(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

રામ-પ્રેમની મૂર્તિ

દેવર્ષિ નારદે ‘ભક્તિસૂત્ર’માં જીવના કર્તવ્ય પરત્વે ‘प्रेमैव कार्यं प्रेमैव कार्यम्‌’ કહ્યું છે. જીવનું કર્તવ્ય એકમાત્ર પ્રેમ કરવાનું છે. પરંતુ એ પ્રેમ છે કેવો? મુખ્યત્વે કરીને આજના યુગમાં જ્ઞાન, ભક્તિ અને ધર્મના નામે અનાચાર જ વ્યાપ્ત છે, મનુષ્ય સ્વાભાવિક રીતે ઉચ્છૃંખલ બનતો જાય છે. આવી ઉચ્છૃંખલતા કેવળ ભૌતિકવાદીઓમાં જ નહીં પરંતુ આધ્યાત્મિક વૃત્તિના ક્ષેત્રની વ્યક્તિઓમાં પણ જેવા મળે છે. ‘बडो नेम ते प्रेम’ કહીને રોજનાં કર્તવ્યોનો ત્યાગ થઈ રહ્યો છે. ‘जाके प्रिय न राम वैदेही। तजिये ताहि कोटि बैरी सम अधपि परम सनेहि’ને નામે વડીલોનો વિરોધ થઈ રહ્યો છે.

ભાવિની પેલે પાર જનારા મહાકવિ એમના યુગની પરિસ્થિતિથી દુઃખી થઈ ગયા. એમણે જોયું કે પ્રેમને નામે કેટલાક લોકોને અવળે-માર્ગે દોરી રહ્યા છે, ત્યારે એમણે આ૫ણી સામે પ્રેમનો એક એેવો દિવ્ય આદર્શ રજૂ કર્યો કે જેમાં તેમણે એ સિદ્ધ કરી બતાવ્યું કે પ્રેમમાં નિયમનો ત્યાગ કરવો જ જોઈએ એ આવશ્યક નથી. અને આપણા માટે પ્રેમનો એ આદર્શ અનુકરણીય પણ છે. પ્રેમને નામે મન નિરંકુશ ગમે ત્યાં ભટકવા ન માંડે એને માટે જાગૃતિ આવશ્યક છે.

એમની જ કલમથી ભરતના દિવ્ય પ્રેમનો આદર્શ પ્રગટ થયો. અને ધીરે ધીરે તે આપણા હૃદયને આકર્ષવા માંડ્યો:

सिय राम प्रेम पीयुष पूरन होत
जनमु न भरत को।
मुनि मन अगम जम नियम
सम दम विषय ब्रत आचरत को॥
दुःख दाह दारिद दंभ दूषन
सुजस मिस अषहरत को।
कलिकाल तुलसो सठन्हि
हठि राम सनमुख करत को॥

છેલ્લી પંક્તિમાં કળિકાળની વિસંગતિઓનો નિર્દેશ કરાયો છે. પરંતુ તેમાં આજ માર્ગ સરળ છે. આવો, આપણે પણ એ પ્રેમામૃતનાં બિંદુઓનું રસપાન કરવાનો પ્રયત્ન કરીએ; જે ભક્ત-કવિની રચનાએ આપણે માટે સુલભ કર્યાં છે.

[૧]

લોક-લોચન સુખદાયક ભગવાન શ્રીરાઘવેન્દ્રે પોતાના ભાઈઓ તેમજ મિત્રો સાથે સરયૂના કિનારે ગેડી-દડાની રમત રમવાનું ઠરાવ્યું. રમતમાં બે દળ બને એ સ્વાભાવિક છે. એક દળના અગ્રસર સ્વયં શ્રીરામ બન્યા. અને બીજા દળના અગ્રસર કોણ એની સમસ્યા ઊભી થઈ. શ્રી લક્ષ્મણજી પાસે તો એવી અપેક્ષા જ ન રખાય. કારણ કે રમતમાં પણ શ્રીરામની વિરુદ્ધ રહેવું તેમને માટે અસહ્ય જ હતું. આ પણ એક અત્યંત ઉચ્ચ કોટિનો પ્રેમ છે, એમાં શંકા નથી. તો પછી તે રમત જ કેવી રીતે રમી શકાય?

લક્ષ્મણજી અત્યન્ત ઉતાવળા થતા હતા. એટલે ભેરુઓની માગણી થાય એ પહેલાં જ પોતે શ્રીરામચંદ્રજીની બાજુએ જઈને ઊભા રહ્યા. રમત જોનારાઓ તો લક્ષ્મણજીના આ પ્રેમને જોઈ આનંદવિભેર થઈ ગયા. પરંતુ શ્રી ભરતજી તો પ્રભુનાં ચરણકમળોની સામે દૃષ્ટિ માંડી શાંત ઊભા હતા. એમના પ્રભુ પ્રત્યેના ઉચ્ચ પ્રેમનો જોનારાઓને તાગ આવવો સહેલો ન હતો. શ્રી લક્ષ્મણજીનો પ્રેમ સ્પષ્ટ હતો. એનો અર્થ એ નથી કે તેઓ કેવળ પ્રદર્શન કરતા હતા. પરંતુ સદાય તેઓ રામપ્રેમમાં એવા તો ઉન્મત્ત રહેતા હતા કે સામાન્ય માનવી પણ તે જોઈ શકે. પરંતુ શ્રી ભરતજી સ્વભાવથી જ સંકોચશીલ અને ગંભીર હતા. તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય શ્રીરામના ચરણ પ્રત્યેનો પ્રેમ જ હતો તો પણ તેઓ પોતાના હૃદયના ભાવોને ગુપ્ત રાખતા. તેથી સામાન્ય માનવી તો શું, મોટા મોટા મુનિઓ પણ તેમનો પાર પામી શક્યા ન હતા. તેમની વિચારસરણી પૂર્ણતયા અલૌકિક હતી. તેઓ તો રમતના ક્ષેત્રમાં ઊભા ઊભા જાણે કે એવું વિચારતા હતા કે હું તો પ્રભુના ખેલનું એક સાધનમાત્ર છું. તેઓ તેનો ઇચ્છે તેમ ઉપયોગ કરે; તેથી મારે શું? મારે તો એ પ્રસન્ન રહે એટલું જ જોઈએ. એટલે જ આપણે જોઈશું કે તેઓ શ્રીરામના વિરોધી દળનું નેતૃત્વ કરી રહ્યા છે. આખુંયે આકાશ દેવતાઓનાં વિમાનોથી સભર હતું. તેઓ આ અદ્‌ભુત રમત જેવા આવ્યા હતા. ભગવાન અને ભક્તની આ રમત અત્યંત આનંદભરી રહી. અને થયું એ જ જે હંમેશ થતું આવ્યું છે. ભક્ત વિજયી થયા ને ભગવાન પરાજિત! ભરતના જયજયકારથી સરયૂનો કિનારો ગુંજી ઊઠ્યો. સરયૂનો કલ-કલ ધ્વનિ પણ જાણે કે ભરતની જય બોલી રહ્યો હતો! શ્રી ભરતજી એક બાજુ તો સંકોચ પામી રહ્યા હતા, તો બીજી બાજુ પ્રસન્ન પણ હતા; પ્રભુની મહાન કૃપા અને સ્નેહ જોઈને અને પ્રભુની એવી જ ઇચ્છા જાણીને.

राम-लखन इक ओर,
भरत-रिपुदवन लाल इक ओर भये ।
सरजुतीर सम सुखद भूमिथल
गनि गनि गोइयाँ बांटि लये ।।१।।

कंदुक-केलि-कुसल हय चढ़ि चढ़ि,
मन कसि कसि ठोंकि ठोंकि खये ।
करकमलनि विचित्र चौगानें,
खेलन लगे खेल रिझये ।।२।।

व्योम बिमाननि बिबुध बिलोकत,
खेलक पेखक छाँह छये ।
सहित समाज सराहि दसरथहि,
बरषत निज तरु-कुसुम-वये ॥३॥

एक ले बढ़त, एक फेरत,
सब प्रेम-प्रमोद-विनोद-मये ।
एक कहत भइ हारि रामजू की,
एक कहत भईया भरत जये ।।४।

प्रभु बकसत गज-बाजि, बसन-मनि,
जय-धुनि गगन निसान हये ।
पाइ सखा-सेवक-जाचक भरि,
जनम न दूसरे द्वार गये ।।५।।

नभ-पुर परति निछावरि जहँ तहँ,
सुर-सिद्धनि बरदान दये ।
भूरि-भाग अनुराग उमगि जे,
गावत-सुनत चरित नित ये ।।६।।

हारे हरष होत हिय भरतहि,
जिते सकुच सिर नयन नये ।
तुलसी सुमिरि सुभाव-शील सुकृती,
तेइ जे एहि रग रये ।।७।।

પ્રભુનાં સૌજન્ય અને ભક્તવત્સલતાને ધન્ય છે. પણ આ ભક્ત પણ કેવો છે? જેણે પ્રભુની ઇચ્છામાં પોતાની ઇચ્છા વિલીન કરી નાખી છે! પોતાને એમની લીલાનું સહજ સાધન બનાવી દીધું છે! પરંતુ લોકોએ એ ભક્તને એ સમયે ન જ ઓળખ્યો; કારણ કે પ્રેમામૃત અવ્યક્ત હતું. પ્રભુને એ પ્રેમામૃત સુલભ કરવું હતું. એટલે પ્રભુની લગ્નપત્રિકા લઈને દૂત આયોધ્યા આવે છે ત્યારે ભરત રમત રમતા હતા. શ્રીદશરથજી આનંદવિભોર બની પોતાના લાડકા લાલની કુશળ-ખબર પૂછવામાં તલ્લીન હતા. ત્યાં કોઈએ જઈ ભરતને દૂત આવ્યાના સમાચાર આપ્યા.

‘खेलत रहे तहाँ सुधि पाई’

આશ્ચર્ય! મહાન આશ્ચર્ય!! પ્રિયને વિયોગ અને રમત! રામથી દૂર થઈ એ રમવામાં કઈ રીતે રસ લઈ શકે? પરંતુ વાસ્તવમાં તે રમવામાં જ મગ્ન હતા.

એમની રમત સામાન્ય બાળકો જેવી ન હતી; પણ પ્રેમીઓ જેવી હતી. પ્રેમી પોતાના પ્રિયતમના વિયોગમાં એમની જ લીલાઓનું નાટક કરીને પોતાના દુઃખી હૃદયને સાંત્વન આપવા પ્રયાસ કરે છે.

શ્રી કાગ ભુશુંડિજીએ પણ પણ એમની બાળલીલાની આવા જ પ્રકારની ભાવદશાનો સંકેત કર્યો છે.

खेलऊं तहूँ लालकन मोला ।
करऊं सकल रघुनायक लीला ।।

પ્રેમમૂર્તિ ગોપીઓએ પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાસલીલામાંથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે આમ જ કર્યું હતું.

इत्युन्मत्तवचो गोप्यः कृष्णान्वेषणकातराः ।
लीला भगवतस्तास्ता हयचस्ताक्रुत्मिकाः ।।
(श्रीमद् भा. १०-३०-१४)

શ્રીકૃષ્ણની શોધમાં વ્યાકુળ બનેલી ગોપીઓ દુ:ખી થઈ પ્રલાપ કરતી કરતી શ્રીકૃષ્ણમાં તન્મય થઈને એમની લીલાઓનું નાટક કરવા લાગી.

અહીં तदात्मिका શબ્દ ઘણો મહત્ત્વનો છે. વિયોગની પરાકાષ્ઠામાં વિચારો જ્યારે મર્યાદાની પાર વટાવે ત્યારે વ્યક્તિ પ્રિયતમની સાથે તન્મય થઈ જાય એ સ્વાભાવિક જ છે. આવી પરિસ્થિતિમાં આપોઆપ જ એ પ્રિયતમની જેમ વર્તવા લાગે છે.

(ક્રમશ:)

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.