ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે – ગદ્ય અને પદ્ય બન્ને વિભાગોમાં કલ્પનાતીત નવીનતા અને સમૃદ્ધિ આવી છે, તે જ પ્રમાણે હિંદુ ધર્મ વિશે પણ થયું છે. આપણા ધાર્મિક ઇતિહાસનું, નવી ઐતિહાસિક દૃષ્ટિએ સારું એવું સંશોધન થઈ શક્યું છે અને હવે તો તદૃન નવી જ નવી દૃષ્ટિએ નવાં-નવાં સંશોધન થવા લાગ્યાં છે.
જૂનાનું રહસ્ય સમજી લેવું એ પહેલો પ્રયત્ન હતો. આગળ જતાં જૂનામાંથી ક્યો ભાગ ટકાવવા જેવો છે, ક્યો ભાગ કાલગ્રસ્ત તરીકે છોડી દેવો જોઈએ અથવા એને મ્યુઝિયમમાં (પદાર્થ સંગ્રહાલયમાં) પહોંચાડવો જોઈએ અને ભારતનું ઉજ્જવળતમ ભવિષ્ય ઓળખી, ભવિષ્યકાળની ઉત્તમ સેવા કરી શકે એવું સ્વરૂપ હિંદુ ધર્મને કેમ આપવું – એ છે આજનો ચિંતાનો વિષય.
એક કાળે આપણા સનાતન ધર્મે ઘરના અસંખ્ય પંથોનો અને રીતરિવાજોનો સમન્વય કર્યો. હવે એ જ મનોવૃત્તિ અને સમન્વયદૃષ્ટિ કાયમ રાખી “ભારતમાં આવી સ્વદેશી થયેલા સર્વ ધર્મનું ધર્મકુટુંબ શી રીતે કરવું” આનો પણ વિચાર હવે પછી થવો જોઈએ. અને ભારતના આ નવા મિશન માટે અનુરૂપ એવું નવું સાહિત્ય પણ તૈયાર થવું જોઈએ.
ભવિષ્યસેવાનું આ જવાબદારીભર્યું ચિંતન કરવા માટે ઉત્તમ દિવસ એટલે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ છે. મેં લખ્યું જ છે કે સ્વામી વિવેકાનંદ, એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ અને એમની પશ્ચિમની શિષ્યા ભગિની નિવેદિતા આ ત્રિમૂર્તિનું એક સંમિલિત – અધ્યાત્મ થાય છે. (સ્વભાવોડધ્યાત્મમ્ ઉચ્યતે) તે સિવાય ડૉ. રાધાકૃષ્ણન, સ્વામી રામતીર્થ વગેરે અનેક લોકોએ ચાલુ યુગમાં હિંદુ ધર્મ સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે તે બધાના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદને મનાય અને તેથી જ વિવેકાનંદ પુણ્યતિથિને દિવસે આપણે ‘કોને કોને યાદ કરી શકીએ’ એની એક યાદી બનાવવી જોઈએ અને તે દિવસે ઉપરની ત્રિમૂર્તિની સાથે આવા બધા લોકોના જીવનકાર્યની રૂપરેખા આપણે લોકો આગળ મૂકવી જોઈએ.
સ્વામી વિવેકાનંદે વેદાન્તને આધુનિક રૂપ આપ્યું. વેદાન્તવિઘા એ જ જગતનો ખરો ધર્મ થઈ શકે છે, બધા જ ધર્મોએ પોતપોતાની એક વેદાંતી આવૃત્તિ ઉત્પન્ન કરવી જ પડવાની. આ વાત ઓળખી, આપણે આ દિવસે આપણા અધ્યયનનો સાર સમાજ આગળ મૂકવાનું નક્કી કરવું.
આનો અર્થ જ એ થાય છે કે ‘સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ (૪ જુલાઇ) એટલે આજના યુગના હિંદુ ધર્મનો જન્મદિવસ’. આ આપણે સિદ્ધ કરવું જોઈએ. આ કામ પ્રથમ બંગાળમાં અને મહારાષ્ટ્રમાં શરૂ થશે એવો મારો ક્યાસ છે. પછી આ પ્રવૃત્તિ સહેજે ભારતવ્યાપી થઈ શકશે.
શ્રીરામકૃષ્ણ પરમહંસ પોતે દેવીઉપાસક હતા. સ્વામી વિવેકાનંદ જેમ એક સમયે બ્રાહ્મો હતા તેમ જ વીરેશ્વરને નામે તેમણે દેવીઉપાસના પણ કરી છે. તેથી મહારાષ્ટ્રમાં અથવા માત્ર બંગાળમાં જ નહીં પણ આખા ભારતમાં દેવીઉપાસના કેવી ચાલતી આવી છે અને હવે પછી એને શુદ્ધ અને વ્યાપક સ્વરૂપ કેમ આપવું એ પણ આપણે સૂચવવું જોઈએ.
દેવીઉપાસનામાં ‘વામાચારનો અધ્યાય’ આપણને અસ્વસ્થ કરે તેવો છે. આની આપણે યથેચ્છ નિંદા પણ કરી છે. પશ્ચિમ તરફના કેટલાક યુરોપીય અને અમેરિકી લોકો સ્ત્રી-પુરુષ સંબંધમાં સ્વતંત્રતા વધારી એ સંબંધને સાવ અતંત્ર કરવા માગે છે. એમનામાંના કેટલાકનું ધ્યાન આપણા વામાચાર તરફ ગયું છે. એક તરફથી યોગ અને બીજી તરફથી શક્તિઉપાસના – આ બન્નેનો અભ્યાસ અને સ્વીકાર કરીને તેમાંથી એ લોકો શું-શું કાઢશે એની કલ્પના આજે કરવી અઘરી છે પણ તેમની નિંદા અથવા ઉપેક્ષા કરીને ચાલશે નહીં. જૂના રિવાજોનું સમર્થન કરતા બેસવાનું આપણને પોષાય નહીં અને નવી જાતના પ્રયોગો કરતા રહેવું એ તો શુદ્ધ ગાંડપણ થશે. તેથી જૂનાનું સમર્થન અથવા નવાનું અનર્ગળ દાસ્ય આ બન્ને પ્રકાર છોડી દઈ આપણને જવાબદાર, મૌલિક ચિંતન કરીને, વિશ્વકલ્યાણકારી નવી દેવી-ઉપાસના નિર્માણ કરવી પડશે અને એના જ સંદર્ભમાં સ્ત્રીપુરુષસંબંધનો આદર્શ કેવો હોવો જોઈએ એ આપણે બતાવવું જોઈએ.
આ દિશામાં જ્યારે આપણે પ્રયત્નો શરૂ કરીશું ત્યારે ભગિની નિવેદિતાની સમાજ-વિજ્ઞાન દૃષ્ટિ આપણને ઘણી ઉપયોગી થશે.
વિવેકાનંદ પુણ્યતિથિને દિવસે કાર્યક્રમ શો રાખવો એની સૂચના સહેજે કરી શકાય. પણ નવી હિન્દુસંસ્કૃતિનો એ જન્મદિવસ છે એ સ્વીકારીને તે દિવસે કેવા ચિંતનને પ્રોત્સાહન આપવું જોઈએ એ વધારે મહત્ત્વનું હોવાથી થોડુંક દિશાદર્શન અહીં કર્યું છે.
(‘કાકા કાલેલકર ગ્રંથાવલિ’, પૃ.૫૨૭-૫૨૯, નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી)
Your Content Goes Here




