જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે ત્યારે જ તેનું ફળ મળે છે.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. તેઓ અતિ ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનસંપન્ન હતા. જ્યારે તેઓ ઉપાધ્યક્ષ હતા ત્યારે તેઓ રાંચી કેન્દ્રમાં નિવાસ કરતા હતા. ત્યાં તેમણે લગભગ ૨૫ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. આજે રાંચીના કેન્દ્રમાં એટલી અધિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એટલો વિકાસ થયો છે, તેના મૂળમાં પૂજ્ય સ્વામીની તપસ્યાનો પ્રભાવ છે. મને ત્યાં ૧૦ વર્ષ સુધી રહેવાની તક મળી હતી. એ દરમિયાન તેમની તપસ્યાની અસર મેં જોઈ છે અને આજે પણ એ તપસ્યાની અસર જોવા મળે છે.

પૂજ્ય મહારાજ વચ્ચે વચ્ચે કોલકાતા જતા. એક વાર કોલકાતામાં કોઈ ભક્તને તેમણે પૂછ્યું કે તે પ્રાર્થના કરે છે કે નહિ. ભક્તે ઉત્તરમાં કહ્યું, ‘પ્રાર્થના તો કરું છું, પણ તેનું ફળ મળતું નથી. ભગવાન પ્રાર્થના ક્યાં સાંભળે છે!’ એ પરથી મહારાજે કહ્યું, ‘તો શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ત્રણ રાત, ત્રણ દિવસ સુધી જો કોઈ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે તો તેને તેની પ્રાર્થનાનું ફળ ચોક્કસ જ મળે છે, તે શું ખોટું?’ ત્યારે ભક્તે કહ્યું, ‘ના મહારાજ, એવું નહીં. પણ મારી પ્રાર્થનામાં જ જરૂર કોઈ ખામી રહેતી હશે.’ પછી મહારાજે એક ઘટનાનું વર્ણન કર્યું:

૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના દિવસે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે લીલા-સંવરણ કર્યું. તેના લગભગ સાત દિવસ પછીની વાત છે. દક્ષિણેશ્વરમાં એ સમયે શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા રામલાલદાદા દક્ષિણેશ્વર કાલીમંદિરના પૂજારી હતા. એક દિવસ સવારે એક રામાયતી સાધુ દક્ષિણેશ્વર આવ્યા અને પૂછ્યું, ‘મારે પરમહંસ મહાશયને મળવું છે, તેઓ ક્યાં મળશે?’ તે વખતે રામલાલદાદા આરતી કરવા જઈ રહ્યા હતા. આરતીમાંથી પરત આવ્યા ત્યારે સાધુએ ફરી પૂછ્યું.

ત્યારે રામલાલદાદાએ શ્રીરામકૃષ્ણનો ઓરડો બતાવી કહ્યું, ‘તેઓ આ જ ઓરડામાં રહેતા, આ તેમની નાની ખાટ છે, તેના પર બેસીને તેઓ ઉપદેશ આપતા, આ મોટી પાટ પર તેઓ સૂતા, વગેરે..’ સાધુને આશ્ચર્ય થયું, ‘સૂતા એટલે? તો અત્યારે તેઓ ક્યાં છે? મારે તેમને મળવું છે.’

ત્યારે રામલાલદાદાએ ઉત્તરમાં કહ્યું, ‘સાત દિવસ પહેલાં જ તેઓએ મહાસમાધિ લીધી છે. જો તમે સાત દિવસ પહેલાં અહીં આવ્યા હોત, તો તમને તેમનાં દર્શન થઈ જાત.’ અને આટલું સાંભળતાં જ રામાયતી સાધુ જોરથી રડવા લાગ્યા, ‘અરે!  હું આટલે દૂર અયોધ્યાથી આવ્યો, તેમનાં દર્શન કરવા માટે, અને મને દર્શન આપ્યા વગર જ તેઓ ચાલ્યા ગયા!’

પછીથી ખબર પડી કે સાધુ અયોધ્યામાં તપસ્યા કરતા હતા, ત્યારે તેમના ઇષ્ટદેવતાએ (શ્રીરામચંદ્રજીએ) તેમને દર્શન આપીને કહ્યું હતું, ‘મેં ફરી જન્મ લીધો છે અને અત્યારે કલકત્તામાં દક્ષિણેશ્વરમાં છું. તું ઈચ્છે તો દર્શન કરી શકે છે.’ સાધુએ વિચાર્યું કે આ મનનો ભ્રમ હશે. પરંતુ ત્રણ વાર આવું દર્શન થયું, ત્યારે તેઓ અયોધ્યાથી માર્ગ પૂછી પૂછીને પગપાળા બંગાળ અને પછી દક્ષિણેશ્વર પહોંચ્યા. આમ, તેમને પહોંચતાં ચાર મહિના વીતી ગયા. પહોંચ્યાના સાત દિવસ પહેલાં તો શ્રીરામકૃષ્ણદેવે લીલાસંવરણ કર્યું.

સાધુને હતું કે શ્રીરામકૃષ્ણદેવનું દર્શન થશે, ઇષ્ટ દેવતાનાં દર્શન થઈ જશે, ભૌતિકરૂપમાં દર્શન થશે. તેઓ તો બહુ આનંદમાં હતા. જ્યારે તેમણે આ સાંભળ્યું કે તેમનું હૃદય જ ભાંગી પડ્યું અને જોરજોરથી રડવા લાગ્યા. ભોજન માટે કહેવામાં આવતાં તેમણે કહ્યું, ‘શું હું ભોજન કરવા માટે આવ્યો છું? હું તો પરમહંસ મહાશયનાં દર્શન કરવા આવ્યો છું.’ આમ, ભોજન-ગ્રહણ કરવાનો ઇનકાર કરી દીધો. તેઓ આખો દિવસ સૂનમૂન બેસી રહેતા કે રડતા રહેતા.

ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા. રામલાલદાદાને ચિંતા થવા લાગી, તેમને બહુ સમજાવ્યા, પરંતુ બધું વ્યર્થ. ત્રીજા દિવસે રાત વીત્યા પછી સવારના ચારેક વાગ્યાની આસપાસ તે સાધુ રામલાલદાદાને કહેવા લાગ્યા, ‘અરે, જોયું નહીં! તમે પરમહંસ મહાશયનાં દર્શન કર્યાં કે નહીં!’ રામલાલદાદા તો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, ‘પરમહંસ મહાશય ક્યાંથી આવે?’ ‘અરે, તેઓ હમણાં જ ગયા.’

શ્રીરામકૃષ્ણે આવીને સાધુને પૂછ્યું હતું, ‘આટલું રડે છે શા માટે? લે, દર્શન કરી લે.’ સાધુએ શ્રીરામકૃષ્ણદેવને કહ્યું હતું, ‘મને આમ દગો દઈને કેમ ચાલ્યા ગયા? મને કહ્યું હોત કે તમે ચાર મહિના જ રહેવાના છો, તો હું જલદી આવી જાત! તમારાં દર્શન કરી શકત. લીલાસંવરણ પહેલાં કેમ ન કહ્યું?’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘જા, તું આટલા દિવસથી આવ્યો છો, સ્નાન કરી લે.’ હું સ્નાન કરીને આવ્યો પછી ફરી મને કહ્યું, ‘તેં ત્રણ દિવસથી કશું ખાધું નથી.’ પછી એક માટીના પાત્રમાં શ્રીરામકૃષ્ણદેવે સાધુને ખીર આપી અને ખાવા કહ્યું હતું. સાધુએ પોતે રાતભર કરેલી પ્રાર્થનાની અને દર્શનની આ વાત રામલાલદાદાને કહી. વાત કહેતાં કહેતાં પણ હજુ રડ્યે જ જાય છે, પણ હવે એ આંસુ હર્ષનાં હતાં. સાધુએ આગળ કહ્યું, ‘પછી શ્રીરામકૃષ્ણદેવ અંતર્ધ્યાન થઈ ગયા.’

જ્યારે વિશુદ્ધાનંદજી મહારાજ યુવાવસ્થામાં સંન્યાસી બનતા પહેલાં દક્ષિણેશ્વરમાં ગયા હતા, ત્યારે રામલાલદાદા પાસે રહેલ એ માટીનું પાત્ર તેમણે પોતાની આંખે જોયું હતું અને આ ઘટના રામલાલદાદા પાસેથી સાંભળી હતી.

વિશુદ્ધાનંદજીએ આ પ્રસંગનું વર્ણન કરીને ભક્તને કહ્યું, ‘વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરી તો તે સાધુને દર્શન થયું કે નહીં!’ આ વાત સાંભળી ભક્તે કહ્યું, ‘હા મહારાજ, અમારી પ્રાર્થનામાં જ કશી ખામી હશે. શ્રીરામકૃષ્ણદેવની વાત ક્યારેય મિથ્યા ન હોઈ શકે.’

પ્રાર્થનામાં અદ્‌ભુત શક્તિ છે. પ્રાર્થના દ્વારા આપણને આધ્યાત્મિક અનુભૂતિ પણ થઈ શકે છે. આપણે ત્યાં એવી પરંપરા છે કે આપણે પ્રાર્થના ઈશ્વરની ભક્તિ માટે કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક ભક્તોને સાંસારિક સમસ્યાઓ સામે ઝઝૂમવામાં ઘણી તકલીફ થાય છે, ત્યારે તે તકલીફોને દૂર કરવા માટે પણ પ્રાર્થના કરે છે અને તે પ્રાર્થનાનો ઉત્તર પણ મળે છે.

એવાં ઘણાં ઉદાહરણો છે. આમ તો આવી આધ્યાત્મિક અનુભૂતિઓ ગોપનીય (secret) છે, કારણ કે તે પવિત્ર (sacred) છે. કોઈને કહેવાની ન હોય. પણ પ્રાર્થનાનું મહત્ત્વ સમજવા માટે પણ એ જરૂરી છે એટલે કેટલાંક ઉદાહરણોનો વ્યક્તિનાં નામ આપ્યા વગર અહીં ઉલ્લેખ કરીએ.

આજથી ત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એક પ્રસિદ્ધ આર્ટિસ્ટ છે. તેમણે અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. અચાનક તેમનો જમણો હાથ કામ કરતો બંધ થઈ ગયો અને કંપવા લાગ્યો. મોટા ડૉક્ટરને બતાવ્યા પછી નિદાન થયું કે એ તકલીફ મગજ સંબંધિત છે અને સારવાર માટે વેલ્લોર જવાનું કહ્યું. ત્યાંના સર્જને કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને જીવિત રહેવાનો ચાન્સ પણ માત્ર બે ટકા જ છે. વળી જો બચી જશે તો પણ જીવનભર અપંગ રહેશે અને વ્હિલચેરમાં જ રહેવું પડશે, વળી બોલવામાં પણ તકલીફ પડશે. વેઇટિંગમાં છ મહિના પછી ઓપરેશન થઈ શકે પણ એટલો સમય ન હોવાથી ઈમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે. તેમનાં પત્નીએ હિંમત બતાવી અને અંતે ઓપરેશન થયું. એ ઓપરેશન ૭-૮ કલાક ચાલ્યું અને એ એશિયાનું સર્વપ્રથમ આ પ્રકારનું સફળ મેજર ઓપરેશન હતું. તેમનાં પત્ની, ઠાકુર, શ્રીમા અને સ્વામીજીનાં પરમ ભક્ત છે. તેઓ ઓપરેશનના સમય દરમિયાન પણ ખાધા-પીધા વગર જ અનવરત જપ-પ્રાર્થના કરતાં રહ્યાં. પ્રાર્થના કરતાં કરતાં એમને કંઈક એવું દર્શન થયું—તે કલ્પના કે ભ્રમ પણ હોઈ શકે, છતાં—કે ઓપરેશન થિયેટરમાં તેમના ગુરુ, ઠાકુર અને શિવજી પણ ઉપસ્થિત છે અને ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું.

એ આર્ટિસ્ટનાં ધર્મપત્નીએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ સમક્ષ એક શરત મૂકી હતી કે જો કશું અઘટિત બનશે તો તે એક આંસુ પણ નહીં પાડે, પરંતુ જો તેમને જીવન બક્ષવું હોય તો અપંગ ન બનાવશો. અને આજે તે આર્ટિસ્ટ ૩૦ વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છે, પોતાનું બધું જ કામ પોતે જાતે જ કરે છે અને આજે પણ શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના ભજન-પ્રાર્થનામાં મગ્ન રહે છે.

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો. કચ્છમાં રહેતા શ્રીરામકૃષ્ણદેવના એક પરમ ભક્ત મકાનના બીજે માળે રહેતા હતા. તેઓ સમજી શક્યા કે ભૂકંપ આવ્યો છે, એટલે તરત જ બહાર નીકળી ગયા અને પગથિયા ઊતરવા મંડ્યા. પણ પછી તેમને લાગ્યું, ‘બીજા લોકોનું શું થશે?’ એટલે ફરી ઉપર આવ્યા અને સાદ પાડી બધાને બહાર નીકળવા માટે પોકારવા લાગ્યા. આ પછી જ્યારે ઊતરતા હતા ત્યારે જ પાસેનું બહુમાળી ભવન એ મકાન પર પડ્યું અને તેમનું તત્કાળ અવસાન થયું. એમનાં પત્ની અને નાની દીકરી પણ કાટમાળની નીચે દબાઈ ગયાં. એમની પત્નીએ જોયું કે એક મોટો પથ્થર તેમની દીકરી પર પડી રહ્યો છે. તેમણે તરત જ હાથથી એ પથ્થરને દીકરી પર પડતા રોકી લીધો. એમને પણ ખબર ન પડી કે આટલી શક્તિ ક્યાંથી આવી. આ પછી તેમણે દીકરીને મંત્રજાપ અને પ્રાર્થના કરવાનું કહ્યું અને પોતે પણ મંત્રજાપ અને પ્રાર્થના કરવા લાગ્યાં. ‘બચાવો, બચાવો’ની અનેક ચીસો પાડી પણ કાટમાળને કારણે બહારના લોકોને ક્યાંથી સંભળાય? આ પછી તેઓ બેભાન થઈ ગયાં. લગભગ છ કલાક પછી તેમના પગ પાસે નાનકડો પ્રકાશ દેખાયો, એટલે ફરીથી બૂમો પાડવા લાગ્યાં અને પોતાનું નામ બોલવા લાગ્યાં. બહાર તેમના જેઠે જવાબમાં કહ્યું, ‘ચિંતા ન કરો, આર્મીના લોકો આવી ગયા છે.’ આર્મીના લોકોએ જાનના જોખમે તેઓને બહાર કાઢ્યા. ઈશ્વરની કૃપાથી બહુ વધારે ઈજાઓ પણ ન થઈ. આમ, પ્રાર્થનાને કારણે અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે.

અદ્વૈત આશ્રમનાં પુસ્તકો જ્યાં છપાતાં, તે પ્રિન્ટીંગ પ્રેસના માલિકને કોરોના લાગુ પડ્યો. ૭૫ ટકા ફેફસાં ખરાબ થઈ ગયાં. ડૉક્ટરોએ કહ્યું હતું કે કોઈ ચમત્કાર જ તેમને બચાવી શકે. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તે સતત પ્રાર્થના કરતા રહ્યા. તેમને શ્રીમાનું દર્શન થયું અને એક અઠવાડિયાની સારવાર બાદ સાજા થઈ ગયા અને સ્વસ્થ થઈ ઘરે ગયા.

અન્ય એક ઘટનામાં રામકૃષ્ણ મિશનના એક ભક્તે એક વાર મને કહ્યું, ‘મહારાજજી, માની કૃપા થઈ ગઈ! મારી બાયપાસ સર્જરી થઈ ગઈ.’ મેં પૂછ્યું, ‘આ કાંઈ માની કૃપા કહેવાય?’ તેમણે કહ્યું, “આગળ તો સાંભળો, હું ચિંતામાં હતો ત્યારે માએ મને દર્શન આપ્યાં અને કહ્યું કે ‘કશી ચિંતા ન કરતો, તને કશું નહીં થાય, હું તારી સાથે રહીશ.’ બધું ટેન્શન ખતમ થઈ ગયું.”

જ્યારે તેમને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે આનંદમાં હતા. તે જોઈ રહ્યા હતા કે શ્રીમા સાથે સાથે ચાલી રહ્યાં છે. તેમને આનંદમાં જોઈને ડૉક્ટરો પણ વિચારમાં પડી ગયા. ઓપરેશન સફળતાપૂર્વક થયું અને આમ તેમને ઘણા દિવસો સુધી શ્રીમાની ઉપસ્થિતિની અનુભૂતિ થતી રહી હતી.

એવી જ એક અન્ય ઘટનામાં એક મહિલા અધિકારીને કોરોના થયો. કોરોના થતાં તેમણે શ્રીમા શારદાદેવી સાથે ઝઘડો કર્યો, ‘હું રોજ તમારી પૂજા કરું છું, તોયે તમે મને કોરોના થવા દીધો?’ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. પોતાના નિયમ પ્રમાણે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે જપ-ધ્યાન કરવા ઊઠી ગયાં. થોડી વાર પછી તેમણે જોયું કે લાલ કિનારવાળી સફેદ સાડીમાં સજ્જ મહિલા પલંગ પર આવીને બેસી ગયાં. એકદમ સુંદર સ્વરૂપ હતું અને તેઓ માત્ર સ્મિત કરી રહ્યાં હતાં. એ મહિલાએ કહ્યું, ‘તું ચિંતા ન કરીશ. તને વધુ દુઃખ નહીં થાય. બધું સારું થઈ જશે. તને બરાબર સંભળાતું નથી તો તારી બધી વાત હું ડૉક્ટરને સમજાવી દઈશ.’ એ મહિલા અધિકારી વિચારવા લાગ્યાં કે આ કોણ મને આમ કહી ગયું હશે અને વળી વિચાર્યું કે નર્સ હશે કદાચ!

જપ-ધ્યાન પછી તેઓ પાછા સૂઈ ગયાં. ઊઠી ગયા બાદ જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમને આ વાત કહીને પૂછ્યું કે એ કોણ હતું. ત્યારે ડૉકટરે કહ્યું કે ત્યાં કોઈ સાડી પહેરવાવાળી નર્સ જ નથી અને ત્યાં માસ્ક પહેર્યા વગર કોઈ આવી ન શકે. સાત દિવસ હૉસ્પિટલમાં રહ્યાં, કોઈ તકલીફ ન પડી અને આનંદમાં દિવસો પસાર થઈ ગયા. તે મહિલા સ્વસ્થ થયા પછી બોલ્યા, ‘સારું થયું મને કોરોના થયો. એ બહાને મને શ્રીમાનાં દર્શન થઈ ગયાં, મને કલ્પના પણ ન હતી કે શ્રીમાનાં દર્શન થશે.’

જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે ત્યારે તેમાંથી ઊગરવા માટે આપણી પાસે પ્રાર્થના, ધ્યાન, મંત્ર-જાપ, સકારાત્મક વિચારસરણી, સકારાત્મક વાંચન જેવાં ઘણાં શસ્ત્રો છે. પરંતુ આ બધાંમાં શ્રદ્ધા હોવી એ સૌથી અગત્યનું છે.

અર્થ એ છે કે, જે પ્રાર્થના હૃદયના ઊંડાણમાંથી આવે છે, વ્યાકુળતાપૂર્વક કરવામાં આવે છે, તેની અસર જરૂર થાય છે, તે ભગવાન સાંભળે પણ છે. ક્યારેક એવું લાગે છે કે આપણે જે ઇચ્છ્યું હતું તે પ્રમાણે ન થયું, એટલે લાગે છે કે ભગવાને આપણી પ્રાર્થના નથી સાંભળી. પરંતુ પછી ખબર પડે છે કે જે કંઈ થયું તે આપણા લાભ માટે જ થયું છે. આપણી પ્રાર્થના કદાચ ભગવાન ન સાંભળે, તો તે પણ આપણા લાભ માટે જ છે. કોઈ ડૉક્ટર પાસે જઈને પોટેશિયમ સાઈનાઈડ (ઝેર) માગે, તો ડૉક્ટર આપશે? તે જ રીતે ભગવાન પણ આપણા માટે જે શુભ હશે, તેવી જ પ્રાર્થના સાંભળશે, રડશો તો પણ નહીં સાંભળે.

એક પ્રધાન હતો, ખૂબ ભક્તિવાળો હતો. કહેતો કે ભગવાન જે કરે છે તે બધું મંગલ માટે જ કરે છે. એક દિવસ રાજાની આંગળી કપાઈ ગઈ. પ્રધાને કહ્યું, ‘ઈશ્વર જે કરે છે, તે સારા માટે જ કરે છે.’ રાજા તો ગુસ્સે થઈ ગયો અને પ્રધાનને જેલમાં પૂરી દીધો. ત્યાં જેલમાં જતી વખતે પણ એ જ વાત કરી, ‘ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે.’ રાજા બે દિવસ પછી શિકાર કરવા ગયો. રાત પડી ગઈ અને રાજા રસ્તો ભૂલી ગયો. અડધી રાતે ઘણું શોધવા છતાં માર્ગ ન મળતાં ઘોડાને એક ઝાડ સાથે બાંધી દઈ તે પણ ઝાડ નીચે સૂઈ ગયો. રાતે ડાકુઓ આવ્યા. રાજાને જોઈને ડાકુઓને થયું, ‘બત્રીસ લક્ષણો પુરુષ મળી ગયો, આપણે તેનો બલિ આપીશું, તો મા કાલી જરૂર પ્રસન્ન થઈ જશે.’ એક ડાકુ જ્યાં તલવાર મારવા જાય છે ત્યાં જ એની નજર રાજાની કપાયેલી આંગળી પર પડી. તે બૂમ પાડી ઊઠ્યો, ‘આ માણસની આંગળી કપાયેલી છે, ક્ષતિવાળા શરીરનો બલિ ન આપી શકાય.’ તે ડાકુઓએ રાજાને છોડી મૂક્યો. આમ રાજા બચી ગયો. રાજાને થયું, ‘પ્રધાન સાચું જ કહી રહ્યો હતો, જો મારી આંગળી કપાયેલી ન હોત તો આજે મારું માથું જ કપાઈ જાત. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે.’ પોતાના રાજ્યમાં આવીને રાજાએ પ્રધાનને જેલમાંથી મુક્ત કરી દીધો અને પૂછ્યું, ‘હું તો ભગવાનનો એટલો મોટો ભક્ત નથી, તેથી મને ગુસ્સો આવ્યો, પણ તું તો ભક્ત છે, તોપણ મેં તને જેલમાં પૂર્યો ત્યારે તને ગુસ્સો ન આવ્યો? અને વળી એમ કહ્યું કે ‘ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે!’ ત્યારે પ્રધાન બોલ્યો, ‘અરે, રાજાજી, તમે સમજ્યા નહીં. તમને તો ખબર જ છે કે આપણે બન્ને હંમેશાં સાથે જ શિકાર માટે જતા હતા. હું જેલમાં હતો એટલે તમે એકલા જ ગયા. જો હું સાથે આવ્યો હોત તો તમે તો બચી ગયા પણ હું ‘બલિનો બકરો’ બની જાત. ભગવાને મને બચાવવો હતો, તેથી જ તો તમે મને જેલમાં પૂરી દીધો હતો.’

આવો જ વિશ્વાસ આપણે રાખવો જોઈએ કે મંગળમય પ્રભુ સદા મંગળ જ કરશે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૭મા અધ્યાયના ૧૬મા અને ૧૭મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે,

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।।

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्ितर्विशिष्यते।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः।।

‘હે અર્જુન, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિ કરે છે—આર્ત (દુ:ખી), અર્થાર્થી (કામનાવાળો), જિજ્ઞાસુ (જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો) અને જ્ઞાની (ઈશ્વર જ પરમ સત્ય છે એવું જ્ઞાન ધરાવનારો). તેઓમાંથી સદા મારામાં મન લગાડનારો એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે, કારણ કે જ્ઞાનીને હું ખૂબ ખૂબ વહાલો છું અને જ્ઞાની મને ખૂબ ખૂબ વહાલો છે.’

આપણે સંસારમાં જોઈએ છીએ કે મોટા ભાગના લોકો જ્યારે વિપત્તિ આવે ત્યારે જ ભગવાનની ભક્તિ કરે છે અથવા ઈશ્વર પાસે ધન, સંપત્તિ વગેરે મેળવવા માટે ભક્તિ કરે છે. ભગવાનના સ્વરૂપને જાણવાની ઇચ્છા ધરાવતા ઓછા છે. પણ એથી પણ ઓછા લોકો નિષ્કામભાવે ભગવાનની ભક્તિ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણના મતે તેઓ શ્રેષ્ઠ ભક્તો છે અને તેઓને ઈશ્વર વધારે પ્રેમ કરે છે. બાકીના ત્રણ પ્રકારના ભક્તોને પણ તેઓ પ્રેમ કરે છે, કારણ કે તેઓ પરમ દયાળુ અને કૃપાળુ છે.

શ્રીમદ્‌ ભાગવતમાં પણ ‘નિર્ગુણ ભક્તિ’ (નિષ્કામ ભક્તિ)ને પંચમ પુરુષાર્થરૂપે રજૂ કરવામાં આવી છે, જે ધર્મ, અર્થ, કામ, મોક્ષથી પણ વિશેષ છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પણ શુદ્ધ ભક્તિ, નિષ્કામ ભક્તિને વધારે મહત્ત્વ આપતા. શ્રી નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) પિતાશ્રીના આકસ્મિક નિધનથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે શ્રીરામકૃષ્ણદેવને જગદંબા પાસે તેમના પરિવારનું આર્થિક સંકટ ટળી જાય એ માટે પ્રાર્થના કરવા માટે વિનંતી કરી ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘હું જગદંબા પાસે શુદ્ધ ભક્તિ સિવાય કંઈ માગી શકતો નથી, પણ તું પોતે તેમને પ્રાર્થના કરીશ તો તારી ઇચ્છા પૂર્ણ થશે.’ નરેન્દ્રનાથને શ્રીરામકૃષ્ણદેવના વચનોમાં વિશ્વાસ હતો, માટે જગદંબાની પ્રતિમા પાસે પ્રાર્થના કરવા ગયા પણ ત્યાં પ્રતિમાને બદલે તેમને સાક્ષાત્‌ જગદંબાનાં દર્શન થયાં. તેઓ ભક્તિભાવથી અભિભૂત થઈ ગયા અને મા પાસે જ્ઞાન, ભક્તિ, વિવેક અને વૈરાગ્યની માગણી કરી પાછા ફર્યા. આ પછી ફરી બીજી વાર અને ત્રીજી વાર શ્રીરામકૃષ્ણદેવે તેમને મા જગદંબા પાસે મોકલ્યા પણ તેઓ જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય સિવાય કંઈ માગી શક્યા નહીં. આથી શ્રીરામકૃષ્ણદેવ રાજી થયા. સ્વામી વિવેકાનંદજીએ પણ ‘ભક્તિયોગ’માં નિષ્કામ ભક્તિની પ્રશંસા કરી છે.

ઈશ્વર તો પરમ દયાળુ અને કૃપાળુ છે. આપણે જે માગીશું તે આપશે, પણ આપણે તેમનાં ચરણોમાં ભક્તિ થાય તેવી જ પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અન્ય લોકો માટે પ્રાર્થના કરતી વખતે પણ બને ત્યાં સુધી તેઓના આધ્યાત્મિક કલ્યાણની જ પ્રાર્થના કરવી જોઈએ.

સ્વામી વિવેકાનંદજી જેને ઉત્તમ પ્રાર્થના માનતા તે પ્રાર્થનાથી સમાપન કરીએ.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुखभाक्‌ भवेत।

“બધાં પ્રસન્ન રહે, બધાં સ્વસ્થ રહે, બધાંનું ભલું થાય, કોઈને કશું દુઃખ ન રહે.”

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.