પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો.
ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક છે. સદ્ગુરુ પાસેથી મંત્ર મળેલ હોય તો જ તમારી સાધના ફળદાયી નીવડે. કઠોપનિષદ(૧.૨.૭)માં કહ્યું છે : आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ।। – આને એટલે કે બ્રહ્મને જાણવાવાળો પુરુષ અત્યંત અદ્ભુત છે અને એવા કુશળ પુરુષ પાસેથી ઉપદેશ મેળવીને જે શિષ્ય બ્રહ્મને યથાવત્ જાણી ગયો છે, તે પણ આશ્ચર્યરૂપ છે.
આધ્યાત્મિક જીવનને લગતા પ્રશ્નોનું માર્ગદર્શન કોઈપણ સંત કે મહાત્મા પાસેથી લઈ શકો છો. પરંતુ સાધના દરમિયાન ઊઠતા પ્રશ્નોનું નિવારણ કે નિરાકરણ માત્ર જેમની પાસેથી મંત્ર દીક્ષા મળી છે તેવા ગુરુને જ આ વિશે પૂછવું અને એનું માર્ગદર્શન કે જવાબ મેળવવો. મંત્ર અને મંત્ર સંબંધિત પ્રશ્નો, સાધના પદ્ધતિ વિશેના પ્રશ્નો, ઉપાસના સંલગ્ન પ્રશ્નોના નિવારણ કે નિરાકરણ માટે માત્ર ને માત્ર મંત્રદીક્ષા આપનાર ગુરુ દ્વારા દર્શાવેલ માર્ગ પર નિર્ધારિત રહેવું. અધ્યાત્મ સંબંધી જાણકારી અને જિજ્ઞાસાનું નિવારણ કોઈપણ સંતમહાત્મા કે સારા સાધક કરી શકે.
સાધના-ઉપાસનાની વાતોમાં ગુરુએ જે કંઈ કહ્યું છે તેનું જ અનુસરણ કરવું જોઈએ. દીક્ષાગુરુ માત્ર એક જ હોય છે અને શિક્ષાગુરુ અનેક હોઈ શકે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે ભગવાન દતાત્રયને ૨૪ ગુરુઓ હતા. આ બધા શિક્ષાગુરુ હતા. શિક્ષાગુરુ પાસેથી માર્ગદર્શન પ્રેરણા મેળવી શકાય. તેમનાં વ્યાખ્યાન સાંભળીને જીવનને અધ્યાત્મ માર્ગ પર લાવી શકાય. પરંતુ સાધના કે ઉપાસના માટે ગુરુ અને ઇષ્ટ એક હોવા જોઈએ. મંત્ર પણ એક જ હોવો જરૂરી છે. જો એમ ન થાય તો સાધનાનું પરિણામ મળતું નથી.
ગુરુ એટલે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. ‘ગુ’ એટલે ‘અંધકાર’ અને ‘રુ’ એટલે ‘નિવર્તક’. એટલે કે ગુરુ અંધકારના નિવર્તક છે. એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર એ જ સાચા ગુરુ, સદ્ગુરુ. આપણાં શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યમાં ખાસ લક્ષણો હોવાં આવશ્યક ગણાય છે. સદ્ગુરુનાં લક્ષણો આ પ્રમાણે છે :
1. श्रोत्रिय – શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર
2. ब्रह्मनिष्ठ – બ્રહ્મમાં નિષ્ઠા ધરાવનાર
3. अवर्जनीय – નિષ્પાપ ચારિત્ર્યવાળા
4. अकामतः – લેવડદેવડની ભાવના કે કામના ન હોવી
આ ચારેય લક્ષણ ધરાવનારને સદ્ગુરુ માનીને તેમના શરણમાં જવું.
શિષ્યનાં લક્ષણો આ પ્રમાણે છે :
1. नित्यानित्यवस्तुविवेक – નિત્ય અને અનિત્ય વસ્તુમાં વિવેકબુદ્ધિ
2. इहामूत्रफलभोगविराग – પૃથ્વી અને સ્વર્ગના બધા ભોગ પ્રત્યે વૈરાગ્ય.
3. शमदमादि षट्सम्पत्ति – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ છ સંપત્તિ હોવી.
4. मुमुक्षुत्व – મુક્તિ મેળવવાની તીવ્ર ઇચ્છા.
આ ચારેય ગુણો જે વ્યક્તિમાં હોય તે આદર્શ શિષ્ય બની શકે. ગુરુ કે ગુરુવાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. એ શ્રદ્ધા વિના મુક્તિ મળે નહીં. એટલે ગુરુ અને મંત્ર બન્નેમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો જ ગુરુએ બતાવેલ આધ્યાત્મિક પથ પર ચાલવાની શક્તિ સાધના દરમિયાન આવે અને સાધના આડે આવતી અડચણોનું નિવારણ થાય. ગુરુમાં શ્રદ્ધા, ઇષ્ટમાં શ્રદ્ધા અને મંત્રમાં શ્રદ્ધા હોય તો સાધનાનું પરિણામ અચૂક મળે.
Your Content Goes Here





