દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું કરી જવાની આકાંક્ષા તેમનામાં હતી. પરંતુ કેવળ આદર્શ સેવી તે બેસી રહેનારા ન હતા, જીવનનાં તમામ વ્યવહારલક્ષી પાસાંથી તેઓ સારી પેઠે સુમાહિતગાર હતા. શારીરિક, નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે નિર્બળ રીતે હોય તેવી કોઈ વ્યક્તિ આદર્શ અનુસાર પોતાનું આચરણ કરી શકે નહિ. દુનિયાને જીતવાનું એલેક્ઝાંડરનું સ્વપ્ન તેનાં સામર્થ્ય અને તેના પોતાનાં ભાવિ અંગેના ઊંડા આધ્યાત્મિક વિશ્વાસને કારણે સિદ્ધ થઈ શક્યું હતું.
યુવા વિવેકાનંદનું રૂપાંતર ક્યારે શક્ય બન્યું?
યુવા વિવેકાનંદના જીવનમાં શારીરિક, બૌદ્ધિક, હાર્દિક અને આધ્યાત્મિક એવા ચાર પ્રકારની અપૂર્વ શક્તિઓનો સમન્વય થયો હતો. જીવનના નૈતિક અને વ્યાવહારિક આચરણની સાથે શારીરિક અને બૌદ્ધિક સામર્થ્યનો તેમનામાં અદ્ભુત સુમેળ હતો. તેઓ જાણતા હતા કે, આ શક્તિઓની વિસંવાદિતા, તેમની વચ્ચેનું અંતર કે અલગતા એટલે બીજું કાંઈ નહિ – માનવશક્તિઓનો પૂર્ણ વિનાશ. જો આધ્યાત્મિક મૂલ્યોને અકબંધ રાખી શકાય તો શારીરિક, બૌદ્ધિક અને હૃદયની શક્તિઓ આખરે બુદ્ધની કે ઈશુની શક્તિમાં રૂપાંતરિત થશે અને તેવી શક્તિ પતન તરફ ધસતા માનવસમાજ અને માનવ સંસ્કૃતિઓને બચાવી લેશે અને તેમનો ઉદ્ધાર કરશે. પરંતુ નરેન્દ્ર જેવો પ્રખર તર્કશાસ્ત્રી હેગલ, બેન્થામ, મિલ અને કેન્ટ જેવાની ફિલસૂફીઓમાં પૂરેપૂરો ડૂબેલો હતો. તેનું આધ્યાત્મિક વ્યક્તિમાં પરિવર્તન એમ સફળતાથી થાય તેમ ન હતું. એ તો ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે નરેન્દ્રનો પવિત્ર આત્મા પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ જેવા દેવમાનવ સાથે સંપર્કમાં આવ્યો.
બંડખોર વૃત્તિઓ
ગુરુ અને શિષ્યનું મિલન બંડખોર વૃત્તિઓની પશ્ચાદ્ ભૂમિકામાં થયું. નરેન્દ્રનું મન તે વખતે ડામાડોળ સ્થિતિમાં હતું. હર્બર્ટ સ્પેન્સર અને અન્ય પાશ્ચાત્ય ફિલસૂફોનો અનીશ્વરવાદી ભૌતિકવાદ અને “ઈશ્વર છે અને તેનો સાક્ષાત્કાર કરી શકાય,” એવી આંતરિક ભારતીય શ્રદ્ધા વચ્ચેનો ગજગ્રાહ તેના મનમાં ચાલી રહ્યો હતો. તેનો કસરતબાજ બાંધો અને વિવિધ વ્યાયામ-વિદ્યાઓમાં પૂર્ણ કૌશલ, તેનો મર્દાનગીભર્યો અવાજ, તેની તેજસ્વી બુદ્ધિ અને તરી આવતી જ્ઞાન પ્રતિભા, તેની જન્મસિદ્ધ નેતૃત્વશક્તિ અને ઉદાર મનને કારણે તેના સમવયસ્ક યુવા સાથીઓમાં તે નિર્વિવાદ નાયક બન્યો હતો.
ક્ષણિક જગતથી પર જવાની અલીપ્સા
આમ છતાં તેના અંતરમાંથી આવતો અવાજ સતત કહી રહ્યો હતો કે, “આ ક્ષણિક જગતના ભભકાઓ અને દેખાવોથી પર ઊઠી જા અને નિત્યપૂર્ણ એવા ઈશ્વરને પ્રાપ્ત કર.” રોજ રાત્રે નિદ્રાધીન થાય તે પહેલાં આ યુવાન બે સ્વપ્નાં વચ્ચે ખેંચાતો: પોતાની જાતને તે દુનિયા ઉપર પૂર્ણ સત્તા ભોગવતા સમ્રાટ જેવો જોતો. તો વળી બીજી બાજુ, સર્વત્યાગી સંન્યાસીના વેશમાં પોતાને એકલો ભટકતો પણ જોતો. ધીમેધીમે આ બીજું સ્વપ્ન વિજયી બનતું અને સંઘર્ષ અનુભવતો આત્મા નિદ્રાધીન બનતો.
શ્રીરામકૃષ્ણદેવ સાથે મિલન
કલકત્તાના વિદ્વાનો અને દેવેન્દ્રનાથ ટાગોર જેવા પ્રખર ધર્મનેતાઓ તેને સંતોષકારક જવાબ આપવામાં કે રસ્તો બતાવવામાં નિષ્ફળ ગયા. આ સમયગાળામાં નરેન્દ્રનું મન એક ઊકળતા ચરુ જેવા અણઉકેલ ગૂંચવાડામાં ડહોળાઈ રહ્યું હતું. જો તેને માર્ગદર્શક મળ્યા ન હોત તો તે પાગલ બની જાત. એના મનમાં આવા બળતા ઉનાળાના તાપમાનમાં દૈવી કૃપાની વર્ષાનું આગમન થયું. એના આત્માનો સંતપ્ત શોષ નાનવ દેહધારી ઈશ્વરાવતાર શ્રીરામકૃષ્ણના સર્વતોમુખી પ્રેમના શીતળ વારિથી તરબોળ થઈ ગયો.
સ્વામી વિવેકાનંદની દ્વિધા
રોમાં રોલાંએ લખ્યું છે કે, વિવેકાનંદમાં ચાર જાતની માનવ-શક્તિઓનો પૂર્ણ સમન્વય થયો હતો. આજના લાખો સત્ય જિજ્ઞાસુઓની જેમ, આદર્શ પિપાસુ હિપ્પીઓ અથવા નવી સભ્યતાના પ્રતિ-સંશોધકો કે અનુયાયીઓની જેમ આધ્યાત્મિક મૂલ્યોની શોધમાં તદ્દન ઊગતી યુવાવસ્થામાં જ એમણે પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી. એ દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદની યાત્રા આધુનિક યુવક-યુવતીઓની અધ્યાત્મ ખોજ કરતાં જુદી પડતી ન હતી. સ્વામી વિવેકાનંદની સાર્થકતા તો જીવનની વધુ સુદૃઢ તર્કશુદ્ધ બુનિયાદ ઉપર જ હંમેશાં આધારિત હતી. સત્યની ખોજમાં તે ઘેરઘેર – મોટા મોટાના ઘરઆંગણે ભટક્યા. પરંતુ જ્યાં સુધી પોતાની બુદ્ધિને સંતોષ ન થયો ત્યાં સુધી તેઓ અટક્યા નહિ. શ્રીરામકૃષ્ણ ઈશ્વરાનુભૂતિ કરનારા સર્વોચ્ચ કોટિના સંત તરીકે સ્વીકાર પામ્યા હતા છતાં શરૂમાં નરેન્દ્રનાથ તેમના દેવી-દેવતાઓ માટેનાં બધાં લાગણીપ્રધાન આક્રંદો વિષે સાશંક હતા અને તેમને અર્ધપાગલ ગણતા હતા. સાથોસાથ, શ્રીરામકૃષ્ણની પવિત્રતા અને ત્યાગે તેમના મન ઉપર ઊંડી અસર પણ કરી હતી. તેમણે વિચાર્યું: “પરંતુ કેવા પવિત્ર! ઓહ કેવો ત્યાગ! સાચે જ તેઓ માનવહૃદયના સન્માનને આદર-પૂજ્યભાવને પાત્ર છે.”
શ્રીરામકૃષ્ણની આગાહી
જેમ જેમ સ્વામી વિવેકાનંદ વધુ ને વધુ નજીક આવતા ગયા તેમ તેમ નરેન્દ્રની જન્મગત મહત્તા વિષે તેમની (શ્રીરામકૃષ્ણની) અંતઃપ્રેરણાને સમર્થન મળતું ગયું. તેઓ બીજા લોકોને કહેવા લાગ્યા કે, “નરેન્દ્ર ધ્યાનસિદ્ધ મહાત્મા છે અને જ્યારે તે કોણ છે તે પોતે જાણશે કે તરત ધ્યાન દ્વારા જ તે પોતાનું શરીર છોડી દેશે.” આ બધા પછી પણ નરેન્દ્રે શ્રીરામકૃષ્ણની કડક કસોટી અને આલોચના કરવાનું ચાલુ રાખ્યું. શ્રીરામકૃષ્ણનો નાનો ખંડ દરરોજ ધર્મોની સંસદ સમાન બની રહ્યો હતો. પરંતુ નરેન પોતાના ગુરુદેવની દિવ્ય અનુભૂતિઓમાંથી એકેયને માનતો નહિ અને તે બધી તેમની કપોલકલ્પિત કલ્પનાઓ જ હોય એમ એ માનતો. ત્યારે શ્રીરામકૃષ્ણે ‘ગોપાલની મા’ તરીકે જાણીતી એક વૃદ્ધા ભક્ત-નારીને નરેન્દ્રની સામે ખડી કરી. તેના બધાય દિવસો બાલગોપાલના દર્શનમાં વીતતા અને ખરા અર્થમાં તેના સાંનિધ્યમાં જ પસાર થતા હતા. શ્રીરામકૃષ્ણના આદેશથી નરેન્દ્ર સમક્ષ તેણીએ આંખમાં આંસુ સાથે પોતાનાં દર્શનોનું આર્દ્રભાવે વર્ણન કર્યું: આ સાંભળીને નરેન્દ્ર જેવા તર્કપ્રિય નાસ્તિકની આંખો પલળી ગઈ. આવી પવિત્ર અને નિર્દોષ ભક્તનારીના શબ્દોને તે કેવીરીતે ખોટા ગણી શકે? મર્યાદિત તર્ક-શક્તિના બચ્ચા જેવી જન્મેલી આધુનિક અશ્રદ્ધા પેલા જવલંત આધ્યાત્મિક સાક્ષાત્કારના વર્ણન પાસે મૂક બની ગઈ.
વિવેકાનંદનો સંશય અને અંતે આત્મ-સમર્પણ
પરંતુ સંશય જલદી મરતો નથી, અનેક સંતો અને વિદ્વાનો પ્રત્યેના પૂજ્યભાવ અને તેમના સ્વીકાર છતાં નરેન્દ્ર તેના ગુરુદેવને ઈશ્વરના અવતાર તરીકે સ્વીકારી શક્યો નહિ. ગુરુદેવનું કેન્સરગ્રસ્ત અને હાડપિંજર બની ગયેલું પીડાતું શરીર કોઈ પણ સામાન્ય માનવી કરતાં જુદું પડતું ન હતું. પછી તે શી રીતે તેમને ઈશ્વરના અવતાર માને? મૃત્યુ-શૈયા પર પોઢેલાં શ્રીરામકૃષ્ણ સમક્ષ નરેન્દ્રે વિચાર કર્યો કે આ મૃત્યુની ઘડી આવી રહી છે તેવા અંતિમ સમયમાં જો તેના ગુરુદેવ પોતાને ઈશ્વરના અવતાર તરીકે જાહેર કરે તો તે તેમને માને ખરો! જેવો આ વિચાર તેના મનમાંથી પસાર થયો કે, શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા: “નરેન, જે રામ હતા, જે કૃષ્ણ હતા તે આ સમયે શ્રીરામકૃષ્ણના રૂપે આ શરીરમાં આવ્યા છે.” નરેનના સંશયના સર્પને ઊંડો આઘાત લાગ્યો પરંતુ તે મર્યો નહિ. શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી ગાઝીપુરના યોગી પવહારી બાબાને પોતાના ગુરુ તરીકે સ્વીકારવા તે તૈયાર થયો. ત્યારે અંતિમ વાર શંકા-સર્પે પોતાની ફેણ ઊંચી કરી. પહેલી રાતે જ શ્રીરામકૃષ્ણનું તેજોમય રૂપ ઉદાસ ચહેરા સાથે તેની સમક્ષ પ્રકટ થયું. જિદ્દી નરેન્દ્રને સંદેશ મળ્યો પરંતુ તે નિશ્ચલ રહ્યો. એકવીશ રાતો આ રીતે પસાર થઈ અને રોજ રામકૃષ્ણ આ તેજોમય રૂપનું દર્શન તેને થતું રહ્યું. આખરે એ સંશયાત્માને ખાતરી થઈ અને પોતાના મહાન ગુરુદેવનાં શ્રીચરણોમાં તેણે પોતાનું સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું.
આધુનિક યુવકોની ભૂલ
મોટા ભાગના સત્ય-સંશોધકો અથવા પ્રતિ-સભ્યતાના મોટા ભાગના અનુયાયીઓની ભૂલ થાય છે. તર્કબુદ્ધિથી પૂરેપૂરી ચકાસી ખાતરી કરવાને બદલે આધુનિક યુવક ગમે તેવા ગુરુ, નેતા, રાજકીય, સામાજિક, બૌદ્ધિક કે આધ્યાત્મિકના જે શબ્દો તેની લાગણીને સ્પર્શી જાય તેના અનુયાયી બની જાય છે. વાણી વિલાસના આ ‘પ્રથમ પ્રેમ’ સાથે તેઓ કેટલાક સમય પોતાના ગુરુદેવોને અનુસરે છે અને તેમને જ્યારે એ ‘ખોટા પયગંબરો’ના છીછરા આધ્યાત્મિક જીવનમાં વાણી, વિચાર, આચાર વચ્ચે મોટી ખીણ દેખાય છે, ત્યારે તેઓનો ભ્રમ ભાંગી જાય છે. પારિસમાં સોરબોન્રે યુનિવર્સિટીની 1968ની ચળવળનું નેતૃત્વ કરનારા આદર્શવાદી યુવકો આજે ખુલ્લંખુલ્લા કહે છે કે, તેમના નેતાઓએ પોતાની જાતને વેચી મારી છે. તેમના ભ્રમ-મુક્ત નેતા કહે છે: ચોક્કસ, બગડેલાં કપડાં ફેંકી દેવાનો સમય પાકી ગયો છે.
યુવકો અનિષ્ટોનો ભોગ કેમ બને છે
શ્રોતાઓનું ચિત્ત-આકર્ષણ કરવા નીકળી પડેલા ગુરુઓ અને નેતાઓની પાછળ આવી અવાસ્તવિક અને લાગણીપ્રધાન દોડાદોડી માત્ર બૌદ્ધિક હતાશા જ નહિ, પરંતુ કેટલીક વાર પૂરા મનોદૈહિક અને આધ્યાત્મિક અધઃપતનને નોતરે છે. યુવાપેઢીના અનેક લોકો નશીલા પદાર્થો અને સમાજનાં અન્ય આધુનિક દૂષણોનો ભોગ બને છે. કારણ કે આવી એક કે બે ખોટી દોટ પછી આદર્શમય જીવન માટેની ધગશ એ ખોઈ બેસે છે અને ઇન્દ્રિયભોગ, કેફી દ્રવ્યો, દારૂ, અપરાધ, વિજાતીય શોષણ અને હિંસા જેવાં અનિષ્ટોના બલિ બની જાય છે.
સ્થૂળ સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપદા વધુ ઉચ્ચ છે
નરેન્દ્રનાથની બુદ્ધિ તો ઘણી વધુ ઉચ્ચ આધ્યાત્મિક પ્રેરણા, અન્યનું કલ્યાણ કરવા આત્મભોગ આપવાના હેતુથી પ્રેરિત હતી. અલેક્ઝાન્ડર કે નૅપોલિયનના વિજય કરતાં બુદ્ધ અને ઈશુના વિજય તેને દશગણા વધુ આશ્ચર્યચકિત કરતા. દુનિયાના સ્થૂળ સામ્રાજ્યની પ્રાપ્તિની ઇચ્છા માનવસમાજના સર્વતોમુખી પ્રેમ સમક્ષ દબાઈ જતી હતી. બુદ્ધ અને ઈશુ જેવી પવિત્રતા અને દિવ્ય શક્તિ ઉપર ઘડાયેલું જીવન તેનું અંતિમ ધ્યેય બન્યું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચન દરમિયાન તેમણે કહ્યું કે, “માનવની અપ્રકટ દિવ્યતાને પ્રકટ કરવી તે જ જીવનનું લક્ષ છે. સંસ્કૃતિ અને સભ્યતાની પારાશીશી છે. માત્ર ભૌતિક સંપત્તિની પ્રાપ્તિમાં તે નથી. રોમન ગ્રીક સભ્યતાઓએ સ્થૂળ, ભૌતિક પ્રાપ્તિને માનવની અપ્રકટ દિવ્યતાના આવિર્ભાવ કરતાં વધુ મહત્ત્વ આપ્યું તેથી તેઓ વિનાશ પામી.”
ભારતીય સભ્યતા કેમ ટકી રહી?
પ્રાચીન ભારતીય પરંપરાના મર્મજ્ઞ તરીકે સ્વામી વિવેકાનંદને પૂરી જાણ હતી કે માનવઊર્જાનો આધ્યાત્મિક પ્રકાશ, માનવઊર્જાના બીજા બધા આવિર્ભાવ કરતાં વધુ દીપ્તિમંત છે. કેલીફોર્નિયામાં, તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હિંદુઓ શા માટે આટલા બધા વિનમ્ર છે? અને બીજા લોકોની જેમ કેમ આક્રમક નથી? ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપેલો કે હિંદુઓ આત્માને પૂજે છે, નહિ કે સ્થૂળ પદાર્થને. પદાર્થ નાશવંત છે અને આત્મા અવિનાશી છે એટલે પદાર્થવાદી સંસ્કૃતિઓ નાશ પામી છે, જ્યારે આત્મા અમર છે એટલે આત્માના ઉપાસકો તરીકે, સમગ્રતયા ભારતીય સભ્યતા, સંસ્કૃતિ બેબીલોન, ઇજીપ્ત, ગ્રીસ અને રોમની સંસ્કૃતિની જેમ સંપૂર્ણ નાશ પામી નથી.
ભારતના યુવા તત્ત્વજ્ઞાનીઓનો ભવ્ય પુરુષાર્થ
ગ્રીક સંસ્કૃતિ નાશ પામી કેમ કે, તેના નાયકો, ફિલસૂફોએ સામાન્ય માનવી સુધી નીચે ઉતારવાનો ઇન્કાર કર્યો અને તેમને ઉચ્ચતર સત્યો સમજાવવાની દરકાર કરી નહિ. તેનાથી ઊલટું, ભારતનો ઇતિહાસ યુવા આધ્યાત્મિક યુગપુરુષોથી ભરપૂર છે, જેમણે દેશના આધ્યાત્મિક સંસ્કારને પુનર્જીવન આપ્યું, તેને પૂર્ણ પતનમાંથી ઉગારી લીધા. યુવાન શંકરાચાર્યે તેની જાજવલ્યમાન ગતિશીલતા, તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને તેમના આધ્યાત્મિક જીવન દ્વારા ભારતને ઉગારી લીધું. આશરે એક હજાર વર્ષ પહેલાં આ વિશાળ દેશના ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમના ખૂણેખૂણાને ખૂંદી વળી આ યુવાનાયકે અદ્વૈત વેદાંતની સર્વોપરિતા પ્રતિષ્ઠિત કરી અને ભારતીય સંસ્કૃતિને બચાવી. એટલું જ નહિ પરંતુ, ભારતીય જનસમાજને બુદ્ધના અનુયાયીઓની શૂન્યવાદી પકડમાંથીય મુક્ત કર્યો. તેની પહેલાં પણ યુવાન સિદ્ધાર્થ ગૌતમે પોતાની પત્ની અને નવજાત શિશુનો, ઉચ્ચતર ભવિતવ્યતાની શોધમાં ત્યાગ કર્યો અને સમગ્ર એશિયા-ખંડને શુદ્ધ નૈતિક અને ઉચ્ચ માનવદૃષ્ટિકોણથી વેદાંત તત્ત્વજ્ઞાનના ઉપદેશ દ્વારા ઉગારી લીધો અને તેમની પેઠે યુવાન વિવેકાનંદે 23 વર્ષની ઉંમરે વિશાળ ભારતીય ઉપખંડની યાત્રા કરી ભારતીય જનસમાજનો સંપર્ક સાધ્યો. સાંસારિક વિષયભોગો માટે નહિ પરંતુ 19મી સદીના અંતમાં દેશની રાષ્ટ્રીય અને આધ્યાત્મિક અસ્મિતા ઉપર, છેલ્લા 1200 વર્ષથી પરદેશી હકૂમત નીચે કચડાતી પ્રજા ઉપર પાશ્ચાત્ય ચળકાટથી ઝગમગતી સંસ્કૃતિના આક્રમણના ધસારાથી ધ્વસ્ત થવાને આરે પહોંચેલી ભારતીય સંસ્કૃતિને ભુંસાઈ જતી અટકાવી દેવા માટે એ યાત્રા હતી. શંકરાચાર્યની જેમ તેઓ પણ એકલા ભગવાનને ભરોસે હિમાલયથી કેપ કોમોરીન સુધી ફર્યા અને કન્યાકુમારીના ખડક ઉપર, દેશનાં અંતિમ ભૂમિખંડ ઉપર ઐતિહાસિક ધ્યાનાવસ્થામાં પોતાની યાત્રા તેમણે પૂરી કરી. ત્યાં તેઓ ધ્યાનમાં બેઠા. પણ તે ધ્યાન ઈશ્વરનું ન હતું. પરંતુ કરોડો ભૂખ્યાં, દુઃખી અને મૂક દેશવાસીઓનાં મુખનું હતું અને ત્યાં એમને માર્ગ મળી ગયો. તેમને પ્રતીતિ થઈ કે વેદાંતનો સંદેશ-માનવની અપ્રકટ દિવ્યતાને વ્યવહારમાં ઉતારવાનો પ્રાચીન સંદેશ તેમણે પોતે પ્રત્યક્ષ ઉદાહરણ અને ઉપદેશ દ્વારા જીવનમાં આચરી બતાવવાનો હતો. મદ્રાસમાં તેમણે કહ્યું તેમ તેમને લાગ્યું કે વેદાંતના બૌદ્ધિક સિદ્ધાંતો સાદ્યંત વાસ્તવિક જીવનમાં ઉતારવા જ તેમનું જીવન નિર્માણ થયું હતું. જીવનની દિવ્યતાનો આદર્શ પુસ્તકોનાં પાનાંમાં પુરાઈ રહેવા માટે સર્જાયો ન હતો. પરંતુ ખેડૂતના ખેતરમાં, વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં, કારખાનાંના કામદારોમાં, સામાજિક કાર્યકરોનાં સેવાક્ષેત્રોમાં, યોગીઓના ધ્યાનખંડની જેમ જ પૂર્ણ રીતે પ્રકટ કરવા માટે નિર્માયો છે. આ એક ઐતિહાસિક કાર્ય હતું અને તે તેમણે પોતાની યુવાવસ્થાના શિખરે જ સંપન્ન કરી બતાવ્યું.
વેદાંતને વ્યવહારમાં લાવવાનું કાર્ય અત્યંત વિકટ હતું અને માત્ર પયગંબર કક્ષાના યુગપુરુષ જ તે સિદ્ધ કરી શકે. ઇતિહાસના બધા પયગંબરોની જેમ આ યુવા પયગંબરને પણ અવરોધ, અવજ્ઞા, હાંસી, સતત દુશ્મનાવટમાંથી પસાર થવું પડ્યું. તે જમાનાના કહેવાતા ચીલાચાલુ ધર્મપુરુષો અને મહાપુરુષો તેને સમજવામાં નિષ્ફળ ગયા. તેઓ ભૌતિક સુખોમાં રાચનારા હતા. અને ભાવિનાં એંધાણ જોઈ શકતા ન હતા અને પતિત ભૌતિક સભ્યતામાંથી બહાર નીકળવાનો માર્ગ કાઢી શકે તેવા નહોતા. પોતાની માતૃભૂમિમાં સાત-સાત વર્ષના અથાક પરિશ્રમ અને પુરુષાર્થ પછી પણ આ યુવાનાયક પોતાના ગુરુદેવના વિચારોની સ્વીકૃતિ તેમની પાસેથી મેળવી શક્યા નહિ, ત્યારે તે સ્વીકૃતિ માટે તેને પરદેશોમાં જવાનું અનિવાર્ય લાગ્યું. યુવાન ઈશુ દૈવીકૃપા માટે જેરુસલેમ છોડી રણમાં ગયા, બુદ્ધ જેમ નિર્વાણની શોધમાં નેપાલ છોડી પયગંબરી પયગામની પ્રાપ્તિ માટે ભારત આવ્યા તેમ સ્વામી વિવેકાનંદ, એકાંકી-વણપ્રીછ્યા-કોઈપણ પ્રમાણપત્ર વિના પાશ્વાત્ય દેશોમાં ગયા, જ્યાં હિંદુોના જ્ઞાતિભેદ, વહેમોની પરંપરા અને ગરીબીમાં સબડતા દેશ માટે કેવળ તિરસ્કાર અને અણગમો ભરેલો હતો અને તેઓ અલેક્ઝાન્ડરની જેમ પ્રવેશ્યા, તેમણે દૃષ્ટિપાત કર્યો અને મૂળભૂત રીતે, ‘જીવનનો સાર અને તેનું સ્વરૂપ દિવ્ય છે.’ તે વેદાંતના સંદેશ દ્વારા પશ્ચિમી દેશવાસીઓનાં હૃદય જીતી લીધાં. જ્યારે-જ્યારે ભારતીય યુવકવર્ગ શિકાગો શૈલીમાં ભારતના સંન્યાસીની સિંહ જેવી છટા ધરાવતી આકૃતિ નિહાળે ત્યારે તેમણે સ્મરણ કરવું ઘટે કે ઈશ્વરીય સત્તા થકી પ્રાપ્ત કરેલો તેમના એ મર્દાનગી ભરેલો વિજયોલ્લાસ તીવ્ર મરણિયો સંગ્રામ, સંઘર્ષ અને એકલવાયાં વર્ષોની વેદનાથી ભરેલો હતો. સદાકાળ માટે ભારતના યુવાન નરકેસરી વિવેકાનંદના ભવ્ય જય-જયકાર ભરેલા ટૂંકા જીવનમાં ઈશ્વરીય સત્તાનો આવિર્ભાવ થયો હતો. ભારતના યુવાનો યાદ રાખે કે આવી શક્તિ બીજાઓ માટે કરેલા ભવ્ય ત્યાગ અને જીવનમાં સાંગોપાંગ પવિત્રતા પ્રાપ્ત કરવાની સાધનામાંથી જ જન્મે છે.
(ક્રમશઃ)
ગુજરાતી રૂપાંતર: શ્રીયશસ્વીભાઈ ય. મહેતા, લોકશિક્ષણ ટ્રસ્ટ, ભાવનગર.
Your Content Goes Here




