રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે
અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે –
રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે
દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની પાંદડીઓ હળુહળુ નિખરે છે શબ્દની જેમ.
શબ્દ પર શબ્દ ગોઠવાતો જાય છે પુષ્પ પર પુષ્પ જેમ
ડાળ પર ડાળ જેમ, વૃક્ષ પર વૃક્ષ જેમ
ગુંજરે છે પતંગિયાં નિકટ પતંગિયાં જેમ, તળાવ ભીતરના તળાવ જેમ.
જોર્જેટના પરદા જેમ હલે છે આકાશ ભીતરના આકાશમાં –
પીપલવૃક્ષની ડાળ પર ફુંકાય છે અગ્નિને શોધતા પવનની જેમ
અવાજની પુષ્પ-ક્ષિતિજ પર સંભળાય છે વર્ષાનાં ટપકતાં ટીપાંની જેમ –
ને અચાનક પેલા જોર્જેટના પરદાને ચીરતું એક પારેવું
પ્રવેશી જાય છે હાંફતું હાંફતું હૃદયના ગવાક્ષમાં
થોડીક ધ્રૂજારી અને થોડાંક થોડાંક સ્પંદનો પછી ડોક ઢાળીને
જંપી જાય છે ગવાક્ષ ભીતર સ્ટ્રીમ થતા પ્રકાશની સળીઓ ઉપર . . .
Your Content Goes Here




