‘રામકૃષ્ણ જ્યોત’ સ્વ-વિકાસમાં ખરેખર મદદરૂપ થાય છે. આપનો પુરુષાર્થ દાદ માંગી લે છે. મારું નમ્ર સૂચન છે કે રામકૃષ્ણ જ્યોતમાં – આશ્રમ દ્વારા (અન્ય આશ્રમ / સંસ્થા) પ્રકાશિત થતાં રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાનાં પુસ્તકોની યાદી તથા કિંમતનું સૂચિપત્ર માટે ૧ આખું પાનુ દર અંક માટે ફાળવવા જેવું છે.
– બંકિમભાઈ, સેવા રુરલ, ભરૂચ
આ વખતના ઑગસ્ટ માસના અંકમાં આવેલ સંપાદકીય લેખ, ‘ભારતવર્ષને પ્રેમ કરો’ – ઘણો જ અદ્ભુત લેખ છે. કદાચ સ્વામી વિવેકાનંદના પરમ કલ્યાણકારી દિવ્ય આભામાંથી જ સીધે સીધો પ્રેરણારૂપે આવ્યો હોય એમ લાગે છે. એમની જ કરુણાથી ઉભરાતા ઉમદા આત્માએ જ સ્વયં લખાવ્યો હોય એમ લાગે છે. ખૂબ જ મનનીય છે, આચરણીય પણ છે જ. લેખ વાંચીને મારું હૃદય ઉમદાભાવોથી ભરાઈ આવ્યું અને તમને તેની જાણ કરવા આખમાં અશ્રુ સાથે આ લખી રહ્યો છું, આ લેખની એક એક નકલ આપણા ભણેલા-ગણેલા કહેવાતા – લોકોનાં હાથમાં જવી જોઈએ. આપણા આદરણીય વડાપ્રધાન તેમજ રાષ્ટ્ર પતિ તેમજ કેળવણી પ્રધાન તેમજ અન્ય રાજકીય નેતાઓના હાથમાં પણ એકાદ નકલ અવશ્ય જવી જોઈએ. આપણા ગુજરાત રાજ્યના દરેક પ્રધાન તેમજ દરેક નેતાના હાથમાં પણ એક નકલ જવી જોઈએ.
– કાંતિલાલ એમ. જોષી, વડોદરા
યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીએ આપેલ જવાબ આજે પ્રત્યેક ભારતીય નાગરિકને પ્રત્યેક વિદેશીને તથા વિદેશમાં વસતા ભારતીયને આપવાની અનિવાર્ય જરૂરિયાત છે. ‘ભારત વર્ષને પ્રેમ કરો.’ યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની માફક તેમની પ્રેરણા દ્વારા ભારતના પ્રત્યેક નાગરિકે આજે ‘ઘનીભૂત ભારત’ ‘Condensed India’ બની જવાની અનિવાર્ય જરૂર છે. યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની માફક જ તેમની પ્રેરણા દ્વારા ભારતના પ્રત્યેક સંત-મહાત્માઓએ ‘Patriot Saint’ ‘દેશભક્ત સંત-સંન્યાસી’ બનવાની જરૂર છે.
– જોષી હર્ષદકુમાર, રાજકોટ
વિદ્યાર્થી કાળમાં ફક્ત વિવેકાનંદનું નામ જ સાંભળ્યું હતું. પણ વિશેષ પરિચય મારા ગુરુજીએ કરાવ્યો એમણે જ પત્રિકાનું લવાજમ ભરી દીધું. અંકો આવતા થયા પછી જો બંધ થાય તો એમ લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે આ ‘રામકૃષ્ણ જ્યોત’ જીવનની ઊણપને પૂરી પાડે છે. જ્યોતિબહેન થાનકીના લેખો વાંચવા ખૂબ જ ગમે છે તેમાં ‘તું કલગી શાકની વેલ’ દ્વારા તે સમયની પરિસ્થિતિ સામે ખડી થાય છે. સેવા ધર્મમાં સ્વામી શ્રીભૂતેશાનંદજીએ સરસ રીતે સમજ આપી કે સેવા એ તો પૂજા-અર્ચનાના રૂપમાં ગણવી.
– દક્ષાબેન હરિવદનભાઈ પટેલ, વડોદરા
હું ચાલુ માસથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો નવો જ વાચક – ગ્રાહક છું. આ વર્ષના અંક ૩-૪-૫ મળ્યા. વિગતે અત્યાર કરતાં ખરેખર ભારતીય સંસ્કૃતિમાં નૂતન જાગૃતિ પ્રેરક આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક વૈવિધ્ય સભર સાહિત્ય તથા કવિશ્રી ઉશનસ્નું ‘શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત’ વગેરે વાચન-મનન યોગ્ય લાગ્યાં. વળી સંશોધન વિભાગમાં ‘વેદયુગીન ભારત નવો પ્રકાશ’ શ્રીરાજારામનો લેખ ભારતીય ગૌરવ ગાથા દર્શાવે છે તે પ્રેરણાદાયી છે. બુઝુર્ગો, વડીલો ચશ્માધારી માટે છપાઈ ટાઈપ નાના તકલીફ પડે તેમ છે. માફ કરશો લાગ્યું તે લખ્યું. આધુનિક યુગનું શ્રેષ્ઠ પ્રકાશન ગણાય.
– ભગવાનસિંહ ડી. ગોહેલ, આણંદ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પૂ.સ્વામીનો સાધના લેખઃ ‘જીવન એક યાત્રા’ આ ઓગસ્ટના અંકથી પૂર્ણ થાય તેમ જણાય છે. તો પૂ.સ્વામીજીને જણાવવાનું કે બીજું કોઈ જીવન-યાત્રા શરૂ કરો જેથી તેમાંથી વૈયક્તિક, આધ્યાત્મિક તેમજ નિર્ભેદ્યતાનું ભાતું મળે અને માણસમાં પડેલી આળસ અને પ્રમાદને ખંખેરી નાખી માણસ માનવ બને અને જીવન યાત્રા સહજ સરળ અને પવિત્ર બને.
– ઉત્પલ ડી. આચાર્ય, વાસણા
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અતિ સુંદર સામયિક છે. કારણ કે આવા કળિકાળમાં કે જ્યાં આધ્યાત્મિકતા, રાષ્ટ્રીય એકાત્મક્તા, સંસ્કારિતાનો દુષ્કાળ પડ્યા હોય, ત્યાં એક ગંગા માતા સમાન નદી વહે છે.
– જગદીશ પી. ખુંટી, પોરબંદર
Your Content Goes Here




