(શિખરિણી સૉનેટ)

હવે અંતે પાડ્યો પકડી રિપુ મારો અદીઠ, મેં;
અરે, એ તો મારી મહીં જ, ઘરનો ચોર નીકળ્યો!
પૃથુ પ્હાડોથીયે! તનુ તૃણથકી: તોય ટનનો!
ન તોળાયે તોળ્યો, અનુભવું છું ભારે વજનનો!
રહીને મારામાં મુજ રુધિર પીપીજ ઊછર્યો:
પડે આછી યે ના ખબર, ખરી વેળે જ વિફર્યો,
કર્યું એણે બોટી સઘળું મુજ નૈવેદ્ય અજીઠું,
વરુ શો છૂપી આડશ લઈ અચિંત્યો જ લપક્યો!

પ્રભો, મારો તો આ અહંમ્ જ ખરો એક રિપુ છે,
સુધાના સિંધુને વખ કરતું આ એક ટીપું છે;
મને એ રાખે છે અલગ તુંથી; તું આભ જ ખલુ:
તને એ આચ્છાદે તૃણની ઝીણીપત્તી? તણખલું?

જુદાઈ હું તુંથી જરી નવ સહું: તુંથી વિખૂટો
મને હું લાગું છું અસત, વરવો, કેવળ જૂઠો.

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.