(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ લેખ તેમના પુસ્તક ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’માંથી તેમની સંમતિથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. – સં.)

ભારત ઉપર બ્રિટિશ સામ્રાજ્યવાદનો ઉદય થયો તેનાં હજારો વર્ષ પહેલાં તેણે પોતાની આગવી સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા ખીલવી હતી. પોતાના ભાતીગળ અનુભવોને આધારે તેણે સમયાનુસાર ફેરફારો પણ અપનાવ્યા હતા. પરંતુ નવજાગૃતિ અને ધર્મસુધારણા તેમજ ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થયેલા બ્રિટિશ શાસન દ્વારા ભારત ઉપર જે તીવ્રતાથી પશ્ચિમની સંસ્કૃતિ અને વિચારસરણીનો પ્રભાવ વધ્યો તેણે તો ભલભલા બૌદ્ધિકોને હેરત પમાડી દીધા. કેટલાકે તેને જૂની-જર્જરિત સમાજવ્યવસ્થાના પરિવર્તનની દૃષ્ટિએ ઉત્સાહ અને આશાઓથી વધાવી લીધી.

પરંતુ કેટલાક બૌદ્ધિકોએ ભયચકિત થઈને પરાધીન ભારતની પહેચાન માટે આત્મખોજ શરૂ કરી, એટલું જ નહીં, તેમણે પશ્ચિમનાં સાંસ્કૃતિક ‘આક્રમણો’નો મુકાબલો કરવા તર્કયુક્ત રીતે દલીલો કરી. આ પ્રકારના બૌદ્ધિકોમાં સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨) મોખરાનું સ્થાન ધરાવે છે. પૂર્વ અને પશ્ચિમની ફિલસૂફી અને ધર્મના પ્રખર અભ્યાસી, તેજસ્વી કલમ અને વાક્છટા તેમજ તીવ્ર રાષ્ટ્રભક્તિની ભાવનાથી માત્ર ૪૦ વર્ષનું ટૂંકું જીવન જીવી ગયેલા આ કર્મશીલ સંન્યાસીએ પોતાના અવસાન પછી પણ ભારતના કેટલાયે ક્રાંતિકારીઓ અને વિવિધ શૈલીના અન્ય રાષ્ટ્રવાદીઓ ઉપરાંત સમાજસુધારકો અને સામાજિક કાર્યકરોને પ્રેરણા આપી હતી. આઝાદીના આંદોલન દરમિયાન હિંદી રાષ્ટ્રીય મહાસભાએ ‘કોમ્પોઝિટ કલ્ચર’ની ભાવનાને પુષ્ટ કરવા માટે વિવેકાનંદને ઉપસાવ્યા હતા, અને આજે તો હવે વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા બી.જે.પી.ના નેતાઓ કુશળતાથી હિંદુત્વની ભાવનાનો વ્યવસ્થિત પ્રચાર કરવા માટે વિવેકાનંદને પ્રોજેક્ટ કરી રહ્યા છે. તેમને વિશે થોકબંધ લખાયું હોવાથી પ્રસ્તુત લેખમાં કેટલાક નવા ખ્યાલો અને સ્રોતોને આધારે વસ્તુનિષ્ઠ (ojective) રીતે આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. અત્રે ખાસ ઉમેરવાનું કે આ લેખમાં વિવેકાનંદને ‘પ્રગતિશીલ-રૂઢિચુસ્ત’, ‘સુધારક-પ્રતિક્રિયાવાદી’, ‘બિનસાંપ્રદાયિક-કોમવાદી’ જેવી બે પરસ્પર વિરોધી (binary) શ્રેણીઓના બીબામાં ઢાળવાને બદલે તેમને તેની વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ કરનાર બૌદ્ધિક તરીકે જોવામાં આવ્યા છે.

વિવેકાનંદ જીવતા હતા ત્યારે પણ ગુજરાતી ભાષામાં તેમને વિશે ઘણું લખાયું હતું. જેમ કે, નરોત્તમ મગનલાલ પટેલે ૧૮૯૬માં પ્રસિદ્ધ કરેલા તેમના ગ્રંથ ‘મહાજન મંડળ’માં રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૧૮૮૬) અને વિવેકાનંદ પર અસરકારક રીતે લખ્યું હતું. તેમના અવસાનના દસકા સુધીમાં તો ગુજરાતમાં તેમને વિશે અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા હતા. જેમ કે,

૧. મોહનલાલ દલીચંદ દેસાઈ, સ્વામી વિવેકાનંદના પત્રો : તેમની સંક્ષિપ્ત જીવનરેખા સહિત (મુંબઈ, ૧૯૧૨)

૨. ભગુભાઈ ફતેહચંદ કારભારી, સ્વામી વિવેકાનંદના પત્રો (અમદાવાદ, ૧૯૧૨)

૩. ભીમજી હરજીવન પરીખ, સ્વામી વિવેકાનંદ: એમનો સદુપદેશ (મુંબઈ, ૧૯૧૫)

૪. નારાયણજી વીસનજી ઠક્કર, વિવેકાનંદ વિચારમાળા (મુંબઈ), ૧૯૧૬)

૫. ડાયાભાઈ મહેતા, સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર (અમદાવાદ, ૧૯૧૬)

વિવેકાનંદ ગુજરાતમાં કેવા લોકપ્રિય હતા તેનો ખ્યાલ તો તેમના મૃત્યુ પ્રસંગે ‘સમાધિસ્થ સ્વામી વિવેકાનંદ’ શીર્ષક હેઠળ સમાલોચકે (જુલાઈ, ૧૯૦૨) તેમને આપેલ અંજલિ દ્વારા આવી શકે તેમ છે. તેના શબ્દોમાં:

પૂર્વ તેમજ પશ્ચિમમાં આર્ય ધર્મનો ઉદ્‌ઘોષ કરનાર મહાન આચાર્ય અને વક્તા તરીકે પ્રસિદ્ધ થયેલા સ્વામીશ્રી વિવેકાનંદજી ૪ જુલાઈના રોજ ચાલીસ વર્ષની તરુણ વયે સમાધિસ્થ થયાના દુ:ખદ સમાચાર લોકમાં ફરી વળ્યા છે… ૧૮૯૬-૯૭ના દુકાળ વખતે જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં શ્રીનાથદ્વારાના ગોસ્વામીએ કશો જ પ્રયાસ કર્યો ન હતો તે સમયે અમેરિકાની મદદથી ચાલતા બેલુર મઠ ખાતેના સ્વામીના શિષ્યોએ તેમની આગેવાની હેઠળ રોટલીને માટે વલખાં મારતાં રજપૂતાનાનાં સેંકડો સ્ત્રીપુરુષો અને બાળકોને મૃત્યુના મુખમાંથી બચાવી લીધાં હતાં. તેથી વિશ્વભરમાં તેમની પ્રશંસા થઈ હતી. સ્વામી વિવેકાનંદના ધર્મ માટે કેટલાક પશ્ચિમથી પ્રભાવિત થયેલા સુધારક ધર્મની છાયા જેવું તેને સ્વરૂપ આપે છે. પરંતુ વાસ્તવિક રીતે તો સુધારા જેવું તેમાં કાંઈ જ ન હતું. પ્રાચીન અદ્વૈત મતમાં તે હતું જ અને તે જ સ્વામીશ્રી તેમના ઉપદેશોમાં જણાવતા હતા. જ્ઞાતિબંધન અને બીજાં મિથ્યાભિમાન મૂકી દઈ અદ્વૈત ઉપર જવાનો તેઓ બોધ કરતા હતા. શંકરાચાર્યની માફક સ્વામી વિવેકાનંદે પણ તરુણ વયમાં સ્વર્ગવાસ કર્યો હતો. આમ છતાં તેમણે સાચા અદ્વૈત દ્વારા લોકોનું જીવન ઉન્નત કર્યું હતું. તેમણે હિંદુ ધર્મ માટે ઘણું કર્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે તેમના શિષ્યો તેમણે વાવેલાં બીજને પલ્લવિત કરવામાં જ ગુરુભક્તિનું સાર્થક સમજશે.’ (પૃ. ૯૧-૯૫)

ઉપરોક્ત અંજલિ મુજબ ‘પ્રાચીન અદ્વૈતમાં બધું હતું જ’ અને તેને જ ગ્રહણ કરીને વિવેકાનંદે ઉપદેશો આપ્યા હતા. પણ હકીકતમાં તો વિવેકાનંદે થિયોસોફી અને પશ્ચિમના કેટલાક પથ્ય વિચારો ઉપરાંત વેદાંતના જ્ઞાનરૂપ અભેદમાર્ગ વચ્ચેનો સેતુ સાધીને અદ્વૈતને વ્યવહારલક્ષી બનાવવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા. આમ થોડાક વ્યાપક અભિગમની જરૂર છે, તેથી પ્રસ્તુત લેખના સંદર્ભમાં જે બાબતોને સંબંધ છે તેને પણ લક્ષ્યમાં લઈશું. વિવેકાનંદ ૧૨ નવેમ્બર, ૧૮૯૧થી ૨૬ એપ્રિલ, ૧૮૯૨ દરમિયાન ગુજરાતમાં સાડા છ મહિના રોકાયા ત્યારે તેમની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેમની દેશ-વિદેશમાં કીર્તિ તો ૧૮૯૩માં તેઓ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા ત્યાર પછી જ ફેલાઈ હતી. તેઓ સ્થિતિચુસ્ત નહીં પણ ગતિશીલ સંન્યાસી હોવાથી યુરોપ-અમેરિકાના અનુભવોમાંથી પણ ઘણું નવું શીખ્યા હતા. ત્યાંની પ્રજાઓએ તેમને ઉત્સાહભેર વધાવી લીધા હોવાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. તેથી ૧૮૯૩ પહેલાંના અને ત્યાર પછીના તેમના અભિગમોની અત્રે છણાવટ કરવામાં આવી છે.

વિવેકાનંદ કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતા. ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ જેવા મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોની જેમ તેમણે પણ ઇતિહાસ અને મોરલ ફિલસૂફી સહિત એરિસ્ટોટલ, પ્લેટો, મીલ, બેન્યામ, હેગલ અને શોપનહોરનો અભ્યાસ કર્યો હોવા ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્રો વિશે પણ જ્ઞાન વધાર્યું હતું.

પરંતુ તેઓ ૧૮૮૪માં બી.એ. થયા તેનાં ત્રણ વર્ષ પહેલાં રામકૃષ્ણ પરમહંસના (૧૮૩૬-૧૮૮૬) સંપર્કમાં આવતાં તેમને નવા જ અનુભવો થયા, જે સમય અને સ્થળના ચોકઠામાં બંધ બેસે તેવા ન હતા. વળી તે કેવળ શબ્દ દ્વારા વ્યક્ત થઈ શકે તેવા પણ ન હતા. આમ હોવા છતાં રામકૃષ્ણની આધ્યાત્મિક અનુભૂતિઓમાં વિશ્વના વિવિધ ધર્મો વચ્ચે સંકલન થતું હોવાનું દેખાવાથી કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને વિવેકાનંદ જેવા ભદ્રલોકના બૌદ્ધિકો ઉપરાંત બંગાળના રાજાઓ અને જમીનદારો તેમને મળવા આવતા અને વિવેકાનંદે તો પરમહંસ પાસેથી ૧૮૮૬માં સંન્યાસીની દીક્ષા પણ ગ્રહણ કરી હતી.

રામકૃષ્ણે પુસ્તકો વાંચ્યાં ન હતાં. નરોત્તમ પટેલે ૧૮૯૬ લખ્યા મુજબ તેઓ રીતસર બે-ત્રણ લીટીઓ પણ લખી-વાંચી શકતા નહીં. આમ છતાં તેઓ સમાધિ અવસ્થામાં સ્ત્રી અને મુસલમાનનો વેશ ધારણ કરીને ‘કૃષ્ણ, કૃષ્ણ’ અને ‘અલ્લા અલ્લા’ કરીને પાગલની જેમ નાચતા હતા.

આવાં કારણોસર જ વિવેકાનંદ કહેતા: ‘મારા ગુરુ તો હિંદુ ધર્મશાસ્ત્રો અને પરંપરાઓનું જીવંત ભાષ્ય છે. તેઓ માનવપ્રેમ અને વિશ્વબંધુત્વની ઝંખના કરતા કોઈ પણ મનુષ્યના અંતરના અવાજરૂપ (inner voice) છે.’[1] બીજી તરફ તે જ સમયે ડૉ. પોલ ડોયસન, એમ. સ્કેલર, ઈ. વૉન હાર્ટમેન, અને મેક્સ મૂલર ઉપરાંત કર્નલ એચ. એચ. ઓલ્કોટ અને મેડમ એચ. પી. બ્લેવેટ્‌સ્કી જેવા પૌરસ્તવિદ્યાના નિષ્ણાતો (onentalists) ધર્મ અને વિશ્વબંધુત્વ વચ્ચે સેતુ સાધી શકે તેવાં કોઈ શાશ્વત તત્ત્વોની શોધમાં હતા, આમ જે સમયે ભારત અને યુરોપ-અમેરિકાના કેટલાક બૌદ્ધિકો આ પ્રકારની મથામણો કરી રહ્યા હતા, તે સમયે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુનો સંદેશ સંભળાવવા ભારતભરમાં ભ્રમણ કર્યું હતું અને નવેમ્બર, ૧૮૯૧થી એપ્રિલ, ૧૮૯૨ દરમિયાન ગુજરાતમાં રહ્યા હતા. પણ ઉપર જણાવ્યું છે તે મુજબ તેમના ઉપદેશો રામકૃષ્ણના ભક્તિ, વેદાંત અને સમાધિ મિશ્રિત મૂળ સંદેશના સ્વરૂપમાં નહીં પણ સમય અને સંજોગોને અનુરૂપ નવરચના પામેલ (reconstructed) સ્વરૂપના હતા. વિચારશક્તિ અને વિવેકબુદ્ધિ વગરની વાતોને કોઈ પણ સમજદાર માણસ કેવી રીતે માની લે?! તેથી જ ગુજરાત અને ત્યાર પછી યુરોપ-અમેરિકામાં વિવેકાનંદે રામકૃષ્ણના ‘અંતરના અવાજનો’ નવપલ્લવિત કરાયેલ પડઘો પાડતાં જાહેર કર્યું હતું કે જે બાબત નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક દૃષ્ટિએ કદી સાચી હોઈ ન શકે. તેમણે નૈતિક આદર્શોને રાષ્ટ્રવાદની ભાવના સાથે વણી લઈ યુવા વર્ગને હાકલ કરી હતી કે ‘તમે રામનામની માળાઓ ફેરવવાને બદલે જો ફુટબોલ રમીને શરીર અને મનને તંદુરસ્ત બનાવશો તો સ્વરાજ્ય વહેલું હાંસલ કરી શકશો.’

આમ ગુજરાતની મુલાકાત વખતે વિવેકાનંદનું ‘સોશ્યલ એથિક્સ’ નવાચારી હતું. તેમનો ઉપદેશ મણિલાલ નભુભાઈ (૧૮૫૮-૧૮૯૮) જેવા ‘અભેદમાર્ગના પ્રવાસી’ કે રમણભાઈ નીલકંઠ (૧૮૬૮-૧૯૨૮) જેવા પશ્ચિમની વિચારસરણીથી પ્રભાવિત થયેલા બૌદ્ધિકો સાથે નહીં પણ ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮૫૫-૧૯૦૭) જેવા સમન્વયકારી બૌદ્ધિકો સાથે તાલમેલ સાધી શકે તે પ્રકારનો હતો.

ગોવર્ધનરામ ઉપર તેમના વેદાંતી કાકા મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની (૧૮૪૦-૧૯૦૭) અસર ખરી; પણ ભક્તિ પરંપરાની પણ ખાસ અસરો હતી.

આમ વિવેકાનંદની જીનિયસ પ્રતિભા એ કે તેમણે રામકૃષ્ણની તાંત્રિક પ્રકારની અગમ્ય સ્પિરિચ્યુઅલ અનુભૂતિઓનું રૂપાંતર સોશ્યલ એથિક્સમાં કર્યું હતું. તેમણે પશ્ચિમના સાંસ્કૃતિક પ્રભાવનો મુકાબલો કરવા રાજા રામમોહનરાય અને બ્રાહ્મસમાજની વિચારસરણીનો નહીં, પરંતુ વેદાંતના અભેદવાદ સહિત હિંદુ સ્રોતોનો બુદ્ધિગમ્ય રીતે પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમનો વેદાંત મનઃસુખરામ ત્રિપાઠી, ગોકુળ ઝાલા, ગગા ઓઝા અને મણિલાલ નભુભાઈની જેમ ‘ક્લાસિકલ’ પરંપરાગત વેદાંત નહીં. પણ પૂર્વ અને પશ્ચિમના સંવાદોમાંથી નિષ્પન્ન થયેલો નવ્ય-વેદાંત (neo-Vedanta) અને નવ્ય હિંદુ ધર્મ (neo Hinduism) હતો.

અત્રે યોજવામાં આવેલ નવ્ય-વેદાંત સંજ્ઞા વિશે થોડી ઘણી સમજૂતી જરૂરી છે. શાંકર વેદાંત મુજબ વૈયક્તિક અનુભવો ઉપરથી બ્રહ્મની કોઈ સાબિતી પ્રાપ્ત થતી નથી અને તે જરૂરી પણ નથી. બ્રહ્મ અને સાક્ષાત્કાર કેવળ શ્રુતિગમ્ય જ છે. તેથી શ્રુતિથી સ્વતંત્ર તર્ક અને આધ્યાત્મિક અનુભવ દ્વારા બ્રહ્મને ઓળખી—સ્થાપી શકાય નહીં. વેદો અપૌરુષેય છે. તેથી વ્યક્તિગત અનુભવો શ્રુતિ પ્રકાશિત અસ્તિત્વની પ્રાપ્તિ કરાવી શકે, પણ તેની સાબિતી માટે તે જરૂરી નથી.

બીજી તરફ દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, વિવેકાનંદ, રમણ મહર્ષિ, અરવિંદ ઘોષ અને રાધાકૃષ્ણન્‌ જેવા નવ્ય વેદાંતીઓએ શાસ્ત્રપ્રમાણને સ્થાને આધ્યાત્મિક અનુભવને હિંદુ ધર્મ અને ચિંતનનું હાર્દ ગણીને પશ્ચિમ સાથે નવો સંવાદ રચ્યો. વિલ્હેમ હેલ્બહાસ મુજબ:

‘નવ્ય હિંદુ ધર્મ પશ્ચિમના વિજ્ઞાન અને તત્ત્વચિંતનનો મુકાબલો કરતો હોવાથી તે ભારતીય પરંપરાને ઉદ્યમ રીતે વ્યક્ત કરે છે. આ પ્રકારનું મૂલ્યાંકન અને ફેર-તપાસ હિંદુ પરંપરાઓને નવા દૃષ્ટિકોણથી જોવામાં સહાયરૂપ છે.’[2]

આંતરરાષ્ટ્રિય કક્ષાએ આ પ્રકારનો સંવાદ રચનાર સૌ પ્રથમ ભારતીય સ્વામી વિવેકાનંદ હતા. તેમણે વિશ્વના પ્રત્યેક ધર્મમાં રહેલા એક સમાન આધ્યાત્મિક સત્ય પર ભાર મૂકીને પશ્ચિમ સાથે સંવાદ રચ્યો હતો.

અંગ્રેજી ભાષામાં પ્રવચનો કરતા સાધુ-સંન્યાસીઓ ઉપર જો આજે પણ ‘સુખી ઘરના’ અને ભણેલા બૌદ્ધિકો ફિદા થઈ જતા હોય તો તે સમયે શાસકોની ભાષામાં લખતા અને પ્રવચનો કરતા વિવેકાનંદ પર ભદ્ર વર્ગ કેટલો બધો મુગ્ધ થયો હશે! વળી વિવેકાનંદ તો સાહિત્ય, સંગીત, ચિત્રકલા, પાકશાસ્ત્ર અને રમતગમત ઉપરાંત રાજકારણ અને અર્થકારણના પણ કુશળ કસબી હતા. આવાં કારણોસર તેઓ ગુજરાતના સ્થિતિસંપન્ન વેદાંતીઓ ઉપરાંત રાજ્યસત્તા ધરાવતા રાજાઓ અને તેમના પ્રધાનો તથા ઉચ્ચ અમલદારોમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા.

ગુજરાતની મુલાકાત દરમિયાન વિવેકાનંદ ગોવર્ધનરામને મળ્યા હતા કે નહીં તે અંગે હાલ માહિતી ઉપલબ્ધ નથી. જો કે જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને (૧૮૪૦-૧૮૯૫) તા. ૨૬-૪-૧૮૯૨ના રોજ લખેલા પત્ર મુજબ તેમણે મણિલાલ નભુભાઈ સાથે નડિયાદમાં ધર્મ અને ફિલસૂફીની ચર્ચા કરી હતી.[3] તેમણે મનઃસુખરામ ત્રિપાઠી સાથે પણ વખતોવખત ચર્ચાઓ કરી હતી.

મનઃસુખરામ અત્યંત વગદાર રાજકારણી હોવા ઉપરાંત મોટા ગજાના વિદ્વાન પણ હતા. તેમણે લખેલ ‘A Sketch of the Vedanta Philosophy’ પુસ્તિકાને તો ટી.ઈ. સ્લેટર (‘Concepts of Monism’) અને મેક્સ મૂલરે (‘India: What can it teach?) પણ ટાંકી હતી.[4] વળી જર્મનીની હીલ યુનિવર્સિટીના ફિલસૂફીના પ્રોફેસર ડૉ. પોલ ડોયસન પણ તેમને મળવા મુંબઈ ગયા હતા. પંજાબના સંન્યાસી નિભલદાસે સંસ્કૃતમાં લખેલ ‘વિચારસાગર’નો મન:સુખરામે ગુજરાતી ભાષામાં કરેલો અનુવાદ ઇંગ્લૅન્ડનાં કેટલાંક એરિએન્ટાલિસ્ટ સ્ત્રી-પુરુષોએ વખાણ્યો હતો.[5]

આ દૃષ્ટિએ વિવેકાનંદ સાચે જ નસીબદાર હતા. ગોવર્ધનરામ, મનઃસુખરામના ભત્રીજા હોવા ઉપરાંત બન્ને વચ્ચે ધર્મ અને અધ્યાત્મ વિશે ચર્ચાઓ ચાલ્યા જ કરતી. તેથી મનઃસુખરામ દ્વારા ગોવર્ધનરામ અને વિવેકાનંદ મળ્યા હોય તેવો સંભવ છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે ગોવર્ધનરામ વિવેકાનંદનાં લખાણોથી સુપરિચિત હતા, તેનાં ત્રણ ઉદાહરણો નોંધીશું:

૧. ગોવર્ધનરામે તેમની અંગ્રેજી મનન-નોંધમાં તા. ૧૧-૧-૧૯૦૪ના રોજ લખ્યું હતું.

“સ્વ. સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ આશ્રમનું સૂચિપત્ર મારી પાસે છે. હાલના સંજોગોમાં મારા તત્ત્વચિંતનનો વ્યવહારુ ઉપયોગ એ જ મારી આશા છે.”[6]

૨. બ. ક. ઠાકોર અને કેશવ હર્ષદ ધ્રુવ મૃત્યુને બિછાને સૂતેલા ગોવર્ધનરામને મળવા તા. ૧૯-૯-૧૯૦૬ના રોજ નડિયાદ ગયા ત્યારે તેમની વચ્ચે સ્વામી વિવેકાનંદ વિશે થયેલી ચર્ચા દરમિયાન ગોવર્ધનરામે સ્વામીની પ્રશંસા કરતાં તેમના નીચેના શબ્દો ટાંક્યા હતા:

માણસ ઊંઘતાં પહેલાં મૂર્ખ હોય છે, અને ઊંઘ્યા પછી મૂર્ખ હોય છે, માણસ સમાધિ શરૂ કરે છે ત્યારે તે મૂર્ખ હોય છે, પણ સમાધિમાંથી જાગૃત થયા બાદ તે જ્ઞાની હોય છે.[7]

૩. ગોવર્ધનરામે તેમના વૈજ્ઞાનિક મિત્ર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને (૧૮૬૩-૧૯૨૦) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ શિકાગો ગયા ત્યારથી તેઓ તેમનાં ભાષણો અને લખાણોથી પરિચિત હતા.

(ક્રમશ:)

[1]     શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૯૬૨ અને ત્યાર બાદ પ્રસિદ્ધ થયેલા ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા’ ના ગ્રંથોને આધારે વળી જુઓ, Amiya p. Sen, Hindu Revivalism in Bengal 1872-1905 (Oxford University Press, 2001)

[2]     Wilhelm Halbfass, India and Europe: AnEssay in philosophical Understanding (Motilal Banarasldas, Delhi, 1990), p. 395

[3]     સ્વામી વિવેકાનંદે હરિદાસ વિહારીદાસ દેસાઈને લખેલા પત્રો સૌપ્રથમ ૧૯૦૯માં ‘પ્રાઇવેટ સરક્યુલેશન’ માટે પ્રસિદ્ધ થયા હતા. તેની દ્વિતીય આવૃત્તિ માટે જુઓ, Letters From Swami Vivekananda to Late Mr. Harldas Viharidas Desai. Diwan of Junagadh State, Reprinted by Ashok C. Desai (Gayatri priniting Press, Navi Mumbai, 1998), pp. 1-2. હરિદાસ દેસાઈએ સ્વામી વિવેકાનંદને લખેલા પત્રો અપ્રસિદ્ધ છે. હવે પછી ‘Letters’ તરીકે ઉલ્લેખિત

[4]     વસન્ત, વર્ષ ૬, અંક-૭, આપાડ, સંવત ૧૯૬૪, પૃ. ૩૬૦

[5]     એમ.એચ નઝરે લંડનથી મણિલાલ નભુભાઈને તા. ૧૮ માર્ચ ૧૮૯૨ના રોજ લખેલ પત્ર. આધાર : ‘શ્રી મણિલાલ નભુભાઈના તથા એમના પર લખાયેલ સ્નેહીઓના અપ્રગટ પત્રોની ફાઈલ ને Acc/14726, ક્રમાંક ૩૧૧૭, ભી.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદની હસ્તપ્રત વિભાગ: મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. ‘વિચારસાગર નિશ્વકૃત’ ભુંબઈ, ૧૮૯૮).

[6]     Kantilal Pandya, Ramprasad Bakshi and Sanmukhlal Pandya (eds.) Govardhanram Madhavram Tripathi’s Scrap Book 1894-1904 (Bombay, 1959), pp. 286-87

[7]     વસંતનો ‘સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી’ સ્મૃતિ અંક, પૃ. ૬, અંક-૩, અધિક ચૈત્ર, સંવત ૧૯૬૩, પૃ. ૧૯૨.

 

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.