એક નોળીયો હતો. તેનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું. આ નોળિયો દેશના જુદા જુદા પ્રદેશોમાં ફર્યા કરતો અને જ્યાં જ્યાં જતો, ત્યાં જમીન પર આળોટતો. આળોટીને પોતાના શરીર તરફ જોતો કે ભૂખરું શરીર સોનેરી થયું કે કેમ. પરંતુ આવું બન્યું નહિ. તેનું અર્ધું શરીર હજીયે ભૂખરું જ રહ્યું. એટલે તે ઘણો દુ:ખી થતો.
તેણે મનમાં વિચાર્યું, ‘જ્યાં લોકો દયાળુ અને નિ:સ્વાર્થી હોય, એવી ભૂમિ મારે શોધવી છે. જ્યાં લોકોએ ત્યાગ-બલિદાન આપ્યાં હોય, દીન-દુખિયાંને સહાય કરવા પોતાની પાસેનું બધું તેમને આપી દીધું હોય એવી ભૂમિ મને મળે અને તેના પર હું આળોટું તો જ મારું બાકીનું અર્ધું ભૂખરુ અંગ સોનેરી બની જાય.’
એક દિવસ આ નોળિયો કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યો. કુરુક્ષેત્રમાં પાંડવ – કૌરવનું યુદ્ધ પૂરું થયું હતું આ યુદ્ધ પછી પાંડવો કેટલા સુખી હતા એ બતાવવા તેમણે પોતાની બધી ધન-સંપત્તિ ગરીબોને આપવાનું નક્કી કર્યું. દેશ દેશથી ગરીબોને બોલાવ્યાં અને તેમને સારાં ભોજન જમાડ્યાં. લોકો તો આવતા જ રહ્યાં અને પાંડવો તેમને બેસાડીને સારાં મીઠાં પકવાન પીરસતા ગયા. ભોજન પછી આ પાંચેય પાંડવોએ તેમને છૂટે હાથે ધન વહેચ્યું. લોકો સુખી બન્યાં, કોઇ ગરીબ ન રહ્યું.
પેલો નોળિયો એક ખૂણે વૃદ્ધા પાસે જઇ ઊભો રહ્યો. આ દૃશ્ય બંનેએ પોતાની સગી આંખે જોયું.
“કેવું અદ્ભુત દાન-પુણ્ય!” વૃદ્ધ નોળિયાને કહ્યું, “પાંડવો કેટલા દયાળુ અને પરોપકારી! ગરીબો માટે તેમણે કેવો ત્યાગ કર્યો! આવો ત્યાગ, ભાઇ આપણે ક્યારેય જોયો નથી!’
નોળિયો બોલ્યો, “શું કહો છો? શું આ મહાન ત્યાગ ગણાય? તેમણે પોતાનું ખાવાનું અન્ન પણ બીજાને આપી દીધું છે? પોતાની પાસે કંઈ વધ્યું-ખૂટયુંય નહિ હોય? અને એમ જ હોય તો આ ભૂમિ પર હું આળોટીશ અને મારું બાકીનું અર્ધું શરીર બીજા અર્ધા અંગ જેવું સોનેરી બની જશે.’
અને નોળિયો તો માંડ્યો આળોટવા. તેણે વૃદ્ધને કહ્યું, ‘મોટા ભાઇ! જુઓ તો મારું આખું શરીર સોનેરી બની ગયું છે?’ વૃદ્ધે નોળિયા તરફ જોયું અને બોલ્યો, “ના રે ના, ભાઇ, અર્ધું તો હજી તેવું ને તેવું ભૂખરું છે.” સાંભળીને બિચારો નોળિયો હતાશ થયો અને બોલ્યો, “તો પછી ભાઇ! તમે કહો છો તે સાચું નથી. પાંડવોનો ત્યાગ ખરેખર મહાન ત્યાગ નથી.’
પેલો વૃદ્ધ તો અચંબામાં પડ્યો, ‘તું શું કહે છે કે આ ત્યાગ એ ત્યાગ નથી? તારી સગી આંખે તે જોયું કે લોકોને ધનદોલત, અન્ન, વસ્ત્ર આપવામાં આવ્યાં. આટલી બધી મોટી મદદ તો કોઇએ કોઇને કરી સાંભળી છે? પાંડવોનો આ મહાન ત્યાગ તો કોઇએ કદી ન કર્યો હોય તેવો હતો.’
નોળિયાએ કહ્યું, “ત્યાગ” એટલે કંઇક આપવું. એટલે કે બીજાને મદદ કરવા હું મારી પાસેથી બીજાને કંઇક આપું – તે ત્યાગ.” એમ કહીને નોળિયાભાઇ તો પેલા વૃદ્ધની સામે બેસી ગયા અને કહેવા લાગ્યા, “ભાઇ, આવું બલિદાન – આવો ત્યાગ મેં મારી નજરે જોયેલ છે. અને એ ભૂમિ પર હું આળોટ્યો અને મારું અર્ધું શરીર સોનેરી બની ગયું. તે દિ’ થી હું એવી ત્યાગભૂમિની શોધમાં ફરું છું કે જ્યાં આળોટતાં મારું આખું અંગ સોનેરી બને.”
વૃદ્ધે કહ્યું, “ભાઇ, તું મને એ ભૂમિના મહાન ત્યાગની વાત કર કે જ્યાં આળોટીને તારું અર્ધું શરીર સોનેરી બન્યું.”
“ભાઇ, બેસો, એ વાત હું તમને માંડીને કહું.”
પેલો વૃદ્ધ તો નોળિયા પાસે બેસીને તેની એ વાત કાન દઇને સાંભળવા લાગ્યો.
Your Content Goes Here




