(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
(ગતાંકથી આગળ)
હા, તો શ્રી ભરતજીએ પણ પોતાના પ્રાણપ્રભુને માટે જ રમત શરૂ કરી હતી. એમ કહી તેઓ બાળપણમાં પ્રભુ સાથે રમતાં રમતાં એમણે કરેલી અનેક લીલાઓનું સ્મરણ કરી પોતાને શ્રી રામની સાથે જ માનીને રમતમાં તલ્લીન હતા. વળી ભરતજી એવા ગંભીર પ્રેમીઓમાંના એક છે કે જેઓ લોકોને તો શું, પિતાના પ્રિયતમ સમક્ષ પણ પોતાનો પ્રેમ પ્રગટ કરવાનું યોગ્ય માનતા નથી. એમની ઊંચી ભાવનાની જાણ આ પંક્તિઓ પરથી પ્રગટ થાય છે.
जानहुँ राम कुटिल करि मोही।
लोग कहउ गुरु साहिब द्रोही॥
सीता राम चरन रति मोरें।
अनुदिन बढ़उ अनुग्रह तोरें॥
લોકો એમને ભક્ત કે પ્રેમી સમજે એવું એ ઇચ્છતા જ નહોતા. એમના હૃદયમાં પ્રેમનો વિશાળ સમુદ્ર લહેરાઈ રહ્યો હતો પણ તે પૂર્ણ શાંત હતો. પ્રભુની લગ્નપત્રિકા જાણે કે પૂર્ણચંદ્ર બનીને આ શાંત સમુદ્રમાં ભરતી આવી હતી. સમાચાર સાંભળી દોડેલા શત્રુઘ્ન સાથે ભરત પણ ઉતાવળે સભામંડપમાં આવ્યા પણ લોકોની ભીડ જોઈને સ્નેહ, મર્યાદા તથા સંકોચથી તે ધીમા પડી ગયા. પિતાનાં ચરણોમાં નમ્રતાપૂર્વક પ્રણામ કરી ભરાઈ આવેલા ગળાને ખોંખારીને જેમ તેમ કરી તેમણે પિતાજીને પૂછ્યું—
(पूछत अति सनेह सकुचाई)
‘तास कहाँ ते पाती आई।
कुसल प्रानप्रिय बंधु दोउ अहहि कहहु केहि देश॥
એમની આ સ્નેહભરી ઉત્કંઠા જોઈ શ્રીદશરથજીએ તેમને પત્ર વાંચી સંભળાવ્યો. ભરતનો પ્રેમ સમુદ્રપત્રરૂપી પૂર્ણચંદ્રના તરંગોથી ઊછળી ઊઠ્યો ને તેમને રોમાંચ થયો. નેત્રોમાંથી અશ્રુની ધારા રૂપે એમનો પ્રેમ-સમુદ્ર વ્યક્ત થવા માંડ્યો. એ પ્રેમાશ્રુ જોઈ લોકો કૃતકૃત્ય થયા, લોકોને શું સમજ કે ભરતના હૃદયમાં આટલો બધો પ્રેમ ઊભરાઈ રહ્યો છે! પણ આજે આંસુએ એને વ્યક્ત કરી જ દીધો.
પ્રેમ છુપાવવાની વસ્તુ છે; પણ તે છુપાવી શકાતો નથી. કોઈ ભક્તે એક સુંદર વાત કહી છે:
प्रेम छिपाये ना छिपै, जा घट परगट होय।
जा मुखसे कछु ना कहै, तो नैन देत हैं रोय।।
પ્રેમીનાં આ આંસુમાં એવી શક્તિ છે જે મહાસાગરમાંયે નથી. પ્રેમના આ બિંદુમાં સંપૂર્ણ સમુદ્ર સમાઈ જાય તો પણ તેનો પાર ન પામી શકાય. એટલે શ્રી ભરતજીના આ પ્રેમ-બિંદુમાં એ આખી સભા ડૂબી ગઈ, જેમાં હિમાલય જેવા ઉચ્ચ ને ગંભીર તેમજ ધીર સમુદ્ર જેવા મહા બુદ્ધિવાનો પણ બિરાજ્યા હતા. કાંઈ બાકી ન રહ્યું. આ પ્રેમ-બિંદુએ સાગર અને હિમાલયને પણ લીન કરી દીધાં. આ પ્રેમ-બિંદુમાં સ્નાન કરી બધાં કૃતકૃત્ય થયાં.
प्रीति पुनीत भरत कै देखी।
सकल सभा सुखु लहेउ विसेखी।।
શું ખરેખર લોકોએ એમનો પ્રેમ જોયો ? ના, ના, એ એવો નથી કે કોઈ જોઈ શકે. ના, તે અગમ્ય છે; એમને માટે પણ જેમણે આ વિશ્વ નિર્માણ કર્યું છે, આ વિશ્વની બધી જ માયાનું, જેની કૃપાથી આ સમસ્ત સંસારનું પાલન થાય છે અને તેમને માટે પણ જેઓ દૃષ્ટિમાત્રથી જ સૃષ્ટિમાં પ્રલય કરી શકે તેમ છે.
अगम सनेह भरत रघुबर को।
जहँ न जाइ मन विधि हरिहर को।।
સભાજનોએ જે જોયું તે તો માત્ર પ્રેમના સાગરના બિંદુનું પણ પ્રતિબિંબ હતું. શ્રી ભરતના પ્રેમને સમજવાની શક્તિ ભલા કોનામાં છે?
જાનનાં વાહનોની સજાવટનું કામ શ્રી ભરતજીને સોંપવામાં આવ્યું, આ કાર્ય એમને અત્યંત પ્રિય હતું. એ અશ્વોએ, જેમણે વારંવાર પ્રભુના શરીરનો સુખદ સ્પર્શ કર્યો છે, જે પ્રભુના સ્નેહને આદરથી પળાયેલા છે, એવા મહાભાગ્યવાનની સેવા કરવી તે શ્રી ભરતની નિત્યક્રિયાનું પહેલું કાર્ય હતું. અને એ અશ્વો પણ એમને જોઈને સંતોષ પામતા. પ્રભુના વિયોગી શ્રી ભરત એમને મન તે પ્રાણપ્યારા રાઘવેન્દ્ર હતા. પ્રભુ સમાન નીલ-કમલ જેવું શરીર અને એવી જ મોહક સુંદરતા. બેમાંથી એકના ભેદ ઓળખવાનું કાર્ય જટિલ હતું. અશ્વો સજાવ્યા, જાન જનકપુર પહોંચી અને પ્રભુનું ભરત સાથે મિલન થયું.
બન્ને આનંદમગ્ન છે. ભરતજી ઘણું ઇચ્છે છે કે એક વાર પ્રભુના મુખચન્દ્રનાં પોતે દર્શન કરી લે પણ આંખો તો પ્રેમ, નમ્રતા અને સૌજન્યના ભારે એટલી નમેલી છે કે તે પ્રભુના મુખ તરફ ઊંચી થતી જ નથી. એટલે પ્રભુનાં ચરણ સામે દૃષ્ટિ રાખીને તેઓ ઊભા રહ્યા.
વિવાહ પછી મોસાળનું નિમંત્રણ આવે છે, એને પણ પ્રભુની ઇચ્છા સમજી અનુકૂળ થઈ દીર્ઘ કાળ માટે મોસાળમાં રહેવા જાય છે. પ્રભુથી આમ વિરહ તો થાય છે પરંતુ તેને પણ પ્રભુની ઇચ્છા જાણી એ વેદનાને પ્રસન્નતા માની સહે છે. અહો! પ્રભુની ઇચ્છાનું પાલન કરવામાં એમનો ત્યાગ કેટલો મહાન છે એ તો કોઈ સહૃદયને જ સમજાય. કેવું મૂક બલિદાન છે આ!
લગ્ન-પત્રિકા જોતાં જે સ્નેહ-બિંદુઓ ઊમટ્યાં હતાં તે લોકો ભૂલી ગયા. આ મહાનત્યાગી સ્નેહીના અપ્રકટ પ્રેમને કોણ સમજી શકે? પ્રભુ પ્રેમામૃત પ્રકટ કરવા ઇચ્છતા હતા. એ “પ્રેમ-સુધા” સંપૂર્ણતાથી પ્રગટ થાય એટલા માટે પ્રભુએ મોટું નાટક રચ્યું.
राम भगत अब अमिअ अघाहूँ।
कीन्हेउ सुलभ सुधा बसुधाहूँ ।।
પ્રભુએ ‘વન-ગમન’ના પ્રસંગથી આ મોટા નાટકનો પ્રારંભ કર્યો. દેવતાઓને કારણે પ્રભુએ ‘વન-ગમન’ના મહાન નાટકનું આયોજન કર્યું અને એને ભલે દેવતાઓએ ધરતીનો ભાર ઉતારવા માટેનું નાટક માન્યું હોય પણ સાચું રહસ્ય કાંઈ જુદું જ હતું.
वोक्षितमेतस्य महाप्रलयः।
भ्रुकूटि बिलास सृष्टि लय होई।
જેમની ભ્રૂકુટિ માત્રના ફરકવાથી પૃથ્વીનો પ્રલય થાય એવા શ્રીરામ કેવળ રાવણના વધ માટે જ વન જાય એ વાત યોગ્ય નથી. તો પછી શું કારણ છે? આપણે ભક્તશિરોમણિ પ્રભુના સાચા પારખી શ્રી ગોસ્વામીજીને જ પૂછીએ તો તેઓ કંઈક વિલક્ષણ રહસ્ય દર્શાવવા માગે છે.
प्रेम अमिअ मन्दरु विरहु भरतु पयोधि गंभीर।
मथि प्रगटेउ सुर साधु हित कृपासिन्धु रघुबीर।।
શ્રી ભરતજીનો પ્રેમ લોકોથી ગુપ્ત હતો. એ પ્રેમસુધાને તેમણે ગુપ્ત રાખી હતી. એને પ્રભુ પ્રકટ કરવા ઇચ્છતા હતા. આ સમુદ્ર એવો નથી કે જે સામાન્ય રવૈયાથી મથી શકાય. એટલે ‘વિરહના મંદરાચલ’ની યોજના બનાવી. એ અવશ્ય સત્ય છે કે જો વન-ગમનનો પ્રસંગ ન બન્યો હોત તો ભરતજીના પ્રેમનો સમાજને પરિચય થવો અશક્ય હતો. અને ‘राम भगत अब अमिअ अघाहूँ’નું આમંત્રણ પણ ન મળત. પછી તો એક પછી એક અપ્રિય ઘટનાઓની હારમાળા. રાજ્યાભિષેકની તૈયારી, કૈકેયીની કુબુદ્ધિ, વરદાનની યાચના, પ્રભુનું વન-ગમન, મહારાજનું મૃત્યુ.
આવી ઉપરાઉપરી કરુણ ઘટનાઓ કોઈના પણ હૃદયને ક્ષુબ્ધ કરે એવી હતી. પરંતુ આ તો માત્ર સમુદ્ર-મંથનની ભૂમિકારૂપે હતું, એના વિના અમૃત મળવું અસંભવ હતું.
મહારાજ દશરથના સ્વર્ગવાસ પછી ગુરુદેવની આજ્ઞાથી દૂત શ્રી ભરતજીને તેડવા તેના મોસાળ ગયા. એમને કેવળ શ્રી ભરતજીને તેડી લાવવાનું જ કહેવામાં આવ્યું હતું, કોઈ સમાચાર આપવાના ન હતા. ગુરુદેવની આજ્ઞા સાંભળતાં જ શ્રી ગણેશનું સ્મરણ કરી, ભરતજી અયોધ્યા આવવા નીકળ્યા. તેમના હૃદયમાં કોણ જાણે કેમ પણ કોઈ અજ્ઞાત ભય અને દુઃખ કોરી રહ્યાં હોય એમ લાગવા માંડ્યું. વાયુવેગી અશ્વો પર તેઓ ટૂંક જ સમયમાં અયોધ્યા સમીપ પહોંચે છે.
પરંતુ આજે પહેલાંની જેમ એમને નગરપ્રવેશ વેળા કોઈ ક્ષેમકરીએ રાજ્યના ક્ષેમકુશળના સમાચાર ન કહ્યા, ન તો કોયલે એના મધુર કંઠથી એમનું સ્વાગત કર્યું. કાગડાઓના કર્કશ અવાજો ઘેરા ભાવિનાં એંધાણ પૂરાં પાડતાં હતાં. એમના સ્વરમાં પણ કર્કશતા ઉપરાંત કરુણ ચિત્કાર હતો. નગરની વિશાળ અટારીઓમાંથી કીર્તન કે સંગીતનો સુમધુર ધ્વનિ પણ આવતો ન હતો, એથી વિપરીત શિયાળવાંની લારી ને ગધેડાઓના ભૂંકવાનો અવાજ હૃદયને કોરી ખાતો હતો. જ્યાં નગરની સ્ત્રીઓની હંમેશાં ભીડ રહેતી, એ સુંદર સરોવરોની પાળો આજે નિર્જન કેમ હતી? પ્રભાત થવા છતાં હજી કમળ કેમ ખીલ્યાં નથી? એમની આસપાસ ગુંજતા ભ્રમરો પણ દેખાતા નથી. સરોવરોમાં પેલા મનમોહક તરંગો કેમ ઊઠતા નથી? મૌન પડેલું એનું જળ જાણે એમ ન કહેતું હોય કે મને કોઈ અડશો નહીં, મને પડી રહેવા દો.
(ક્રમશ:)
Your Content Goes Here




