(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
ગોસ્વામીજીની લેખિનીમાંથી જે અનેક ઉત્કૃષ્ટ પાત્રોનું ચિત્રણ થયું છે, તેમાં નિઃસંદેહ ભરતનું પાત્ર સર્વશ્રેષ્ઠ છે. એનું કારણ છે ભરતની સાથે ગોસ્વામીજીની સંપૂર્ણ એકાત્મતા. આમ તો કોઈ પણ પાત્રનું યથાર્થ ચિત્રણ કરવું હોય તો તેની સાથે તાદાત્મ્ય સાધ્યા વિના તે થઈ શકતું નથી. તોપણ આ તાદાત્મ્યમાં પણ એક ભેદ તો રહે જ છે. સામાન્ય જીવનમાં એક પાત્ર સાથે સ્વાભાવિક ભિન્નતા હોવા છતાં મહાન લેખક તેની સાથે અલ્પ-કાલિક એકતા જ સાધી શકે છે અને વર્ણન કર્યા પછી તેનાથી અલિપ્ત થઈ જાય છે. પણ બીજી બાજુ આપણે કોઈ એવા પાત્રની કલ્પના કરીએ કે જેની સાથે તેની એકતા સર્વ-કાલિક હોય; જે કેવળ સાહિત્યમાં જ નહીં પણ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પણ લેખક સાથે સદૈવ રહ્યું હોય. જેની પ્રત્યેક ક્રિયામાં સ્વયં સાહિત્યકારનું જીવન સાકાર થઈ ઊઠે એ જ તાદાત્મ્ય સાચું જાણવું અને ત્યારે જ આવા પાત્રનું નિરૂપણ સ્વાભાવિક રીતે જ અજોડ બને છે. માનસના શ્રી ભરત સાથે ગોસ્વામીજીનું તાદાત્મ્ય કંઈક આવું જ છે.
માનસમાં ભક્તિનાં વિવિધ રૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ગોસ્વામીજીને પ્રિય એવી ભક્તિની વિવિધ શાખાઓ જ જુદાં જુદાં પાત્રો દ્વારા તેમણે દર્શાવી છે. પરંતુ તેનું સમગ્ર નિરૂપણ તો ભરતના ચરિત્રમાં જ પ્રત્યક્ષ થાય છે. સ્વયં એમના પોતાના માટે એમણે જીવન-દર્શનની જે પદ્ધતિ સ્વીકારી, જે સાધન-પ્રણાલી અપનાવી તે પણ ભરત-ચરિત્રમાં જ જોવા મળે છે.
વસ્તુતઃ ગોસ્વામીજી જે સમન્વય-પ્રણાલીના સમર્થક છે તેનું મૂળ ભરતના જ ચરિત્રમાં વસેલું છે. ભરત–ચરિત્રમાં કર્મ, જ્ઞાન, અને ભક્તિની જે ત્રિવેણી વહે છે તે અનોખી છે. સામાન્ય વ્યવહારમાં એવું જોવા મળે છે કે આ ત્રણમાંથી કોઈ પણ એકને અનુસરનાર બીજા બેની ઉપેક્ષા કરે છે. કર્મ અને કર્તવ્યને જ શ્રેષ્ઠ માનનાર ભક્તિની ઉપેક્ષા કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે – ‘निज कृत कर्म भोग सब भ्राता’ની વાત સ્વીકારવાથી કર્મ કરવા અંગેની જાગૃત પ્રેરણા દયાળુ ઈશ્વરનું ભક્તિપૂર્વક શરણ લેવાથી સમાપ્ત થઈ જાય છે. એટલે સામાન્ય રીતે કર્મપરાયણ વ્યક્તિ “ભક્તિ”ને દુર્બળ સાધન માને છે. બીજી બાજુ ભક્તિમાર્ગે જવાવાળો સાધક દયાળુ ઈશ્વરમાં જે આશા ને અનુભૂતિ પામે છે તેથી કર્મના સિદ્ધાંતથી તે વિરક્ત થાય છે. જ્યારે જ્ઞાની કર્મ અને ભક્તિમાં માનનારને કેવળ કર્મબંધનમાં તેમજ ભાવનામાં બંધાયેલા જ ગણે છે. સાચી વાત તો એ છે કે આ ત્રણેયને સમન્વય ન હોવાથી જ વ્યક્તિ કોઈને કોઈ રીતે દુર્બળ બને છે. પણ આ ત્રણેયનું એકીકરણ કરવામાં સંતાપ કંઈ ઓછો નથી.
એક સંતાપ તો એ છે કે આ ત્રણેયમાંથી કોઈ એકની સ્વીકૃતિ કોઈ એક સત્યને દૃષ્ટિ સમક્ષ રાખીને થતી નથી. તેમાં સ્વભાવ-ગત સંસ્કાર જ ભાગ ભજવે છે. એનું એક ભયાનક પરિણામ આવે છે. ઉદાહરણરૂપે એક વ્યક્તિની ક્રિયાશીલતામાં અને ચારિત્ર્યમાં દોષ છે. સ્વાભાવિક છે કે એને કર્મનો સિદ્ધાંત રુચે નહીં, અને એ દયાળુ ભગવાનના ગુણોનું વર્ણન કરી આત્મસંતોષ માને. હવે આવા માણસને જો ભક્ત માનીએ તો એનું પરિણામ શું આવે? એ વ્યક્તિની ખામીને આપણે ભક્તિની ખામી તરીકે જ ગણીશું. એવી જ રીતે એક રજોગુણી વ્યક્તિમાં અહંની સાથે સાથે ક્રિયાશીલતા હોય અને બીજા એકમાં બુદ્ધિનો વૈભવ હોવા છતાંય જો અહંથી ભરેલો હોય તો એવા બે જણાનાં કર્મ અને જ્ઞાનથી નવી સમસ્યાઓ જ ઉત્પન્ન થવાની અને એને લીધે આવા ત્રણેય માણસો જે જે માર્ગ સ્વીકારે તેને અનુરૂપ પરિણામ નહીં મેળવી શકે. એટલે સાચી રીતે તો આ ત્રણેયનો સમન્વય જ એકબીજાની પૂર્તિ પૂરી કરી શકે તેમ છે.
જેમ કે કર્મના સિદ્ધાંતની ક્રિયાશીલતા ભક્તિસિદ્ધાંતમાં જેનો ભય છે એવી નિષ્ક્રિયતાને દૂર રાખશે. ઉપરાંત ભક્તિની સહાયથી કર્મ પણ પોતાના અહં પર વિજય મેળવી શકશે. આમ જ્ઞાનમાં પણ બંને જાતના ભય છે. એ વ્યક્તિને નિષ્ક્રિયતા અને અહંકાર બન્ને તરફ પ્રેરે છે. જ્યારે ભક્તિ અને કર્મને સાથે લેવાથી તે બંને પ્રકારના સંતાપો પાર કરી સત્યની પ્રાપ્તિનું મોટું સાધન બની શકે તેમ છે.
આમ, સમન્વયની આવી સાધના જેમણે પોતાના જીવનમાં કરી છે એવું ભરતનું ચરિત્ર છે. માનસના વિવિધ પ્રસંગોમાં આપણે એમની આ વિશેષતા નિહાળી શકીએ છીએ. એટલે જ રામાયણનાં બધાં પાત્રોમાં ભરતના પાત્રની શ્રેષ્ઠતા રહેલી છે.
બીજાં પાત્રોમાં ઉત્કૃષ્ટતા હોવા છતાંય એકાંગીપણું છે, જ્યારે ભરતનું ચરિત્ર સમતોલ ને સંપૂર્ણ છે. સાહિત્ય અને ભાવનાની દૃષ્ટિએ માનસનો સર્વશ્રેષ્ઠ કાંડ “અયોધ્યા કાંડ” ભરતના ગુણોનો મહિમા જ ગાય છે. ગોસ્વામીજીએ વંદનામાં કહ્યું છે:
‘जासु नेम ब्रत जाइ न बरना ।’
“જેમના નિયમ અને વ્રતોનું વર્ણન કરવું કઠિન છે.” ભરતની પ્રશંસામાં આ પંક્તિ ઘણી મહત્ત્વની છે.
ભરતના વ્યક્તિત્વનું ખરું દર્શન તો રામના વનગમન પછી જ થાય છે. એ પૂર્વે તો ભરતનું ચરિત્ર સામાન્ય પ્રેક્ષક જેવું છે. એ પરથી એમના વિશે કંઈ પણ કહેવું સામાન્ય માનવી માટે જટિલ હતું.
આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખીને જ ગોસ્વામીજીએ ‘વનગમન’ના મુખ્ય કારણરૂપે ભરતના પ્રેમને પ્રકટ કરવાનું ઠરાવ્યું. જેમ દેવતાઓએ સમુદ્ર-મંથન દ્વારા અમૃત મેળવ્યું હતું, તેમ રામે પણ ભરત-સમુદ્રના મંથન માટે ચૌદ વર્ષના વિરહના મંદરાચલનો ઉપયોગ કર્યો. અને એમાંથી પ્રકટ થયું—રામ-પ્રેમનું દિવ્ય અમૃત,
प्रेम अमिय मन्दर विरह भरत पयोधि गम्भीर ।
मथि प्रगटे सुर साधु हित कृपासिन्धु रघुबीर ।।
અહીં એ જ અમૃત-મંથનની કથા છે. તેની લેખનશૈલી ભાવભરી છે, અને વિશિષ્ટ ભાવસ્થિતિમાં એ કથા શબ્દબદ્ધ થઈ છે.
(ક્રમશ:)
Your Content Goes Here





