‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો;
પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’
ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે એ પંક્તિઓ જેમાં આવે છે તે સુરદાસનું પદ સાંભળ્યું હશે અને કેટલાકે એ ગાયું પણ હશે. પણ એ ગીતનો મર્મ કેટલા લોકો પામ્યા હશે તે સવાલ છે.
સ્વામી વિવેકાનંદ એકવાર આ ગીતનો મર્મ બરાબર પામી ગયા હતા. એ ગીતનો મર્મ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી પામ્યા ન હતા. એ મર્મ સ્વામીજી પામ્યા હતા એક મામૂલી ગણાતી, ધંધાદારી ગાયિકા પાસેથી અને એ આકસ્મિક જ લાગે તેવા સંજોગોમાં.
જયપુરની ઉત્તરે, લગભગ સો કિલોમીટરને અંતરે એક નાનકડું જરવાડું આવેલું હતું. નામે ખેતડી. ૧૮૯૦માં કલકત્તા છોડી પરિભ્રમણ કરતા સ્વામી વિવેકાનંદ ૧૮૯૧ની લગભગ આખરમાં ખેતડી જઈ ચડ્યા હતા અને ત્યાંના રાજાના જ અતિથિ બન્યા હતા. પૂરા આદર સન્માન સાથે રાજા અજિતસિંહજીએ સ્વામીજીને રાજમહેલમાં જ ઉતારો આપ્યો હતો. રાજાજીને સ્વામીજી પ્રત્યે પૂરો પૂભાવ હતો પણ પોતે હતા સંસારી. એકવાર એમણે એક ગાયિકાના સંગીતનો જલસો ગોઠવ્યો. સ્વામીજી પણ સંગીતપ્રિય છે એમ રાજાને ખબર પડી હોય કે ન પડી હોય, જલસો શરૂ થવાની તૈયારી હતી, સારંગીનો સૂર મેળવાઈ રહ્યો હતો અને તબલાંની તાંતો ખેંચાઈ રહી હતી ત્યારે, પડખેના જ ઓરડામાંના સવામીજીને જલસામાં પધારવા માણસ મોકલ્યો. માણસે જઈને સ્વામીજીને ઈજન આપ્યું, સ્વામીજી બરાડી ઊઠ્યા, જા તારા રાજાજીને જઈને કહે કે સંન્યાસીઓ આવા જલસા-બલસામાં હાજરી ન આપે. સભાખંડમાં બેઠેલાં સર્વે માણસો સાંભળી શકે એટે મોટે અવાજે આ શબ્દો બોલાયા હતા. રાજાને તેમજ ગાનારીને, સૌને કાને એ પડ્યા હતા. રાજાજી પછી શું બોલે?
પણ ગાયિકા બાઈને સ્વામીજીના આ બોલ હૈયા સોંસરવા વાગ્યા હતા. સમાજમાં નિમ્નકક્ષાની ગણાતીએ બાઈએ સારંગીવાળા તરફ હાથ કરી ભક્ત કવિ સુરદાસનું પદ માંડ્યું!
‘પ્રભુ, મોરે અવગુણ ચિત્ત ન ધરો..’ આ ધ્રુવપદ પછીના શબ્દો છે : ‘સમદરશી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો.’ ભાવપૂર્વક, આર્જવપૂર્વક ગવાયેલ આ શબ્દોએ સ્વામીજીનું હૃદય વીધ્યું અને એ સભાખંડમાં પ્રવેશ્યા ત્યારે ગાનારી લેખને મથાળે મૂકેલી કડી ગાઈ રહી હતી. ગાનારીને મતે સ્વામીજી ‘પારસ’ હતા અને પોતે કસાઈને હાથ પડેલી લોઢાની છરી હતી. પણ સુરદાસના આ પદે સ્વામીજીને પણ બરાબર સ્પર્શ કર્યો હતો અને સ્વામીજીની હાજરીએ ગાનારીને પણ સ્પર્શી ગઈ હશે અને એ પ્રસન્નચિત્ત થઈ ગઈ હશે.
વાત વિવેકાનંદની જ કરીએ છીએ તો, એમને પોતાને જ દાયકા પહેલાં એમના ગુરુના સ્પર્શની અનુભૂતિ થઈ ચૂકી હતી. સુરેન્દ્ર મિત્ર અને બીજા બે ત્રણ જુવાનિયાઓ સાથે ૧૮૮૧ના અંતમાં એ પહેલીવાર દક્ષિણેશ્વર ગયા ત્યારે, ગુરુની વિચિત્ર વાતથી ગુઢ અને ચક્રમ લાગ્યા હતા અને સાથોસાથ ત્યાગી, સત્યનિષ્ઠ અને ઈશ્વરદર્શનની પાી ખાતરી આપનાર પણ લાગ્યા હતા. સ્વામી વિવેકાનંદ બીજીવાર દક્ષિણેશ્વરગયા ત્યારે એમની એ દુવિધા કેટલી દૂર થઈ એ ખબર નથી પણ ગુરુદેવના પગના અચાનક સ્પર્શે એમને એવો અનુભવ થયો કે ઓરડાની દીવાલો, દરવાજાઓ, બધું જ અતિવેગથી ગોળગોળ ફરી રહ્યું છે અને દૂરદૂર સરકી રહ્યું છે. પોતાના અહંને પણ એ પ્રમાણે ઘુમરી લેતો અને દૂર સરકતો જોાએ પોકારી ઊઠ્યા હતા: ‘અરે! અરે! તમે મને આ શું કર્યું? મારે મા-બાપ છે! નરેનને ત્યારે લાગેલું કે માનવીનો અહં જાય એટલે એને મરણ પામ્યો જ સમજવો અને એમની આ આજીજીભરી વાણી સાંભળી, શ્રીરામકૃષ્ણે પોતાનો જમણો હાથ આસ્તેથી નરેનની છાતીએ ફેરવીને કહ્યું: ‘તો આને હજી વાર છે’, અને એ સ્પર્શ થતાંની સાથે જ નરેન્દ્રનાથ, ભાવિના વિવેકાનંદ, પાછા પૂર્વવત્ બની ગયા. ઠાકુરના સ્પર્શનો આ ‘જાદુ’ હતો.
***
શ્રીરામકૃષ્ણપરમહંસની એક વિચિત્રતા હતી. એ ગમે તેને સ્પર્શ કરી શકતા નહિ, ગમે તેના હાથની અડેલી ચીજવસ્તુને પણ એ સ્પર્શી શકતા નહિ અને એવી કોઈ વ્યક્તિના સ્પર્શવાળી વસ્તુને એ ખાઈ શકતા પણ નહિ. પૂ મા શારદાદેવી ઠાકુરની થાળી લઈને એકવાર નોબતખાનેથી ઠાકુરને ઓરડે આવતાં હતાં ત્યારે, ત્યાં અચાનક આવીચડેલી મંદિર પરિસરની એક દાસી એ પૂ માને સહાય કરવાના આશયથી, માના હાથમાં અદ્ધર ઊંચકાયેલી એ થાળી લઈ કહ્યું હતું: ‘લાવો મા, હું જ ઠાકુરની થાળી લઈ જઉં’ એ થાળી લઈને ઝડપથી ચાલતી એ દાસી, રોજ ઠાકુર જે સ્થાને જમવા બેસતા હશે તે સ્થાને થાળી મૂકી, ‘ઠાકુર, આ તમારું ભાણું’ બોલી, મંદિર તરફના ચોગાનમાં ઉતરી ગઈ. પરંતુ એ ભાણું શ્રીઠાકુરે આરોગવામાં આનાકાની શ્રીમા શારદાદેવી પાસે કરી. ‘મને મા કહેનારને હું કદી રોકી નહિ શકું અને માને બધાં સંતાન સરખાં’ એ અકાટ્ય દલીલ વડે એ જ થાળીમાંનું અન્ન આરોગતાં મા કરી શક્યાં હતાં. પણ આ પ્રસંગ પાપ અને પાપીઓ તરફ જોવાની ઠાકુરની દૃષ્ટિનું દર્શન આપણને કરાવે છે.
તો શું મથુરબાબુનું જીવન નિષ્કલંક હતું? માસ્ટર સંસારી ન હતા? ગિરિશ ઘોષ બધી વાતે પૂરા ન હતા? માનવહૃદયની આરપાર જોઈ શકનાર ઠાકુર આ સૌની નિર્બળતાઓની પાછળ રહેલી ઉન્નત જીવનની આકાંક્ષાને બરાબર ઓળખી શક્યા હતા એટલે એમને સ્પર્શતાં કે એમના હાથની વસ્તઓ ગ્રહણ કરતાં કે એમની સ્પર્શેલી વાનગી ખાતાં ઠાકુરને વાંધો ન હતો.
પણ સુરદાસના પદમાંના લેખને મથાળે ટાંકેલા શબ્દોને સાચી સાબિત કરતી એક અકલ્પનીય ઘટના શ્રીરામકૃષ્ણના જીવનમાં બની હતી.
જે ગિરિશ ઘોષનો ઉલ્લેખ કર્યો છે તે ઓગણીસમી સદીમાં ભારતીય ભાષાઓના થયેલા નવજાગરણના યુગના બંગાળી સાહિત્યના અગ્રગણ્ય કવિ, નાટ્યકાર અને દિગ્દર્શક હતા. એ યુગના બંગાળી, મરાઠી, ગુજરાતી નાટ્યકારોએ ભારતના પુનરુત્થાનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. એ કાળમાં પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક નાકટો દ્વારા પુન: જાગૃતિનું અદ્ભુત કાર્ય એ નાટ્યકારોએ કર્યું છે. મરાઠી નાટક ‘સૈરંધ્રી’ દ્વારા ‘કીચક’માં અંગ્રેજોને હાથે થયેલી ભારતની દુર્દશાનું નિરૂપણ સફળ રીતે થયું હતું. ધાર્મિક નાટકો દ્વારા ખ્રિસ્તી આક્રમણને અને પાશ્ચાત્ય બુદ્ધિવાદની ખોટી અસરને ખાળવાનો સબળ પ્રયત્ન થયો હતો. ગિરિશ ઘોષનાં ‘બિલ્વમંગળ’, ‘ચૈતન્યલીલા’ આદિ નાટકોએ પાશ્ચાત્ય અસર હેઠળ આવેલા લોકોનું લક્ષ આપણા ધર્મ તરફ સફળતાથી ખેંચ્યું હતું. એ નાટકો ખૂબ લોકપ્રિય હતાં.
મહાપ્રભુ ચૈતન્યના પ્રભાવ હેઠળ આવેલા શ્રીરામકૃષ્ણ આ ‘ચૈતન્યલીલા’ નાટક જોવા માટે સ્ટાર થિયેટરે ગયા. ગિરિશને અગાઉથી ખબર આપ્યા હતા એટે ઠાકુર થિયેટરે પહોંચ્યા ના ખબર પડતાં ગિરિશ એમનું સ્વાગત કરવાને ગયા. પરંતુ ગિરિશ પોતાના હાથ જોડે તેની પહેલાં ઠાકુરે પોતાના હાથ જોડી ગિરિશને નમસ્કાર કર્યા. પછી ગિરિશે તેમ કર્યું તો ઠાકુરે ફરી ગિરિશને નમસ્કાર કર્યા. આ નમન-હરિફાઈમાં ગિરિશે હાર કબૂલી અને ઠાકુરને અતિથિ ગણી એમની ટિકિટના પૈસા ન લીધા તથા એમને અને એમના સાથીદારો માટે ઉપર બોક્સમાં ખાસ વ્યવસ્થા કરાવી. પંખો નાખનાર પણ આપ્યો.
યથા સમય પડદો ઉપડ્યો અને નાટક શરૂ થયું. નાટકનું વસ્તુ ભક્તિ ભાવસભર અને કરુણ. ચૈતન્યદેવ ગૃહ ત્યાગ કરે છે ત્યારે માતા શચિદેવી એમને રોકવાનો વૃથા પ્રયત્ન કરે છે. માતાપુત્રનો એ સંવાદ કરુણતાનું ઉચ્ચ શિખર સર કરે છે. વિનોદિનીનો અભિનય એને પરાકાષ્ઠાએ લઈ જાય છે, ચૈતન્યનું પાત્ર ભજવતાં એ મૂળની સાથે તાદાત્મ્ય અનુભવે છે અને એ નાટક ભજવવા આવતાં પહેલાં વિનોદિની ચૈતન્યમય થવા પ્રયત્નશીલ રહેતી તે તેણે પોતાના આત્મચરિત ‘આમારકથા’માં જણાવ્યું છે.
વીસ એકવીસમીની વયે પહોંચેલી હોવા છતાં એની દેહયષ્ટિ નજાકત ભરી હશે એટલે બાળ નિમાઈનો પાઠ એ અદ્ભુત રીતે ભજવતી. એના અભિનયે, એની વાક્છટાએ અને એનાં ગીતોના માધુર્યે ગિરિશના નાટકને સવાયું કરી બતાવ્યું હતું. સમગ્ર પ્રેક્ષકગણ નાટકની અસર હેઠળ આી જતો અને શ્રીરામકૃષ્ણ પોતે ચૈતન્યના ભક્ત હતા, એ યુગના ચૈતન્યાવતાર હતા એટલે એ પણ નાટકથી ખૂબ પ્રભાવિત થઈ ગયા.
કોણ હતી એ વિનોદિની?
વિચિત્ર રીતે એની ઓળખ આપવી હોય તો એને સત્યકામ જાબાલાની બહેન કહી શકાય. સત્યકામ ગુરુને આશ્રમે અભ્યાસ કરવા ગયો અને ગુરુએ એના પિતાનું નામ પૂછ્યું તો એની તેને ખબર નહિ હોઈ એ પોતાની માતા જાબાલા પાસે ગયો. માતાએ કહ્યું: ‘બેટા, એ સમયે હું અનેક કુટુંબોનું સેવન કરતી હતી એટલે તારો પિતા કોણ છે તે ચોક્કસ કહી શકતી નથી! આ વિનોદિનીની માતાનો પણ વ્યવસાય એવો જ હશે એટલે વિનોદિનીના પિતા કોણ હતા તેની જાણ એ માને ન હતી. શર્મિલા ટાગોરની માફક નાની વયથી જ એ રંગભૂમિમાં અભિનય આપતી થઈ ગઈ હતી. નાજુક દેહ, લાવણ્યમય મુખાકૃતિ, મધુરકંઠ અને જે પાઠ એ ભજવતી હોય તે પાત્રની ઉક્તિઓની યોગ્ય ભાવ સાથે યોગ્ય રજૂઆત. આ બધાંને લઈને નાની વયથી જ એ અભિનયનાં શિખર પર શિખર સર કરતી ગઈ અને પ્રસિદ્ધિમાં આવતી ગઈ પણ એના અભિનય પર વારી જતા લોકો માટે એની કુળકથા ભુલવી શક્ય ન હતી. રંગમંચ પરથી હેઠી ઉતરે એટલે એ પતિતા બની જતી હશે.
નાટક પૂરું થયે બોક્સમાંથી બહાર નીકળી ઠાકુર નીચે આવ્યા એટલે ગિરિશ ઘોષ એમને આદરપૂર્વક પોતાની ઓફિસના ઓરડામાં લઈ ગયા. ત્યાં એમનાં દશન માટે નાટકમાં ભાગ લેતાં નટનટીઓ આવ્યાં ‘આમાર કથા’માં વિનોદિનીએ લખ્યું છે. ‘નર્તનમુદ્રામાં ઉભેલા ઠાકુર ‘હરિ ગુરુ, ગુરુ હરિ’ બોલતા ઊભા હતા. મારા મસ્તક ઉપર પોતાના બેઉ હાથ મૂકી મારા દેહની સર્વ અપવિત્રતાને એમણે દૂર કરી નાખી. મને આશીર્વાદ આપતાં એ બોલ્યા: ‘તારામાં આધ્યાત્મિક ચેતના પ્રગટો!’
આવું કશું બનશે એ વિનોદિનીએ સ્વપ્નમાં પણ કલ્પ્યું ન હતું. થોડી ક્ષણ તો એ જડ બનીને ત્યાં ઊભી રહી ગઈ. ‘પાપીઓના ત્રાતા અને પતિતોના એ ઉદ્ધારક કે મારી સામે ખડા રહીને મને ભયમાંથી મુક્ત કરી. હાય રે! હું તે કેવી અભાગણી કે એમનું મૂલ્ય પૂરું સમજી શકી નહિ. આમ તેણે ‘આમારકથા’માં લખ્યું છે.
ગિરિશની ઓફિસમાં ઊભેલા ઠાકુર બાહ્યભાનનો લોપ પામીને સમાધિસ્થ દશામાં ઊભા હશે ત્યારે વિનોદિનીએ એમને ચરણસ્પર્શ કર્યો તેની પૂરી સંભાવના છે. એમ બન્યું હોય કે ન પણ બન્યું હોય, ‘ઠાકુરે મારે મસ્તકે પોતાના બેઉ હાથ મૂક્યા’નું વિનોદિનીએ પોતે જ જણાવ્યું છે અને ઠાકુરના એ પાવનકારી સ્પર્શે વિનોદિનીના જીવનપ્રવાહને બીજી તરફ વાળી દીધો. એનું સમગ્ર જીવન પરિવર્તન પામી ગયું. આ ઘટના પછી માત્ર બે વર્ષ સુધી જ એણે અભિનય કર્યો પણ પછીથી ઔપચારિક ધર્મ નહિ પણ ઊંડી આધ્યાત્મિક લગને વિનોદિનીના અંતરમાં ઊંડી જડ ઘાલી.
પતિતા પેટે જન્મેલી અને સમાજની ઉપેક્ષિત એવી વિનોદિની સુરદાસના પદમાંના, બધિક કર (કસાઈને હાથ) પડેલા લોખંડ જેવી ઠાકુરના પારસસ્પર્શે એ શુદ્ધ કંચન બની ગઈ. પોતાની કારકીર્દીની પરાકાષ્ઠાએ ઊભી હતી ત્યારે જ એનો ત્યાગ કરાવનાર પ્રેરક બળ ને ઠાકુરનો આ પાવન પતિતોશ્ચારક સ્પર્શ. બંગાળના નાટ્યક્ષેત્રમાં એનું પ્રદાન મહિમાવંતું ગણાય છે અને ઠાકુરે આ રીતે રંગભૂમિને પાવન કરી તેની સ્મૃતિરૂપે બંગાળના દરેક નાટ્યગૃહમાં પૂ શ્રીરામકૃષ્ણદેવની છબિ આદરપૂર્વક રાખવામાં આવે છે અને એ છબિને પ્રણામ કર્યા પછી જ દરેક નાટકનો પડદો ઊંચકાય છે. બંગાળી રંગભૂમિ આજે પણ ખમીરવંતી રહી છે તેની પાછળ ઠાકુરનો આ સ્પર્શ તો કામ નહિ કરતો હોય?
બિહારના રાંક ભરવાડના નિરક્ષર છોકરા રખ્તુરામને ઠાકુર સ્પર્શે છે અને એ ભરવાડબાળમાં એવું તો ચમત્કારિક અદ્ભુત પરિવર્તન આવે છે કે સ્વામી વિવેકાનંદ એનું સંન્યાસનામ અદ્ભુતાનંદ રાખે છે!
પારસને સ્પર્શે આજે પણ કંચન બને છે.
Your Content Goes Here




