(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ લેખ તેમના પુસ્તક ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’માંથી તેમની સંમતિથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. – સં.)
(ગતાંકથી આગળ)
આમ મુદ્દો એ છે કે સાંસ્થાનિક હિંદનાં સાંસ્કૃતિક મૂળિયાં શોધવાની મથામણ કરી રહેલા ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ચોથા ભાગમાં (૧૯૦૧) લોક-કલ્યાણ અને વ્યવહારુ સંન્યસ્તનો જે ખ્યાલ ઉપસાવ્યો છે તેની ભીતરમાં વિવેકાનંદની કોઈ અસર ખરી? વ્યવહારુ સંન્યાસી તો સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૨) પણ હતા. કાશીના પંડિતોને શાસ્ત્રાર્થમાં મહાત કર્યા બાદ ૧૮૭૨માં કલકત્તા જઈને તેમણે દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સુરેન્દ્રનાથ બેનરજી અને બંકિમચંદ્ર જેવા બ્રાહ્મસમાજીઓ, રાજકારણીઓ અને સાહિત્યકારોને પ્રભાવિત કર્યા હતા.[1] આમ છતાં ગોવર્ધનરામ ઉપર દયાનંદની નહીં પણ વિવેકાનંદની અસર હતી. બીજી તરફ જોઈએ તો હેગલ, કોમ્પ, શોપનહોર, ડબલ્યુ કોંગ્રેવ, શેલિંગ, જે. એલ. મીલ, કર્નલ ઓલ્કોટ અને બ્લેવેટ્સ્કી’ જેવા પશ્ચિમના ફિલસૂફો તેમજ થિયોસોફિસ્ટો અને હિંદના બૌદ્ધિકો વચ્ચેના સંવાદોમાંથી ‘નવ્ય વેદાંત’ અને ‘વ્યવહારુ સંન્યસ્ત’ જેવી સંસ્થાઓ ૧૮૮૦ સુધીમાં ચલણી બની ચૂકી હતી. કોમ્પ અને કોંગ્રેવે તો વસ્તુનિષ્ઠાવાદી (positivist) અભિગમ દ્વારા તુલનાત્મક સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે તેમના શિષ્યોને બંગાળમાં મોકલ્યા હતા અને તેની અસરો મહેન્દ્રનાથ સીલ અને વિવેકાનંદ જેવા નવ્ય વેદાંતીઓ પર પડી હતી. આ પ્રકારની સમાવર્તી (inclusivist) વિચારસરણી સાંસ્થાનિક હિંદની સૃષ્ટિમીમાંસાના (cosmological) નાના પણ મહત્ત્વના ભાગરૂપ હતી, અને ગોવર્ધનરામે તે ઝીલી હતી. તેથી તેમણે વ્યવહારુ સંન્યાસીનો ખ્યાલ સ્વતંત્ર રીતે ઉપસાવ્યો હોય તેવો વધારે સંભવ છે. પણ એટલું તો ખરું જ કે સમાવર્તી હિંદુ વિચારધારાએ વિવેકાનંદ અને ગોવર્ધનરામ જેવા ચિંતકોને ખ્રિસ્તી મિશનરીઓની હિંદુ ધર્મની ઘોર નિંદા કરીને શરૂ કરેલી ધર્મવટાળની પ્રવૃત્તિઓ તેમજ પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિનો બુદ્ધિગમ્ય રીતે સામનો કરીને હિંદુ ધર્મની વહારે ધાવામાં ચોક્કસ રીતે મદદ કરી હતી. ગોવર્ધનરામે પોતાના વ્યક્તિત્વમાંથી નિયોજેલો મુંબઈ નગરનો એમ.એ., એલ.એલ.બી. સરસ્વતીચંદ્ર ઘણી બાબતોમાં કલકત્તા નગરના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણમાંથી પાંગરેલા વાસ્તવિક વિવેકાનંદ સાથે સામ્ય ધરાવે છે. જો કે ‘The Great and Divine will’ને બહુ નહીં ગણકારનાર કર્મશીલ (activist) વિવેકાનંદમાં થોડી ઘણી દ્વૈધવૃત્તિ હોવા છતાં તેઓ ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’ પાત્રની સરખામણીમાં વધારે આત્મવિશ્વાસ ધરાવતા હોય એમ લાગે છે.[2] પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે નવાચારી નગરીય સંસ્કૃતિ અને વિચારધારાની અભૂતપૂર્વ રીતે ખિલવણી કરનાર તો અંગ્રેજો જ હતા! ભારતના વિવિધ પ્રકારના બૌદ્ધિકો તેની નીપજ હતા.
ગુજરાતની મુલાકાત દરમિયાન વિવેકાનંદ સૌપ્રથમ સુવિખ્યાત સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકરને (૧૮૪૫-૧૯૧૨) અમદાવાદમાં સપ્ટેમ્બર, ૧૮૯૧માં મળ્યા હતા. મહત્ત્વનો સવાલ એ છે કે તેમની વચ્ચે કયા વિષયો પર ચર્ચા થઈ હશે? પશ્ચિમનાં ભૌતિક તેમજ વૈચારિક પરિબળોથી પ્રભાવિત થયેલા પ્રાર્થના-સમાજિસ્ટ લાલશંકરે જીવનભર બાળલગ્ન, સતીપ્રથા, કન્યાવિક્રય અને લગ્ન અને મૃત્યુ સમયે થતા બેસુમાર ખર્ચા સામે ઝુંબેશ શરૂ કરી હતી. વળી તેમણે અમદાવાદમાં ડિસેમ્બર, ૧૮૮૪માં અંજુમને ઇસ્લામ નામની પ્રગતિશીલ મુસ્લિમ સંસ્થા સ્થાપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.[3] આ ઉપરાંત તેમણે કેટલીયે નિઃસહાય બાળવિધવાઓનાં પુનર્લગ્ન જીવને જોખમે યોજાવ્યાં હતાં. બીજી તરફ વિવેકાનંદ બાળવિધવાઓના લગ્નના પણ વિરોધી હતા. તેમણે જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને શિકાગોથી તા. ૨૦-૬-૧૮૯૪ના રોજ પત્રમાં લખ્યું હતું:
‘Do you think th at a nation is saved by the number
‘Do you think that…’
શું તમે એમ માનો છો કે એક પ્રજાનો તેની વિધવાઓને કેટલા ધણીઓ મળે છે તે પરથી ઉદ્ધાર થઈ જવાનો છે? તેમજ આપણા ધર્મનો પણ દોષ નથી; કારણ કે એક મૂર્તિ વધારે કે ઓછી હોય તેથી કંઈ ફેર પડતો નથી. પરંતુ સઘળી ખામી અહીં છે કે સાચી પ્રજા કે જે ઝૂંપડીમાં રહે છે, તે પોતાનું મનુષ્યત્વ, પોતાનું વ્યક્તિત્વ ભૂલી ગઈ છે… આમ જૂનો હિંદુ ધર્મ માત્ર હિંદુ ધર્મ દ્વારા જ સુધારી શકાય, પણ નવી તરંગી સુધારક પ્રવૃત્તિઓ દ્વારા નહીં.’[4]
ઉપરોક્ત પત્ર સહિત વિવેકાનંદના કેટલાક વિચારો પરસ્પર વિરોધી છે કારણ કે તેમણે અનેક વાર ઉપદેશ આપ્યો હતો કે સાંસ્થાનિક હિંદે રાષ્ટ્ર-રાજ્યની (nation-state) ભાવના ઉપરાંત પુરુષત્વ (Manhood) અને વ્યક્તિત્વ (individuality) તો યુરોપ-અમેરિકા પાસેથી જ શીખવાનાં છે. તેમણે દીવાન હરિદાસને ભારપૂર્વક લખ્યું હતું, ‘સ્વાશ્રય, ભાઈચારા અને વ્યક્તિ-સ્વતંત્રતાની ભાવનાને વરેલા અમેરિકા સાથે હિંદને સરખાવી જ કેવી રીતે શકાય? આ બાબતમાં તો જાપાન પણ આપણા કરતાં ઘણું આગળ છે.’[5] વિવેકાનંદ ખુદ પોતાના વિરોધાભાસો જાણતા હતા અને તેથી જ તેમણે તેની વચ્ચેનાં છિદ્રો પૂરવા માટે તર્કયુક્ત દલીલો કરી હતી. આ મહત્ત્વના મુદ્દા વિશે પાછળથી જોઈશું.
તટસ્થ રીતે જોઈએ તો મહીપતરામ રૂપરામ, લાભશંકર, કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા સુધારકો અને પત્રકારો કોઈ પશ્ચિમનું આંધળું અનુકરણ કરતા ન હતા. તેઓ વ્યક્તિને, જ્ઞાતિ અને સમાજના જુલમોમાંથી મુક્ત કરાવવા લેખનપ્રવૃત્તિ ઉપરાંત કાર્ય પણ કરી રહ્યા હતા. કોઈને પણ એમ ન હતું કે લાવો ત્યારે આપણે ગુજરાતને પશ્ચિમના રંગથી રંગી નાખીને જૂનું બધું ભૂંસી નાખીએ. વસ્તુતઃ તેઓ હિંદુ ધર્મ સામે નહીં પણ તેમાંથી ઉદ્ભવેલા ક્રૂર આચારવિચારો સામે લડતા હતા. તેથી જ પ્રશ્ન થાય છે કે વિવેકાનંદે અમદાવાદમાં સપ્ટેમ્બર, ૧૮૯૧માં તેમના અગિયાર દિવસના રોકાણ દરમિયાન જો મંદિરો, મસ્જિદો વગેરે જોવામાં અને જૈન ધર્મનો અભ્યાસ કરવામાં સમય ગાળ્યો હોય તો તેમણે સુધારકો સાથે ચર્ચા-વિચારણા કરવા માટે સમય નહીં ફાળવ્યો હોય? આ નગરમાં તો સુધારકો ઉપરાંત રણછોડલાલ છોટાલાલ, મન:સુખભાઈ, ભગુભાઈ અને મંગળદાસ ગિરધરદાસ જેવા લગભગ પચાસ ધર્મનિષ્ઠ મિલ-માલિકો પણ વસતા હતા. વળી બંગભંગના ત્રણ દાયકાઓ પહેલાં ૧૮૭૬થી આ નગરે સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું.[6] આ ઐતિહાસિક પ્રક્રિયા મહત્ત્વની હોવા છતાં વિવેકાનંદે હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા સ્વદેશી આંદોલનના મોટા પ્રણેતાઓ સાથે પણ ચર્ચા કરવાનું ટાળ્યું હતું. વિવેકાનંદે જો ધાર્યું હોત તો તેમણે ઉદ્યોગપતિઓ અને ‘સ્વદેશી’ના પ્રચારકોને મળીને આર્થિક રાષ્ટ્રવાદના સંદર્ભમાં હિંદની ગરીબાઈ અંગેના તેમના વિચારોમાં વધારો કર્યો હોત. તેમણે હરિદાસ વિહારીદાસને લખેલા પત્રોમાં ઠેરઠેર હિંદની ભયંકર દરિદ્રતાની વાતો તો કરી જ છે. વળી તેઓ દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્તની આર્થિક વિચારસરણીથી પણ સારી રીતે વાકેફ હતા. પરંતુ તેમણે અમદાવાદના સામાજિક અને આર્થિક અગ્રેસરોની સાથે ચર્ચાઓ ન કરતાં લાલશંકરે તેમને માટે ફાળવેલા એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહૉલ પાસે આવેલા બંગલામાં અંગ્રેજીમાં ધર્મપ્રવચનો કરવાનું પસંદ કર્યું હતું અને આ બંગલો તેમનાં છટાદાર વ્યાખ્યાનોથી ધમધમી ઊઠ્યો હતો![7] સ્વામી વાક્છટાના (thetoric) કુશળ કસબી હતા.
વિવેકાનંદને સૌરાષ્ટ્રનાં રજવાડાં વધારે અનુકૂળ લાગ્યાં હતાં! તેઓ તેમના સમવયસ્ક લીંબડીના ઠાકોર સર જસવંતસિંહને (૧૮૫૯-૧૯૦૭) સપ્ટેમ્બર ૧૮૯૧માં મળ્યા કે તરત તેઓ ગાઢ મિત્રો બની ગયા હતા. જસવંતસિંહે ૧૮૭૬માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો અને ૧૮૮૭માં યુરોપ અને અમેરિકા ગયા હતા. તેઓ અમેરિકન પ્રમુખ ક્લીવલેન્ડને પણ મળ્યા હતા. તેમણે પોતાના રાજ્યમાં શૈક્ષણિક, ન્યાયવિષયક અને કૃષિના ક્ષેત્રમાં જે સુધારા અપનાવ્યા તે તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની (૧૮૬૩-૧૯૩૯) જેમ તેમના પશ્ચિમ સાથેના સંપર્કનું પરિણામ હતું.[8]
(ક્રમશ:)
[1] પંડિત દીનબંધુ વેદશાસ્ત્રી, મહર્ષિ દયાનંદ ઔર બંગદેશ, રાજ્યરત્ન શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્મૃતિગ્રંથ : ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’, પ્રથમ ખંડ (પોરબંદર, ૧૯૭૨), પૃ. ૪૬૭-૭૪
[2] ગોવર્ધનરામના સામાજિક અભિગમ માટે જુઓ મકરન્દ મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી અને સમાજ પરિવર્તન અંગેનો તેમનો અભિગમ, અર્થાત્ ગ્રંથ ૭, અંક ૧, જાન્યુઆરી-માર્ચ, ૧૯૮૮, પૃ. ૧-૧૦.
[3] મકરન્દ મહેતા, બ્રિટિશ સંસ્થાનવાદના ઢાંચામાં ગુજરાતમાં નાગરિક સમાજ તથા કોમી એખલાસનો ઉદય: મુસ્લિમોના પ્રયાસોના ખાસ સંદર્ભમાં, ૧૮૫૦-૧૯૧૫, નયા માર્ગ’, ૧૬-૧૧-૨૦૦૨, પૃ. ૮-૧૩
[4] Letters.
[5] Letters.
[6] Makrand Mehta, The Ahmedabad cotton Textile Industry: Genesis and Growth (Ahmedabad, ૧૯૮૨)
[7] Swami Nikileswaranda, op. cit.
[8] મગનભાઈ નરોત્તમદાસ પટેલ, મહાજન મંડળ’ (અમદાવાદ, ૧૮૯૬), પૃ. ૭૫૭૭૬૩); મુગટલાલ બાવીસી, લીંબડી રાજ્યનો ઇતિહાસ’, ઈ.સ. ૧૧૩૦થી ૧૯૪૮ (અમદાવાદ, ૨૦૦૦) પૃ. ૧૦૮-૧૦૯.
Your Content Goes Here




