અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ તરીકે સારી રીતે પિછાણે છે; પરંતુ પરમ ગુરુનાં દિવ્ય લીલાસહચરી શ્રીશ્રીમા શારદાદેવીનું (1853-1920) જીવન છેક આ સદીના પાંચમા દાયકા સુધી લોકોમાં વ્યાપક રીતે જાણીતું ન હતું. તેમણે પોતાના જીવનનાં ઘણાંખરાં વર્ષો લોકોની નજરે ન ચડે એવા ગ્રામીણ અને ઘરગથ્થુ વાતાવરણમાં ગાળ્યાં હતાં. પણ હવે જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ તેમ તેમના જીવનની અદ્ભુત લીલાઓ પ્રકાશમાં આવી રહી છે. તેઓ પવિત્રતા, પ્રેમ, સેવા અને આધ્યાત્મિક અનુભૂતિઓથી ભર્યું ભાદર્યું કેવું અદ્ભુત જીવન જીવી ગયાં, અને હજારો બોજાઓ અને પીડાઓ તળે દબાયેલા-પિસાયેલા આધુનિક માનવ માટે તેઓ પ્રાણદાયક અને આવશ્યક ઉદાહરણો મૂકતાં ગયાં, તે બધું સમજવા માટે હજુ તો માનવજાત શરૂઆત જ કરી રહી છે.
એક રીતે જોઈએ તો તેમના જીવનમાં વિશેષ કહી શકાય તેવું કશું ન હતું. સને 1853માં, પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના એક ખૂણે પડેલા અજાણ ગામડામાં રહેતા ખૂબ ગરીબ પણ અત્યંત પવિત્ર કુટુંબમાં એમનો જન્મ થયો. અન્ય ગ્રામીણ છોકરીઓની પેઠે જ તેમણે પણ નાનાંમોટાં ઘરકામ કરતાં કરતાં માતાને મદદ કરતાં કરતાં અને નાનકડા ભાઈઓની સારસંભાળ લેતાં લેતાં જ બાળપણ વિતાવ્યું. જ્યારે તેઓ યુવાવસ્થામાં પ્રવેશ્યાં, ત્યારે તેમણે પોતાના ઈશ્વરભાવમાં વિભોર પતિ શ્રીરામકૃષ્ણદેવની, તેમના વૃદ્ધ માતાની તેમ જ પરમ ગુરુની આસપાસ સદાય વીંટળાઈ રહેતાં સંબંધીઓ અને ભક્તોની અસાધારણ ધૈર્યથી, પૂરતી કાળજીથી અને લાગણીથી સેવા કરી તેમની ફરજોમાં ખૂબ સામાન્ય બાબતો જ હતી – રાંધવું, ભોજન પીરસવું અને ગુરુદેવ તથા તેમનાં વૃદ્ધ માતાની રોજબરોજની જરૂરિયાતનો ખ્યાલ રાખવો – આ બધા માટે તેમને મદદ કરનાર કોઈ ન હતું. એને પરિણામે તેમને બહુ જ ઓછો આરામ મળતો. પરંતુ સેવાર્થે સમર્પિત થયેલા તેમની પરિશ્રમી જીવનની સાથોસાથ પણ તેઓ દિવસોના દિવસો સુધી અને મહિનાઓના મહિના સુધી પ્રાર્થના, જપ, ધ્યાન અને શ્રીઠાકુરે તેમને આધ્યાત્મિક ઉપદેશો આપીને જે કાંઈ કરવાનું કહ્યું હતું તે બધું અનુષ્ઠાન તેઓ કરતાં રહ્યાં. તેઓ જે કાંઈ કરતાં હતાં, તેમાં ન હતો કોઈ દેખાડો કે ન કોઈ દંભ. સને 1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમણે તીર્થ યાત્રાઓ કરી. અને પછી કામારપુકુર અને જયરામવાટી જેવાં ગામડામાં રહ્યાં. કેટલીક વખત ભક્તોને ઘરે અને પ્રસંગોપાત રામકૃષ્ણસંઘના મઠો અને આશ્રમોમાં રહ્યાં. આમ, 35 વર્ષના લાંબા ગાળા સુધી જીવિત રહ્યાં. તેમનું મુખ્ય કાર્ય તો આધ્યાત્મિક મંત્રદીક્ષા આપવાનું હતું. તો પણ તેઓ હંમેશાં સ્વેચ્છાથી અન્ય ઘણાં સામાન્ય કામોમાં અને ઘરકામમાં પરોવાતાં હતાં.
અને આમ તેઓ પોતાના કામના દરેક અંશનું પ્રસન્નતાથી કરેલી શાન્ત પ્રાર્થનાની મંગલ સાધનામાં રૂપાંતર કરી દેતાં. આ હેતુ માટે સખ્ત શારીરિક પરિશ્રમ કરવો પડે તો તેની તેઓ કદીય પરવા કરતાં નહિ, શારીરિક શ્રમની ભૂમિકાએ તેમનાં કામોમાં ખીર પકવવી, ઘંટુલો ચલાવવો, ચોખા છડવા, રાંધવું, પાણી ભરી લાવવું, વાસણો માંજવાં વગેરે કામો આવતાં અને આધ્યાત્મિક ભૂમિકાએ ભક્તોને દીક્ષા અને ઉપદેશ આપવાં અને તેમના કલ્યાણ માટે જપ, ધ્યાન, પ્રાર્થના કરવાનાં કાર્યો આવતાં. જેઓ તેમની પાસેથી દીક્ષા લેવા ઇચ્છતાં તે સૌને માટે આ બધાં કાર્યો તેઓ માતાના વાત્સલ્યથી અને લાગણીથી કરતાં. એમાં બહારનો બીજો કોઈ હેતુ બિલકુલ ન હતો. વળી, તેમની પાસે તો બધા જ વર્ગના લોકો આવતાં હતાં. એમાં સંતોય હતા અને શેતાનોય હતા; અમીરોય હતા અને ગરીબોય હતા; સંન્યાસીઓય હતા અને ગૃહસ્થોય હતા. પણ તેમનું હૃદય કોઈ પણ પ્રત્યે વિમુખ ન હતું. દુષ્ટો પ્રત્યે પણ નહિ. અરે, પ્રાણીઓ પ્રત્યે પણ નહિ. તેમનું વલણ એટલું તો સહજ અને કૃપામય હતું કે દરેકે દરેક તેમના પ્રેમનો પ્રગાઢ સ્પર્શ અનુભવતું. અને પ્રેમનો એ સ્પર્શ ધીરે ધીરે, શાંતિથી પણ અનિવાર્યપણે તેમના વાત્સલ્યભાજન માનવના ચારિત્ર્યનું રૂપાંતર કરી દેતો. આ ખરેખર એક ચમત્કાર જ લાગે છે કે, તેઓશ્રી આટલાં પ્રેમાળ અને આટલાં બધાં કલ્યાણકારી હતાં, અને એ પણ કેવળ અમુક પ્રસંગ પર જ નહિ, પણ સદાસર્વદા એવાં હતાં, અને પોતાના છેલ્લા શ્વાસ સુધી એવા જ રહ્યાં. વળી, એ પણ કોઈ થોડાંઘણાં માટે જ નહિ, ભાતભાતનાં સૌને માટે! પણ આ ચમત્કાર તો તેમને માટે રોજની ઘટના બની હતી. આ બધું કરવાનું રહસ્ય, તેમણે કરેલા આત્મસાક્ષાત્કારમાં પડેલું હોય એમ જણાય છે. એ સાક્ષાત્કાર એટલે સર્વને વહાલામાં વહાલો ઈશ્વર સર્વમાં રહેલો છે, અને તેથી સર્વની સેવા એ ઈશ્વરની સેવા અને પ્રાર્થના છે.
સર્વની સેવા એ ઈશ્વરની સેવા છે – એ કંઈ નવીન સત્ય નથી. જુદાજુદા સંતોએ અને પયગંબરોએ તરેહ તરેહથી એની ઉદ્ઘોષણા નથી કરી? કરી જ છે ને! શ્રીરામકૃષ્ણદેવે અને સ્વામી વિવેકાનંદે આપણા જ જમાનામાં એ સત્યને શું પુનઃસ્થાપિત નથી કર્યું કે? એ પણ કર્યું જ છે. આમ છતાં શ્રીશ્રીમાના જીવનમાં એ જે રીતે અભિવ્યક્તિ થયું છે, તેમાં કંઈક નવું છે. સામાન્ય સ્ત્રી-પુરુષોના રોજબરોજના જીવનમાં જે રીતે તેમણે આ સત્યને વ્યાવહારિક સિદ્ધાંતનું રૂપ આપ્યું, એમાં એની નવીનતા પડેલી છે.
આપણે સૌ જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણદેવે, “જીવ (વ્યક્તિગત ચૈતન્ય) એ પારમાર્થિક રૂપે માનવરૂપમાં શિવ (ઈશ્વર) છે અને એનો એ રીતે આદર કરવો જોઈએ.” – એવો સાક્ષાત્કાર કર્યો હતો. સ્વામી વિવેકાનંદે પોતાની ઊંડી અધ્યાત્મ દૃષ્ટિથી તેમ જ પૂર્વ અને પશ્ચિમની વિવિધ વિદ્યાશાખાઓની ઉચ્ચ પારંગતતાથી આ ઉપદેશને આધુનિક માનવ માટે સુસ્પષ્ટ કર્યો અને એનો પ્રચાર કર્યો. પણ આધુનિક માનવમન વૈજ્ઞાનિક અને ઘણુંખરું શંકાશીલ છે. એટલે આ જીવનદાયક સંદેશ, તેમના પોતાના સિવાય બીજાથી બૌદ્ધિક રીતે સમજાવવાનું ગ્રહણ કરવાનું મુશ્કેલ હતું. પણ આત્મવિકાસ માટે, આત્મોન્નતિ માટે કેવળ બૌદ્ધિક પરિતોષ જ પૂરતો નથી. આ હેતુ માટે તો સ્વીકારેલા સત્યની સાધના, આચારમાં એનો વિનિયોગ એ ખૂબ જ જરૂરી છે. તો વ્યાવહારિક વિનિયોગમાં આ ક્ષેત્રમાં આપણે શ્રીશ્રીમાના જીવનમાંથી પૂર્ણતમ પ્રકાશ અને સહાય મેળવીએ છીએ. પણ ત્યારે શું આપણે શ્રીરામકૃષ્ણદેવના અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આવો પ્રકાશ અને આવી સહાય નથી મેળવતાં? હા, આપણે મેળવીએ છીએ, પણ શ્રીશ્રીમાના જીવનમાંથી આપણે જે રીતે એ મેળવીએ છીએ, તે રીતે નહિ.
એ સાચું છે કે, શ્રીરામકૃષ્ણદેવને અને સ્વામી વિવેકાનંદના જીવનમાં આપણને માનવની શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓ સંતોષીને માનવમાં રહેલ ઈશ્વરની સેવા તેમણે કેવી રીતે કરી, એનાં કેટલાંય નક્કર ઉદાહરણો સાંપડે છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે આ બંને મહાન પ્રતિભાઓનાં જીવન ઘણે ભાગે કાં તો દક્ષિણેશ્વર મંદિરની પાર્શ્વભૂમિમાં કે પછી મઠોમાં અથવા અવારનવાર બદલતાં નિવાસસ્થાનોમાં વીત્યાં હતાં. જે વાતાવરણમાં એક સામાન્ય માણસ જીવે છે, તેવા ઘરગથ્થુ અને ચિંતાથી ભાંગી નાખનાર વાતાવરણમાં નહિ. પણ આપણે શ્રીશ્રીમાના જીવનની પાર્શ્વભૂમિકા જોઈએ તો સાવ જુદું જ ચિત્ર જોવા મળે છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ સગાંસંબંધીઓ, ભક્તો અને જુદી જુદી પ્રકૃતિવાળા લોકોની વચ્ચે રહ્યાં. તેમના કુટુંબમાં કેટલાંક ધીરગંભીર અને ભક્તિયુક્ત હતાં, પણ કેટલાંક એવાં હતાં કે જેમણે કૌટુંબિક જીવન છિન્નભિન્ન બનાવી દીધું હતું. તેમના ભાઈઓ નાની નાની સ્વાર્થી બાબતોમાં વારંવાર એકબીજા સાથે ઝઘડતા રહેતાં. તેમણે એમની જરૂરિયાતોનો તો ખ્યાલ રાખવો જ પડતો, તદુપરાંત, તેમને શાન્ત પાડવા માટે તેમની વચ્ચે મધ્યસ્થી પણ કરવી પડતી. તેમની ભત્રીજી રાધુ ધૂની હતી અને રાધુની મા સાવ જ ગાંડી હતી. નલિની અને માકુ આમ તો સારાં હતાં, પણ તેમના સ્વભાવ સાથે બીજાનો મેળ બેસાડવો મુશ્કેલ હતો. તેમના વૃદ્ધ અને અપંગ કાકા નીલમાધવને તેમની કાળજી અને સેવા શુશ્રૂષાની જરૂર હતી. તેમની પાસે આધ્યાત્મિક દીક્ષા લેવા માટે નાનામોટા જૂથમાં રોજેરોજ જે અજાણ માણસો આવતા તે બધા ઘણું કરીને સારા સ્વભાવના હતા, એમ માની લેવાનું રહ્યું. પણ તે બધા જ્યાં સુધી તેમને ત્યાં રહેતા, તે દરમિયાન તેમની આધ્યાત્મિક આવશ્યકતાઓ અને શારીરિક સગવડો સાચવવાનું કામ સહેલું ન હતું.
વળી, તેમનાં અંગત સ્મરણો બતાવે છે કે, તેમાંનાં કેટલાંક પોતાની બાલસહજ સરળતાથી કેટલીક ખાસ પ્રકારની યાચના માટે તેમને દબાણ કરતાં. તેમનું માતૃવત્સલ્ય, એવાઓની યાચના સંતોષવા માટે ક્યારેય ના ન પાડતું. પાડોશીઓ અને ગ્રામવાસીઓ – જે શ્રીશ્રીમાને એકસરખાં જ વહાલાં હતાં – પોતાનાં દુઃખો અને ઉદ્વેગોને સમયે તેમના શરણે જતાં. અને એ કહેવાની જરૂર નથી કે, તે સૌ તેમના પ્રેમથી અને નાનકડા આતિથ્યથી આનંદી થયા વગર પાછાં ફરતા નહિ. આવી જીવનપ્રણાલીમાં પણ આપણે શ્રીશ્રીમાના જીવનમાં આધ્યાત્મિકતાને જીવનમાં ઉતારવાનાં અનેક નક્કર ઉદાહરણો મેળવીએ છીએ. બીજી રીતે એને ‘વ્યવહાર વેદાન્ત’ એવું નામ આપી શકાય.
વેદાન્તની બધી જ શાખાઓનો મધ્યવર્તી વિચાર ‘માનવની દિવ્યતા’ છે. બધા જ વેદાન્તીઓ, બધા જ સાચા જ હિન્દુઓ આ બાબત ભારપૂર્વક કહે છે, આ દિવ્યતા તે આત્મા છે – પરમાત્માનો એ એક તેજતણખો છે. દ્વૈતવાદી વેદાન્તીઓ આ આત્માને અલગ સ્વરૂપવાળો છતાં ઈશ્વર સમાન માનતા હોય, કે વિશિષ્ટાદ્વૈતવાદી વેદાંતીઓ એને પરમાત્મા ઈશ્વરનાં એક અવિભાજ્ય અંશ સ્વરૂપે લેખતા હોય અને અદ્વૈત વેદાંતીઓ આત્મા અને પરમાત્માને એક જ માનતા હોય, એ કાંઈ ઝાઝી મહત્ત્વની વાત નથી. સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે માનીએ છીએ કે દરેક પ્રાણી દિવ્ય છે, ઈશ્વર છે. દરેક આત્મા અજ્ઞાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે. એક આત્માનું બીજા આત્માથી દેખાતું જુદાપણું, આ વાદળાંનાં પડોની ઘનતા-તીવ્રતાને કારણે લાગે છે. આપણે માનીએ છીએ કે આ જ સર્વ ધર્મોનો સભાન કે અભાન પાયો છે. આપણે માનીએ છીએ કે, આ જ વેદાંતનું સારતત્ત્વ છે.”1
વેદાન્તના આ કેન્દ્રવર્તી સત્યનો રોજબરોજના જીવનમાં કેવી રીતે વિનિયોગ કરવો, તે વિશે સ્વામી વિવેકાનંદ સર્વસાધારણ સિદ્ધાંત બતાવે છે. તેઓ કહે છે: આપણે માનીએ છીએ કે દરેક આત્માની એ ફરજ – ધર્મ છે કે તેણે બીજા આત્માઓને એવા, એટલે કે ઈશ્વર સ્વરૂપ લેખવા, એવા વિચારવા અને એમની સાથે જ એવું જ વર્તન કરવું. અને તેમનો તિરસ્કાર ન કરવો, તેમને અવગણવા નહિ. તેમને ઉતારી પાડવા નહિ. અથવા તો કોઈ પણ રીતે કે કોઈ પણ જાતના વર્તનથી તેમને ઈજા પહોંચાડવી નહિ. આ કંઈ કેવળ સંન્યાસીઓનો જ ધર્મ નથી, આ તો દરેક સ્ત્રી અને દરેક પુરુષનો છે.”2
શ્રીશ્રીમાનું તરેહ તરેહના સૌ લોકો પ્રત્યે, તે ઊંચ કે નીચ, સ્ત્રી કે પુરુષ, અને પ્રાણીઓ પ્રત્યે પણ સરખું વર્તન અને સમાન ભાવ આ સિદ્ધાંતનાં પૂર્ણ દર્શન કરાવે છે. તેઓ સૌને પોતાનાં સંતાન ગણી સ્નેહ વરસાવતાં અને સેવા કરતાં. અને સાથોસાથ સૌમાં નારાયણને નીરખતાં. એટલા જ માટે તેમનું જીવન વ્યાવહારિક વેદાંતનો એક આદર્શ છે.
માનવમાં ઈશ્વર સેવાનો આદર્શ એ ખૂબ ઊંચો આદર્શ છે. પરંતુ જેમની આપણે સેવા કરતાં હોઈએ તે અજ્ઞાની માણસની લુચ્ચાઈ, સ્વાર્થ અને એવા બીજા દુર્ગુણોથી ઊભી થતી આવા વ્યાવહારિક જીવનની સેંકડો સમસ્યાઓથી આપણે જ્યારે ઢીલા પડી જઈએ છીએ, ત્યારે આવાં પુરુષ કે સ્ત્રીની શાંતિ અને ધૈર્યની સેવા કે પ્રાર્થના કરવાનું વલણ ધરાવવાનું લગભગ આપણે માટે અશક્ય બની જાય છે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદનાં જીવન જોયા પછી પણ આપણે સ્વગત બોલી ઊઠીએ છીએ કે, “તેઓ તો કશી જવાબદારી વગરના વાતાવરણમાં જીવ્યા હતા, આપણા જીવનના વાતાવરણ કરતાં એ સાવ જુદા જ પ્રકારનું વાતાવરણ હતું. તેથી તેમને માટે જે શક્ય બન્યું તે તદ્દન આધ્યાત્મિકવિહોણા વાતાવરણમાં જીવી રહેલા આપણે માટે શક્ય નથી.” આપણા જેવાનાં આવાં શંકાશીલ માનસને શ્રીશ્રીમાનું જીવન ગળે ઊતરે એવી રીતે નકારે છે. તેઓ પોતાની આધ્યાત્મિક સાધનાઓ, જપ, ધ્યાન, પ્રાર્થના વગેરે કરી શક્યાં હતાં. રોજરોજનાં થકાવટભર્યા કામોમાં એકધારાં ડૂબ્યાં રહેલાં હોવા છતાં ઉચ્ચત્તમ આધ્યાત્મિક અનુભૂતિ તેઓ પામી શક્યાં. શાન્તિ, સ્થિરતા, પ્રેમ અને પ્રાર્થનામય સેવાને તેઓ ખૂબ કસોટીભર્યા, મૂંઝવતા, ઉદ્વૈગ અને અન્યાય અત્યાચારી ભરેલી સંજોગોમાં પણ જાળવી શક્યાં. તેમના જીવનમાંથી આપણે શું આ પાઠ ન શીખી શકીએ? અને તેથી આપણે જીવનને થોડું વધારે ઊંચું, આધ્યાત્મિક ગુણોથી થોડુંક વધારે સમૃદ્ધ અને આપણા સમાજને વધારે રહેવા જેવો ન બનાવી શકીએ?
(ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી)
1 અને 2, સ્વામી વિવેકાનંદે આપેલું ભાષણ- તા. 3 માર્ચ, 1894 (જુઓ: Complete Works of S. V.:/1978 Edn Vol. IV Page 157)
Your Content Goes Here




