તા. ૯-૧૦-૨૦૧૫ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રણિત સંપ્રદાયની પરંપરાના ભાવપુરા ગામના પૂજ્ય સાધુ રામ મહારાજ પાસેથી ‘નર્મદે હર’ના નાદ સાથે બપોરે ત્યાગીજી સાથે વિદાય લીધી. બે-ત્રણ કિલોમીટર દૂર સસાવડ ગામમાં એક નિજસ્વ લાગતા મંદિરે જઈ ચઢ્યા. સ્વાગત સાથે ચા તો મળી ગયો પણ અહીં રાત્રિ નિવાસની કોઈ વ્યવસ્થા જણાય નહીં. આ ગામમાં ગુપ્ત ગોદાવરી સ્થાન છે, જેનાં દર્શન કરી શકાય એવું સૂચન મળ્યું. ગોદાવરી નામ સાંભળતાં જ સંન્યાસીના કાન ચમક્યા! ગુવાર ગ્રામમાં રામાનંદ સંત આશ્રમમાં જ્યારે ચાતુર્માસ કરતા હતા ત્યારે રાજકોટ આશ્રમથી કેટલાક સંતો સંન્યાસીને મળવા આવ્યા હતા, તેઓ નાસિકના કુંભમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, એટલે સંન્યાસી તો એ કુંભમાં જઈ શક્યા ન હતા પરંતુ અહીં ગુપ્ત ગોદાવરી મૈયાનું સ્થાન છે, તો તેનાં અવશ્ય દર્શન કરવાં જોઈએ. અહીં ગુપ્ત રીતે ગોદાવરી નદીનો સ્રોત આવતો હતો. સંન્યાસીએ ગમે તેમ કરીને પ્રેમપૂર્વક સ્નાનવિધિ પૂર્ણ કર્યો. જાણે નાશિક કુંભમાં ગોદાવરી સ્નાન! હવે સંધ્યા આગત હતી. કોઈ એક સ્થાને પહોંચવું આવશ્યક હતું, એટલે પગ ઉપાડ્યા અને આગળ મારુતિધામ છે ત્યાં પહોંચવાનું નક્કી કર્યું. અમે બીજા રસ્તા પર ચાલવા લાગ્યા, પરંતુ પાછળથી એક છોકરો સાઇકલ પર સવાર થઈ આવતો હતો, અમે પરિક્રમાવાસીઓને જોઈને તેણે સાચો રસ્તો બતાવી આપ્યો. અમે ખરેખર મા ગોદાવરીની કૃપા અનુભવવા લાગ્યા. પાછળ ફરીને જોયું તો એ છોકરો પોતાના રસ્તે સાઇકલ પર આગળ જતો હતો, તેનાં ચરણ આલતા લગાવેલાં હોય, તેવાં લાલ હતાં. એ જે હોય તે પણ અમે લોકો મારુતિધામમાં સમયસર પહોંચી ગયા. સંધ્યા આગતને કારણે હવે આગળ ચાલવું હિતાવહ ન હતું! વિશાળ પથ્થરો, માર્બલ, સુંદર બગીચાથી આશ્રમ સુશોભિત હતો. એક મોટા શહેરમાં પ્રખ્યાત ગાયકનો આશ્રમ. બે-ત્રણ કુટુંબોને સ્થાનની સારસંભાળ માટે રાખ્યા હશે પરંતુ તેઓ તો માત્ર દેખરેખ જ રાખતા હોય એવું લાગ્યું. અમારી પાસે તો કોઈ વિકલ્પ જ નહોતો, એક હૉલ ચિંધાયો, તેની થોડીક સફાઈ કરી, તેમાં આસનો લગાવાયાં. ખરેખર, ધાર્મિક ઇમારતોનું નિર્માણ કર્યા પછી તેમની સ્વચ્છતા, શિસ્ત, નિયમિતતા, ઉત્સાહ વગેરે પડકારરૂપ બની જતાં હોય છે.
શ્રીશ્રીમાની કૃપાથી ભોજન પ્રસાદ પ્રાપ્ત થયો. બીજે દિવસે ૧૦-૧૦-૨૦૧૫ને શનિવારના રોજ નિત્યકર્મ પૂર્ણ કરી અને ‘નર્મદે હર’ના નાદ સાથે નર્મદા પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. થોડો રસ્તો અને કેળનો બગીચો પાર કર્યો ને પાસે જ મણિનાગેશ્વર આવી ગયું. મુખ્ય પ્રવેશદ્વારમાં જતાં જ સામે કેટલી બધી ગૌમાતાનાં દર્શન થયાં. અદ્ભુત શાંત, સુંદર આશ્રમ! વિશાળ જગ્યામાં ખેતી, ફળ, ફૂલ, થોડા પરિક્રમાવાસી અને સાધુઓથી શોભિત આશ્રમ! વિશેષ દિવસો સિવાય ભક્તોની અવરજવર નહિ. સંન્યાસીએ આશ્રમના પાક્કા નાનકડા ખંડમાં ત્યાગીજી અને બીજા એક પરિક્રમાવાસી સાથે આસન લગાવ્યાં. મણિનાગેશ્વર ભગવાનનાં દર્શન કરી, મગરોથી ખૂબ સાચવવું—એવી સૂચનાઓ સાથે નર્મદા-સ્નાન કર્યું. ખરેખર અહીં મગરોનો ભય હોવાથી ઘાટથી પાંચ મીટર દૂર સુધી બંને તરફ જાળી લગાવેલી હતી, જેથી મગર અંદર આવી શકે નહીં અને નર્મદા-સ્નાન બેઠાં બેઠાં સરળતાથી થઈ શકે. મણિનાગેશ્વર નામ પ્રમાણે નાગદાદાનો પણ અભાવ નહીં. ગમે ત્યારે બગીચામાં, દ. ઘાટ ઉપર દાદાનાં દર્શન થઈ જાય. મંદિરની પરસાળમાંથી નર્મદાનાં સુંદર દર્શન થતાં હોય છે. એક વાર એક મહારાજે ઊંચા આવજે કહ્યું, “આવો! આવો! નર્મદા એક્સપ્રેસ જાય છે. જુઓ, જુઓ!” અમે દોડી જઈને જોયું તો મોટો મગર નર્મદામાં આરામથી તરતો તરતો થઈ રહ્યો હતો. એક વાર એક કુટુંબ મણિનાગેશ્વરનાં દર્શન માટે આવ્યું. તેઓ ઘાટ ઉપર મા નર્મદાના સ્નાન માટે પહોંચ્યાં. એક પુરુષ, તેમનાં પત્ની ને બાળકો હતાં. પુરુષ અને તેમનાં બાળકો સ્નાન માટે ઊતર્યાં. તેમનાં પત્ની સ્નાન ન કરતાં ઘાટનાં નીચેનાં પગથિયાં પર બેસી મગરથી સાચવજો, મગરથી સાચવજો—એવાં સૂચનો કરતાં રહેતાં હતાં. સંન્યાસી પોતાની રીતે સ્નાન કરી ચાલ્યા ગયા. બે દિવસ પછી બપોરે ભોજનપ્રસાદના સમયે એક મહાત્માએ કીધું કે ઘાટમાં તૂટેલા પથ્થરની બખોલમાં નાગદાદા રહે છે. સ્નાન કરતી વખતે સાવધાન રહેવું. સંન્યાસી તો ચમકી ગયા! સાંજે ઘાટ પાસે જઈને જોયું તો સાચે જ બખોલમાં નાગદાદા બેઠા હતા! સંન્યાસી વિચારવા લાગ્યા કે બે દિવસ પહેલાં પેલાં બેન તો ત્યાં જ બેઠાં હતાં, તેમનાં કુટુંબીજનોને એવું કહેતાં હતાં કે મગરથી સાચવજો પણ પોતે તો નાગદાદાની બાજુમાં જ બેઠાં હતાં. રામ રાખે તેને કોણ ચાખે! હવેથી સંન્યાસી જ્યારે પણ આ ઘાટ ઉપર આવે ત્યારે દૂરથી જ પ્રથમ જોઈ લેતા કે દાદા ક્યાં બેઠા છે, દાદાનું મોઢું બહાર બખોલમાં દેખાય અને સંન્યાસી પ્રાર્થના કરે કે, “હે, નાગદાદા! તમે ત્યાં જ બેઠા રહેજો.” અને આ બાજુ મગરના ભય વચ્ચે નર્મદા-સ્નાનનો વિધિ પૂર્ણ થતો. આ પણ નર્મદા સ્નાનનો એક પ્રકારનો રોમાંચક આનંદ હતો.
આમ તો મળેલાં સૂચનો અનુસાર સંન્યાસીને આ મણિનાગેશ્વર આશ્રમમાં જ ચાતુર્માસ કરવો એવું નક્કી થયેલ હતું, પરંતુ શ્રીમાની કૃપા અને ઇચ્છાથી સંન્યાસીએ પરમ સંતોષ સાથે રામાનંદ આશ્રમમાં ચાતુર્માસ કર્યો, હવે નવરાત્રિમાં મણિ નાગેશ્વરમાં નવ નોરતાં સુધી દરરોજ ચંડીપાઠ કરવો એવું મનમાં સ્ફુરણ થયું. આ વાત ત્યાંના કારભારી રત્નાકર મહારાજને જણાવતાં, તેમણે પણ સહર્ષ સ્વીકૃતિ આપી અને જરૂરી કિસમિસ વગેરે પૂજાની સામગ્રી પણ લઈ આપી. સંન્યાસીએ પરમ આનંદથી નવ દિવસ સુધી ચંડીપાઠ કર્યા. આશ્રમના બગીચામાં ખૂબ જ પુષ્પો થતાં હતાં, એટલે સંન્યાસી પુષ્પોનું ચયન કરતા. દુર્ગા માનો નાનકડો ફોટો, ઠાકુર-મા-સ્વામીજી તથા નર્મદા માના ફોટાઓને ચંદનથી ખૂબ ભાવથી સજાવતા.
અંતિમ દિવસે એક રમૂજ થઈ. અંતિમ દિવસે ચંડીપાઠ પૂર્ણ થયા પછી સંન્યાસીને મનમાં થયું કે ચંડી મા તો રક્તપાન કરે, તેમને થોડું રક્ત આપવું જોઈએ, એમ વિચારીને સંન્યાસી એક કાંટો અને ટાંકણી લઈને આવ્યા ને પોતાની આંગળીમાંથી લોહી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે આંગળીમાંથી લોહી જ નીકળતું ન હતું. ઘણો પ્રયત્ન કર્યો, જાણે શરીરનું લોહી સૂકાઈ ગયું ન હોય! સંન્યાસી વધુ જોરથી શરીરમાં કાંટો ભોંકાવી શક્યા નહીં કે જે કંઈ હોય પણ લોહી ન નીકળ્યું તે ન જ નીકળ્યું. સંન્યાસીને એમ કે આ લોહીથી માને થોડોક ભોગ ચઢાવાઈ જાય અને મા પ્રગટ થઈ જાય, પણ એમ કંઈ સહજતાથી માનાં દર્શન થાય ખરાં!
Your Content Goes Here





