અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા
ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે
રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર
નીકળી આવ્યો છે, એક ઝીણી તેજની ટશરમાં
અહો, અદ્ભુત એનું રૂપ!
અહો, કેટલી બધી આનંદદાયક છે આ ઘટના!
કેટલી બધી વિધાયક ને આશાસ્પદ પણ!
ધીમેધીમે ક્રમેક્રમે એ એક સંપૂર્ણ વિકસિત
એવા વાસર ફૂલમાં નિર્વિઘ્ને ઊધડી જાય એવી મારી ઇચ્છા,
આ પુષ્પ કળીને હું સાંજ સુધી
પ્રફુલ્લ ફૂલ રૂપે જાળવી શકીશ ખરો?
મેં મારા મનને આરે એ પ્રભાતપુષ્પાંકુરની
નિયતિ સાથે સંપૂર્ણપણે મેળવી દીધું છે;
અરે, એટલે તો મને એની ખાસ ચિંતા;
હું મારા મનને આખો દિવસ આનંદલીન
એક પ્રફુલ્લ ફૂલ રૂપે
નિભાવી શકીશ ખરો?
જોઉં:
આજે મેં આ પડકાર તો ઝીલી લીધો છે.
Your Content Goes Here




