(રામકૃષ્ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ્માં ભગવાન શ્રીરામકૃષ્ણના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા-સમારોહના ઉપલક્ષ્યમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ આયોજિત જાહેરસભામાં તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજીએ આપેલ અધ્યક્ષીય પ્રવચન ‘વેદાંત કેસરી’ના જુલાઈ, ૧૯૯૧માં પ્રકાશિત થયું હતું. તે લેખનો
શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણનું અવતરણ કોઈ નાના સમુદાય માટે નહિ, પરંતુ સમગ્ર માનવજાતને માટે થયું હતું. તેમના, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં માનવીય ઉન્નતિનો એક મહાન સંદેશ છુપાયેલો છે. આપણી જનસંખ્યાનો મોટો ભાગ હજુ પણ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ સંબંધિત શક્તિદાયી અને ઉન્નત કરવાવાળા સાહિત્યથી પરિચિત થઈ શક્યો નથી. સ્વતંત્રતા પહેલાંના સમયના ઘણા ભારતવાસીઓએ વિવેકાનંદ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો અને તેથી દેશની આઝાદી માટે સંઘર્ષ કરવા માટે આત્યંતિક ઉત્સાહ પ્રાપ્ત કર્યો. મહાબલિદાનો પછી અંતે ઈ. સ. ૧૯૪૭માં આપણે આપણી સ્વતંત્રતા મેળવી લીધી. પરંતુ સ્વતંત્રતા મેળવ્યા પછી આપણી જનતાએ એ જ ઉત્સાહથી વિવેકાનંદ સાહિત્ય વાંચવાનું ચાલુ ન રાખ્યું અને પરિણામે આપણે આપણી આઝાદીનો બધાની ભલાઈ માટે ઉપયોગ કરવાનું ન શીખ્યા. પરિણામે આપણી સ્વાતંત્રતા પછીના સમાજમાં ભ્રષ્ટાચાર, હિંસા, હીન મનોવૃત્તિ અને સરકારી તેમજ બિનસરકારી ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના દુરાચાર પ્રવેશ કરતા જોવા મળ્યા. જો આઝાદી પછી પણ આપણી પ્રજાએ એ જ લગન સાથે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન ચાલુ રાખ્યું હોત, તો આપણે આ દુઃખદ દિવસો જોવાનો વારો ન આવત. એક અંગ્રેજ સાહિત્યકાર આર્નોલ્ડ ટોયમ્બીનું કહેવું છે કે આધુનિક વિશ્વને કેવળ ભારત જ બચાવી શકે તેમ છે. તેમનો કહેવાનો ભાવાર્થ કયા ભારત વિશે હતો? ચોક્કસ જ આ બીમાર ભારત નહિ, પરંતુ તેમની દૃષ્ટિમાં ત્યારે બુદ્ધ, અશોક, રામકૃષ્ણ અને મહાત્મા ગાંધીનું ભારત હતું.
રામકૃષ્ણ-વિવેકાનંદના જીવનનું આલેખન કરનાર ફ્રાંસના રોમાં રોલાંએ એક અદભુત વાક્યના માધ્યમથી શ્રીરામકૃષ્ણનો પરિચય આપ્યો છે. તેમનું પુસ્તક શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના જીવનનો એક વિશ્લેષણાત્મક અને પ્રશંસાત્મક અભ્યાસ પ્રસ્તુત કરે છે. પાશ્ચાત્ય વાચકોને આ ગ્રંથનો પરિચય કરાવતા તેઓ લખે છે, “રામકૃષ્ણ ન તો ગાંધીની જેમ કર્મવીર હતા કે ન તો કલા અને ચિંતનના ક્ષેત્રમાં ગેટે અને ટાગોર જેવા પ્રતિભાશાળી હતા. તેઓ બંગાળના એક નાના એવા ગામમાં જન્મ્યા હતા. તેઓ બ્રાહ્મણ હતા, જેમનું બાહ્ય જીવન રૂઢિચુસ્ત પરંપરાઓની મર્યાદામાં બંધાયેલું હતું, અને તત્કાલીન સામાજિક અને રાજનૈતિક ચહલપહલથી હંમેશાં વિમુખ જ હતું, જે દરમ્યાન કોઈ ઉલ્લેખનીય ઘટના નહોતી ઘટિત થઈ.” આ તો થયું શ્રીરામકૃષ્ણના બાહ્ય જીવનનું વર્ણન. તેમનું હવે પછીનું વાક્ય અદ્ભુત છે, “પરંતુ તેમના આંતરિક જીવનમાં વિવિધ દેવતાઓ અને માનવોનો વિચિત્ર સંગમ હતો.” આ એક બહુ અદ્ભુત વાત છે. બહારથી શ્રીરામકૃષ્ણ અત્યંત સાધારણ દેખાતા હતા. પરંતુ આંતરિક રૂપે તેઓમાં મહાન પરિવર્તન આવ્યાં હતાં.
જ્યારે હું શાળામાં વિદ્યાર્થી હતો, ત્યારે અમારા મુખ્ય શિક્ષકે એક દિવસ કહ્યું, “એક વસ્તુ તમારે લોકોએ શીખી લેવી જોઈએ—સાદું જીવન અને ઉચ્ચ વિચાર.” આ વાત મારા મનમાં ઘર કરી ગઈ. હું તે વિશે વિચારવા લાગ્યો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. આમાં કેવો અદ્ભુત ભાવ છે. બે-ત્રણ વર્ષ પછી મેં શ્રીરામકૃષ્ણ કથામૃત નામનો ગ્રંથ વાંચ્યો અને તેમાં મને આ “સાદું જીવન અને ઉચ્ચ વિચાર” વિશે એક સુંદર પ્રાથમિક વર્ણન મળી ગયું. પછી જ્યારે મા શારદાદેવીનું જીવન મારા વાંચવામાં આવ્યું, તો તેમાં પણ મને આ જ આદર્શ જોવા મળ્યો. બાહ્યરૂપમાં તેઓ એક સરળ સહજ ગ્રામ્ય મહિલા હતાં, પરંતુ આંતરિક રૂપે તેમનામાં અસીમ માતૃત્વનો ઉજ્જ્વળ આત્મા ધબકતો હતો. આપણા અત્યારના સમાજમાં ઘણા લોકોનું જીવન આનાથી તદ્દન ઊલટું છે. તેમનું બાહ્ય જીવન પ્રભાવશાળી છે, પરંતુ અંદરથી તેઓ પોલાં છે, આ થયું ઉચ્ચ જીવન અને શૂન્ય વિચાર.
આજે આપણી સામે એ પ્રશ્ન છે કે આપણે શ્રીરામકૃષ્ણ, મા શારદા અને સ્વામીજીના ઉપદેશોનું શું કરવું? મૂર્ખતાપૂર્ણ વિધિ-નિષેધોથી પરિપૂર્ણ એવી ધર્મની આપણી વિકૃત ધારણા માનવતાના હાથ-પગ અને માનસને દૃઢતાપૂર્વક બાંધી રાખે છે. શ્રીરામકૃષ્ણ આવાં તમામ બંધનોને કાપીને માનવમાત્રને મુક્ત કરવા આવ્યા હતા. સાચો ધર્મ હંમેશાં આનંદ અને મુક્તિ પ્રદાન કરે છે. શ્રીરામકૃષ્ણ હંમેશાં આનંદવિભોર જ રહેતા. જ્યારે તમે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીમ દ્વારા લખાયેલ વર્ણન વાંચો ત્યારે જુઓ છો કે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સદાય આનંદનો મેળો લાગેલ રહેતો હતો. શ્રીરામકૃષ્ણના અનેક શિષ્યો હતા, જેમાં મોટાભાગના યુવાન અને કેટલાક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ હતા. શ્રીરામકૃષ્ણ તેઓને ઉપદેશ આપતા હતા, પરંતુ તેમના શિક્ષણની પદ્ધતિ એવી હતી કે જેમાં ન તો શિક્ષકને એવું લાગતું કે તે જ્ઞાન આપી રહ્યા છે કે ન તો શિષ્યોને ખબર પડતી કે તેઓને શિક્ષા આપવામાં આવી રહી છે. એ જ આ શિક્ષા છે જે સ્વામી વિવેકાનંદના માધ્યમથી વેદાંતના એક યુગાંતરકારી, ઉદાર અને ગહન દર્શન તેમ જ અધ્યાત્મના રૂપે વિશ્વ ઉપર ત્રાટકી પડી હતી.
આ દર્શન અને આત્મવિજ્ઞાનના બે ઉપદેશો ઉપર સ્વામીજીએ વિશેષ ભાર મૂક્યો હતો. તેમાં પહેલો હતો—મનુષ્યનું આધ્યાત્મિક સ્વરૂપ, જેનું તાત્પર્ય એ છે કે આપણામાંથી તમામ મનુષ્ય અવ્યક્ત ઈશ્વર છે. તમારે તમારા જીવન, કર્મ અને માનવના આપસી સંબંધો દ્વારા આ ઈશ્વરત્વને વ્યક્ત કરવાનું છે. બીજી વાત એ હતી કે આ ઈશ્વરત્વ આંતરિક રૂપે ધ્યાન દ્વારા અને બાહ્ય રૂપે સેવાના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે. આ બોધ આપણે ભૂલી ગયા છીએ અને એ જ કારણ છે કે આપણી તથાકથિત ધર્મની સાધના આપણને એ શક્તિ નથી આપતી, જે એક સાચા ધર્મની સાધનાથી મળવી જોઈએ. શ્રીરામકૃષ્ણએ તે બતાવી દીધું છે કે ધર્મ એક પ્રબળ શક્તિ છે. તેનો ઉદ્દેશ્ય આપણને પશુભાવથી ઊંચા સ્થાન પર દિવ્યભાવમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. આપણું વેદાંત-દર્શન સતત ભાર આપીને કહે છે, “પ્રાણી ન બની રહો, પ્રાણી ન બની રહો. મુક્ત થઈ જાઓ, મુક્ત થઈ જાઓ.” પ્રાણી કોણ છે? જે હંમેશાં બાહ્ય શક્તિ દ્વારા નિયંત્રિત થાય છે, તે પ્રાણી છે, જેમાં આત્મ-પરિચાલનની ક્ષમતા નથી હોતી, તે પ્રાણી છે. પરંતુ વેદાંત કહે છે કે તમારાં બંધન તોડી નાખો. એ તમારો સ્વભાવ નથી. પ્રાણી ન બનો, મુક્ત થઈ જાઓ.
આપણે આ સંદેશ સાંભળ્યો, પરંતુ આપણી દુર્બળ માનસિકતાના કારણે એને જુદી રીતે સમજ્યા. આપણામાંથી ઘણા માટે ‘મુક્ત થઈ જાઓ’નો અર્થ છે કે હવે આપણે અનુશાસનહીન બની શકીએ છીએ. (આપણને નિયમપાલનની કોઈ જરૂર નથી). આપણે અહીં જ સમજી લેવું જોઈએ કે અનુશાસનહીનતા મુક્તિમાં બાધારૂપ બને છે. અનુશાસનહીનતા ગુલામીની નિશાની છે અને આત્મસંયમ એક મુક્ત પુરુષનું લક્ષણ છે.
આજે વહેલી સવારે આ પ્રાંગણમાં શ્રીરામકૃષ્ણના આ સુંદર મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થઈ. આપણા ભારતમાં મંદિરોની ભરમાર છે. એટલે આવા મંદિરની શું વિશિષ્ટતા છે? એક મંદિર સુંદર સ્થાપત્ય કલાનો એક નમૂનો માત્ર નથી. એ આધ્યાત્મિક શક્તિના સ્રોત અને પ્રસારનું એક કેન્દ્ર છે. શ્રીરામકૃષ્ણના એક મંદિર પાછળ વિવિધ સેવા-કાર્યોના માધ્યમથી મનુષ્યની અવસ્થાને સુધારવાનો એક મુખ્ય પ્રયાસ મોજુદ છે. આ જ એ સંદેશ છે જે આપણને ઉપનિષદો, ગીતા, શ્રીમદ્ ભાગવત તથા શ્રીરામકૃષ્ણ, મા સારદા અને સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણે આ સંદેશ તરફ ધ્યાન નહિ આપીએ ત્યાં સુધી આપણને મંદિરની અંદર દેવમૂર્તિ અને બહાર આસુરી-લીલા જ દેખાશે. આપણા ભૂતકાળના કેટલાક સમયના રાષ્ટ્રીય ઇતિહાસથી આપણને આ જ શીખામણ મળે છે. આપણે અત્યંત ધાર્મિક બનીને પણ એક-બીજાના શોષણમાં લાગ્યા રહ્યા અને પરિણામે સમગ્ર દેશ પતન પામ્યો. આપણે વેદાંતનો એ સંદેશ ભૂલી ગયા કે બધા જ જીવોની ભીતર એક જ આત્મા નિવાસ કરે છે. ધર્મના આ મહાન ચરિત્રનિર્માણકારી (ચરિત્રનું નિર્માણ કરનાર) સંદેશનું સ્મરણ કરાવવા માટે જ શ્રીરામકૃષ્ણ અવતરિત થયા હતા.
શ્રીમદ્ ભાગવતના ત્રણ શ્લોક આ સંદેશને બહુ સરસ રીતે વ્યક્ત કરે છે. આ શ્લોક તેના ત્રીજા સ્કન્ધમાંથી લેવામાં આવ્યો છે, જ્યાં ભગવદાવતાર કપિલ તેમની માતા દેવહૂતિને ઉપદેશ દેતાં કહે છે –
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा।
तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥
अहमुच्चावचैर्द्रव्यै: क्रिययोत्पन्नयानघे।
नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिन:॥ २४॥
“આત્માના રૂપમાં હું પ્રત્યેક જીવમાં વિદ્યમાન છું, પરંતુ મરણશીલ માનવજીવોમાં મારી અવહેલના કરીને પ્રતિમામાં પૂજનનો સ્વાંગ કરે છે. ……જે વ્યક્તિ નાના-મોટા અનેક ઉપચાર થકી વિવિધ વિધિ-વિધાનો સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે અને છતાં અન્ય જીવોનું અપમાન કરે છે, તેના પર હું કદાપિ પ્રસન્ન નથી થતો.”
અસ્પૃશ્યતા, જાતિવાદ તથા જનસમૂહના શોષણ દ્વારા આપણે આ જ તો કરતા આવ્યા છીએ. જુઓ, કપિલ કેવી ભાષાનો ઉપયોગ કરે છે — नैव तुष्ये — “હું બિલકુલ પ્રસન્ન નથી થતો.” તે પછી તેઓ કહે છે, अर्चितो अर्चायां भूतग्रामावमानिन: એટલે કે “ભલે તમે મોટાં-મોટાં મંદિરોમાં ભવ્ય ઉપચારોની સાથે મારી પૂજા કેમ ન કરો, પરંતુ જો તમે ભૂતગ્રામ- બહુજન-સામાન્ય મનુષ્યનું અપમાન કરો છો તો હું તમારી પૂજા ગ્રહણ નથી કરતો.” તેથી આગળના શ્લોકમાં એક સુંદર સંદેશ દેવામાં આવ્યો છે,
अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम्।
अर्हयेद्दानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा॥ २७॥
“એટલે કે બધા જીવોમાં આત્માના રૂપમાં જે મેં પહેલેથી જ મંદિર બનાવી રાખ્યું છે, તેમાં જ દાન અને સમ્માન દ્વારા (બધા જીવોનો અભાવ દૂર કરીને અને સાથે-સાથે તેમના સ્વાભિમાનની રક્ષા કરતા) મિત્રતા અને અભિન્નતાના ભાવ સાથે મારું પૂજન કરો.”
કપિલ અહીં કહે છે—બધા જીવોમાં મારી પૂજા કરો, હું બધાનો આત્મા છું, પહેલેથી જ બધા જીવોમાં મેં મારા માટે એક મંદિર બનાવી રાખ્યું છે અને તેમાં જ મારી માત્ર સેવા નહિ પરંતુ પૂજા પણ કરો. ધ્યાન આપો કે અહીં सेवयेत નહિ अर्हयेत શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અર્ચના શબ્દ પરથી આવ્યો છે. અર્ચનાનો અર્થ છે પૂજા.
હવે આપણી સમક્ષ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આપણે મનુષ્યમાં ઈશ્વરની પૂજા કેવી રીતે કરીએ? જો તમે આ પ્રશ્નનો સાચો ઉત્તર ન જાણતા હો તો કદાચ એમ વિચારવા લાગશો કે શું હું રસ્તા પર મળતા દરેક ગરીબ નર-નારીની આરતી ઉતારું? ના, અહીં અર્થ એવી પૂજાનો નથી. કપિલ અહીં સ્પષ્ટરૂપે બતાવે છે કે એક જીવમાં ભગવાનની પૂજા કેવી રીતે કરી શકાય, “તમે તમારી આસ-પાસના લોકોના યોગ્ય અભાવોને દૂર કરી મારી પૂજા કરી શકો છો, પરંતુ આમ કરવાની સાથે તમારે તેને સમ્માન પણ દેવું જોઈએ.” કેવો અદ્ભુત ભાવ છે! આપણે દાન-પરોપકાર કેવી રીતે કરીએ? શું અહંકારભાવથી? ક્યારેય નહિ, પરંતુ સમ્માનની સાથે. તમે જેની સેવા કરો છો, તેમનું સમ્માન પણ કરો. આ શ્લોકમાં આ સિવાય પણ ત્રણ સુંદર અર્થપૂર્ણ શબ્દ છે, मैत्र्या अभिन्नेन चक्षुषा, “પરમ મિત્રતા અને અભિન્નતાના ભાવ સાથે.” મૂળભૂત રીતે આપણે બધા એક છીએ. વેદાંતનો આ ગહન સંદેશ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં સર્વત્ર વારંવાર જોવા મળે છે.
ભાવના એ છે કે બધા જીવોની સેવા કરીને, તેમના દુ:ખો દૂર કરીને, તેમના આંસુઓ લૂછીને— તેમાં ઈશ્વરની સેવા કરવી પડશે. ભારતમાં આપણે આ બાબતને મોટા પ્રમાણમાં આચરણમાં લાવવી પડશે. આજકાલ તમે જો કોઈ ગ્રામ્ય પ્રદેશમાં કોઈ સેવાકાર્યમાં નિમિત્ત બનીને જાઓ તો ત્યાંના લોકો તમારા પર શંકા કરશે. તે લોકો વિચારશે કે ક્યાંક આ લોકો ફરી અમારું શોષણ કરવા તો નથી આવ્યા! તેમનું એવું વિચારવું ન્યાયી જ છે, કારણ કે હકીકતે તેઓ અનેક સદીઓથી શોષિત થતા રહ્યા છે. એટલા માટે શહેરના લોકો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે ત્યારે તેઓને ડર લાગે છે. આ પરિસ્થિતિને બદલવી પડશે. આપણે ત્યાં એક મિત્ર તરીકે જઈ તેમને સમજાવવા પડશે, “અમે અહીં તમને મદદ કરવા માટે આવ્યા છીએ, જેથી તમે લોકો તમારા પગ પર ઊભા રહી શકો.” આપણે આપણી વાણી અને કાર્ય દ્વારા તેઓને આ વાતનો વિશ્વાસ આપવો પડશે. માત્ર ત્યારે જ તેઓ તમારો સ્વીકાર કરશે. આ જ છે મૈત્રીભાવ, જેનો આગળના સંસ્કૃત શ્લોકમાં ઉલ્લેખ થયો છે.
છેલ્લા બે શબ્દો—अभिन्नेन चक्षुषा— “અલગપણાના ભાવથી રહિત” — ભારતીય આધ્યાત્મિક પરંપરાના સર્વોચ્ચ ઉપદેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપનિષદો અને ગીતામાં સર્વત્ર તમને અભિન્નતાનો આ મહાન ભાવ દેખાય છે. મૂળભૂત રીતે આપણે સૌ એક જ છીએ. એક જ આત્મા આપણા સૌમાં વિદ્યમાન છે.
પરંતુ દુઃખની વાત છે કે જે રાષ્ટ્રએ અખંડિતતાના આ મહાન દર્શનનો પ્રચાર કર્યો, તેમણે જ વ્યવહારમાં સૌથી વધુ ભિન્નતાનો ભાવ પ્રદર્શિત કર્યો. આપણા ઇતિહાસમાં લાંબા સમય સુધી જાતિભેદ, વર્ગભેદ અને સાંપ્રદાયિક ભેદનું સામ્રાજ્ય રહ્યું. આપણે મનુષ્યની વચ્ચે તમામ પ્રકારના ભેદને મહત્ત્વ આપતા રહ્યા છીએ. આને દૂર કરવો પડશે. એ ખોટું છે, આધાર વિનાનું છે અને સમાજ માટે અનિચ્છનીય છે. દુર્ભાગ્યે સ્પષ્ટ વિચારોના અભાવને કારણે જનતંત્રના નામ પર આજે આપણે મૂર્ખતાપૂર્વક આવા ભેદભાવોને મજબૂત બનાવી રહ્યા છીએ. અખંડિતતાના આ ભાવને એક મુખ્ય દૃષ્ટિકોણના રૂપે વિકસિત કરવો પડશે. આજકાલ આપણે પાંચ વર્ષમાં માત્ર એક વાર ચૂંટણી વખતે જ આનો ઉપયોગ કરીએ છીએ. એ સમયે આપણા કહેવાતા મોટા માણસો પણ એક સામાન્ય માણસની ઝૂંપડીમાં જઈ જાહેરાત કરે છે, “આપણે બધા એક છીએ. અમને તમારો મત આપો અમે તમારા સેવક છીએ.” પરંતુ ખરાબ વાત એ છે કે આ ભાવ તેઓ તેમના પૂરા રાજકીય કાર્યકાળ દરમ્યાન નથી રાખતા. પરંતુ એ પરપોટાની જેમ ક્ષણિક હોય છે અને એક દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે.
પ્રત્યેક મનુષ્યનું પૂર્ણ મહત્ત્વ લોકતંત્રનો મુખ્ય સિદ્ધાંત છે. આપણા વેદાંત-દર્શનનો પણ આ જ કેન્દ્રીય ઉપદેશ છે. જ્યારે તમે જુઓ છો કે કોઈ વૃદ્ધ મહિલાને મત દેવા માટે ઉપાડીને મતદાન મથકમાં લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તમે ક્યારેય તેના મહત્ત્વ પર વિચાર કર્યો છે? શારીરિક રીતે તે વૃદ્ધ છે, અશક્ત છે: પરંતુ રાજકીય દૃષ્ટિએ તેમાં એક આંતરિક, બદલાવી ન શકાય તેવું મૂલ્ય છે. અને તે તેને તેના લોકતાંત્રિક નાગરિકતાના અધિકારથી પ્રાપ્ત થયું છે. તેમાં રહેલ એ મહત્ત્વ કોઈ પણ રીતે પ્રધાનમંત્રી કે અન્ય કોઈથી ઓછું નથી. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું તે વૃદ્ધ મહિલાનું મહત્ત્વ ચૂંટણી પછી પણ એટલું જ રહે છે? મારો અનુભવ છે કે ના, નથી રહેતું અને આજ આપણા લોકતંત્રની મોટી નબળાઈ છે. માત્ર ચૂંટણીના સમય સિવાય, બાકી સમય આપણી જનતા એક નાગરિક તરીકેના સમ્માનને બદલે પશુ જેવો વ્યવહાર પામે છે. આપણા રાજકારણીઓ અને સંચાલકો—બંને શ્રેણીના લોકોને નાગરિકો સાથે સમ્માન તથા સહાનુભૂતિ દર્શાવવાનું શીખવવા માટે તેઓને સદીઓ સુધી વેદાન્તિક અને લોકતાંત્રિક શિક્ષણ આપવાની આવશ્યકતા છે. નવ ભાગોમાં પ્રકાશિત શક્તિદાયી અને પવિત્ર કરનાર ‘વિવેકાનંદ ગ્રંથમાળા’થી આપણને મનુષ્ય-નિર્માણ તથા રાષ્ટ્ર-ગઠનનો આ વેદાન્તિક સંદેશ મળે છે.
આપણા મોટાભાગના દેશવાસી મંદિરમાં ઈશ્વર પાસેથી કશું સાંભળવા નહિ પરંતુ તેમને સંભળાવવા જાય છે. આજે સમગ્ર ભારતમાં આપણો ધર્મ ઘોંઘાટિયો, દેખાડાવાળો અને સ્વાર્થકેન્દ્રી બની ગયો છે. પરંતુ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં તમને ધર્મ પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ પ્રતિબિંબિત થતો જોવા મળશે. આ સાહિત્યમાં આપણને શું બતાવવામાં આવ્યું છે? એ જ કે આધ્યાત્મિક શોધ માટેની તૃષ્ણા લઈ મૌન ભાવથી મંદિરમાં જાઓ. તેને સ્વચ્છ રાખો. તમારા ચારિત્રના ઘડતર માટે અને તેને લોકોની સેવામાં અભિવ્યક્ત કરવા માટે, ત્યાંથી જેટલી પણ પ્રાપ્ત થઈ શકે, આધ્યાત્મિક પ્રેરણા ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. ભારતના કરોડો શિક્ષિત લોકો આ અદ્ભુત સંદેશથી અજાણ છે. રામકૃષ્ણ સંઘનાં શાખાકેન્દ્રો જાતિ, મત, લિંગ વગેરેથી નિરપેક્ષ રહીને, બધા જ લોકોની વચ્ચે આ જીવનદાયી અને પ્રેરક સંદેશના પ્રચાર માટે સમર્પિત છે. આ સંદેશમાં એટલી તો શક્તિ અને મોહકતા છે કે તે દરેક રાષ્ટ્રના લોકોને આકર્ષિત કરે છે.
વિશ્વ-માનસ પર ભારતનો સર્વાધિક પ્રભાવ દર્શન તથા અધ્યાત્મના ક્ષેત્રમાં જ રહ્યો છે. આપણા રાજનૈતિક વિચારો કે ઉપલબ્ધિ માટે કોઈ આપણું સમ્માન નથી કરતું. આ ક્ષેત્રમાં આપણે હકીકતો સ્વીકારનાર માત્ર રહ્યા છીએ. પરંતુ ભારતના દર્શન અને અધ્યાત્મ સમક્ષ સમગ્ર વિશ્વ શ્રદ્ધાપૂર્વક નતમસ્તક થઈ જાય છે. વિદેશમાં સ્થિત આપણા રાજકીય દૂતાવાસ આપણા પોતાના ખર્ચે ચલાવવામાં આવે છે, પરંતુ ત્યાંના આધ્યાત્મિક દૂતાવાસ ત્યાંના સ્થાનિક લોકોની આર્થિક સહાયતાથી ચાલી રહ્યા છે. આપણા દેશવાસીઓ આના અર્થ વિશે થોડો વિચાર કરે તો બહુ સારી વાત છે. તમે પોતે જ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચીને ખાતરી કરી લો કે તે પ્રેરણાની કેવી ખાણ છે. આ એક શક્તિશાળી સાહિત્ય છે, માનવતાવાદી ભાવનાઓનું સાહિત્ય છે.
શ્રીરામકૃષ્ણનું જે મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે, તે આ અદ્ભુત ભાવ અને પ્રેરણાના શક્તિ-કેન્દ્રોમાનું એક છે. આ મંદિર એવાં કેન્દ્રો છે, જાણે કે ડાયનેમો છે, જ્યાંથી વિચારોનો પ્રવાહ પ્રવાહિત થઈને, માત્ર ધર્મના સંકુચિત ક્ષેત્રમાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માનવતાને ઉત્તમ બનાવે છે.
Your Content Goes Here




