આ તો! બરસત પ્રીત પુરાણી!
હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી!
– આ તો! બરસત પ્રીત પુરાણી!
(૧)
સૃષ્ટિ તણા જે આદિ સર્જને હૃદયહૃદય ઊભરાણી;
સૂર્ય-ચન્દ્રને ઉદધિ-અંબરે છલકછલક છલકાણી!
પલ્લવી -પુંજે, પદ્મકોષમાં, એની લખી કહાણી!
– આ તો! બરસત પ્રીત પુરાણી!
હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી!
(૨)
ઝરમર! ઝરમર! મેઘ ઝરે ને સૃષ્ટિ બને મતવાલી;
અંગ અંગ શૃંગાર સજે ત્યાં જાગે પ્રીત રસાળી:
એક વાર જાગી હૈયે પછી ના રહેતી એ છાની!
– આ તો! બરસત! પ્રીત પુરાણી!
હળુ હળુ સ્રવતી બરસત જાણે! પ્રભુની મધુમય વાણી!
(૩)
નાગર નરસૈયે ભરી પીધી એની મત્ત પિયાલી;
મીરાંના ઉર કમલે બેઠી ગીત બની મસ્તાની;
શબ્દ અર્થનાં તીર્થ રચન્તી એની આરત વાણી!
– આ તો! બરસત! પ્રીતપુરાણી!
હળુ હળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી!
(૪)
પ્રભુએ સ્થાપી વિશ્વ-હૃદયમાં મનુજે એ વિકસાવી
જીવનના સહરામાં રચવા સુરવનની હરિયાળી!
પ્રીતથી પ્રભુજી: પ્રભુજી પ્રીતથી: પ્રીતથી સૃષ્ટિ સુહાની
– આ તો બરસત પ્રીત પુરાણી
હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી!
Your Content Goes Here




