ વચ્ચેના સ્વભાવનું અંતર સ્પષ્ટ દેખાઈ આવે છે. શ્રી શત્રુઘ્નના પ્રેમ અને ધર્મમાં અહીં વિરોધાભાસ જોવા મળે છે. સ્વભાવવશ તેઓ પ્રેમને મહત્વ આપે છે. પરંતુ શ્રી ભરતનો પ્રેમ અને ધર્મ એક બની મંથરાને છોડાવે છે. તેઓ ‘દયાનિધિ’ તો છે જ ૫ણ એથીયે વધુ તેમને એ વાતનું વિશિષ્ટ ધ્યાન છે કે પ્રભુ આ જાણી દુ:ખી થશે. એમના પ્રત્યેક કાર્યમાં પ્રભુની ઇચ્છાનું ધ્યાન સૌ પ્રથમ હોય છે. એટલે જ આ૫ણને એમના વિશે વાંચવા મળે છે કે-

जौं न होत जग जनम भरत को ।
सकल धरमधुर धरनि धरत को ।।

(જો ભરતનો જન્મ ન થયો હોત તો આ ધરતી પર ધર્મની ધુરા કોણ ધારણ કરે?)

‘कौशल्या पहि गे दोउ भाई।’થી આ પ્રસંગ પૂરો થાય છે. ત્યારે માતા કૌશલ્યા અને શ્રી ભરતના કરુણ મિલનનું દૃશ્ય ખડું થાય છે. કૃશકાય, આભૂષણહીન, મ્લાન વદનનાળાં કૌશલ્યા માતા ભરતનું નામ સાંભળતાં જ જેમ ગાય વાછરડા તરફ આકર્ષાય તેમ દોડતાં સામે આવે છે.

મળવાની ઉત્કટ ઇચ્છા છતાંયે શરીર એટલું બધું નિર્બળ થઈ ગયું હતું કે તે માર્ગમાં જ શ્રમને પરિણામે મૂર્છિત થઈ પડે છે. અને મહેલ ચારે તરફથી ચીસો અને વિલાપથી ભરાઈ જાય છે.

શ્રી ભરત નાના ભાઈની સાથે દોડી આવી માતાને ઊભાં કરે છે. તેમની આ દશા જોઈ ભરતનું હૈયું શોકમગ્ન થાય છે. તેમને વિચાર આવે છે “આ બધાં દુઃખોનું મૂળ તો હું જ છું. મારો જન્મ જ શા માટે થયો.” તે દુઃખી થઈ કહે છે. –

को त्रिभुवन मोहि सरिस अभागि ।
गति असि तोरि मातु जेहि लागी ॥

એવી જ કરુણાભરી સ્થિતિમાં તેઓ સોગંદપૂર્વક કહે છે કે મને એવી ગતિ પ્રાપ્ત થાઓ કે જે ઘોરમાં ઘોર પાતકીને જ મળે છે-

जे अघ मातु पिता सुत मारें।
गाइ गोठ महिसुर पुर जारें ।।
ते अघ तिय बालक बध कीन्हें।
मीत महीपति माहुर दोन्हें ॥
जे पातक उपपातक अहहीं।
करम बचन मन भव कबि कहहीं ।।
ते पातक मोहि होहुं बिधाता ।
जौं यहु होइ मोर मत माता ।।
जे परिहरि हरि हर चरन,
भजहि भूतग्रन घोर ।
तेहि कइ गति मोहि देउ बिधि,
जौं जननी मत मोर ।।
बेचहि वेदु धरमु दुहि लेहीं।
पिसुन पराय पाप कहि देहीं ॥
कपटी कुटिल कलहप्रिय क्रोधी ।
वेद बिदूषक विश्व बिरोधी ।।
लोभी लंपट लोलुपचारा ।
जे ताकहिं परधनु परदारा ।।
पांवों मैं तिन्ह कै गति धोरा ।
जौं जननीं यहु संमत मोंरा ।।

હે વિધાતા, જે પાપ માતા-પિતા તેમજ પુત્રને મારવાથી; ગાયની હત્યાથી અને ગૌશાળા તથા બ્રાહ્મણનું ઘર બાળવાથી; સ્ત્રી-બાળકની હત્યાથી તેમજ મિત્ર અને રાજાનો વિશ્વાસઘાત કરવાથી લાગે; તે બધાં પાપો જો માતાની સાથે મારી મન, વચન કે કર્મથી સંમતિ હોય તો મને આપજે.

હરિ-હરનું શરણ છોડીને ભૂતગણોની પૂજા કરનારની જે ગતિ થાય તે ગતિ, આ કાર્યમાં હું મારી માતા સાથે હોઉં તો મારી થજો.

જે વેદોનો વિક્રય કરીને પોતાને ધર્માત્મા કહેવડાવે, બીજાનું ધન છળથી પચાવી પાડે, કપટી, કુટિલ, કલહપ્રિય અને ક્રોધી, વેદની હાંસી ઉડાડનાર, વિશ્વને વિરોધી, લોભી, લંપટ ને લોલુપ, પારકા ધન ને પારકી નારી તરફ દૃષ્ટિ નાખનાર સર્વને જે ગતિ થાય તે ગતિ, જો આ કાર્યમાં માતાની સાથે મારી સંમતિ હોય તો, મારી થજો.

આ પંક્તિઓ વાંચી કેટલાક લોકો ચોંકી ઊઠે છે. આ પરત્વે બે પ્રકારની ટીકાઓ થાય છે.

(१) जानउं राम कुटिल करि मोही । लोग कहउ गुरु साहिब द्रोही ।।

આવું વરદાન માગવાવાળા શ્રી ભરતજી પોતાને નિર્દોષ ઠરાવવા આટલા ઉત્સુક કેમ છે?

(૨) શું એમને કૌશલ્યા માતા ઉપર શ્રદ્ધા ન હતી કે તે એમને નિર્દોષ માને છે?

પણ વિચારી જોતાં આ બન્ને વાતો નિઃશંક પુરવાર થાય છે. તો પછી નિર્દોષતા સિદ્ધ કરવાનો આ પ્રયત્ન શા માટે? એ સમજવાથી જ બધી સમસ્યાઓ ઉકલી જાય છે. કૌશલ્યા માતાના હૃદય ઉપર આ પહેલાં એવા ભીષણ ને નિર્દય આઘાત થયા છે કે તે શોકસાગરમાં ડૂબેલાં જ છે. એવી પરિસ્થિતિમાં જ શ્રી ભરતનું આગમન થાય છે. આવી સ્થિતિમાં જે કૌશલ્યા માતાના હૃદયમાં કદાચિત્‌ એવી આશંકા થાય કે સાચોસાચ આ બધું શ્રી ભરતની સંમતિથી જ થયું છે; કેવળ લોકલાજ માટે જ તે મારી પાસે આવ્યો છે; તો તેમના હૃદય પર એક બીજો મોટો આઘાત થશે. જે તેઓ જીરવી નહીં શકે. આ સ્થિતિમાં શ્રી ભરતજીએ અત્યંત મનોવૈજ્ઞાનિક બુદ્ધિથી કામ કર્યું. તેઓ માતા કૌશલ્યાના હૃદયને શાંત કરવા માગતા હતા. તેને માટે પોતાને નિર્દોષ સિદ્ધ કરવા આ સિવાય બીજો ઉપાય જ ન હતો. એટલા માટે આ કથનથી અગાઉ એમણે કહેલાં વરદાનથી વિરોધ થતો નથી. અહીં પોતાને નિર્દોષ સિદ્ધ કરવાનો આ પ્રયાસ ખરેખર તો મા કૌશલ્યાના હૃદયને શાંત કરવા માટે જ છે.

અહીં બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તો શું કૌશલ્યા માતામાં એમને વિશ્વાસ નથી? ના, એમ પણ નથી. શ્રી ભરતજીનો કોઈની ઉપર ક્યારેય અવિશ્વાસ ન હતો. પરંતુ એ પોતે નમ્રતા ને સુજનતાને લીધે પોતાને એટલા પ્રેમ-હીન માનતા હતા કે એ એમ વિચારી પણ શકતા નહોતા કે લોકો મારો વિશ્વાસ કરતા હશે. એમની વિચારધારાનો અભ્યાસ કરવાથી એમ સ્પષ્ટ જાણવા મળે છે કે તેઓ એમ જ માનતા હતા કે કોઈ પણ યોગ્ય વ્યક્તિ મને ખરાબ જ માનશે કારણ કે મારામાં કોઈ સદ્‌ગુણ છે જ નહીં.’

સાચી વાત તો એ છે કે આટલી મહાનતા સાથે આટલી વિનમ્રતા ભાગ્યે જ બીજે જોવા મળે છે. નીચેની ચોપાઈઓ પણ આ વાતની સાક્ષી આપી રહી છે —

राम लखनु सिय सुनि मम नाऊं ।
उठि जनि अनत नाहि तजि ठाऊँ ।।
कपटी कुटिल मोहि प्रभु चीन्हा ।
ताते नाथ संग नहि लीन्हा ।।

કેવી વિલક્ષણ નમ્રતા છે! ધન્ય છે ભક્તરાજ! સુખની પરાકાષ્ઠામાંયે પ્રભુ પ્રત્યેની પ્રેમની સાવધાની કેવી! આ સિવાય આ પંક્તિઓનું શું કહેવું?

રામ-લક્ષ્મણ ને સીતા મારું નામ સાંભળીને જ ક્યાંક વનમાં આગળ ચાલ્યાં ન જાય.

મને ભગવાને કપટી ને કુટિલ માની લીધો એટલે તો તેમણે મને સાથે ન લીધો! સ્વયં પ્રભુ જેમના નામની માળા નિરંતર જપતા હોય; જેમનું નામ એમને અધીર બનાવી દેતું હોય; જેમની પ્રશંસા કરતાં પ્રભુ રાત-દિવસ થાકતા ન હોય; એમનું એમ માનવું કે પ્રભુ મારું નામ સાંભળી ક્યાંક ચાલ્યા ન જાય. એ પ્રભુના કરુણામય સ્વભાવ ઉપર અવિશ્વાસ નહીં પરંતુ પોતાની લઘુતા પર વિશ્વાસ બતાવે છે.

(ક્રમશઃ)

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.