શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ ભાષણનું ગુજરાતી ભાષાંતર. – સં.
આજે ભારત અતિ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર જગત. આપણા દેશમાં આપણા રાષ્ટ્રીય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણે અરાજક સ્થિતિ જોઈએ છીએ. ઉદા. કેળવણીમાં. જો કે માનવ-જ્ઞાનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આપણને આધુનિક વિષયો શિખવવામાં આવે છે તો પણ તેને કોઈ નિશ્ચિત નેમ નથી. આપણી પ્રાચીન કેળવણી પદ્ધતિમાં આવી સ્થિતિ ન હતી. આપણી કેળવણીની પ્રથમ નેમ છે. – રાષ્ટ્રના સાંસ્કૃતિક આદર્શોને ભાવિ નાગરિકો આત્મસાત્ કરે. તે જ તેમને ભારતના સાચા નાગરિકો બનાવશે. આ બાબતમાં આપણી પ્રવર્તમાન કેળવણી પદ્ધતિને ઘોર નિષ્ફળતા મળી છે. પરિણામે રાષ્ટ્રને સુબદ્ધ રાખતી સાંકળો વિદ્યાર્થીઓ ખોઈ બેઠા છે.
આર્થિક ક્ષેત્રમાં સુધ્ધાં એ જ પ્રકારની અરાજક સ્થિતિ પ્રવર્તે છે. આર્થિક ગરીબીને દૂર કરવાના આપણા પ્રયાસો છતાં, આમ જનતાની સ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે. કેટલીક વાર આપણે આવાં નિવેદનો સાંભળીએ છીએ કે ‘રાષ્ટ્રીય આવક અમુક ટકા વધી છે.’ એ ભલે સત્ય હકીકત હોય, પણ ગરીબ લોકો તેનો અનુભવ કરતા નથી. કેમ કે, આવા વધારાનો અતિ અલ્પ અંશ તેમને પહોંચે છે. જ્યાં સુધી તેમની આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી દેશ માટે કોઈ આશા નથી. આ કામ કેવળ સરકાર ઉપર છોડી દેવું ન જોઈએ. પણ સમગ્ર સમાજે આ કામ ઉપાડી લેવું જોઈએ. શ્રીમંતોએ તેમની સ્થિતિ સુધારવા અને મદદ કરવા આગળ આવવું જોઈએ, માત્ર દેશના અને આમ જનતાના કલ્યાણ માટે જ નહિ પણ પરોક્ષ રીતે તેમના પણ ભલા માટે. તેઓ સદાકાળ માટે આ સામાજિક અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોના આવા અસામાન્ય અધિકારો ભોગવવાનું ચાલુ રાખી શકે નહિ. તેઓ જેટલા વહેલા તેમની વ્હારે જાય તેટલું તેમના પોતાના માટે અને દેશના માટે સારું થશે.
પ્રાચીન કાળમાં સમાજની રચના સમાજવાદી બુનિયાદ ઉપર નિર્માણ થઈ હતી અને પ્રત્યેક વ્યક્તિ એક કે બીજી રીતે સમાજની સેવા કરવા બંધાયેલી હતી, સાથોસાથ તે વ્યક્તિને જીવનનો આનંદ માણવાનો કેટલોક અવકાશ, થોડી સ્વતંત્રતા આપતી હતી, કેટલીક મર્યાદામાં રહીને, જેથી રાષ્ટ્રીય જીવન અસ્તવ્યસ્ત થાય નહિ. આજે તો આપણે રાષ્ટ્રીય જીવનમાં આનાથી ઊલટું જ જોઈએ છીએ. પરિણામે એવી ગંભીર સમસ્યાઓ પેદા થાય છે કે આપણે તે ઉકેલી શકતા નથી. ઉદાહરણો આપીને તમને આ વિસ્તાર બતાવવાની જરૂર નથી. આપણે સૌ ઔદ્યોગિક, મજદૂર અને વ્યાપારી જગતની પરિસ્થિતિથી પૂરતા પરિચિત છીએ. આ બધું મૂળભૂત અધિકારો માટે દાવો કરવામાં ઘોર સ્વાર્થ પરાયણતાથી ભ્રષ્ટ બનેલું છે. પરંતુ રાષ્ટ્ર પ્રત્યેનાં કર્તવ્યો પ્રત્યે તે નજર ચૂકી જાય છે. રાજકીય ક્ષેત્રમાં આ કરતાં વધુ વિષમ પરિસ્થિતિ છે.
એક વાર કલકત્તામાં એક ફૂટબૉલ સ્પર્ધામાં એક દુઃખદ ઘટના બની. પ્રતિસ્પર્ધી ખેલાડી પક્ષોના ટેકેદારો વચ્ચે લડાઈ થઈ જેમાં દસ જણાએ જાન ગુમાવ્યા હતા અને પચાસ જણાને ઈજા થઈ હતી. સમગ્ર શહેરને આઘાત લાગ્યો. બીજે દિવસે એક રેડિયો કાર્યક્રમ હતો – પાછલા દિવસની ઘટના ઉપર. જીવનના વિવિધ ક્ષેત્રોના આગેવાનોના અભિપ્રાય જાણવા યોજાયેલી મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે આ રમત-સ્પર્ધા યોજવાનું ચાલુ રાખવું જોઈએ ખરું? તેમાંના ઘણા ખરા રમત-સ્પર્ધા બંધ કરી દેવાના મતના હતા.
એક ભાઈએ આ ઘટનાની ખૂબ તર્કસંગત રીતે છણાવટ કરી. તેણે કહ્યું કે, ‘રમત-સ્પર્ધા બંધ કરવાથી શું વળશે? આપણા રાષ્ટ્રીય જીવનનાં બીજાં ક્ષેત્રોમાં રોજબરોજ બનતી ઘટનાઓમાંની આ એક છે. આપણા સમગ્ર રાષ્ટ્રીય જીવનને જેણે બગાડ્યું છે તે મૂળભૂત રોગનાં આ તો કેવળ બાહ્ય લક્ષણો છે. એટલે ઉપાય તો રાષ્ટ્રીય દૃષ્ટિકોણમાં બુનિયાદી પરિવર્તન લાવવામાં રહેલો છે.’ એ સજ્જને રોગનું નિદાન યોગ્ય રીતે કર્યું. વિષમતા બાહ્ય જગતમાં નથી, પરંતુ માનવ-મનમાં છે. આ પરિવર્તન પાર્લામેન્ટમાં કાયદાથી કે બંધારણથી લાવી નહિ શકાય, પણ ધર્મથી જલાવી શકાશે, ધર્મનો અર્થ કેટલીક વહેમી માન્યતાઓ એમ હું કરતો નથી, પરંતુ આધ્યાત્મિક સત્યોનો અપરોક્ષ સાક્ષાત્કાર એ ધર્મ છે.
સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ભારત આવ્યા ત્યારે દક્ષિણ ભારતના કેટલાક યુવાનોએ તેમને પૂછ્યું, સ્વામીજી, તમે શા માટે રાજકારણમાં આવીને દેશને સ્વતંત્રતા અપાવતા નથી?’ સ્વામીજીએ જવાબ આપ્યો : ‘હું તમને આવતી કાલે જ સ્વતંત્રતા લાવી દઉં, પરંતુ તમે એને નિભાવી શકશો? એ માટે માણસો ક્યાં છે? પહેલાં માણસો સર્જો, અને સ્વાતંત્ર્ય આપોઆપ આવશે.’ અને માણસો કોણ સર્જી શકે? પાર્લામેન્ટના કાયદાઓ નહિ, પણ પહેલાં નિર્દેશ કર્યો છે તે ધર્મ જ.
ભારતમાં અને જગતમાં આપણે જે વિલક્ષણ ઘટના આજે જોઈએ છીએ તે કાંઈ નવી નથી. જગતનો ઇતિહાસ અને વિશેષે કરીને ભારતનો ઇતિહાસ તમે જોશો તો તમને જણાશે કે દરેક કાળમાં આવી વિષમતા હતી. આપણે અવનતિના કેટલાક ગાળાઓ જોયા તેમાં આપણી વચ્ચે મહાન આધ્યાત્મિક મહાપુરુષો આવ્યા હતા અને દરેક કાળને જરૂરી અને અનુકૂળ આધ્યાત્મિક સંદેશ દ્વારા સમાજની નવરચના કરી હતી. આધ્યાત્મિક સંદેશના આંતરિક રહસ્યનો ઘટસ્ફોટ થતાં સૈકાઓ વીત્યાં હતાં. ઈશુ ખ્રિસ્ત વિશેના ભાષણમાં સ્વામીજી કહે છે : મહાસાગરમાં એક મોજું ઉપર ઊઠે છે અને તે પછી એક પોલાણ આવે છે. ફરી બીજું મોજું ઉપર ઊઠે છે, કદાચ પહેલાં કરતાં વધુ મોટું, પણ તે પુનઃ નીચે પડવા માટે; ઊંચે ઊઠે છે, આગળ ગતિ કરે છે. આ જ પ્રમાણે ઘટના-પ્રવાહમાં આપણે આવા જ આરોહ-અવરોહો જોઈએ છીએ. પરંતુ આપણે સામાન્ય રીતે આરોહ તરફ જોઈએ છીએ, અવરોહને ભૂલીને, બન્ને જરૂરી છે, બન્ને મહાન છે, આ ક્રમ છે. વિચારોના જગતમાં કે સમાજમાં, આપણા સંબંધોના જગતમાં કે આપણા આધ્યાત્મિક જીવનમાં આરોહ-અવરોહનું એ જ ચક્ર ગતાનુગતિક ક્રમે ચાલ્યા કરે છે. એટલે જ પ્રસંગોની, ઉદાર આદર્શોની આગેકૂચમાં મહાન આરોહો ક્રમાનુસાર આગળ વધે છે, પછી નીચે પછડાય છે, પુનઃ નવા અને વધુ ઉચ્ચ આરોહ માટે સામર્થ્ય પ્રાપ્ત કરવા ભૂતકાળનું પુનરાવલોકન કરવા, આત્મસાત્ કરવા, સુવ્યવસ્થિત કરવા, સુરક્ષવા. રાષ્ટ્રોનો ઇતિહાસ સદાકાળ આના જેવો હોય છે.
આપણે ગીતામાં જોઈએ છીએ :
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત,
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ્ સૃજામ્યહમ્ ।
પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥
હે અર્જુન, ધર્મની જ્યારે પડતી થાય છે અને અધર્મની ચડતી થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુજનોના રક્ષણ માટે, દુષ્ટજનોના નાશ માટે, ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે આવું છું. (૪/૭-૮)
આમ આપણી વચ્ચે શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, શ્રીગૌરાંગ અને હવે શ્રીરામકૃષ્ણ આવ્યા. અધઃપતનનો આ પ્રવર્તમાન યુગ એક નૂતન આધ્યાત્મિક મહાપુરુષ અને નૂતન સંદેશ માગે છે, માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમગ્ર જગત માટે. આજે આવા મહાપુરુષ શ્રીરામકૃષ્ણ રૂપે આપણી પાસે છે. આપણે વર્તમાન પરિસ્થિતિનું અને તેમણે આપેલ ઉપદેશોનું પૃથક્કરણ કરીએ તો આપણને પ્રતીતિ ધશે કે તેઓ જ આ યુગપુરુષ છે, જેને જગત લાંબા કાળથી ઝંખી રહ્યું હતું. વિશેષ કરીને આપણા માટે ભારતમાં તેમના ઉપદેશો અનિવાર્ય છે – જો આપણે રાષ્ટ્ર અને સમાજનું પુનર્નિર્માણ કરવા, પુનઃ એક મહાન રાષ્ટ્ર બનવા અને રાહ જોતાં અન્ય રાષ્ટ્રોને આપણા આધ્યાત્મિક વારસામાં ભાગીદાર બનાવવા માગતા હોઈએ તો. પુરાતન કાળમાં આપણે એમને સહભાગી બનાવ્યા છે અને આ યુગમાં સુધ્ધાં આપણે પુનઃ તેમને સહભાગી બનાવવાના છે. શ્રીકૃષ્ણનો સંદેશ ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી મથુરાથી પહોંચ્યો હતો અને બુદ્ધનો સંદેશ સમગ્ર પૂર્વમાં, શ્રીરામકૃષ્ણનો આધુનિક સંદેશ સમગ્ર જગત ઉપર વિસ્તરવા નિર્માયો છે. દુનિયાના એકે એક ભાગમાં અત્યંત આતુરતાપૂર્વક તેમનો સંદેશ આવકારવામાં આવે છે. તેમનો આ સંદેશ શું છે? તમારો ઘણો સમય મેં લીધો છે એટલે મારાથી બની શકે તેટલા ટૂંકાણમાં તમારી સમક્ષ તે મૂકવા હું પ્રયત્ન કરીશ.
નાસ્તિક વૈજ્ઞાનિક જગત તર્ક અને પદાર્થોના અપરોક્ષ અનુભવને જ સાચો ગણે છે. શ્રીરામકૃષ્ણે તેના અપરોક્ષ સાક્ષાત્કારથી ઈશ્વરના અસ્તિત્વને સિદ્ધ કર્યું, જેનો વૈજ્ઞાનિક જગત ઈન્કાર કરતું હતું. કારણ તેમના મતે તેના અસ્તિત્વની કોઈ સાબિતી ન હતી. તેમણે કેવળ ઈશ્વરનું અસ્તિત્વ જ સિદ્ધ કર્યું એમ નહિ પરંતુ તેમણે એમ પણ સિદ્ધ કર્યું કે બધા જ ધર્મો સાચા છે અને બધા ધર્મો ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે એક જ પદ્ધતિ એટલે કે પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા. ભારતમાં ખાસ કરીને આ સંદેશનું ખૂબ મહત્ત્વ છે, કેમ કે અહીં વિવિધ ધર્મો એક બીજા સામે લડે છે અને રક્તપાત સર્જે છે. કેવળ આ સંદેશ જ વિભિન્ન ધર્મોના અનુયાયીઓને સુગ્રથિત કરી એક મહાન રાષ્ટ્રનું સર્જન કરી શકે.
સામાજિક રીતે સેંકડો જૂથોમાં વહેંચાયેલા અને એક બીજા સાથે લડીને રક્તપાત સર્જતા આપણને સૌને તેમણે બતાવ્યું કે આ બાહ્ય વિભિન્નતાઓની પાછળ એક જ આત્મા હસ્તિ ધરાવે છે અને આ સત્યનું અજ્ઞાન જ માત્ર આ બધાં સંકટો સર્જે છે. તેમણે બતાવ્યું કે જીવ એ જ શિવ છે; એટલું જ નહિ પરંતુ જે કોઈ જીવની સેવા આ ભાવથી કરે છે તે પણ ઈશ્વર-સાક્ષાત્કાર કરે છે. આજે આપણે માટે આ સંદેશનું ઘણું મોટું મહત્ત્વ છે. તે ભૌતિક અને આધ્યાત્મિક તેમ જ કર્મ અને ઉપાસના વચ્ચેના બધા ભેદભાવોને નિર્મૂળ કરી નાખે છે. આપણા રાષ્ટ્રીય આદર્શને – એટલે કે ઈશ્વર સાક્ષાત્કારને – અનુસરવા અને સાથોસાથ રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવા – જરૂરી કોઈ પણ એવું કાર્ય કરવા તે આપણને મદદ કરે છે, જે સામાન્ય રીતે આપણા મનને બહિર્મુખ બનાવે અને ઈશ્વર-પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને.
એટલે હું તમને સૌને અનુરોધ કરું છું કે આ મહાન આદર્શને સ્વીકારો અને પછાત લોકોને માટે કાર્ય કરી તેમને આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે ઉ૫૨ ઉઠાવો. સ્વામીજીએ આપણને કહ્યું છે કે આમજનતા પ્રત્યેની આપણી ઉપેક્ષા જ આપણી રાષ્ટ્રીય અધોગતિનું મુખ્ય કારણ છે. સૈકાંઓ સુધી આપણે એમની ઉપેક્ષા કરી છે અને તેમને દબાયેલા રાખવા બધા પ્રકારના અત્યાચારો કર્યા છે. એનું પરિણામ રાષ્ટ્રીય ગુલામી હતું. ભારત બહારથી કોઈ પણ સહેલાઈથી આ દેશ ઉપર ચડી આવતું અને રાજ્ય કે સામ્રાજ્ય સ્થાપી શકતું. કેમ કે લોકોને રાજ્યની બાબતોમાં કોઈ રસ ન હતો. તેમને માટે તો ભારતીય રાજ્ય કરે કે પરદેશી લોકો રાજ્ય કરે તે સરખું હતું, કેમ કે બન્નેમાં તેમનું નશીબ એનું એ જ હતું એટલે કે ગરીબી અને દુ:ખ. પરિણામે સમગ્ર રાષ્ટ્ર માટે ગુલામી અંકિત થતી. પરદેશી આક્રમણ સામે લોકોની મદદ વિના ઉચ્ચ વર્ગો ટકી શકતા નહિ.
એટલા માટે હું ફરી વાર તમને સ્વામીજીના સંદેશની યાદ આપું છું કે સામાન્ય લોકોની ઉપેક્ષા ન કરો; એટલે કે શ્રીમંત અને ઉચ્ચ વર્ગોએ તેમની મિથ્યા ગુરુતા-ગ્રંથિ – ધન અને સંસ્કૃતિના મદથી નીચે ઉતરી લોકો માટે કાર્ય કરવું, માત્ર આમજનતાની સ્થિતિ સુધારવા જ નહિ પરંતુ પોતાની હસ્તી માટે સુધ્ધાં. આજે આપણા રાષ્ટ્રજીવન, સામાજિક, ઔદ્યોગિક, રાજકીય વગેરે વિવિધ ક્ષેત્રોમાં આપણે એવી રીતે કામ કરીએ છીએ કે એક પ્રક્ષેપાસ્ત્રની જેમ તે આખરે આપણી ઉપર જ પાછાં ફરશે અને આપણું નિકંદન કાઢી નાખશે. કેમ કે એક દિવસ લોકો જરૂર જાગવાના અને એ વિપ્લવમાં માત્ર આપણે જ નહિ પરંતુ આપણા રાષ્ટ્રમાં જે કાંઈ શુભ છે તે બધાનો વિનાશ થઈ જશે. એટલે આપણી પોતાની જ હસ્તી માટે આપણે લોકોને મદદ કરવાની છે અને ઊંચે ઉઠાવવાના છે. માટે, મારા મિત્રો, તમને દરેકને આ કામમાં વ્યક્તિગત રીતે સક્રિય રસ લેવા તેમજ આ જાતનું કાર્ય કરવા સંસ્થાઓ રચવા હું અનુરોધ કરું છું. મારા મિત્રો, સરકાર પાસેથી ઝાઝી આશા ન રાખશો. કેમ કે તેઓ બહુ કરી શકે નહિ. તેમણે જે મહાન યોજનાઓ અને કાયદાઓ પસાર કર્યા છે અને ભવિષ્યમાં પસાર કરશે તે આપણે સૌ મનમાં ન લઇએ ત્યાં સુધી અમલમાં મૂકી શકાય નહિ. તો તેમની તરફ જોઈને તેમને દોષ દેવાનો શો અર્થ છે? કેમ કે તેઓ પણ આ સમાજનો એક ભાગ છે. તમે પોતે કાર્ય કરો. ગમે તે સરકાર સત્તા ઉપર આવશે તે સુવ્યવસ્થિત ચાલશે.
સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ સંદેશનું અર્થઘટન એવી રીતે કર્યું છે કે આપણે સહેલાઈથી સમજી શકીએ. શ્રીરામકૃષ્ણના જીવનના ઊંચા વૉલ્ટેજને તેમણે નીચા વૉલ્ટેજમાં રૂપાંતરિત કર્યું છે. જે આપણા રોજબરોજના જીવનમાં અને પ્રવૃત્તિઓમાં ઘણું ઘણું કામ કરી શકે. તો ચાલો આપણે સ્વામીજીને અનુસરીએ અને આપણે ધ્યેયને ચોક્કસ પહોંચીશું એટલે કે, વેરવિખેર સ્વાર્થપરાયણ લોક સમૂહને એકસૂત્રી મહાન રાષ્ટ્રમાં સુગ્રથિત કરીએ, તે પહેલાં કદીય હતું તેના કરતાં ઘણું ઘણું વધુ મહાન તેને બનાવીએ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Your Content Goes Here




