(સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. – સં.)

સાચે જ સ્વામી વિવેકાનંદ અનન્ય વિસ્મયજનક વ્યક્તિત્વ ધરાવતા હતા. જ્યારે તેમની તસવીરો જોઈએ છીએ તથા શબ્દો વાંચીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય ઊપજે છે કે આટલા ટૂંકા જીવનકાળમાં આટલું બધું કાર્ય કરવું એક વ્યક્તિ માટે કેવી રીતે સંભવ બન્યું? માત્ર ૩૯ વર્ષ, ૫ માસ અને ૨૪ દિવસમાં તેમણે જીવનલીલા સંકેલી હતી. જો કે તેમના કાર્યનો મહદંશ આઠ વર્ષમાં જ સંપન્ન થયો હતો. તેમણે એક વખત કહ્યું હતું, ‘મેં તમને ૧૫૦૦ વર્ષ પૂરતું ભાથું આપ્યું છે.’ વળી તેઓ કેટલીક વખત કહેતા, ‘અનેક સૈકા પછી જન્મ ધારણ કરે તેવી વિભૂતિ રૂપે હું મારી જાતની અનુભૂતિ કરું છું!’

સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે, “સ્વામીજી હતા પ્રાચીન પણ વયસ્ક નહીં; સાચું તો તેઓ આયુવિહીન તથા સર્વકાલીન જ્ઞાનસંપન્ન હતા. તેઓ ઘણી વાર કહેતા, ‘મને લાગે છે કે હું ત્રણસો વર્ષનો છું.’” તેમણે લંડનમાં આપેલ ‘માયા અને ભ્રમ’ નામના પ્રવચનમાં કહ્યું હતું, ‘અમેરિકામાં મારા વિશે એમ કહેવાતું કે જે ભૂમિ છેલ્લાં પાંચ હજાર વર્ષ થયાં મરી અને દટાઈ ગઈ હતી, તે ભૂમિમાંથી હું આવતો હતો અને તેથી હું ત્યાગની વાત કરતો હતો.’

જ્યારે આપણે આ કથનો વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે સ્વામીજી કાલાતીત હતા અને તેમણે કાળ પર વિજય મેળવ્યો હતો. વેદાંતના મત અનુસાર બ્રહ્મજ્ઞ પુરુષ દેશ, કાળ અને નિમિત્તનું અતિક્રમણ કરીને બ્રહ્મરૂપ થઈ જાય છે. સ્વામીજી બ્રહ્મજ્ઞ હતા. તેઓ ભૂતકાળમાં હતા, હાલ વિદ્યમાન છે અને ભવિષ્યમાં વિદ્યમાન રહેશે. જો કે સ્વામીજીએ આપણને મંત્રદીક્ષા આપી નથી, પરંતુ તેમણે આપણા પ્રાણ અને હૃદયમાં મંત્રસંચાર કર્યો છે. તેઓ આપણા પરમગુરુ છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ અર્થાત્‌ વિનાશક. આપણા અંત:કરણમાં જ્ઞાનદીપ પ્રગટાવીને તેમણે સાચા અર્થમાં આપણા હૃદયસ્થ તમસને દૂર કર્યું છે. જેમ એક દીપક પોતાની રોશનીમાં ઘટાડો કર્યા વિના અન્ય હજારો દીપક પ્રગટાવી શકે છે, તેમ સ્વામીજીએ પોતાના આદર્શ અને સામર્થ્યને સમગ્ર માનવજાતમાં પ્રસારિત કરવા ઇચ્છા રાખી હતી. તેમણે ૧૮૯૫માં સ્વામી બ્રહ્માનંદને લખ્યું હતું, ‘ભગવતીની કૃપાથી એકલે હાથે હું જ એક લાખ જેવો છું. અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઈશ.’ અત્યારે સ્વામીજી વિશ્વભરમાં લાખો લાખો લોકોના આદર્શક્ષેત્રમાં વિલસી રહ્યા છે.

ઈશ્વર સત્યં, શિવં, સુંદરમ્‌ છે. મનુષ્યનો સ્વભાવ છે, સુંદરતાની પ્રશંસા કરવાનો. આપણે સ્વામીજી અંગેનાં સંસ્મરણો વાંચીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે પ્રત્યેક લેખક સ્વામીજીના સૌંદર્ય અને મોહક વિશાળ નેત્રોનો ઉલ્લેખ કરે છે. એક વાર શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીને કહ્યું હતું, ‘તારાં નેત્રો સૂચવે છે કે તું શુષ્ક જ્ઞાની નથી. સાચું તો, તે પ્રેમી ભક્તનાં નેત્રો જેવાં છે.’ બાહ્ય રૂપે સ્વામીજી પ્રખર વેદાંતી, માયામુક્ત હતા. પરંતુ આંતરિક રૂપે તેમનું હૃદય પ્રેમ અને ભક્તિથી પરિપૂર્ણ હતું. શ્રીરામકૃષ્ણદેવ અંગેની સ્વામીજીએ રચેલ ‘આરાત્રિકમ્‌’માં લખ્યું છે, ‘જ્ઞાનાંજન વિમલનયન વિક્ષણે મોહ જાય’ અર્થાત્‌ તમારાં વિમલ નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલાં છે, જેની દૃષ્ટિમાત્રથી જ મોહ દૂર થાય છે. આ કથન સ્વામીજીને સમાનપણે લાગુ પડે છે. સ્વામીજીનાં નેત્રો જોઈને કોઈ પણ વ્યક્તિ ભ્રમ, દુર્બળતા અને અશુદ્ધિઓ દૂર કરી શકે છે.

જેઓ ઈશ્વર કે મહાપુરુષોનું ચિંતન કરે છે તેમનો ચહેરો પ્રશાંત અને નેત્રો તેજસ્વી હોય છે, જેઓ અશુભ વિચારોનું ચિંતવન કરે છે તેમના ચહેરા શુષ્ક અને આંખો નિષ્પ્રાણ જણાય છે. યોગશાસ્ત્રો અનુસાર યોગીઓ અપલક નેત્રો દ્વારા દિવ્ય સ્વરૂપ કે સૌંદર્યમય દૃશ્યાવલિ પ્રતિ મીટ માંડતા રહીને એકાગ્રતા પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ત્રાટક વિદ્યા નામે ઓળખાતું આંતર્મજ્જન મનને પ્રશાંત બનાવે છે. સ્વામીજી અંગેનાં લિલિયન મોન્ટેગો મેરીએ પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે, “તેમનાં નેત્રો અત્યંત મોહક અને અંતર્મુખી હતા—એ કંઈક સાવ જુદું જ હતું—પાશ્ચાત્ય વ્યક્તિ માટે સાવ નવીન. તેમનાં નેત્રો અત્યંત નિર્મળ હતાં. તે જોતાં લાગતું કે તેઓ ‘આવૃત્ત ચક્ષુ’ છે, સૌંદર્યના આગારરૂપ.”

એક વ્યક્તિએ પોતાના ઓરડાની દીવાલે સ્વામીજીની ૭૧ તસવીરો ટીંગાડી હતી. તેને પૂછતાં કહ્યું હતું, ‘હું ધ્યાન કરવા બેસી શકતો નથી. તેથી સ્વામીજીની પ્રત્યેક તસવીર સમક્ષ એક મિનિટ ઊભો રહું છું અને આમ મારું ૭૧ મિનિટનું ધ્યાન થાય છે. સ્વામીજી મારા ધ્યાનનું વિષયવસ્તુ છે.’ સ્વામીજીનો ખરેખરો ભક્ત!

સ્વામીજીએ બેલુર મઠમાં એક વર્ષ, છ માસ અને છવીસ દિવસ નિવાસ કર્યો હતો. જીવનના અંતિમ દિવસોમાં તેમને બાગમાં કામ કરવાનું ખૂબ ગમતું હતું. બલરામ ભવનમાં નિવાસ કરી રહેલા સ્વામીજીને જોઈ કોલેજના એક વિદ્યાર્થીએ કહ્યું હતું, ‘સ્વામીજી, તમારા સ્નાયુઓ ખરેખર સુંદર છે.’ સ્વામીજીએ નમ્રભાવે કહ્યું, ‘જો, તે તો છે જ. મને નીરખવાનું ઠાકુરને ગમતું હતું.’ સ્વામીજીનું વ્યક્તિત્વ સુંદરતાભર્યું હતું—જેમ કે તેમનો દેખાવ, ગુણનિધિ, વાર્તાલાપ, વક્તૃતા, ગાન, વાજિંત્રવાદન, ચેષ્ટા, ક્રિયાકલાપ, હાસ્ય, રુદન, દરિદ્ર પ્રત્યે કરુણા, ઇત્યાદિ. સ્વામીજી સંબંધિત સર્વકંઈ સુંદર અને મધુમય હતું, તેમની રમૂજ અને ઠપકો સુધ્ધાં.

‘ગુરુગીતા’માં ઉલ્લેખ છે.

ध्यानमूलं गुरोर्मूर्ति: पूजामूलं गुरोर्पदम्‌।
मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरो: कृपा॥
ध्यानमूलं गुरोर्मूर्ति:

સ્વામી વિવેકાનંદ ચિરંતર ધ્યાનમગ્ન સપ્તર્ષિમાંના એક હતા અને શ્રીરામકૃષ્ણદેવ તેમને પોતાનો સંદેશ જગપ્રસારિત કરવા આ ધરાધામ પર તેડી લાવ્યા હતા.  ઠાકુર ભક્તોને કહેતા, ‘નરેન પ્રાચીન ઋષિ નર છે—નારાયણનો અવતાર. તે ધ્યાનસિદ્ધ યોગી છે.’ અત્યારે સ્વામીજી આપણા ધ્યાનનું વિષયવસ્તુ છે અને માત્ર ધ્યાન દ્વારા જ એમને પામી શકાય. તે અમર છે. પરિકલ્પના, ચિંતન અને ધ્યાન દ્વારા તેમને અંત:કરણમાં જાગ્રત અને જીવંત કરી શકાય. સ્વામીજીની મહાસમાધિનાં ૧૫ વર્ષ બાદ શ્રીમતી ચાર્લોટ સેવિયર હિમાલયના અંતરિયાળમાં આવેલ માયાવતી આશ્રમમાં રહીને પોતાના ગુરુનું કાર્ય કરી રહ્યાં હતાં. એક દિવસ જોસેફાઈન મેક્લાઉડે તેમને પૂછ્યું, ‘એકાકીપણું તમને કંટાળાજનક નથી લાગતું?’ શ્રીમતી સેવિયરે જવાબ આપ્યો, ‘હું તેમનું (વિવેકાનંદનું) ચિંતન કરું છું.’ અન્ય પ્રસંગે તેમણે એક સંન્યાસીને કહ્યું હતું, ‘હું વિવેકાનંદનું નામસ્મરણ કર્યા કરું છું.’ આને ગુરુ પ્રત્યેનો સાચો પ્રેમ કહેવાય. જેને આપણે ચાહીએ છીએ, તેનું સ્થાન અંત:કરણમાં હોય.

આપણે સ્વામીજીને ભૌતિક ચક્ષુથી નથી જોયા પરંતુ આપણે તેમની ૯૫ તસવીરો જોઈ છે. તે જુદી જુદી તસવીરોમાં અવારનવાર તેઓ જુદી જુદી રીતે દેખાય છે. જ્યારે આપણે તે તસવીરો જોઈએ છીએ ત્યારે આપણને કુતૂહલતા જાગે છે કે તે ખરેખર કેવા દેખાતા હશે, કે જેથી આપણે તેમના સ્વરૂપ પર ધ્યાન કરી શકીએ. સ્વામી નિર્લેપાનંદે લખ્યું છે, ‘જો તમે સ્વામીજીને પ્રેમ કરવા માગતા હો તો તેમના સ્વરૂપનું ધ્યાન કરો—કૌપીનધારી, મુંડિત મસ્તક સંન્યાસી, સુદૃઢ દેહયષ્ટિ, તેજસ્વી વર્ણ, મનમોહક મુખારવિંદ અને કમળાકાર નેત્રો.’ સ્વામી વિવેકાનંદના બાહ્ય દેખાવ અંગે એક દિવસ સ્વામી સારદાનંદે કહ્યું, ‘સ્વામીજીનાં મનમોહક નેત્રો અંગે હું શું કહી શકું? માત્ર આટલું જ કહી શકાય, नम: पङ्कज नेत्राय। અને મૌન થઈ ગયા.’ અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું, ‘સ્વામીજી બલરામગૃહે સૂતા હતા ત્યારે મેં જોયું કે તેમનાં નેત્રો પૂર્ણ મિલિત ન હતાં, પાંપણો એકબીજાને અડકેલી ન હતી. હકીકતમાં તે ‘શિવનેત્ર’ હતાં.’ સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથ દત્તે લખ્યું છે, ‘એક વાર બાગબજાર સ્થિત ગિરીશના ઘેર એક જ્યોતિષશાસ્ત્રીએ સ્વામીજીના જમણા ચરણનું તળિયું જોઈને કહ્યું હતું કે આ વ્યક્તિના ચરણમાં શંખ, ચક્ર, ગદા અને કમળનાં ચિહ્નો છે, જે સામાન્ય જનમાં જોવા મળતાં નથી.’ તેમના ચરણ સપ્રમાણ હતા, ન તો લાંબા કે ન તો ટૂંકા. એમની આંગળીઓ દીપકની શગના આકારની આગળ તરફ અણિયારી હતી અને નખનો આકાર અર્ધચંદ્રકલા જેવો હતો, જે તેમના આત્મવિશ્વાસ, કૃતનિશ્ચયી મનનાં સૂચક હતાં. તેમનું હલનચલન ન તો તીવ્ર, ન તો મંદ. જ્યારે તેઓ ગહન ચિંતનમાં મગ્ન હોય ત્યારે વિજયોન્મુખ વીર નરની જેમ ચાલતા. પ્રવચન આપતી વખતે તેમના હાથ, આંગળીઓ અને મુખ દ્વારા તેમના વિચારો અભિવ્યક્ત થતા. તેથી અમેરિકાવાસીઓ કહેતા, ‘તે દૈવી અધિકારપ્રાપ્ત વક્તા છે.’

નિવેદિતાએ લખ્યું છે, ‘તેઓ દેહયષ્ટિની દૃષ્ટિએ મહિમામય હતા. શ્રી જમશેદજી તાતાએ મને કહ્યું હતું કે સ્વામીજી જ્યારે જાપાનમાં હતા ત્યારે તેમને જોનાર દરેક વ્યક્તિ તેમની બુદ્ધ સાથેની સામ્યતા નિહાળીને તરત જ મંત્રમુગ્ધ થઈ જતા હતા.’

કેલિફોર્નિયા નિવાસી થોમસ એલને લખ્યું છે, ‘સ્વામીજીના સૌંદર્યની કોઈ વ્યક્તિ કલ્પના સુધ્ધાં ન કરી શકે. તેમનું મુખારવિંદ, હસ્ત, ચરણ, સર્વકંઈ સૌંદર્યમય હતું.’ પછીથી સ્વામી ત્રિગુણાતીતે કહ્યું હતું, ‘સ્વામીજીના હસ્ત નારીઓ કરતાંય સુંદર હતા. સ્વામીજીનો દેહવર્ણ બદલાતો જણાતો, ક્યારેક શ્યામ થતો જતો અને ક્યારેક તેજસ્વી થતો જણાતો. પરંતુ ઘણું કરીને તે સુવર્ણની આભાવાળો હતો.’ રોમાં રોલાંને સ્વામીજીના અનુયાયીઓ પાસેથી જાણવા મળ્યું હતું તે મુજબ તેઓએ વર્ણન કર્યું છે, ‘શ્રીરામકૃષ્ણના પાતળા પરંતુ શક્તિશાળી અને કસાયેલા તથા મૃદુ અને કોમળ દેહથી વિપરીત સ્વામીજીનો દેહ ખડતર હતો. તેઓની ઊંચાઈ ૫ ફૂટ, ૮.૫ ઇંચ હતી. તેમના સ્કંધ તથા વક્ષ:સ્થળ વિશાળ હતાં. તેઓ મજબૂત બાંધાના અને કંઈક અંશે સવિશેષ કદાવર હતા. તેમના હસ્ત સ્નાયુબદ્ધ અને સર્વ પ્રકારના વ્યાયામથી પુષ્ટ હતા. તેમનું વજન ૧૭૦ પાઉન્ડ હતું. તેમનો વર્ણ સુવર્ણમય કાંતિયુક્ત હતો. તેમની મુખમુદ્રા તેજસ્વી, લલાટપ્રદેશ વિશાળ, ગાલ ભરાવદાર, મનમોહક વિશાળ કાળાં અને કંઈક અંશે બહિર્ગોળ કમળસમાન નેત્રો હતાં. તેઓ જન્મજાત રાજાધિરાજ હતા. નજરે ઊડીને આવે તેવી તેમની લાક્ષણિકતા રાજવી હતી. ભારત કે અમેરિકામાં તેમની પ્રભાવક ભવ્યતાને આદર આપ્યા વિના કોઈ સમીપ આવતું નહીં.’

બેટ્ટી લેગેટે લખ્યું છે, ‘મારા જીવનમાં મને પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતી બે વિભૂતિઓને મળવાનો અવસર મળ્યો હતો. એક હતા જર્મન કૈસર અને બીજા હતા સ્વામી વિવેકાનંદ.’ ઉપરોક્ત વર્ણન ગુરુ વિવેકાનંદનું ધ્યાન કરવામાં સહાયક થશે. આપણે ધ્યાનને તેમના બાહ્ય સ્વરૂપ પૂરતું કરવું જોઈએ નહીં. જેમ જેમ આપણે તેમના જીવન અને સંદેશ અંગે ધ્યાન કરતા જઈશું તેમ તેમ તેમનાં શક્તિ અને સામર્થ્ય આપણા મનમાં દૃઢમૂળ થશે અને આપણી અંતર્ચેતનાને જાગ્રત કરશે.

पूजामूलं गुरोर्पदम्‌

સાન ફ્રાન્સિસ્કોમાં સ્વામીજીએ હેન્સબ્રોને કહ્યું હતું, ‘મારા મહાપ્રયાણનાં દસ વર્ષમાં મારી ઈશ્વર તરીકે પૂજા થશે.’ આ સમય પૂર્વે જ સ્વામીજીના શબ્દો સાચા પુરવાર થયા. નીલાંબર બાબુના ઉદ્યાનભવનમાં આવેલ રામકૃષ્ણ મઠમાં સ્વામીજીના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તીએ શિવરૂપી ગુરુ સ્વામીજીના ચરણોની ધંતૂરાનાં પુષ્પોથી વિધિવત્‌ પૂજા કરી હતી. પૂજા પૂર્ણ થતા સ્વામીજીએ કહ્યું, ‘વારુ, તારી પૂજા સમાપ્ત થઈ, પરંતુ શ્રીરામકૃષ્ણની પૂજા માટેનું પુષ્પપાત્ર મારી ચરણપૂજા માટે વાપરવાના તારા પૂજાદોષ બદલ સ્વામી પ્રેમાનંદ ગુસ્સે થશે.’ એટલામાં જ સ્વામી પ્રેમાનંદ આવી પહોંચ્યા. સ્વામીજીએ તેમને કહ્યું, ‘જુઓ, કેવું ધર્મવિરુદ્ધ કૃત્ય થયું!’ સ્વામી પ્રેમાનંદે સસ્મિત કહ્યું, ‘સારું કર્યું, શું તમે અને શ્રીરામકૃષ્ણ ભિન્ન છો?’ સ્વામીજીના શિષ્ય સ્વામી અચલાનંદે સંસ્મરણમાં નોંધ્યું છે, “એક દિવસ સ્વામીજી જૂના મંદિરની નીચે ઓસરીમાં ગંભીર મુદ્રામાં બેઠા હતા. હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મને જોઈને તેમણે કહ્યું, ‘થોડાં પુષ્પ લઈને અહીં આવ.’ હું પુષ્પ લાવ્યો એટલે તેમણે કહ્યું, ‘પુષ્પ મારાં ચરણે સમર્પિત કર. મારી દરરોજ પૂજા કરજે.’” સ્વામીજીની પૂજાપદ્ધતિ અદ્‌ભુત અને વિશિષ્ટ હતી. તેમને માટે ધ્યાન એ પૂજા હતી. તેઓ જ્યારે પૂજાગૃહમાંથી બહાર નીકળતા ત્યારે તેમનું મુખ રક્તવર્ણ દીસતું. ત્યારે સ્વામીજી ઈશ્વરોન્મત્ત જણાતા.

સ્વામીજી ઇચ્છતા કે તેમના અનુયાયીઓ ક્રિયાકાંડથી થતી પૂજાથી સંતોષ ન પામીને તેમના ઉપદેશોને કાર્યાન્વિત કરે. તેમણે એક વખત રમૂજમાં કહ્યું હતું, ‘મારા મૃત્યુ બાદ જો તમે મને અવતાર બનાવીને મારી તસવીર સમક્ષ આરતી ઉતારશો તો હું પ્રેત થઈને તમારી ડોક મરડી નાખીશ.’ સ્વામીજી ઋષિ હતા, સત્યદૃષ્ટા હતા તેથી અગણિત લોકો તેમની પૂજા કરે છે અને કરશે. તેમણે ભવિષ્યકથન કરતાં કહ્યું હતું, ‘તમે જો જો, બસ્સો વર્ષ પછી લોકો વિવેકાનંદના કેશ માટે ચોધાર આંસુએ રડશે.’

मंत्रमूलं गुरोर्वाक्यं

કથામૃતકાર શ્રી‘મ’એ શ્રીરામકૃષ્ણ વિશે કહ્યું છે, ‘શ્રીરામકૃષ્ણનો પ્રત્યેક શબ્દ મંત્ર છે.’ ઠાકુરના શબ્દોના સર્વોત્તમ ભાષ્યકાર હતા સ્વામીજી. તેમણે પોતે કહ્યું છે, ‘મારા પ્રત્યેક ઉપદેશમાં શ્રીરામકૃષ્ણના વચનનો પ્રતિધ્વનિ છે.’ પરંતુ સ્વામીજીએ સાધના કરીને આ મંત્રોમાં ચૈતન્યના પ્રાણ પૂર્યા હતા અને તેથી જ તેમના શબ્દોમાં અતુલનીય સામર્થ્ય છે. પૂર્વ કે પશ્ચિમનો કોઈ પણ શ્રોતા આ બાબતનો નિર્વિવાદ સ્વીકાર કરે છે. સ્વામી તુરીયાનંદે કહ્યું હતું, ‘સ્વામીજીના શબ્દો સાંભળીને મરણાસન્ન માનવ પણ કૂદકો મારીને કહેશે કે ઊભા રહો, ઊભા રહો, હું ચોક્કસ મૃત્યુ પામવાનો; પરંતુ તે પહેલાં મને એક વાર તેમને સાંભળી લેવા દો.’ સ્વામીજીના શબ્દો પાછળ એવું તો સામર્થ્ય હતું કે તેમના વિચારો અને ભાષા શ્રોતાના અંત:કરણમાં અંકિત થઈ જતાં. લોકોને સમયનું વિસ્મરણ થઈ જતું. અરે, પોતાના વ્યક્તિત્વ સુધ્ધાંનો વિચાર ભૂલી જતા. લોકોના મનને ઉચ્ચ સ્તરે ઉન્નત કરી દેવાનું સામર્થ્ય એમના શબ્દોમાં હતું.

ગુરુ શ્રીરામકૃષ્ણની જેમ સ્વામીજીએ બહુ થોડા લોકોને ઔપચારિક મંત્રદીક્ષા આપી હતી. તેઓ એવા સાધારણ ગુરુ ન હતા કે જે માત્ર મંત્ર આપીને દીક્ષિત કરે. તેમણે લોકોને શાંભવી તથા શક્તિદીક્ષા પદ્ધતિથી માત્ર દૃષ્ટિ કે સ્પર્શ દ્વારા દીક્ષિત કર્યા હતા.

સ્વામીજીએ આપેલ સ્વદેશ મંત્રમાં ‘તું ભૂલતો નહીં’ એવું છ વખત પુનરુચ્ચારણ કરીને આપણને યાદ દેવડાવ્યું છે કે આપણો આદર્શ શો છે. આ છે સાચા ગુરુનું કાર્ય. મંત્રદીક્ષા પૂર્વે સંકલ્પ કરવાની પરંપરા છે, એથી સ્વામીજીએ ભાવિ શિષ્યોને સૂચન કર્યાં હતાં,

‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન બન અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જન કર કે હું ભારતવાસી છું… ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે, ઇત્યાદિ.’ માતૃભૂમિ કાજે આટલો અને આવો પ્રેમ ધરાવનાર અન્ય કોઈ ભારતીય હોય, એવું આપણી જાણમાં નથી. મંત્રદીક્ષાના અંતે સ્વામીજીએ કેવી રીતે પ્રાર્થના કરવી તે શીખવ્યું, ‘હે ગૌરિપતે, હે જગજ્જનની અંબે, તું મને મનુષ્યત્વ આપ.. મને મર્દ બનાવ!’ ઇત્યાદિ.

મંત્રદીક્ષા પછી ગુરુદક્ષિણા આપવાની પરંપરા છે. સ્વામીજી શિષ્યો પાસેથી કેવી દક્ષિણા માગે છે? તેમણે કહ્યું હતું, ‘મારાં બાળકો! અન્ય માટે લાગણી રાખતાં શીખો… પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ!… ગરીબ, અજ્ઞાની અને દલિતો માટેનો આ જંગ અને સહાનુભૂતિની ભાવના હું તમને વારસામાં સોંપું છું.’

मोक्षमूलं गुरो: कृपा

સામાન્યત: ઈશ્વરની અનુભૂતિ ચાર પ્રકારે થાય છે—આત્મકૃપા, શાસ્ત્રકૃપા, ગુરુકૃપા અને ઈશ્વરકૃપા. શિષ્યનાં ભક્તિ અને સેવાથી સંતુષ્ટ થઈ ગુરુ શિષ્યને બ્રહ્મજ્ઞાન આપે છે. આ થઈ ગુરુકૃપા. ગુરુ અને ઈશ્વર કૃપા વરસાવવા નિરંતર તત્પર હોય છે. સ્વામીજીએ એક શિષ્યને કહ્યું હતું, ‘જેઓ મન, વચન અને કર્મથી પવિત્ર છે, જેઓ નિષ્ઠાયુક્ત ભક્તિસંપન્ન છે, જેઓ સદ્‌-અસદ્‌-વિવેકશીલ છે, જેઓ ધ્યાન-ચિંતનમાં ખંતીલા છે તેમના પર ઈશ્વરકૃપા વરસે છે. સ્વામીજી સદ્‌ગુરુ, સિદ્ધગુરુ હતા. જ્યારે તેઓ ગુરુભાવાપન્ન હોય ત્યારે તેમનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની બાબત હતી. તેમણે એક વખત સ્વામી સ્વરૂપાનંદને કહ્યું હતું, ‘જો સ્વરૂપ, મેં જેમના મસ્તક પર હાથ મૂક્યો છે, તેમને લગારેય ચિંતા કરવાની નથી. આ નિશ્ચિત જાણ.’ અન્ય એક પ્રસંગે તેમણે સ્વામી પ્રેમાનંદને કહ્યું હતું, ‘જો મારા શિષ્યો હજારવાર નરકે જશે તો હું હજારવાર તેમનો ઉદ્ધાર કરીશ. જો આ સાચું ન હોય તો, શ્રીરામકૃષ્ણ અસત્ય છે.’ માત્ર સદ્‌ગુરુ કે સિદ્ધ ગુરુ જ આવી ખાતરી આપી શકે છે.

કેટલીકવાર શિષ્યો સ્વામીજીની ગુરુસત્તા જોઈને વિસ્મિત થઈ જતા. સ્વામીજીમાં વિરલ શક્તિ હતી કે તેઓ શિષ્યોમાં આધ્યાત્મિક ભાવનું આરોપણ કરીને તેમને મહાન બનાવી દેતા. તેઓ કેટલીક વાર હસ્તધૂનન કરીને, ક્યારેક દૃષ્ટિમાત્રથી તો વળી ક્યારેક ઠપકો આપીને પોતાની અધ્યાત્મસત્તાનું સંવહન કરતા. તેમના આધ્યાત્મિક પ્રભાવ હેઠળ આવેલ સૌ કોઈને તેમની કૃપા પ્રાપ્ત થતી. સ્વામીજીની કૃપા શું થોડાક જ શિષ્યો પૂરતી સીમિત હતી? ના, તેમ ન થઈ શકે. તેઓ મહાન વિભૂતિ હતા, કાલજયી. તેમના વિચારો અને ઉપદેશથી વિશ્વમાં લોકો પ્રભાવિત તથા પ્રેરિત થયા છે અને આવું ભવિષ્યમાં પણ બનતું રહેશે. સાચા ગુરુ તો ઈશ્વર છે, પરંતુ ઈશ્વરીય સત્તાનું અવારનવાર મહાન વિભૂતિઓ મારફત સંવહન થયા કરે છે. પોતાના મહાપ્રયાણના એક સપ્તાહપૂર્વે સ્વામીજીએ તેમના વહાલા શિષ્યને કહ્યું હતું, ‘શ્રદ્ધાવાન બન, સાહસિક થા, આત્મજ્ઞાન પ્રાપ્ત કર અને અન્યના કલ્યાણ અર્થે તારા જીવનનું સમર્પણ કર—આ છે મારી અંતર-ઇચ્છા અને આશિષ.’

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.