(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)

સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોને એક મજબૂત સંદેશ આપ્યો હતો કે ‘તમારા પોતાના પગ પર ઊભા થાઓ.’ ત્યારે તેનો અર્થ બીજો હતો કે અંગ્રેજો સામે લડવું હોય તો સ્વાવલંબી થવાની જરૂર છે. અને તે પોતાનો અને દેશનો વિકાસ કરીને જ થશે. એટલે જ તેમણે ત્યારે જમશેદજી ટાટાને ભારતમાં ઉદ્યોગો શરૂ કરવાની સલાહ આપી હતી.

આજે તો સ્વતંત્રતા મળી ગઈ છે. આજે તો દેશ પોતાના પગ પર ઊભો પણ થઈ ગયો છે. હવે તો સરકાર પણ યુવાનોને ‘સ્ટાર્ટ અપ’ના માધ્યમથી પોતાના પગ પર ઊભા થવાનું પ્રોત્સાહન આપે છે, ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારો અને આજના યુવાનોના પ્રયાસોના સંદર્ભમાં આ વાક્યને સમજવાની જરૂર છે.

કયા કયા સંદર્ભમાં આ બાબતને સમજી શકાય? આ બાબતનો અભ્યાસ થયો છે. તેના આધારે જ સમજવાનો પ્રયાસ કરીએ. એક બાજુ સ્વામીજીની સલાહ જાણીએ અને તેના સંદર્ભમાં આજે આપણા દેશમાં શું થઈ રહેલ છે તે જાણીએ.

પોતાના પગ પર ઊભા રહેવા સંદર્ભમાં સ્વામીજી એક જગ્યાએ કહે છે, ‘તમારામાં અનંત અને પ્રબળ શક્તિ રહેલી છે.’

કેવળ એમ વિચારવું કે ‘હું કશું નથી. હું કશું નથી’, તેનાથી જ આપણે શક્તિહીન બનીએ છીએ. એટલે કે એ સમજવાનું છે કે શક્તિ કંઈ બહારથી નથી આવતી. શક્તિ કંઈ ડિગ્રી કે સત્તા કે પદમાંથી નથી આવતી. તે તો વ્યક્તિમાં છે જ. જન્મથી જ છે. માત્ર તેણે તેને પ્રગટાવવાની છે. આપણે ચારે બાજુ જોઈશું તો આવા અંદરથી શક્તિ પ્રગટાવનાર અને વિકાસ કરનારા લોકો આપણી આજુબાજુ જોવા મળશે.

પ્રેમ ગણપતિનો દાખલો જ લઈએ. તેણે મુંબઈમાં ચા આપનાર અને ડિશો ધોનાર છોકરા તરીકે પોતાના કામની શરૂઆત કરી હતી. પણ તે એટલી સરસ રીતે કામ કરતો હતો કે થોડા જ સમયમાં તે તેના ગ્રાહકોમાં લોકપ્રિય થઈ ગયો.

તેની આ લોકપ્રિયતા જોઈ તેના એક ગ્રાહકને વિચાર આવ્યો કે આ છોકરા સાથે ભાગીદારી કરીને એક ચાનો સ્ટોલ શરૂ કરવો જોઈએ. તેણે પોતાના પૈસા રોક્યા અને એક સ્ટોલ શરૂ કર્યો. ગણપતિના પ્રયાસોથી આ ચાનો સ્ટોલ ઝડપથી નફો કરવા લાગ્યો. પણ પેલો માણસ સ્વાર્થી નીકળ્યો અને તેણે ગણપતિને ભાગીદારીમાંથી કાઢી મૂકયો.

પણ ગણપતિ સહેલાઈથી હાર માને તેવો ન હતો. તે સમજી ગયો કે તેને જે સફળતા મળી હતી તે કંઈ પેલાના પૈસાને કારણે નહોતી મળી, પણ પોતામાં જે શક્તિ હતી તેના પરિણામે મળી હતી. એટલે તેણે પોતા પર ભરોસા મૂકી અનેક કામ સાથે શરૂ કર્યાં.

તેણે પહેલાં તો એક યોગ્ય જગ્યા શોધી, જ્યાં તેણે પોતાનો જ ચાનો સ્ટોલ શરૂ કર્યો. તે સાથે ઈડલી-ઢોસા બનાવતાં અને વેચતાં શીખી ગયો. તેમાં તેને ઘણી તકલીફો પડી, પણ ભૂલો કરતાં કરતાં શીખી ગયો. થોડા જ સમયમાં તેના ઢોસાની પ્રખ્યાતિ વધવા લાગી. તેનાથી પ્રોત્સાહિત થઈ તેણે ઢોસા-પીઝાની પણ શરૂઆત કરી. એમ ન માનવું કે આ બધું સરળતાથી થતું હતું.

તેનો બિઝનેસ કઠિન હતો. પણ તે સતત શીખતો રહેતો હતો. તેણે ગ્રાહક-સેવાને સુધારી. માલ સારો પૂરો પાડતો. તેથી લોકપ્રિય થતો ગયો. પછી અચાનક તેને એક મૉલમાં પોતાની દુકાન ખોલવાની તક મળી ગઈ. તેમાં પણ સફળ થતો ગયો. આજે તેની પાસે છવ્વીસ દુકાનો છે અને તેમાં એકસો પચાસ કર્મચારીઓ કામ કરે છે. ગણપતિએ પોતાની આંતરિક શક્તિને પડકારી અને પ્રગટ કરી અને પોતાના પગ પર ઊભો થઈ ગયો.

સ્વામીજી આગળ કહે છે, ‘પુષ્કળ જ્ઞાન મેળવ્યા પછી પણ જો તમે બીજાઓના દરવાજે ભટકો અને રડો કે મને નોકરી આપો, તેમની ગુલામી કરો, તો તમે માણસ કહેવડાવવા લાયક નથી.‘એટલે કે વ્યક્તિએ માત્ર નોકરી શોધનાર બનવાને બદલે જાતે તક ઊભી કરવાની છે. પોતાનો વ્યવસાય ઊભો કરવાનો છે.

દિલફરોઝ કાઝી નામની યુવતી આનો દાખલો છે. તે કાશ્મીરની યુવતી છે. તેણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી શિક્ષણમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી અને પછી કાયદાની ડિગ્રી પણ મેળવી. પછી તેણે સરકારી નોકરી મેળવવાના પુષ્કળ પ્રયાસ કર્યા, પણ ન મેળવી શકી. પરિણામે તેણે નકકી કર્યું કે તે પોતાની જાતે જ રોજગારી ઊભી કરશે.

તેણે ૧૯૮૮માં શ્રીનગરમાં એક ભાડાના ઘરમાં છોકરીઓ માટે વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કર્યા. તેણે છોકરીઓને સીવણકામ, રસોઈ, શોર્ટહેન્ડ વગેરે શીખવવાનું શરૂ કર્યું. આમાં સફળતા મળતાં તેનામાં ઉત્સાહ આવ્યો અને જોખમ લઈ તેણે એસ.એસ.એમ. ઇજનેરી કોલેજ શરૂ કરી. સમગ્ર કાશ્મીરમાં આ પ્રથમ ખાનગી ઇજનેરી કૉલેજ હતી.

ઇરાદો હતો કેવળ રોજગારી ઊભી કરવાનો, પણ તેના સાહસે તેના જીવનને બદલાવી નાખ્યું. કાશ્મીરમાં તો ત્રાસવાદીઓની પણ તકલીફ છે. તેને પણ તેઓ તકલીફ આપતા હતા. પરંતુ તે એક પળ પણ ન ડગી. તેણે પોતાનું કામ ન અટકાવ્યું. આજે પણ તે પોતાનું કામ દૃઢતાથી કરે છે અને હવે તો તે માનવહકનું કામ પણ કરે છે. તેની લોકપ્રિયતા એ હદે વધી છે કે તેનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ સૂચવવામાં આવેલ છે.

સ્વામીજી કહે છે કે, ‘વિદેશોમાં તો લોકો આપણા દેશમાં જે કાચો માલ છે તેમાંથી ઉત્તમ વસ્તુઓ બનાવી પરિણામો લાવે છે. અને આપણે કેવળ ગધેડાની જેમ તેમનો ભાર ઉપાડીએ છીએ.’ એટલે કે, નવા શબ્દોમાં, આપણી પાસે જે પણ સંસાધનો છે તેનો જ ઉપયોગ કરીને ઊભા થવાનું છે.

તેનું ઉદાહરણ બન્યા છે આપણા દેશના શ્રીકૃષ્ણ હેગડે. તેમણે ‘કનેક્ટ ફાર્મર’ નામની સંસ્થા સ્થાપી છે, જેના દ્વારા તે ખેડૂતોને શહેરી લોકો સાથે જોડે છે. તે જ્યારે પોતાના ખેતરમાં ઊગેલ વસ્તુઓ વેચવા ફેક્ટરીઓ અને કંપનીઓની મુલાકાત લેતા હતા, ત્યારે તેણે જોયું કે વચેટિયાઓ લાભ લઈ ખેડૂતો કરતાં વધારે કમાતા હતા અને ખેડૂતો તો જરૂર પૂરતું પણ કમાઈ શકતા ન હતા અને દેવામાં ઝઝૂમતા હતા. કારણ? માર્કેટિંગ-કુશળતાનો અભાવ.

તે સી.એ. તો થયા. પોતાનું કામ શરૂ કર્યું, પણ આ દૃશ્યો તેમની સામે રમતાં હતાં. તે માટે કશુંક કરવા માગતા હતા. એટલે તેમણે આ બાબતનું સંશોધન શરૂ કર્યું. તેમને જાણવા મળ્યું કે ખેડૂતો પાસે મધ વગેરે જેવો મૂલ્યવાન માલ હતો, પણ તેમની પાસે બજારની કુશળતા ન હતી.

એટલે તેમણે ખેડૂતો અને ખેતીવાડીના નિષ્ણાતો સાથે વાત કરવાની શરૂઆત કરી. તેમાંથી તેમણે ‘કનેક્ટ ફાર્મર’ સંસ્થા શરૂ કરી. આ એક એવી સંસ્થા હતી જે ઓનલાઇન બજાર હતી, જે ખેડૂતોને તેનો માલ બજારને લાયક બનાવવામા મદદ કરતી હતી અને વેબસાઇટ પર જ વેચતી હતી. આના પરિણામે વચ્ચેથી દલાલો ખસી ગયા અને ખેડૂતોને આજે તેમના માલનું યોગ્ય વળતર મળે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આધુનિક શિક્ષણે ઘણું બધું બદલાવેલ છે, પણ સંશોધક ચિત્તના અભાવે સમૃદ્ધિના નવા માર્ગો હજી વણશોધાયેલા પડ્યા છે.’ એનો અર્થ કે સંશોધક અને ખોજી બનવાનું છે અને નવાં જ મૂલ્યો સર્જવાનાં છે.

મનસુખભાઈ પ્રજાપતિ રાજકોટના છે. તેમણે એક સાદા કુંભાર તરીકે કામ કરવાની શરૂઆત કરી. જગદંબા પોટરીમાં કામ કરતા હતા ત્યારે તેમના મનમાં બિઝનેસ કરવાનો વિચાર જન્મ્યો. તેમણે સાદા કુંભારના ચાકડાથી કામ કરવાને બદલે ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની નોકરી છોડી દીધી, એક નાણા ધીરનાર પાસેથી ત્રીસ હજાર ઉધાર લીધા અને વાંકાનેરમાં વર્કશોપ ઊભું કરવા એક નાનકડો જમીનનો ટુકડો ખરીદ્યો. તેમણે પહેલું માટીનું ફિલ્ટર બનાવ્યું. આ ફિલ્ટરે તેમને એક લાખનો ઓર્ડર અપાવ્યો. ૨૦૦૧માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો. પછી તેમણે માટીમાંથી રેફ્રિજરેટર બનાવવાનું નકકી કર્યું.

તે માટેનું સંયોજન તૈયાર કરતાં તેમને ચાર વર્ષ લાગ્યાં. ૨૦૦૫માં તેમણે ‘મિટ્ટીકુલ’ નામે રેફ્રિજરેટર બનાવ્યું જે વીજળી વિના જ  ચાલે છે. ૨૦૧૦માં તેમનું નામ ફોર્બ્સમાં ગ્રામ્ય-ઉદ્યોગ સાહસિકોમાં સાતમા નંબરે આવ્યું. તેમની કંપની ‘મિટ્ટીકુલ’ હવે તો ભારતનાં ૬૩ શહેરોમાં પથરાઈ ચૂકી છે.

વિવેકાનંદ વૈશ્વિક ચિંતનની પણ વાત કરે છે. તેઓ કહે છે કે ભારતીય ચીજવસ્તુઓ વિદેશોમાં ખૂબ પ્રશંસા મેળવે છે. તેનું ઉદાહરણ છે ‘આયંગર યોગ’. બી.એસ.કે. આયંગરનું નામ વિદેશોમાં યોગ પ્રસારણ માટે પ્રથમ લેવામાં આવે છે. આમ તો તેમણે ભારતમાં જ એક અજ્ઞાત યોગશિક્ષક તરીકે શરૂઆત કરી હતી. તેમણે યોગક્ષેત્રમાં ખૂબ જ ઉત્તમ કામ કર્યું. પછી તેમને યોગને વિદેશમાં લઈ જવાનો વિચાર આવ્યો.

તેમને થયું કે તેનાથી ત્યાંના લોકોને ખૂબ ફાયદો થશે. તેમના જ એક શિષ્યે તેમને યુરોપ અને અમેરિકામાં યોગપ્રચારનું સૂચન કર્યું. ૩૮ વર્ષના આયંગર અમેરિકા ગયા. ત્યાં તેમણે યોગ પર પ્રવચનો અને સાધનાની શરૂઆત કરી. તેમણે પરદેશીઓની જિજ્ઞાસા જોઈ વ્યવસ્થિત રીતે
કોર્સિસ શરૂ કર્યા. તેને તેમણે ‘આયંગર યોગ’ નામ આપ્યું. અત્યારે તો તેનાં વિદેશોમાં સેંકડો કેન્દ્રો છે.

સ્વામીજી એમ પણ કહે છે કે પશ્ચિમના વિજ્ઞાનની મદદથી ઉત્પાદનનાં નવાં ક્ષેત્રો શોધી કાઢો. આધુનિક વિજ્ઞાનની મદદથી પોતાની બુદ્ધિ અને ચિંતનનો સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે.

આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પગ મૂક્યો તેનાથી ડૉ. રેડ્ડીને ખૂબ પ્રેરણા મળી હતી. તેમને થયું કે માણસ જો ડરને વશ ન થાય તો ધારે તે મેળવી શકે છે. આ વિચારથી તેમનું જીવન બદલાઈ ગયું.

તેમણે એક દવાની કંપની સ્થાપવાનું સ્વપ્ન જોયું. ભારતની કોઈ કંપનીએ આગળ બનાવી ન હોય તેવી વિરલ દવાઓ બનાવવાની તેમણે શરૂઆત કરી. તેમણે દવાઓ સસ્તી બનાવી અને ભારતીયોને પરવડે તે રીતે આપી. જ્યારે બીજી કંપનીઓ આગળથી શોધાયેલ દવાઓ જ બનાવતી હતી, ત્યારે રેડ્ડીએ નવી જ દવાઓ શોધવાનો પ્રયત્ન કર્યો.

આજે તેમની કંપની ‘ડી.આર.એલ.’ વિશ્વની અગ્રગણ્ય કંપનીઓમાંની એક છે. હવે તો તેમની દવાઓ વિદેશની કંપનીઓ ખરીદે છે.

વાત આટલી જ છે. ‘પોતાના પગ પર ઊભા થાઓ.’ ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી. કોઈ નહીં સાંભળે. પણ હા, જો વ્યક્તિ સફળ થશે તો બધા તેને માન આપશે અને તેનાથી પ્રોત્સાહિત પણ થશે. એકવીસમી સદી સાહસની છે. જે પણ સાહસિક હશે તે જરૂર સફળ થશે. માત્ર હિંમત, સાતત્ય, નવા વિચારો સ્વીકારવાની તૈયારી અને વૈશ્વિક ચિત્ત કેળવવાની જરૂર છે.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.