अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે – अमृतस्वरुपा અમર-શાશ્વત; અને વળી) 

વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના સ્વરૂપ જેવું જેનું સ્વરૂપ છે તેવી છે.)

આપણે બે સૂત્રોનું વિવરણ પૂરું કર્યું. એમાં પહેલું સૂત્ર તો માત્ર ભૂમિકા સ્વરૂપનું છે અને બીજું સૂત્ર ભક્તિની વ્યાખ્યા આપે છે. હવે આ ત્રીજું સૂત્ર ભક્તિની વ્યાખ્યાનો આગળ વિસ્તાર કરીને ભક્તિ વિશે વધારે કંઈક કહે છે. આ સૂત્ર બીજા સૂત્ર સાથે સંકળાયેલું છે. એટલે કે એ ભક્તિના સ્વરૂપ સાથે સંકળાયેલું છે. બીજા સૂત્રમાં ભક્તિની એવી પરિભાષા કરવામાં આવી હતી કે ભગવાન પ્રત્યે પરમપ્રેમના સ્વરૂપ જેવી ભક્તિ હોય છે. હવે એ પરિભાષાને આગળ વધારવા માટે કહે છે કે ભક્તિ એ અમર પ્રેમ છે. એટલે કે આ પ્રેમને મરણ નથી. આ રીતે સૌ પહેલાં તો એ ‘પરમપ્રેમ રૂપ જેવી’ છે એમ કહ્યું અને પછીથી એ ‘અમૃત સ્વરૂપ જેવી’ છે, એમ કહ્યું. (અમૃતના સ્વરૂપ જેવું સ્વરૂપ છે જેનું તે ‘બહુવ્રિહી સમાસ)

‘પ્રેમ’ શબ્દનું મહત્ત્વ ઘણું વિશાળ છે. આપણા જેવા સામાન્ય માણસ માટે એનો – ‘પ્રેમ શબ્દ’નો કોઈક એક અર્થ થાય છે અને જે મનુષ્યોએ દિવ્ય પ્રેમની અનુભૂતિ કરી હોય છે એમને માટે એનો વળી કોઈક જુદો જ અર્થ થાય છે. એવા લોકો પણ પ્રેમસંબંધ શબ્દાવલી તો સરખેસરખી જ વાપરે છે. છતાં એના અર્થો તદ્દન જુદા જ હોય છે. એ શા માટે જુદા હશે? જુદા એટલા માટે હોય છે કે આપણને એ પ્રકારની અનુભૂતિ થઈ હોતી નથી. આપણા અનુભવો તો માત્ર શરીર કે ઈંદ્રિયો પૂરતા જ મર્યાદિત હોય છે. જ્યારે દિવ્ય પ્રેમ તો આ સંદર્ભમાં એક અનન્ય અનુભૂતિ છે. એ પ્રેમ શરીર અને ઈંદ્રિયવિષયોની પેલી પારનો હોય છે. આ રીતે, એ તદ્દન જુદો જ છે અને એને અભિવ્યક્ત કરવા માટે આપણી પાસે કોઈ જ એવું સાધન નથી કે જેના દ્વારા એ વિચાર આપણે બીજાઓને સમજાવી શકીએ. અને એટલા જ માટે એવી અભિવ્યક્તિ કરવામાં આવી છે. ‘સ્વરૂપ જેવી’ એટલે કે ‘પ્રેમના સ્વરૂપની કક્ષાની’ એમ કહ્યું છે. કારણ કે દિવ્યોન્માદમાં રહેલા મનુષ્યની અભિવ્યક્તિઓ તો પાર્થિવ પ્રેમી મનુષ્યની અભિવ્યક્તિઓ જેવી જ લગભગ હોય છે. બન્નેની બાહ્ય અભિવ્યક્તિઓ તો સમાન જ છે. આમ છતાં બન્ને વચ્ચે આકાશપાતાળનું અંતર છે. એટલે જ કહ્યું છે કે ‘અમૃત જેવા સ્વરૂપવાળી.’

એટલા માટે ભક્તિ સ્વરૂપ પરત્વે પરમ પ્રેમ પણ છે અને અમરપ્રેમ પણ છે એ કેવળ પરમ પ્રેમ સ્વરૂપ નથી, અમરપ્રેમ સ્વરૂપ પણ છે એટલે ભક્તિનો ક્યાંય અન્ત-છેડો-નથી (એ અનન્ત છે) હવે આપણે વિચારી શકીએ એવા કોઈપણ પ્રકારના પાર્થિવ પ્રેમની તો શરૂઆત પણ હોય છે અને અંત પણ હોય છે; એવો કોઈપણ પાર્થિવ પ્રેમ નથી કે સદાસર્વદા સતત ચાલુ જ રહ્યા કરતો હોય. આ બાબત શક્ય જ નથી. આટલા જ માટે આ વાત ચોક્કસ થઈ કે એ પ્રેમનો અનુભવ કરનાર મનુષ્ય પણ મર્યાદિત જ છે અને જે મનુષ્ય પ્રત્યે આ પ્રેમ ઢળેલો છે, તે પ્રેમપાત્ર મનુષ્ય પણ મર્યાદિત જ છે. એટલે જેના તરફ આપણો પ્રેમ વહે છે, તે તો સમયથી મર્યાદિત છે, સંજોગોથી મર્યાદિત છે, અને પ્રેમપાત્રો દ્વારા પણ મર્યાદિત છે. એવો પ્રેમ અવશ્ય જ ‘અસ્થાયી – ક્ષણભંગુર- રહેવા સર્જાયો હોય છે. સામાન્ય પ્રેમ સનાતન-અનંત-નથી, એનું આ જ કારણ છે આપણાથી સામાન્ય રીતે અનુભવ કરાતા એવા પ્રકારના પ્રેમ કરતાં આ દિવ્ય પ્રેમ જે જુદો તરી આવે છે, તે એક અગત્યનો મુદ્દો છે. પાર્થિવ પ્રેમના આપણા બધા અનુભવોને પ્રારંભ અને અંત તો હોય જ છે. તેમજ એમાં વળી તીવ્રતાની, સમયગાળાની તેમજ ગુણાત્મકતાની મર્યાદાઓ પણ ભળે છે. તો એની સામે પેલો દિવ્ય પ્રેમ તો એ બધાની તુલનામાં અસીમ છે. એક વખત એના પ્રેમનો સાક્ષાત્કાર થઈ જાય તો પછી એ અનુભૂતિ હંમેશને માટે ચાલુ જ રહે છે. એનું કારણ એ છે કે આવો વિશુદ્ધ પ્રેમ, બહાર કોઈ પણ સંજોગ ઉપર આધાર રાખતો નથી હોતો. આ જગતમાં આપણો સામાન્ય પ્રેમ તો કોઈક મનુષ્ય કે વસ્તુના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થાય છે. પરંતુ, દિવ્ય પ્રેમમાં એવા કોઈ બાહ્ય સંપર્કની જરૂર પડતી નથી. કારણ કે એ દિવ્યપ્રેમ તો આપણી ભીતર ભર્યો છે અને એ દિવ્ય પ્રેમનો વિષય પણ આપણી અંદર જ રહેલો છે. એટલા માટે એ શાશ્વત છે, સતત રહેનારો છે.સામાન્ય રીતે આપણે કર્તા તરીકે કોઈક કર્મપદાર્થ ઉપર જેવા પ્રેમને અનુભવીએ છીએ, તેવો કંઈ એ પ્રેમ નથી. એ તો આપણી સ્વયંની સાથેના તાદાત્મ્યરૂપ છે. અને જો એ પ્રેમ ઈશ્વર તરફ જ વિષય તરીકે તો તાકે છે, એમ માનીએ, તો પણ એ ઈશ્વર કંઈ આપણાથી બહાર તો રહેનારો નથી જ.

ભક્તિયોગી પણ પોતાને પરમતત્ત્વથી-ઈશ્વરથી-સાવ જુદો તો માનશે જ નહિ. ભલે એનામાં ‘દ્વૈત’ની ભાવના રહેલી હોય. પણ એ દ્વૈત ભાવના કોઈ પાર્થિવ સ્વરૂપની હોતી નથી. એથી આવા પ્રકારનો પ્રેમ શાશ્વત-સનાતન- છે. કારણ કે એ પ્રેમનો વિષય પેલો ‘પરમ પ્રેમ’ છે અને ‘પરમ પ્રેમ’ તો આવશ્યક રીતે અમૃત સ્વરૂપ-અમરત્વના સ્વરૂપવાળો હોવો જોઈએ. સૂત્રમાં વ્યાખ્યામાં એક બીજો શબ્દ છે : ‘’-‘વળી’. આ શબ્દ બતાવે છે કે આ બીજી વ્યાખ્યા, તે પેલી પહેલી વ્યાખ્યાનો જ એક ભાગ છે અને એક કોઈ અલગ-સ્વતંત્ર વ્યાખ્યા નથી.

આપણે વ્યાખ્યામાં જોયું કે ભક્તિ કેવી રીતે ભગવાન પ્રત્યેનો પરમ પ્રેમ છે તેમ જ એ અમરસ્વરૂપ પણ છે. આ બે સૂત્રોમાં ભક્તિ નિરૂપાઈ છે. એ પરમ પ્રેમસ્વરૂપ કેવી રીતે છે, એની ભાળ આપણે મેળવી – આપણે એને કેવળ ‘પરમ પ્રેમ’ એટલું જ કહેતા નથી પણ આપણે એને ‘પરમ પ્રેમના સ્વરૂપ જેવી’ – એમ કહીએ છીએ. આમ એટલા માટે કરીએ છીએ કે આપણે જ્યારે ‘પરમ પ્રેમ’ એવો શબ્દ વાપરીએ છીએ, ત્યારે આપણે એવા જ પ્રેમ વિશે કહેતા હોઈએ છીએ જેની સાથે આપણો પરિચય હોય છે. અને જ્યારે એને ‘પરમ પ્રેમ જેવા સ્વરૂપનો’- એમ કહેવામાં આવે છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે આપણે સામાન્ય પ્રેમાનુભવ, પેલા પરમપ્રેમના એક ઉદાહરણ તરીકે મૂકી રહ્યા છીએ. કારણ કે ભગવત્પ્રેમનું આવા લૌકિક પ્રેમ સાથે કંઈક તો સામ્ય છે. આપણો લૌકિક પ્રેમ ખરેખર જ કંઈ ભગત્પ્રેમ તો નથી. એ બંને વચચે તો ભાતભાતના ભેદો છે. એ ભેદોની ચર્ચા આપણે આગળ ઉપર કરવાના છીએ. અહીં તો ફક્ત એટલું જ બતાવીએ કે આ ભગત્વપ્રેમ, આપણા ઉચ્ચતમ ગણાતા લૌકિક પ્રેમની સાથે કશુંક સામ્ય ધરાવે છે તો ખરો. એ રીતે પહેલાં લૌકિક પ્રેમની વાત કરી, પછી એ લૌકિક પ્રેમની ઉચ્ચતમ કક્ષા બતાવી અને ત્યાર પછી કહ્યું કે બરાબર એ પોતે તો ભલે નથી, પણ ‘એના જેવો’ છે, અને પછી છેલ્લે કહ્યું કે એ પ્રેમ ‘ઈશ્વરાભિમુખ’ છે.

આ રીતે પહેલા વ્યાખ્યાસૂત્રનો એકેએક શબ્દ ‘ભગવદ્‌ભક્તિ’ શબ્દનો સ્પષ્ટ મર્મ સમજાવવા માટે અતિ આવશ્યક છે. અને ત્યાર પછીના બીજા સૂત્રમાં એનો એક બીજો અંશ બતાવવામાં આવ્યો છે. અને તે છે એની શાશ્વતતા કે અનન્તતાનું રૂપ. આમ કહેવા પાછળ વિચાર એ રહેલો છે કે લૌકિક માનવસંબંધો સાન્ત – છેડો આવી જાય તેવા – હોય છે. આ કે તે બિન્દુ પર તેમનો અવશ્ય અંત આવી જાય છે. એનું દેખીતું કારણ એ છે કે કાં તો પ્રેમી નાશ પામી જાય છે અથવા તો પ્રેમનો વિષય નાશ પામે છે. એ સિવાય પણ પ્રેમી અને પ્રેમના વિષય વચ્ચે કેટલાક એવા સંજોગો પણ આવી મળે કે જેને લીધે બંને વચ્ચેના સંબંધોમાં ફાટફૂટ પડી જાય. એટલે પરમપ્રેમને અનન્ત બનાવનારી ત્રણ બાબતો છે : એક તો એ પ્રેમનો વિષય (પાત્ર) અવિનાશી હોવો જોઈએ. અને અહીં તો એ ભગવાન પોતે જ છે. અને બીજી બાબત છે ભક્ત-ભગવાનના પ્રેમીની. એ પણ ભગવાનનો જ એક ભાગ હોવાને લીધે અવિનાશી જ છે. અને ત્રીજી બાબત એ છે કે પ્રેમી ભક્ત અને એના પ્રેમાસ્પદ ભગવાનની વચ્ચેના સંબંધમાં અવરોધ કે નડતર ખડું કરે અથવા વિચ્છેદ ઊભો કરે એવા કોઈ બાહ્ય સંજોગો ન આવવા જોઈએ. એટલા માટે એને અમર સ્વરૂપ કહેલ છે – એની ક્યારેય સમાપ્તિ થતી નથી. અહીં પ્રેમી અમર છે, પ્રેમનો વિષય અમર છે અને તે બંને વચ્ચેનો – પ્રેમી (ભક્ત) અને પ્રેમવિષય (ભગવાન) વચ્ચેનો- સંબંધ પણ અમર છે- સનાતન છે.

પાર્થિવ-લૌકિક પ્રેમ અને ઈશ્વરાભિમુખી પ્રેમની વચ્ચે ઘણું સામ્ય તો છે. બંને પ્રકારના પ્રેમમાં આપણને પ્રસન્નતા અનુભવ થાય છે, આનંદની લાગણી થાય છે, સુખનો અનુભવ થાય છે, વગેરે. પણ બંને વચ્ચે તફાવત એ છે કે પાર્થિવ કે લૌકિક પ્રેમની બાબતમાં પહેલાં તો એ નાશવંત છે અને બીજું, એની તીવ્રતા અમુક હદ સુધી જ પહોંચી શકે છે પણ પરમોચ્ચ કક્ષાએ પહોંચી શકતી નથી. ત્રીજું, એ પ્રેમ એવા વિષયો તરફ ઢળેલો હોય છે કે જે સ્થાયી હોતા નથી. આમ આ ત્રણ બાબતો આપણા લૌકિક પ્રેમના અનુભવમાં જોવા મળે છે અને આ ત્રણમાંથી એક પણ બાબત આપણી દિવ્ય પ્રેમની અનુભૂતિમાં જોવા મળતી નથી. ઉપર્યુક્ત ત્રણેય વિશેષતાઓથી તે મુક્ત છે. આટલા જ માટે દિવ્ય પ્રેમને અહીં વર્ણવવામાં આવ્યો છે. એથી આપણને ભક્તિનો મર્મ શો છે, તે વિશે એકદમ સ્પષ્ટ વિચાર મળી રહે.

ઘણી વખત આપણને એવું સાંભળવા મળે છે કે જ્યારે આપણો સામાન્ય-લૌકિક પ્રેમ ભગવાન તરફ વાળી દેવામાં આવે, ત્યારે તે દિવ્ય પ્રેમ અથવા તો ભક્તિ બની જાય છે. પણ અનિવાર્ય રીતે આવું બનતું હોતું નથી. કારણ કે વાળવું – ઢળવું વગેરે તો આપણો એક પ્રયત્ન છે. અને એનું ફળ પણ આપણા એ પ્રયત્નના પ્રમાણ કે કક્ષા ઉપર આધાર રાખે છે; જ્યારે આ ભક્તિ એ કંઈ આપણો પ્રયત્ન નથી. ભક્તિ તો આપણું સત્ત્વ છે. એટલે વળી લૌકિક પ્રેમ અને ભક્તિ વચ્ચે આ એક બીજો વધારાનો ભેદનો પ્રકાર ઉમેરાયો. ખરેખર જ, ભક્તિનો એ અર્થ નથી કે આપણે ભગવાન પ્રત્યે આપણું ધ્યાન દોરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભક્તિની નિમ્નતમ કોટિમાં આવું ભલે કદાચ કરવું પડે પણ ભક્તિ જ્યારે પરિપકવ બની જાય, ત્યારે આપણા મનને ભગવાન તરફ વાળવા – ઢાળવાનો કાંઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ત્યારે કેવળ ઝુકાવ જ નથી હોતો. ભક્તિમાં ભક્તનું મન ભગવાનમાં શા માટે જડાઈ જાય છે? કારણ કે ભગવાન જ એનું સારતત્ત્વ – એનો અર્ક છે. ત્યારે ભક્ત, ભક્તિનો વિષય અને ભક્તિની ભાવના – ત્રણેય એકમાં સમાઈ જાય છે. એટલે આપણે જેની ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, તે સાચી ભક્તિ આ છે. જો કે આપણે આ વિશે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ. પરંતુ, આ વખતે એના સૂચિતાર્થોને વધારે સ્પષ્ટ રીતે બતાવી રહ્યા છીએ.

આપણે આ ભક્તિની સચ્ચાઈને કેવી રીતે પારખી શકીએ? એ હવે પછીના સૂત્રમાં બતાવવામાં આવશે કે એ ભક્તિને પામીને ભક્ત સિદ્ધ, અમૃત અને તૃપ્ત થાય છે – પૂર્ણ, શાશ્વત અને પરિતુષ્ઠ બને છે. એ વળી ભક્તિ સંબંધી વધારે મહત્ત્વની અભિવ્યક્તિ છે.

(ક્રમશ:)

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.