(ગતાંકથી આગળ…)
નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે પોતાની કૃતજ્ઞતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે પાકની ઋતુમાં લોકનૃત્યો કરે જ છે! લગભગ બધા જ સમાજોમાં દરેક મહત્ત્વના સામાજિક અવસર પર નૃત્ય થતાં જ હોય છે.
કહેવાય છે કે ભારતીય નૃત્યોનાં માતાપિતા શિવપાર્વતી છે. વિશ્વનાં એ દિવ્ય દંપતી નૃત્યના મુખ્ય અને ગણેશ, કૃષ્ણ આદિ ગૌણ દેવતાઓ છે. તદુપરાંત નન્દી, ભૃંગી અને દેવી સરસ્વતી – આ બધાં ભારે નૃત્યપ્રેમી છે. શાઙ્ર્ગધરનો ‘સંગીતરત્નનાકર’ ગ્રંથ (ઈ. સ. ૧૨૬૦) નૃત્યકલાને ‘નાટ્્યવેદ’ કહે છે અને કહે છે કે સર્જનહાર ચતુર્મુખ બ્રહ્માએ એ વેદ સર્વપ્રથમ ભરતને ભણાવ્યો. એણે પછી એ સ્વયંશિવ આગળ કૈલાસમાં રજૂ કર્યો. પછી શિવે તાંડુ મુનિને તાંડવ નૃત્ય શીખવીને એ નૃત્ય ભરતને શીખવવા આજ્ઞા કરી. અને પછી શિવપત્ની પાર્વતીએ ઉષાને લાસ્ય નૃત્ય શીખવ્યું. (લાસ્યનૃત્ય સ્ત્રીઓ માટે ખાસ અનુકૂળ નૃત્ય છે) ઉષા બાણાસુરની પુત્રી હતી. આમ નૃત્યકલાનું વિજ્ઞાન વિશ્વમાં ફેલાયું.
વેદોમાં નૃત્યકલાના અને ઘણા ગીતવાદ્યોના સંદર્ભો મળે છે. સિંધુખીણની સંસ્કૃતિમાં (ઈ. પૂ. ૩૦૦૦) ખોદકામથી ઘણી નૃત્યમુદ્રાઓ પણ સાંપડી છે. આપણાં બે રાષ્ટ્રિય મહાકાવ્યો – રામાયણ અને મહાભારતમાં પણ નૃત્યકલાનાં વિકાસશીલ કલા તરીકે દર્શન થાય છે. ઠેઠ મૌર્યકાળથી નૃત્યકલાને ઉત્તેજન અપાતું રહ્યું છે. મૌર્ય રાજાઓએ એના વિકાસમાં ઘણી સહાય કરી છે; એ ઉલ્લેખનીય બાબત છે. દેવદાસીપ્રથાની ગમે તેટલી ખરાબ અસર ભલે થઈ જ છે, છતાં એણે પણ નૃત્ય કલાના વિકાસમાં ફાળો તો આપ્યો જ છે.
નૃત્યકલા માટેની માન્ય ગ્રંથરચનાઓમાં (૧) ભરતનું નાટ્યશાસ્ત્ર, (૨) નંદિકેશ્વરનું ભરતાર્ણવ અને (૩) નંદિકેશ્વરનું જ અભિનયદર્પણ મુખ્ય ગણાવી શકાય. આ બંને ગ્રંથકારો કિંવદંતીનાં પાત્રો જણાય છે. તે ત્યાં સુધી કે ભરતનું નાટ્યશાસ્ત્ર પણ મૂળ ગ્રંથ હોય એવું જણાતું નથી. એના ઉપર અભિનય ગુપ્તની ‘અભિનવ ભારતી’ નામની ટીકા તો શોધાઈ છે. પણ તે પણ ટુકડા ટુકડામાં વેરવિખેર જ છે.
ભીતરની ભાવનાઓને બહાર અભિવ્યક્ત કરવી એ નૃત્યકલાનું પ્રાણતત્ત્વ છે. એ અભિનય દ્વારા અથવા તો શરીરાવયવોની લયબદ્ધ – તાલબદ્ધ ચાલ, ઊભા રહેવાની ચાલ કે મુદ્રાઓ – હાથની અદાઓ દ્વારા કરાય છે. પ્રસંગાનુકૂલ પોશાક અને સંગીત આ બધું સાથે ભળીને પૂર્ણ પ્રભાવ ઉત્પન્ન કરે છે. એની વિષયવસ્તુ ઘણું કરીને મહાકાવ્યો કે પુરાણોમાંથી લેવામાં આવે છે.
મુખ્ય નૃત્યપરંપરાઓ, જે અત્યારે પ્રચલિત છે. તે (૧) ભરતનાટ્ય, (૨) કથ્થક, (૩) કથકલી, (૪) કુચીપુડી, (૫) મણિપુરી, (૬) ઓડીસી નાટ્્ય, (૭) સત્રીયનાટ્ય અને (૮) યક્ષગાન છેં.
એમ ભરતનાટ્ય ભરતમુનિએ શીખવેલ નૃત્યની કળા અને વિજ્ઞાન બંને છે. દક્ષિણ ભારતમાં એ ઘણું પ્રચલિત છે. સદીઓથી એ જતન કરીને જળવાયું છે. વિજયનગર સામ્ર્રાજ્યના પતન પછી આ સંપ્રદાયના કલાકારો તાંજાવુર (તાંજોર) ચાલ્યા ગયા અને ત્યાં આ કલાનો એમણે વિકાસ કર્યો. ઘણી વખત આ ‘ભરત’ શબ્દની વ્યુત્પત્તિ આવી રીતે કરવામાં આવે છે કે ‘ભ’ એટલે ભવ = વિચાર, ‘ર’ એટલે રસ = લાગણીઓ, સંવેદનાઓ અને ‘ત’ એટલે તાલ = સંગીતનું સમયમાપ. પછીથી આ ભરતનાટ્યની ત્રણ શાખાઓ થઈ : સદીરનાટ્ય, ભાગવતમાલા અને કુરુવંજી.
એમાં સદીરનાટ્ય ઘણે ભાગે દેવદાસીઓ દ્વારા કરાતું. એની પશ્ચાદ્ભૂમિ કર્ણાટકી સંગીતની હતી. એમાં કામુક – વાસનામય વિલાસી ગીતોનો સમાવેશ થતો. પગની ચાલ પ્રમુખ રહેતી. એનાં ગીતો-સંગીત કૃષ્ણજીવનની લીલાઓ પર આધારિત સંસ્કૃત રચનાઓ રહેતી. અભિનય પણ કૃષ્ણલીલાથી સજાવેલો હતો. ઉપસંહારમાં ‘તિલાનસ’ – આઘાત વાદ્યોના અવાજને અનુસરતી સ્વર-રચના ગોઠવવામાં આવતી.
‘ભાગવતમાલાઓ’ વાસ્તવમાં ધાર્મિક વિષયવસ્તુ સાથે વણી લેવાયેલું અને મંદિરોમાં યોજાતું નૃત્ય છે. અને કુરુવંજી નૃત્યમાં નૃત્યકાર વ્યક્તિ મંદિર સ્થિત દેવની ખોજ રજૂ કરે છે. આ પ્રકાર ધાર્મિક છે અને હમેશાં મંદિરોમાં જ યોજાય છે.
‘કથ્થક’ નૃત્ય પરંપરાનું મૂળ રાજસ્થાનમાં પ્રચલિત ભક્તિનૃત્યો અને ઉત્તર પ્રદેશનાં ભક્તિ નૃત્યો છે. એમાં ભજનોના સાથમાં કૃષ્ણભક્તો નાચે છે. અને એમાં રહેલી ભાવનાઓને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. એમાં કૃષ્ણલીલાના વિષયો હોય છે. આ કથ્થક બે શાખાઓમાં વહેંચાયેલું છે; એક જયપુર (રાજસ્થાન) અને બીજી લખનૌ (ઉત્તર પ્રદેશ). જયપુર શૈલીની વિશેષતા એની સૂક્ષ્મતા અને ગતિશીલતા છે. જ્યારે લખનૌ શૈેલીની લાક્ષણિકતા એનું અભિનય પાટવ અને લાવણ્ય છે.
‘કથકલી નૃત્ય’ કેરાલાની વિશેષતા છે. મલયાલમ સંસ્કૃતિનું આ નૃત્ય પૌરાણિક વિષયો ઉપર ત્યાં કરાતાં લોકનૃત્યોમાંથી નીપજેલું જણાય છે. એના ત્રણ પ્રકાર છે; કુત્તુ, રામનાટ્ટમ્ અને કૃષ્ણનાટ્ટમ્. એમાં કુત્તુ નૃત્ય ઉપર તો કેરાલાની ચાકયાર કોમનો જ આગવો અધિકાર છે અને ઉત્સવો દરમિયાન એ જ કોમ દ્વારા મંદિરોમાં કરાય છે. એના વિષયો પૌરાણિક કથાઓ અથવા તો સુવિખ્યાત ઐતિહાસિક ઘટનાઓમાંથી પસંદ કરાય છે. બાકીના બે પ્રકારો તો એક જ પ્રકારની પદ્ધતિ ધરાવે છે. ફેર માત્ર એટલો જ છે કે ‘રામનાટ્ટમ્’માં રામજીવનના અને ‘કૃષ્ણ નાટ્ટમ્’માં કૃષ્ણ જીવનના પ્રસંગો લેવામાં આવે છે. કથકલીમાં નૃત્યકારો બોલતા કે ગાતા નથી. પણ બધી લાગણીઓને ફકત અભિનય દ્વારા જ વ્યક્ત કરે છે. એના વિષયો અનિવાર્ય રીતે હિન્દુ પુરાણોના હોય છે. પોશાકના રંગો, અલંકારો પાત્રના ચરિત્રને અનુકૂલ હોય છે; સાત્ત્વિક, રાજસિક કે તામસિક – જેવું પાત્ર!
સામાન્ય રીતે કથકલી નૃત્યો ખુલ્લાં મેદાનોમાં અને ચંદ્રના પ્રકાશમાં યોજાય છે. કથકલી કાર્યક્રમની ઉદ્ઘોષણા, પડદા પાછળમાં આહ્વાનમંત્રો, દુંદુભિવાદન, પ્રથમનૃત્યકારનો પ્રવેશ, નેપથ્યમાં કથાવર્ણન, વિવિધ પાત્રો ભજવતા અભિનેતાઓ દ્વારા કરાતાં નૃત્ય અને અભિનય, નેપથ્યમાંથી તેમની વચ્ચેના વાર્તાલાપનું કથન – આ બધાં આ નૃત્ય કાર્યક્રમનાં વિવિધ અંગો – પાસાંઓ છે.
‘કુચીપુડી નૃત્ય’ આંધ્ર પ્રદેશનું વિશિષ્ટ નૃત્ય છે. વિજયનગર મહારાજ્યના વિકાસ કાળ દરમિયાન એ ફૂલ્યું ફાલ્યું હતું. સાત્ત્વિક લાગણીઓ અને એના અભિનય માટે એ પ્રસિદ્ધ છે. એના વિષયો ઘણું કરીને સિદ્ધાન્દ્ય યોગીની સત્તરની સદીમાં લખાયેલી બે કૃતિઓ – ‘બ્રહ્મકલ્પમ્’ અને ‘પારિજાતમ્’ ઉપરથી લેવામાં આવતા હોય છે. કોઈક વાર વળી ‘ગોલ્લાકલ્પમ્’માં આવેલ ભરવાડણ અને બ્રાહ્મણ વચ્ચે થયેલા વેદાન્તિક વાર્તાલાપનો વિષય પણ લેવામાં આવે છે. એનો ત્રીજો એક લોકપ્રિય વિષય ‘દશાવતાર’ પણ છે.
‘મણિપુરી નૃત્ય’ના પુરસ્કર્તાઓનો એવો દાવો છે કે આ સંપ્રદાય સાક્ષાત્ શિવજીએ જ પોતાની પત્ની પાર્વતીના સૂચનથી શરૂ કર્યો છે. પાંડવનાયક અર્જુન જેને પરણ્યો હતો. તે, મહાભારતમાં પ્રસિદ્ધ થયેલી આ ચિત્રાંગદા મણિપુરના રાજકુટુંબની કુંવરી હતી, તે આ નૃત્યની સિદ્ધ નૃત્યાંગના હતી – મૂળે આ મણિપુરી નૃત્યો શિવપાર્વતીના વિષયોને જ કેન્દ્રમાં રાખીને કરાતાં હતાં પણ પછીથી વૈષ્ણવ સંપ્રદાય આ વિસ્તારમાં ફેલાયો અને કૃષ્ણ એના કેન્દ્રનાયક બની ગયા!
મણિપુરના અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રે ‘ગોવિંદસ્વામી’ નામનું કૃષ્ણ મંદિર બંધાવીને ત્યાં ‘રામલીલા નૃત્ય’ની શરૂઆત કરાવી. સમય જતાં આ નૃત્યના છ ઋતુઓને અનુકૂળ એવા છ પ્રકારો વિકાસ પામ્યા. એ પ્રકારો આ છે : વસંતરાસ, કુંજરાસ, કર્તારાસ, નર્તરાસ, દિવારાસ અને મહારાસ.
મણિપુર નૃત્યની આ ઉપરાંત બીજી શૈલી ‘લાય હરૌબા’ પણ પ્રચલિત છે. એ ઘણી પ્રાચીન અને મૂળ સ્વરૂપની મણિપુરી મનાઈ છે. એમાં ઈશ્વરે સર્જેલી સૃષ્ટિનાં વિવિધ સ્તરોનો અભિનય કરવામાં આવે છે, અને તે લગભગ એક માસ સુધી ચાલે છે.
કૃષ્ણગોપીની વૃંદાવનની રાસલીલા મણિપુરી નૃત્યનું એક બીજું પાસું છે. એમાં કૃષ્ણની જીવનલીલાના ઘણા પ્રસંગો આખી રાત ભજવાય છે.
ઓડીસી નાટ્ય : ભારત નાટ્ય શાસ્ત્ર પર આધારિત આ એક પ્રાચીન નાટ્યશૈલી છે. ઓરિયાના પ્રભાવ તળે એણે પોતાની લાક્ષણિકતાઓ વિકસાવી છે. આમ તો આ દેવદાસીઓનું નૃત્ય હતું. પુરીના જગન્નાથ મંદિરમાં એ યોજાતું પણ પછીથી ૧૨ થી ૧૪મી સદીમાં ‘નર્તક-બાલક’ના રૂપમાં છોકરાઓ પણ એ નૃત્ય કરતા આવ્યા છે.
ઓરિસાની આ નૃત્ય પરંપરા પુનર્જાગ્રત થઈને હવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં નૃત્યો સાથે સમન્વિત થઈ ગઈ છે. એનું પાશ્ર્વગાન બહુધા ઉત્તર ભારતનું રહ્યું છે. આજે એનાં કેટલાંક લક્ષણોમાં ભરત નાટ્યમ્, કથકલી અને કથકની અસરો વરતાય છે. તેમજ કૃષ્ણલીલા અને જયદેવની અષ્ટપદીઓનું (ઈ. સ. ૧૨૦૦) પાશ્ર્વ સંગીત હોય છે.
સત્રીય નાટ્ય : આસમના મહાન વૈષ્ણવાચાર્ય શંકરદેવે (૧૪૮૬ – ૧૫૬૮) ઘણા વૈષ્ણવ મઠો સ્થાપ્યા અને વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો. સમય જતાં આ મઠો ઉપદેશ કેન્દ્રો બન્યાં. એમાં થતાં જ્ઞાનસત્રોમાં આ ભક્તિમય ‘સત્ર નૃત્યો’ શરૂ થયાં. આ નૃત્યોએ વૈષ્ણવોની ધાર્મિક અને ભક્તિની પરંપરા જાળવી રાખી છે. આ નૃત્યની બે શાખાઓ છે : (૧) જમુશેલી, (૨) રાસ. એમાં પહેલી શાખા કૃષ્ણ જીવનલીલા અને બીજી શાખા કૃષ્ણગોપીના નૃત્ય સાથે સંબંધ ધરાવે છે. જમુશેલી શાખા જ્ઞાનસત્રના યુવાનો દ્વારા અભિનીત એક પ્રકારનો નૃત્યમય વ્યાયામ છે. એ યુવાનો વૈષ્ણવ ધર્મ માટે સમર્પિત હોય છે. આ નૃત્યની પાશ્ર્વભૂમિમાં તજજ્ઞ વૃદ્ધજનોનું સંગીત એનું સાથીદાર હોય છે.
યક્ષ ગાન : કર્ણાટકના કેટલાક ભાગોમાં આ નૃત્ય પ્રચલિત છે. એને ત્યાં ‘બાય લાટા’ એવું પણ નામ અપાયું છે. કેરળના કથકલીની પેઠે એ નૃત્યનાટ્ય છે અને ભારત નાટ્યશાસ્ત્રની પ્રયુક્તિઓ પર આધારિત છે. છતાં એમાં પ્રાદેશિકતાના ઘણા રંગો છે. એના કલાકારો ગાય છે, નાચે છે અને પોતાથી ભજવાતા પાત્રના સંવાદો બોલે પણ છે. નૃત્ય-વિષયો મહાકાવ્યો અને પુરાણોમાંથી જ પસંદ કરાયા હોય છે.
લોકનૃત્યો : ઉપરનાં વર્ણવેલાં નૃત્યો તો પ્રશિષ્ટ પ્રકારનાં શાસ્ત્રીય નૃત્યો છે. પરંતુ આખા ભારતમાં કેટકેટલાં લોકનૃત્યો પથરાયેલાં પડ્યાં છે. એ નૃત્યો સામાન્ય ભારતીય જનજીવનમાં અનિવાર્ય રીતે વણાઈ ગયાં છે. જીવનના બધા શુભ પ્રસંગોએ – વિવાહ, જન્મ, પર્વો અને ઉત્સવોમાં, નવો પાક આવતાં – એ કરાય છે ગામડાંનાં સ્ત્રી, પુરુષો, બાળકો, વૃદ્ધો – બધાં જ પોતપોતાની રીતે નાચે છે. સદીઓથી આવાં નૃત્યો પણ ભાતીગળ નૃત્યરૂપે ઊભાં છે. જેમકે પંજાબનાં ભાગરા – લૂડી – તિયાન બાધી, ગૂજરાતના ગરબા, રાજસ્થાનમાં ઘમ્મર, મણિપુરમાં હોલી – તબલ ચોંગ્બી, હિમાચલ પ્રદેશમાં પાન્ગી, કર્ણાટકમાં કોલાટા – સુગ્ગી કુનીતા વગેરે.
કહેવાની જરૂર નથી કે આ નૃત્યોએ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે. એટલું જ નહિ; પણ એને આનંદપ્રમોદનો એક નવો આયામ આપ્યો છે અને જનજીવનમાં સ્ફુર્તિ આવી છે.
ભરત-નાટ્યશાસ્ત્ર પ્રમાણે તો સંગીત અને નૃત્ય એ બંને નાટકનાં અંતર્ગત અને એનાં સહાયકારક અંગો છે છતાં સમય જતાં એ બંનેએ પોતપોતાનો આગવો વિકાસ કરીને સ્વતંત્ર કલાક્ષેત્રનું સ્થાન મેળવ્યું છે અને નાટકના ક્ષેત્રે પણ એ બંનેને પોતાનાં અંગો તરીકે પણ જાળવી રાખ્યાં છે. આ નાટક સામાજિક શિક્ષણના એક અંગ તરીકે અને મનોરંજનના ઉપાય તરીકે ખૂબ પ્રાચીનકાળથી આયોજિત કરાતું રહ્યું છે. ઋગ્વેદના મંત્રોમાં એક ઋષિ સોમપાનના નશામાં ઈંદ્રનેય પોતાની સાથે યુદ્ધ કરવા નિમંત્રે છે તો વળી બીજો પોતાની જુગાર રમવાની બુરી આદતથી થયેલા હાલહવાલને દયનીય રીતે નિંદે છે! આવા સંવાદો એ ભારતીય નાટકની ગંગોત્રી છે અને પછી એની સાથે સમુચિત સંગીત ભળ્યું. આમ થતાં થતાં ઉચિત હાવભાવ, યોગ્ય કથોપકથન, યોગ્ય પોશાક, યોગ્ય વાતાવરણ વગેરે આવતાં આવતાં નાટ્યકલા સ્વતંત્ર કલારૂપે વિકસિત થઈ ગઈ! રંગમંચોનાં યોગ્ય નિર્માણ થયાં. ભરતનાટ્ય શાસ્ત્ર પ્રમાણે નાટક માટેની આ રંગશાળા ત્રિકોણાકાર, ચોરસ અથવા ગોળ અથવા લંબગોળ – જગ્યાની સહુલિયત પ્રમાણે રચાય છે અને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાય છે. એક રંગભૂમિ અને બીજું પ્રેક્ષાગૃહ. બહુ જૂના જમાનાથી આ બે ભાગો સમાન પરિમાણવાળા ગણાતા આવ્યા છે. રંગભૂમિના પાછળના ભાગે એક ‘નીલકક્ષ’ હોય છે અને સામેના ભાગની એક બાજુએ ‘આરામ કક્ષ’ રખાય છે. પડદાઓ પણ ઉપયોગમાં લેવાય છે. વિવિધ વેશભૂષા, કેશગૂંફન પાત્રાનુકૂળ હોય છે. મહોરાં પણ વપરાશમાં હતાં – આવું બધું ભરતનાટ્યશાસ્ત્રમાં છે.
પ્રાચીનકાળમાં નાટકની કથાવસ્તુ પૌરાણિક કથાઓ હતી. પણ ધીરે ધીરે વિકાસ થતાં શિષ્ટ સંસ્કૃત નાટકોમાં સામાજિક વિષયો પણ સામેલ થયા. કાલિદાસ, ભવભૂતિ (૮મી સદી), શૂદ્રક (૩જી સદી) એનાં ઉદાહરણો છે અને નાટકોના પ્રશિષ્ટ અને ગ્રામીણ – સામાન્ય જનભોગ્ય – એવા બે વિભાગ પડી ગયા.
એટલી વાત તો ચોક્કસ કે ભારતમાં આ કળા ઈસ્વીસન પૂર્વથી વિકસતી આવી છે. એમાં કોઈ તટસ્થ ઇતિહાસકાર બે મત ન થઈ શકે.
Your Content Goes Here




