વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે: ‘એમની વાણી એટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે. ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હૅન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી વર્ષો પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમના વચનામૃતોને જયારે હું વાંચું છું ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી.’ કૅલીફોર્નિયામાં એકવાર સ્વામી વિવેકાનંદે પોતાનું આત્મસ્વરૂપ પ્રકાશિત કર્યું હતું: ‘તમે સાંભળ્યું છે કે ઇશુ ખ્રિસ્તની વાણી ઈશ્વરપ્રેરિત નવજીવનનો સંચાર કરતી વાણી હતી. બરાબર એ જ ભાવથી મારી વાણી પણ ઈશ્વરપ્રેરિત વાણી છે. તે તમારા ચિત્તમાં ભડભડતા અગ્નિની જેમ પ્રવેશ કરશે; તમે કીય તે વાણીશક્તિનું આકર્ષણ ભૂલી શકશો નહિ,’ નિવેદિતાએ અનુભવ કર્યો કે વારંવાર વાચન કર્યા પછી વિવેકાનંદની વાણી અંતરનાં વધુ ને વધુ ઊંડાણમાં પ્રવેશીને એક અભિનવ આત્મ- પ્રકાશ પાથરે છે. આજે પણ એ જ આત્મ શક્તિને જગાવતી અગ્નિ-શક્તિ પૂરેપૂરી સમાયેલી છે, વિવેકાનંદના સ્વમુખનિ:સ્ત દિવ્ય વચનોમાં; તેની સાક્ષી પૂરે છે, એમની ઐતિહાસિક ગ્રંથમાળાની રચનાઓ.
વિદેશી મહિલા કવયિત્રી ઈલા વ્હીલર વ્હીલકૉક્ષ વિવેકાનંદનું ભાષણ સાંભળવા શિકાગોમાં એક સ્થળે આવ્યાં હતાં. આ સન્નારી લખે છે: ‘આજે સવારે એક કલાક સુધી મેં વિવેકાનંદની વાણી સાંભળી. મારો વિશ્વાસ છે કે કદાચ બુદ્ધ કે ઈશુ કે એવા કોઈ મહામાનવ નૂતન રૂપમાં સ્વામીજી થઈને આવ્યા છે. એટલા સરળ, એટલા પવિત્ર ને નિ:સ્વાર્થ! એમના શબ્દો મને ખેંચીને ઊર્ધ્વ જગતના આનંદમાં લઈ ગયા. સ્વામીજીના સાંનિધ્યમાં જ આ અનુભવ થયો.’
ડિટ્રોઈટમાં એક સાંજે અજાણ્યા હિંદુ સંન્યાસી વિવેકાનંદનું પ્રવચન સાંભળવા આવ્યાં હતાં, પશ્ચિમ વાસી કુમારી ક્રિશ્ચિના ગ્રિનસ્ટેડલ. તેઓ લખે છે: ‘મંચ પર પૌરુષદીપ્ત, મૂર્તિમાન મહાશક્તિનું સ્વામીજીમાં દર્શન કર્યું હતું. પશ્ચિમની આધ્યાત્મિકતાની દૃષ્ટિવાળા મનોરોગી ને કઠોર વ્યક્તિઓથી ભિન્ન પ્રકૃતિ ધરાવતા અદ્ભુત મહામાનવે તે દિવસે મર્મસ્પર્શી શક્તિનું વિરાટ દર્શન કરાવ્યું. તેની સામે લગભગ બધા જ શ્રોતાઓ વામણા બની ગયા. એ સર્વગ્રાહી શક્તિએ બધાંને ઉચ્ચતર પ્રકાશના લોકમાં વિહાર કરાવ્યો હતો. આ મનમાંથી ઊઠતા વિચારો એવા તો સ્વચ્છ, શક્તિશાળી અને અલૌકિક હતા કે મર્ત્ય માનવના સીમિત મનમાંથી આવા વિચાર આવી શકે તેમ માન્યામાં આવે જ નહિ. માત્ર ત્રીશ જ વર્ષના આ યુવક દૂરદૂરના ભારતમાંથી એક પ્રચારક રૂપે અહીં આવ્યા હતા. આ યુવક અનંત યૌવનના અધિકારી હતા. વળી તેઓ જ હતા પ્રાચીન યુગના જ્ઞાનથી સંપન્ન એક પ્રૌઢ, પાછળથી અમારામાંથી ઘણાખરાએ અનુભવ્યું કે સ્વામીજીનું પ્રવચન સાંભળીને મન ધરમૂળથી બદલાઈ ગયાં હતાં.’ પ્રથમ દર્શને જ આ પવિત્ર હૃદયી મહિલા શ્રોતાનું સમગ્ર જીવન પરિવર્તન થઈ ગયું. એક વર્ષ પછી ક્રિશ્ચિના ગઈ હતી અમેરિકાના સહસ્ર દ્વીપોઘાનમાં, વિવેકાનંદના શ્રીચરણમાં શિષ્યા બનવા માટે; તે દિવસે તેણે પોતાના ભાવિ ગુરુને કહ્યું: ‘આજે ભગવાન ઈશુ હયાત હોત ને જે શ્રદ્ધા વિશ્વાસ લઈને હું આવી હોત, એ જ શ્રદ્ધા સુમન લઈને હું આવી છું, આપના ચરણપ્રાંતમાં.’ ન્યુયૉર્કમાં એમનું એક ભાષણ પૂરું થયા બાદ એક વિદેશી ગોરો યુવક વિવેકાનંદને મળવા ગયો. યુવકના હાથમાં હતી એક ઈશુની છબી. સ્વામીજીએ જાતે જ આગળ આવીને એ તસવીર હાથમાં લીધી. એ તસવીર હાથમાં લેતાંની સાથોસાથ બોલી ઊઠ્યા: ‘અહા! આ જ તો ઈશ્વરના દૂત ઇશુ!’ યુવકે એ જ પળે વિવેકાનંદમાં ઇશુને હાજરાહજૂર નિહાળ્યા હતા. આ ક્ષણમાત્રના દર્શને આ યુવકમાં મહાન આધ્યાત્મિક પરિવર્તન આવ્યું. પાછળથી તેઓ જ થયા આત્મજ્ઞાની ગુરુદાસ મહારાજ, સ્વામી અતુલાનંદ.
મદ્રાસમાં કોઈ એક સ્થળે સંધ્યાવેળાએ અજાણ્યા પરિવ્રાજક સાધુ સંભાષણ કરી રહ્યા હતા. સંન્યાસીની ઉંમર પૂરા ત્રીશ વર્ષની પણ નહિ. એ રાત્રે અચાનક એ સંન્યાસીમાં જેના સ્પર્શમાત્રથી માનવ માનવ મટીને દેવતા બની જાય તેવી અવતારપુરુષની વિરાટ વિભૂતિ, આધ્યાત્મિક શક્તિ જાગી ઊઠી. શ્રોતા સમુદાયમાં હાજર હતા, એક હડહડતા નાસ્તિક ને પ્રખર બુદ્ધિજીવી અધ્યાપક શિંગારવેલુ મુદલિયાર. કુતૂહલથી નજીક આવીને તેમણે વિવેકાનંદને સ્પર્શ કર્યો, ને એ જ પળે એ અધ્યાપકના જીવનમાં વિલક્ષણ આધ્યાત્મિક પરિવર્તન જોવામાં આવ્યું. સ્વામીજીએ એમને પ્રિય થઈ પડેલા આ શિષ્યને ‘કીડ્ડી’ નામથી નવાજ્યા હતા. ‘આ અલૌકિક શક્તિનું કારણ શું?’ એવા પ્રશ્નના જવાબમાં સ્વામીજીએ કહ્યું: “સૅન્ટ પૉલના શબ્દોમાં ‘Grace of Spiri’’ ઈશ્વરી-શક્તિ દ્વારા પ્રેરિત આશીર્વાદ, જે માત્ર ઈશ્વરના પુત્રોના માધ્યમથી જ કાર્ય કરે છે.’
એમના ગુરુભાઈઓને વિવેકાનંદ કહેતા ‘I am a voice without a form’ હું અશરીરી વાણી છું. – જે શ્રીરામકૃષ્ણની વાણી છે.’ વિવેકાનંદ તો ફક્ત એ વાણીના વાહક જ હતા. સ્વામીજીએ લખ્યું: ‘વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો.’ શિર નમાવીને સ્વીકાર્યું હતું કે જો મારા મન, વચન કે કર્મથી કોઈ પણ ઉપકાર થયો હોય, જો મારા મુખમાંથી નીકળેલા કોઈ વચનથી જગતમાં એક પણ મનુષ્યનું કલ્યાણ થયું હોય, તો એ શ્રીરામકૃષ્ણની કૃપાથી; એ માટે હું મારો કોઈ દાવો કરતો નથી.’ કેટલું આશ્ચર્ય! અહંકાર-શૂન્ય વિવેકાનંદ! સર્વગુણસંપન્ન હોવા છતાં સ્વામીજી તો બીજાઓમાં જ આત્માની અનંત શક્તિનું દર્શન કરતા. એક પાશ્ચાત્ય મહિલાએ કહ્યું: ‘સમ્રાટ કૈઝાર સાથે હસ્તધૂનન – વેળાએ મારા મનમાં ભાવ જાગ્યો કે ‘અતિ ક્ષુદ્ર’ પરંતુ સ્વામીજી સાથે હસ્તધૂનન કર્યું, ત્યારે મારા મનમાં ‘મહત્તાથી સભર વિરાટ છું’ એવો ભાવ જાગ્યો. સ્વામીજીના સાંનિધ્યમાં આવનાર દરેક માટે આ સામાન્ય અનુભવ થઈ પડતો. સ્વામીજી એમના શિષ્યોને કહેતા: ‘તમે દરેકે દરેક મારાથી યે મહાન બનો.’ જીવનના અંતિમ દિવસોમાં કહેતા: ‘ભવિષ્યમાં કેટલાયે વિવેકાનંદ આવશે.’ પશ્ચિમના વક્ષ સ્થળ પર ખડા રહીને ઘોષણા કરતાં સ્વામીજીએ કહ્યું: ‘બધાએ પયગંબર થવું જ પડશે! કારણ કે હરકોઈમાં બુદ્ધ અથવા ઇશુ જેવા થવાની શક્તિ રહેલી છે.’
બુદ્ધના ‘ધર્મ-ચક્ર પ્રવર્તન’ની જેમ જ વિવેકાનંદે સેવા ધર્મનું પ્રવર્તન કર્યું. સ્વામીજીના શબ્દોમાં ‘શંકરાચાર્યે વેદાંતને અરણ્યનું વેદાંત બનાવ્યું. એ વનના વેદાંતને હું લઈ આવ્યો છું, જીવનનાં બધા જ ક્ષેત્રોમાં આચરણમાં મૂકવા માટે.’ એટલે જ એમ કહીએ છીએ: વેદાંતમાં ‘અહં બ્રહ્માસ્મિ’ ‘તત્ ત્વમ્ અસિ’વ. મહાવાક્યો સાથે સ્વામીજીએ ઉમેર્યું: ‘શિવજ્ઞાને જીવસેવા’. આ જ મહામંત્ર છે; તે મંત્રની સાધનાના પરિણામે ગ્રામે ગ્રામમાં, નગર નગરમાં, વિવેકાનંદના આદર્શથી પ્રેરણા પીયૂષ પામીને પ્રવૃત્તિથી ધમધમતા સેવાશ્રમો, સેવા કેન્દ્રો, વિદ્યાપીઠો, વિદ્યાશ્રમો, વ.ની સ્થાપના થઈ. કેટલાંક વર્ષો પહેલાં બ્રિટનની પ્રસારણ સેવા તથા દૂરદર્શન (બી.બી.સી. તથા બ્રિટિશ ટેલિવિઝન) મંત્રાલય વિભાગ તરફથી ભારતમાં હિંદુ ધર્મના આધુનિક રૂપનું દર્શન કરવા પ્રતિનિધિ – મંડળ આપણા દેશની મુલાકાતે આવ્યું હતું. તેઓ ભારત પર્યટનને અંતે પહોંચ્યા વારાણસીમાં. ત્યાં જુદાજુદા મઠ, આશ્રમ, મંદિર વગેરે યાત્રાધામોની મુલાકાત લેતાં-લેતાં પહોંચ્યા રામકૃષ્ણ મિશન સેવાશ્રમની હૉસ્પિટલમાં. એક યુવક ડૉક્ટર સંન્યાસી દર્દીઓની ભારે મોટી ભીડની વચ્ચે એક રોગીને ધ્યાનથી તપાસી રહ્યા હતા. આગંતુક મુલાકાતીએ પૂછ્યું: ‘આ રોગીઓને તપાસવા – આ તે કેવી રીતે તમે હિંદુ ધર્મની સાધના કરો છો?’ પેલા સંન્યાસી ડૉક્ટરે ઉત્તર આપ્યો: ‘જી હા. અન્યાન્ય મઠના સાધુ – સંન્યાસીઓની જેમ જ અમે પણ પ્રભાતમાં ગંગાસ્નાન કરીને વિશ્વનાથને ફૂલ, બીલીપત્ર વગેરે ચડાવીને, સ્તોત્રપાઠ કરીને શિવજીને પૂજીએ છીએ. ત્યાર પછી આવે છે સેવાશ્રમની હૉસ્પિટલમાં જીવતા-જાગતા શંકર ભગવાન, રોગીઓ તથા આર્તનારાયણો. શિવજીની જેમ જ પહેલાં જળથી તેમને નવડાવીએ. પછી ફૂલ બીલીપત્રની જગ્યાએ ઔષધ, મલમ – પટ્ટા વગેરે લગાડી દઈએ. અંતમાં જેવી રીતે દેવતા સમક્ષ સ્તોત્રપાઠ કરીએ, તેવી જ રીતે પીડિત – દુ:ખી રોગીને અભય આપતા ને ઉત્સાહ પ્રેરતા શબ્દો, શાતા આપતાં મીઠાં વચનો કહીએ – દિવસરાત આ રીતે ભગવાન શિવની પૂજા ચાલી રહી છે.’
નગાધિરાજ હિમાલયમાં તપશ્ચર્યામાં મગ્ન રામકૃષ્ણ-મિશનના એક સંન્યાસીને પ્રાચીન પંથી વેદાંતી સંન્યાસીઓએ એક પ્રશ્ન કર્યો: ‘આપ શંકરાચાર્યે પ્રબોધેલા વેદાંતના અનુયાયી છો, અમે પણ ખરા. આપનો તો મહાન સેવાયજ્ઞ અવિરત અવિશ્રાંત ચાલી જ રહ્યો છે. બીજી બાજુએ, અમારું જીવન-સર્વસ્વ પૂજા-પાઠ સ્વાધ્યાયમાં સમાયેલું છે. આ બેમાંથી કયું ઉચિત છે?’ વિવેકાનંદના અનુયાયી સંન્યાસીએ ઉત્તર આપ્યો: ‘શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ સત્યં જગત મિથ્યા, જીવોબ્રૌવ નાપર:’ – આપ સૌ એના પ્રથમ ચરણને અપનાવીને જીવન વિતાવો છો. જ્યારે અમે પ્રથમ ચરણના ચિંતનની સાથોસાથ બીજા ચરણને આચરણમાં મૂકવાની સાધના કરીએ છીએ.’ આ વિવેકાનંદના કર્મમાં પરિણત વેદાંતને, જીવનવ્યવહારમાં વેદાંતને જોઈને સ્વામી વિવેકાનંદના એક વિરોધી સમાલોચક લંગોટિયા દોસ્તે લખ્યું: ‘જે મંત્રના પ્રભાવ પાથરતા જાદુથી વિલાસી, એશઆરામી બાબુ સંન્યાસી થઈ શકે, રોગીના બિછાના પાસે બેસીને દિવસરાત તેની સેવા કરી શકે, પ્લેગ કે ક્ષયરોગીના રોગને જોવા છતાં ભય કે સંકોચ પામ્યા વિના; પાણીના ઊછળતાં લોઢની પરવા કર્યા વિના સાગર- સંગમમાં અચકાયા વગર કૂદકો લગાવી શકે; – એ કેવો અદ્ભુત મંત્ર! ને અદ્ભુત છે મંત્રના દાતા – મંત્રદાતા ગુરુ! એક વાર તો વિચારી જુઓ, જે ગુરુ આવા શિષ્યોનું અભયમાં પરિવર્તન કરી શકે તેઓ ખરેખર હાજરાહજૂર ઈશ્વર – ઈશ્વરના જ અવતાર!’
વિવેકાનંદમાં રોમાંરોલાંએ નિહાળ્યો માનવ-દેહધારીની ચારેય શક્તિઓ – શારીરિક, બૌદ્ધિક, હાર્દિક ને માનસિક શક્તિઓનો સંપૂર્ણ વિકાસ. ‘સંપૂર્ણ માનવ’. વિવેકાનંદની ઇચ્છા પણ એ જ હતી. આદર્શ મનુષ્ય એક સાથે કર્મ-પરાયણ ભકત, જ્ઞાની ને ધ્યાની હોય, હોવો જોઈએ. સ્વામીજી કહેતા કે શ્રીરામકૃષ્ણની પાસે આવનાર વ્યક્તિઓમાંથી હર કોઈએ આ ચારેય વિષયમાં ‘ઑનર્સ’ લેવો જ પડે. પાશ્ચાત્ય દેશોમાં તેમણે કહ્યું કે ‘શા માટે આપણે એવા અતિમાનવ – મહામાનવ થઈ શકીએ નહિ જેઓ એક સાથે કર્મયોગી, શાની ને પ્રેમિક હોય? આ શું અસંભવ છે? કદીયે નહિ. આ જ છે ભવિષ્યમાં માનવજાતિ સમક્ષ ‘સંપૂર્ણ માનવ’ બનવાનો આદર્શ. આજે આવા માણસો અતિશય અલ્પ સંખ્યામાં છે,’ નિવેદિતાને સ્વામીજીએ કહ્યું હતું: ‘આધ્યાત્મિક વ્યક્તિ સ્વાતંત્ર્ય (spiritual individualism)ની સાથે સામાજિક – વ્યક્તિ – સ્વાતંત્ર્ય (social individualm) નો વિનિયોગ કરવો પડશે.’ વળી સ્વામીજી કહેતા: ‘ભારતીયો માત્ર ધર્મનું જ સંરક્ષણ – જતન કરવા ચાહે છે. રાજનૈતિક આઝાદી કે દેશપ્રેમને ગૌણ સ્થાને ગણે. બીજી બાજુ પશ્ચિમવાસી ધર્મ અને આધ્યાત્મિકતાને તુચ્છ ગણીને રાજનૈતિક સ્વાધીનતાની જ કામના કરે.’ વિવેકાનંદની દૃષ્ટિએ એવો ભારતીય – જન પૂર્ણ નથી -અધૂરો છે. ને પાશ્ચાત્યની ચાહના ભયાવહ છે. એટલે જ વિવેકાનંદે પશ્ચિમની પ્રચંડ કર્મ પરાયણતાની સાથે પૂર્વની ગહન ગભીર આધ્યાત્મિકતાના તાણાવાણા એક સાથે વણાઈને માનવનું ઘડતર થાય, એવી અપેક્ષાથી ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી. ભારતના ધર્મ અને આધ્યાત્મિક ઇતિહાસમાં આ રામકૃષ્ણ મિશન એક ઐતિહાસિક ધ્યેય- પ્રતિશ્રુતિ લઈને, કટિબદ્ધ થઈને, કાર્યરત છે. સંપૂર્ણ માનવ બનાવવાનું ધ્યેય લઈને તે પ્રવૃત્તિઓમાં મગ્ન છે. આ જ સાધના મિશનના પ્રારંભથી ચાલતી આવે છે. એટલે જ વિવેકાનંદ માત્ર ભવિષ્યના દ્રષ્ટા જ નહિ, ભવિષ્યના સ્રષ્ટા પણ છે. પોતાના ‘સંદેશવાહક ઈશુ’ (Christ the Messenger)ના પ્રવચનમાં કહે છે: ‘પ્રત્યેક પયગંબર સમગ્ર ભૂતકાળનો સમકાલીન ઇતિહાસ અને એ જ જાતિની સભ્યતાનું મિલન પોતાનામાં મૂર્ત કરીને ભવિષ્યની સૃષ્ટિ કરવા હાથ લંબાવે છે.’ ન્યૂયૉર્કના ‘મેટાફિઝિકલ’ મૅગેઝિનમાં આપેલા નિબંધ પુનર્જન્મ Re-Incarnationમાં વિવેકાનંદે લખ્યું છે કે વ્યક્તિ વિશેષની શ્રેષ્ઠ બુદ્ધિમત્તા તથા સજાગ પરિશ્રમથી અભિનવ પ્રકાશનું આગમન થાય છે અને આ જ પ્રકાશ ધીરેધીરે અદ્ભુત રીતે સમગ્ર જાતિના જીવનમાં પ્રભાવ ફેલાવે છે. વિવેકાનંદ જાતે તે પયગંબર વ્યક્તિવિશેષ હતા, તેઓ કહેતા કે ‘બુદ્ધના જેવી ભાવનાઓ ધરાવશો તો તમે પણ બુદ્ધ થશો.’
વિવેકાનંદ હતા ઋષિ, ભવિષ્યદ્રષ્ટા, પ્રૉફેટ-પયગંબર. બેલુરમાં ગંગાતીરે ઊભા રહીને ઋષિની આર્ષદૃષ્ટિથી કહેતા: ‘બેલુર મઠમાંથી પ્રવાહિત આધ્યાત્મિક શક્તિના તરંગો વિશ્વકલ્યાણ માટે ઓછાંમાં ઓછાં ૧૫૦૦ વર્ષો સુધી કાર્ય કરશે.’ આ શક્તિના તરંગ, શ્રીરામકૃષ્ણની સાથે અભિન્ન મૂર્તિ વિવેકાનંદનું જ પ્રદાન છે. સ્થૂળદેહના અવસાનથી અવતાર શક્તિ નિ:શેષ થતી નથી. વિવેકાનંદ જાણતા કે તેમની શક્તિ ને તેમના ગુરુની શક્તિ લોકકલ્યાણ કાજે અનેકના જીવન દ્વારા પ્રવાહિત થઈને કાર્ય કરતી રહેશે. એટલે જ સ્વામીજીએ કહ્યું કે ‘એવું બનશે ખરું કે આ દેહમાંથી બહાર નીકળી જવાનું, એને એક જીર્ણ વસ્ત્રની માફક ફેંકી દેવાનું મને બહેતર લાગશે; પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા કરશે! જગત આખું પ્રભુ સાથે એકતા અનુભવી રહે ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્યમાત્રને પ્રેરણા પાતો રહીશ!’ મહાસમાધિના બે દિવસ પહેલાં પોતાના ગુરુભાઈ પ્રેમાનંદને કહ્યું હતું: ‘બાબુરામ, ઇચ્છા થાય છે કે જાણે કે આજે હું જગતના એક-એક ખૂણે-ખૂણે, વને-વને ચાલ્યો જાઉં; અને માનવને જણાવી દઉં કે તેમનામાં એકે એકમાં રહી છે બ્રહ્મની અનંત શક્તિ; પરંતુ એક આ શરીર જ બાધા આપે છે.’ આમ કહ્યા બાદ બેલુરમાં ચિતાના અગ્નિમાં વિવેકાનંદનો શિવદેહ ભસ્મીભૂત થયો માત્ર બે દિવસ પછી જ પણ વિવેકાનંદની અવતાર-ઉદ્ધારક-પરિત્રાતાની શક્તિ એ જ દિવસથી વિરાટ ભાવે જગતના મનુષ્યોની ચેતનામાં પ્રવેશીને કાર્ય કરતી રહી છે. ચાલીશ વર્ષો પહેલાં શ્રી અરવિંદે કહ્યું કે ‘વિવેકાનંદનો પ્રભાવ હજુયે વ્યાપક વિપુલ ભાવથી કાર્ય કરી રહેલ છે. – કદાચ આપણે જોઈ ન શકીએ કે કેવી રીતે કાર્યરત છે. ક્યાં કાર્ય કરે છે તે પણ ન કહી શકીએ. એવું કંઈક જે હજુયે અગોચર છે; એવું કંઈક જે સિંહ સમાન, મહાન, સંબોધિ – દીપ્ત; જે સમુદ્રની ભરતીની જેમ ભારતના મર્મ કેન્દ્રમાં પ્રવેશી ચૂકયું છે. આજે વિવેકાનંદ ભાવની ભરતી સ્પષ્ટ જોવામાં આવે છે. ભારતના સીમાડાઓને પાર કરીને એ વિરાટ ભાવપ્રવાહ દૂરદૂર પથરાઈ ચૂક્યો છે અને સમગ્ર જગતને પ્રેરણા આપી રહેલ છે. વિવેકાનંદ – શક્તિ વિશ્વવ્યાપી, તે દેશકાળની મર્યાદાઓથી અનેક ગણી પર છે.’
પયગંબરોની જેમ જ સ્વામી વિવેકાનંદ અધિકારી ઉપદેશ આપતા. યુગાવતાર શ્રીરામકૃષ્ણના જ્ઞાનસભર વચનામૃતો અને એમની જ શક્તિ માનવમાં રહેલી દિવ્યતાને જાગ્રત કરવા માટે વિવેકાનંદને યંત્ર બનાવીને પ્રકાશિત થતાં હતાં એ વાસ્તવિકતાથી સ્વામીજી સભાન હતા. અમે અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ કે એમણે કહ્યું છે: હું અશરીરી વાણી છું “I am avoice without a form” એટલે જ સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને સંદેશમાં દિવ્ય અગ્નિ હજુયે ભડભડાટ પ્રકાશે છે પ્રજ્વળે છે. ફરી ફરીને વિવેકાનંદની મર્મસ્પર્શી શબ્દશક્તિનો અનુભવ મનને ઊર્ધ્વમુખી કરે છે. બધા મનુષ્યોમાં રહેલી સુપ્ત દિવ્યતાને ધીમેધીમે પ્રગટ કરે છે.
એમનો સંદેશ કોઈ અમુક ધર્મને માટે જ નથી, પરંતુ વૈશ્વિક સત્યો છે. વાચક ભલે ને ગમે તે રાષ્ટ્રીયતા, નાત-જાત, ધર્મ, સંપ્રદાય કે વર્ણના હોય, તો પણ તે વાચકને અચૂક પ્રેરણા આપશે.
(રાજકોટ-શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા નૂતન પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદની અભયવાણી’ પુસ્તકની ભૂમિકા.)
Your Content Goes Here




