नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते ।
हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥
ભગવાન શિવના અંગમાંથી ઉદ્ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત તટવાળી હે નર્મદા ! તારો જય થાવ. હે નર્મદા ! તું મારા પાપને હરી લે. નર્મદે હર !
– શ્રી વાસુદેવાનંદ સરસ્વતી
મા નર્મદાના તટે જન્મ એટલે શૈશવથી નર્મદા પરિક્રમાવાસીઓનાં દર્શન થતાં. પછી જાણવા મળ્યું કે મા નર્મદાની પરિક્રમા પ્રાચીનકાળથી હજારો યાત્રીઓ કરતા રહ્યા છે. સમયે-સમયે પરિક્રમાએ જવાની ઇચ્છા થતી. સંન્યાસજીવનનાં આરંભનાં વર્ષો વ્રજભૂમિમાં વીતાવ્યા પછી નર્મદા તટે નારેશ્વરમાં ચાતુર્માસ નિમિત્તે આવતાં પરિક્રમાની ઇચ્છા પુનઃજાગૃત થઈ. અંતે માએ સત્તાવન વર્ષની ઉંમરે મારી પ્રાર્થના સાંભળી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વ૨ના ઉત્તર તટેથી પરિક્રમા આરંભ કરવાનું નક્કી થયું.
મા નર્મદાની અસીમ કૃપાથી ઓમકારેશ્વરથી દસેક કિ.મી. દૂર આવેલા શ્રી ચારુસંગમેશ્વર તીર્થ પાસેના સંગમ ક્ષેત્રથી ફાલ્ગુની પૂર્ણિમા પછી તા. ૨૯-૩-૧૯૯૪ના રોજ પરિક્રમાનો આરંભ કર્યો. મા નર્મદાને સાષ્ટાંગ દંડવત્ વંદન કરી શ્રી સદ્ગુરુદેવનું સ્મરણ કરી, તેમને હૃદયમાં પધરાવી પૂર્વાભિમુખ થઈને ‘મા’ના પ્રવાહની સાથે સાથે ચાલવા માંડ્યું. પૂર્વે પરિક્રમા કરેલ બ્રહ્મચારી સાથે ચાલી રહ્યા હતા. આરંભનો માર્ગ કઠિન, કારણ કે અહીંથી જ ઓમકારેશ્વરની ઝાડી શરૂ થઈ જાય છે. ડુંગર, પથ્થર, કાંકરા, કાંકરીવાળા માર્ગમાં ખુલ્લા પગે ઉનાળાના સમયે ચાલવામાં આકરી કસોટી. પચાસેક કિ.મી. ચાલ્યો ને પગનાં તળિયાંનાં છોડાં ઉખડવા માંડ્યાં.
નર્મદા પરિક્રમા કોઈ સાહસ કે સહેલગાહ અથવા માત્ર યાત્રા નથી, પરંતુ કેવળ તપશ્ચર્યા છે. સાધુએ તપશ્ચર્યા કરવી રહી. ઉપનિષદમાં કહ્યું છે. ‘तपो ब्रह्म’ ‘रेवातटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे’- એ સૂત્ર સુપ્રસિદ્ધ છે જ. પ્રાચીનકાળનાં ઋષિ-મુનિઓ, દેવતા, ગંધર્વો, અપ્સરાઓ, રાક્ષસો, રાજા વગેરેએ તપશ્ચર્યા કરી સિદ્ધિ મેળવેલી છે. અત્યારે પણ ઘણા સાધકો આવું તપ કરે છે.
પરિક્રમાના માર્ગે તીર્થસ્થાનો, આશ્રમો, મંદિરો, સંગમો, સાધુસંતોનાં દર્શન, સ્પર્શ, સ્નાન, આચમન વગેરે કરતાં કરતાં આનંદપૂર્વક યાત્રા ચાલી. બ્રહ્મચારી સાધુનો સંગાથ છૂટતા એક વૃદ્ધ ગુજરાતી બ્રાહ્મણનો સાથ થયો. આ તેમની બીજી પરિક્રમા છે ! આવા યાત્રીઓને જોઈને મારો ઉત્સાહ વધતો રહ્યો. નારેશ્વરના સંતરાજ પૂ. શ્રી રંગઅવધૂત કહેતા, ‘ખરો આધ્યાત્મિક આનંદ તમારે લૂંટવો હોય અને પ્રભુની અહેતુકી કૃપા કેવી હોય છે તેનો અનુભવ લેવો હોય તો શ્રદ્ધાપૂર્વક મા નર્મદાની પરિક્રમાએ નીકળી પડો.’ સાચે જ, મા નર્મદા ગમે તેવા નાસ્તિકને પણ ઈશ્વરમાં માનતો – આસ્તિક બનાવી દે છે. ઉત્તર તટની આ યાત્રામાં રમણીય, એકાંત, માત્ર તપશ્ચર્યા માટે જ નિર્મિત સ્થળો જોયાં. જેમણે સાચા હૃદયથી શ્રદ્ધાપૂર્વક મા નર્મદાની પરિક્રમા કરી તેમને માએ પોતાના અંકમાં લઈ લીધા છે. નિમ્ન વર્ણના લોકોને મેં સાધુવેષમાં કિનારે રહેતા જોયા. તેઓ કહેતા કે હવે માનર્મદાને છોડીને ક્યાંય જવાનું ગમતું નથી. મા નર્મદા માત્ર જળપ્રવાહ નથી, પણ સાક્ષાત્ મા છે. આવા ગરીબ હોવા છતાં સાધુ-પરિક્રમાવાસીની સેવા કરવા સદા તત્પર હોય છે.
મધ્યપ્રદેશના નર્મદા તટે વસેલાં ગામોના લોકો ગુજરાતની તુલનામાં ગરીબ, શ્રદ્ધાળુ અને સાધુભક્તિવાળા છે. પ્રત્યેક ગામમાં સદાવ્રત છે. ગામના સરપંચ કે પટેલ યા સગૃહસ્થ વ્યવસ્થા સંભાળે છે. ૨સ્તે મળતાં સ્ત્રી-પુરુષો ‘નર્મદે હર’ કહી પ્રણામ, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ અથવા નીચે નમીને ચરણ સ્પર્શ સુદ્ધાં કરે, દક્ષિણા પણ આપે.
તેમની દરિદ્રતા જોઈને આપણને લેતાં સંકોચ થાય. તટપ્રદેશનાં મોટાભાગનાં ગામો એટલાં નાનાં કે ગરીબ છે કે ચાની દુકાન પણ ન મળે ત્યાં નાસ્તાની કે જમવાની તો વાત શી ? માનું નામસ્મરણ કરીને ભિક્ષા જ માગવી પડે. ઓમકારેશ્વરથી અમરકંટક સુધીમાં એક માત્ર મંડલા શહેર છે, જે જિલ્લાનું મથક હોવાથી વિકસ્યું છે. કેટલાકના મત પ્રમાણે સહસ્ત્રાર્જુનની રાજધાની માહિષ્મતી અહીં હતી. જ્યાં આશ્રમ, મંદિર કે સાધુની કુટિ હોય ત્યાં મારા જેવા ભગવાધારી સંન્યાસીને તૈયાર ભિક્ષા મળી જાય. બીજાને તો સદાવ્રતમાંથી યા અન્ય ઘરોમાંથી લોટ અને દાળ આપી દે. તમારે સ્વયં પાકી બનવું પડે. સામાન્ય પરિક્રમાવાસીને રસોઈનાં અલ્પ સાધનો પણ રાખવાં પડે. સવારે નહિ તો સાંજે, અરે ! રાત્રે દસ વાગ્યે પણ જમાડીને મને ક્યારેય ભૂખ્યો સૂવા દીધો નથી. અહા ! મા તે મા ‘माता मातैव कैवलम्।’ ચા પણ સવાર-સાંજ નિયમિત અને એકથી વધુ વાર મળી છે. શૂલપાણિની ઝાડી જેવા દુર્ગમ સ્થાનોમાં દૂધ વગરની ચા અને બપોરે ગરમીમાં દહીં-છાશ મળી રહેતા. સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્યક્રમથી પરવારીને સ્નાન-ધ્યાન કરીને આગળ ચાલવાનું રહેતું. ગરમીમાં સવારે ૯ સુધી ચાલીને મુકામે પહોંચવું, ત્યાં ફરી સ્નાન કરીને પૂજા-પાઠ કરતાં, પ્રસાદ લીધા પછી આરામ કરીને સાંજે સ્નાન ધ્યાન-જપ કરીને સૂઈ જતા. (ક્રમશઃ)
Your Content Goes Here




