तद्विहीनं जाराणामिव ॥२३॥
(विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.)
૨૩. એના – પ્રેમભાજનના – માહાત્મ્યના જ્ઞાન વગર તો એ (પ્રેમ) જારના પ્રેમ જેવો (વ્યભિચારીના પ્રેમ જેવો જ) થઈ જાય ને!
નારદ આ સૂત્રમાં જણાવે છે કે ઉપર બતાવેલો આક્ષેપ – વાંધો- અહીં ટકી શકતો જ નથી. ગોપીઓની ભક્તિના સંબંધમાં કોઈપણ મનુષ્ય આવો પ્રશ્ન ઉઠાવી જ ન શકે. કોઈપણ એમ નહિ કહી શકે કે ગોપીઓના પરમપ્રેમના અનન્ય પાત્ર એવા શ્રીકૃષ્ણના મહિમાનો ગોપીઓને ખ્યાલ ન હતો. નારદ નિશ્ચયપૂર્વક કહે છે કે જો ગોપીઓમાં એ આધ્યાત્મિક ખ્યાલ ન હોત તો તો પછી એ પ્રેમ માત્ર ભૌતિક પ્રેમ જ બની રહેત. જેવો કોઈ સ્ત્રીઓ પરપુરુષ પર રાખે તેવો જ પ્રેમનો હીન પ્રકાર બની રહેત! અને તો પછી નારદના કહેવા પ્રમાણે એ સાચા ભક્તના ઉદાહરણરૂપે પણ ન રહી શક્ત! એ તો ઉપર દર્શાવ્યા પ્રમાણેનો દૂષિત પ્રેમ જ રહેત.
नास्त्येव तस्मिन् तत्सुखसुखित्वम् ॥२४॥
(तस्मिन्, તે (હલકી કોટિના પ્રેમ)માં; नत्सुख– તે પ્રેમીના સુખમાં; सुखित्वम्, સુખ; न अस्ति एव, નથી જ હોતું.
૨૪. એનું કારણ એ છે કે તે નિષ્કૃષ્ટ – હલકી કોટિના પ્રેમમાં, પ્રેમીના સુખે સુખી થવાનો વિષય હોતો જ નથી.
શ્રીકૃષ્ણની દિવ્યતા સંબંધે ગોપીઓના જ્ઞાનનો પ્રશ્ન અહીં હાથમાં લેવામાં આવ્યો છે. આ ઉત્તર પાછળ વિચાર એવો છે કે ભગવાન શ્રીકૃષ્ણના મહિમાની જાણકારી ગોપીઓમાં ન હતી એવું તો કહી શકાય તેમ નથી. જો કે એ વાત ખરી છે કે એ વાતને ગોપીઓએ મહત્ત્વ આપ્યું નથી. એમણે તો શ્રીકૃષ્ણને પોતાના -આત્મીય – જ માન્યા હતા અને એટલા માટે શ્રીકૃષ્ણનો મહિમા ગોપીઓના મનમાં ઉચ્ચતર સપાટીએ ન હતો. માની લો કે કોઈ એક માતાનો દીકરો લોકોની નજરે કોઈક ઉચ્ચસ્થાને બિરાજી રહ્યો છે. અન્ય લોકોના સંદર્ભમાં તો તે ઘણો મોટો માણસ ગણાય છે. પણ માતા તો કંઈ પોતાના એ દીકરાના મહત્ત્વનો વિચાર કરતી નથી. પણ એનો અર્થ એવો તો થતો નથી કે માતાને પોતાના દીકરાની મોટાઈનો ખ્યાલ જ ન હોય! એ તો ફક્ત એ દીકરાની મોટાઈને મહત્ત્વ આપતી નથી એટલું જ! કારણ કે એ પોતાના દીકરાને, ‘દીકરા’ તરીકે ચાહે છે! એ ‘મોટા માણસ’ છે એટલા માટે નથી ચાહતી.
ગોપીઓની બાબતમાં પણ આવું જ બન્યું છે. તે જાણીતી તો હતી કે શ્રીકૃષ્ણ મહાન છે. પણ એના મહિમાને એમણે મહત્ત્વ આવ્યું નથી. કારણ કે એ ‘મહાન’ છે એટલા માટે તેઓ શ્રીકૃષ્ણને ચાહતી ન હતી. આ જ અહીં મુદ્દો છે. એનો અર્થ એવો નથી થતો કે તેઓ શ્રીકૃષ્ણના મહિમાથી – એમની દિવ્યતાથી – અજાણ હતી. કારણ કે ‘ગોપીગીત’માં તેમણે આ રીતે ગાયું છે : ‘તમે કોઈ સાધારણ મનુષ્ય નથી; તમે કેવળ ગોપીઓને આનંદ પમાડનાર પુરુષ જ નથી, તમે તો સમગ્ર પ્રાણીઓના અંતર્યામીરૂપ છો, તમે અંતરાત્મા છો, આત્મસ્વરૂપે બધાં પ્રાણીઓને વંશમાં રાખનારા છો. પૃથ્વીના રક્ષણ કાજે બ્રહ્માએ તમને પ્રાર્થના કરી હતી, એટલા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. પણ ખરી રીતે તો તમે તે પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ, પરમાર્થ સત્સ્વરૂપ જ છો. અને એટલા માટે અમે તમને પ્રેમથી આંખના રતન સમા ગણીએ છીએ.’ …
હવે અહીં એક બીજો વાંધો ઉઠાવવામાં આવે છે કે બધા જ પ્રકારની આસક્તિ તો છોડી દેવા યોગ્ય જ મનાઈ છે. કારણ કે કોઈપણ પ્રકારની આસક્તિ બંધનને જ નોતરે છે. હવે જો ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યે આસક્તિ હોય, તો તે પણ બંધનનું જ કારણ બની રહે છે. એટલા માટે એને પણ ગોપીઓએ છોડી જ દેવી યોગ્ય છે તો એવી આસક્તિ વખાણાઈ કેમ શકે? એવી આસક્તિને ભક્ત માટે એક આદર્શ વલણરૂપ કેમ લેખી શકાય?
ખરેખર આ પ્રશ્ન ઘણો જ વ્યાજબી છે! સૌના અનુભવની આ સાધારણ વાત છે કે આસક્તિ મનુષ્ય માટે બંધનકર્તા છે. ભલે એ આસક્તિ ગમે તેના તરફની હોય, પણ એ મનુષ્યને અવશ્ય બંધનમાં નાખે તો છે જ. જો ગોપીઓની એ આસક્તિ કૃષ્ણ તરફની હોય, તો ગોપીઓ બંધનમાં પડી છે – ગોપીઓને પણ બંધન હોય જ. એવી બંધનની સ્થિતિ એ કોઈ આદર્શ તો ગણી શકાય નહિ! તો હવે અહીં કહેવાનું કે જે લોકોએ આ પ્રકારનો પ્રેમ કદીય ચાખ્યો નથી, એવા લોકોના દૃષ્ટિકોણમાંથી આ પ્રશ્ન થયો છે એવા લોકો જ એકદમ એવું સામાન્યીકરણ કરી નાખે છે કે બધી જ આસક્તિઓ બંધન ઊભાં કરી દેનારી હોય છે. નારદ કહે છે કે ભગવાન તરફની આસક્તિ છોડવા લાયક નથી; એ આસક્તિની ઉપેક્ષા ન કરવી જોઈએ. શા માટે? જો તમે કહો કે એ પણ બંધનકારક છે, માટે ત્યાજ્ય છે, તો ના, એવું નથી. અન્ય-સામાન્ય આસક્તિના વિષય કરતાં આ વિશિષ્ટ આસક્તિનો વિષય સાવ જુદો છે. ગોપીઓને શ્રીકૃષ્ણ તરફ આસક્તિ હતી. અને શ્રીકૃષ્ણ એ કોઈ સામાન્ય માનવ ન હતા. એટલે પાર્થિવ ખ્યાલની સામાન્ય આસક્તિ પેઠે આવી આસક્તિ બંધનકારક બની શકતી નથી. જો આમ હોય તો એક બીજી દલીલ પણ આ બાબતમાં કરી શકાય : જો અન્ય પ્રકારની આસક્તિઓમાં આમ થાય – બંધન થાય – તો પછી આ આસક્તિમાં પણ એવું શા માટે ન થાય? આ દલીલનો વળી પાછો જવાબ એક ઉદાહરણ આપીને આપવામાં આવે છે. કોઈ સંત પુરુષ તરફની આસક્તિનો દાખલો લો. જ્યારે તમે એ સંત પુરુષ તરફ આસક્ત થાઓ છો, ત્યારે શું થાય છે? જે મનુષ્ય સંત તરફ આસક્ત થાય છે, તેને સંતપુરુષનું સાધુત્વ વધુ ઉત્કૃષ્ટ કરી દે છે, એને વધુ ઉન્નત બનાવે છે. સાધારણ મનુષ્યોને પણ આવો અનુભવ છે કે સાધુસંગથી જે કંઈ થાય છે, તે આવું જ થાય છે. આવી આસક્તિ બંધનકારક હોય જ નહિ. ઊલટી એ તો મુક્તિદાયક જ હોય! ‘શ્રીકૃષ્ણ દિવ્ય પરમાત્મા છે’- એ વાત ભૂલી જવાય તો પણ એનો મહિમા ગોપીઓને ઉન્નત બનાવી દેશે. એને નીચે પાડશે જ નહિ. જેવી રીતે સંતોનો સમાગમ પુરુષોને ઉન્નત બનાવે છે, તેવી જ રીતે કૃષ્ણસંગથી ગોપીઓ ઉત્કૃષ્ટ બનશે.
ભલે ગોપીઓના મનમાં શ્રીકૃષ્ણના ખાસ મહિમાનો ખ્યાલ ન પણ હોય, છતાં પણ તે શ્રીકૃષ્ણ મહાન છે. અને એટલા માટે એમના તરફની આસક્તિનું પરિણામ એક ઉન્નતિકારક ઘટક છે. સાધુઓના સંગનું પરિણામ જે રીતે આપણે જાણીએ છીએ, તે જ રીતે તે ગોપીઓને ઊર્ધ્વગામી બનાવી દેશે. સાધુસંગથી આપણે પણ તેની સાધુતા ધારણ કરીએ છીએ સાધુતા, એ દુષ્ટતા જેવી જ ચેપી છે. જો આપણે દુષ્ટો સાથે સંગ કરીએ તો આપણે દુષ્ટતાને અપનાવી લઈએ છીએ અને જો આપણે સારા માણસોની સોબત કરીએ તો આપણે સારાપણું અપનાવી લઈએ છીએ. આપણે જે વિષય તરફ આસક્ત થયા હોઈએ, તે વિષયની યોગ્યતા-ગુણાવગુણના જ આનું કારણ છે આપણે શ્રીકૃષ્ણને ભગવાનના અવતાર તરીકે ન માનીએ અને કેવળ એક મહાપુરુષ તરીકે જ માનીએ, તો પણ એવી મહાન વિભૂતિ તરફની આપણી આસક્તિ શું આપણને ઉન્નત નહિ બનાવી દે? ગોપીઓની શ્રીકૃષ્ણ તરફની આસક્તિ આવી હતી. એ આસક્તિએ તો તેમને મુક્ત બનાવી દીધી! શાનાથી મુક્ત બનાવી દીધી? ઈંદ્રિયોના બંધનમાંથી મુક્ત બનાવી દીધી! આ સંસારનાં બંધનોમાંથી મુક્ત બનાવી દીધી!
તો ભક્તો માટે આદર્શ શો છે? જો આવી આસક્તિ જ એનો આદર્શ હોય, તો એ આસક્તિમાં એવી તે કઈ ખાસયિત છે કે જે બંધન નહિ અને મુક્તિ જ અપાવી દે? એ આસક્તિનું વિભેદક તત્ત્વ શું છે? નારદ કહે છે કે એ આસક્તિમાં એક વિશિષ્ટતા રહેલી છે, જ્યાં સુધી આપણે એમાં ઊંડા ન ઊતરીએ, ત્યાં સુધી એ વિશિષ્ટતા આપણી નજરે ચડતી નથી. આસક્તિના કોઈપણ પ્રકારના હીન સ્વરૂપમાં આપણે એવું જોઈએ છીએ કે કોઈપણ મનુષ્યને કોઈક અન્ય વિષય પ્રત્યે જે આસક્તિ થાય છે, તે કંઈ આસક્તિના માત્ર – એના વિષય – માટે થતી હોતી નથી. પણ આસક્તિ રાખનાર પુરુષ કે સ્ત્રી અર્થે જ હોય છે. આપણે જો કોઈ માણસને ચાહતા હોઈએ, તો આપણે એ પ્રેમ અથવા આપણી આસક્તિ કંઈ એટલા માટે નથી હોતી કે આપણે તે માણસને સુખી કરવા માગીએ છીએ. પણ એ એટલા માટે હોય છે કે આપણે સુખી થવા માગીએ છીએ – આપણને એના સાથ-સથવારામાં મજા પડતી હોય છે. એટલે અહીં આપણા પ્રેમનું કારણ નિ:સ્વાર્થી નથી. આપણા પ્રેમનો હેતુ અહીં સ્વાર્થી જ છે. કોઈપણ પ્રકારના પાર્થિવ સંબંધોમાં આવા સ્વાર્થની ગંધ તો આવે જ છે. આપણે પોતે સુખી થવા માગીએ છીએ અને એટલે જ આપણે કોઈ ખાસ મનુષ્યનો સંગ ઇચ્છીએ છીએ. કારણ કે આપણને તે પુરુષ અથવા સ્ત્રીના સંગમાં આનંદ પ્રાપ્ત થાય છે.
નારદ કહે છે કે ભક્તિનો માપદંડ અહીં જ પૂરો – પરિતુષ્ટ થઈ જતો નથી તો પછી ભક્તિનો માપદંડ કયો છે? ભક્તિનો સાચો માપદંડ તો એ છે કે એમાં આસક્તિ રાખનાર પોતાના સુખની ઝંખના કરતો હોતો નથી; પણ એ સામેના પાત્રના – આસક્તિના વિષય (માત્ર)ના સુખ માટે પ્રયત્ન કરે છે – એને સુખી કરવા મથે છે. દિવ્ય-અપાર્થિવ-પ્રેમની આ વિશિષ્ટતા છે.
કોઈપણ પાર્થિવ પ્રેમ અથવા આસક્તિ જ્યારે એ સંબંધમાં કંઈક અસંતોષ ઊભો થાય છે, ત્યારે પરસ્પરના તિરસ્કારમાં પલટાઈ જાય છે. એક દાખલો લો – આ દાખલો અહીં બરાબર બંધબેસતો છે – માનો કે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પ્રેમ છે. ધારો કે એમાં સ્ત્રી અત્યંત લાગણીશીલ છે અને એ પેલા પુરુષને ચાહે છે. પણ પછી જો એ પ્રેમથી કશું વળતર ન થાય, કશું સાટું ન મળે તો બદલા વગરનો એ પ્રેમ પછી તિરસ્કારમાં પરિવર્તિત થઈ જાય છે. એનો અર્થ શો છે? એનો અર્થ આટલો જ કે એ પ્રેમી (કે પ્રેમિકા) જ પોતાના પ્રેમપાત્રને સુખી કરવા ઇચ્છતો હોતો નથી, પણ એ પ્રેમપાત્ર પાસેથી પોતાને માટે જ આનંદ મેળવવા ઝંખતો હોય છે. અહીં આ આનંદ વ્યક્તિગત અને સ્વાર્થી જ હોય છે. અને એટલા જ માટે એમાં કંઈક ઘોંચ પડે તો એનું ઠેઠ ભયંકર તિરસ્કાર સુધીનું અધ:પતન થઈ જાય છે.
અપાર્થિવ – દિવ્ય-પ્રેમમાં આવું ક્યારેય બનતું નથી. એનું કારણ એ છે કે એનો હેતુ પ્રેમીનો પોતાનો આનંદ નથી. પણ બીજાને – સામાને-પ્રેમપાત્રને જ આનંદ આપવાનો એનો હેતુ હોય છે. આ દિવ્ય પ્રેમની મુખ્ય શરત જ સંપૂર્ણ આત્મત્યાગ હોય છે. જ્યારે કોઈ ભક્ત ઈશ્વરને ચાહે છે. ત્યારે તે એની પાસેથી કશા વળતરની ઇચ્છા રાખતો હોતો નથી. પણ ઊલટું પોતાનું સર્વસ્વ ઈશ્વરને ચરણે ધરી દેવા માગતો હોય છે. આ એ દિવ્ય પ્રેમનો માપદંડ છે. અને તે એવો માપદંડ છે કે જે કોઈપણ પ્રકારના પાર્થિવ પ્રેમથી સંપૂર્ણપણે પોતાને જુદો દર્શાવી આપે છે. પાર્થિવ પ્રેમ ગમે તેટલો તીવ્ર હોય કે ગમે તેટલો ઉચ્ચકોટિનો હોય, તો પણ પેલો માપદંડ એને અલગ પાડી આપે છે.
અહીં કોઈ એમ કહી શકે કે પાર્થિવ પ્રેમના કેટલાક કિસ્સાઓમાં પણ કેટલીક હદે આત્મબલિદાનનાં ઉદાહરણો મળે છે તો ખરાં જ ને! હા, જરૂર મળે છે. પરંતુ, જો આપણે એમાં પણ ઊંડા ઊતરીને નીરખીશું તો કોઈક રીતે આપણે જાણી શકીશું કે જ્યારે એવો પ્રેમ પણ સતત રીતે કશા પ્રકારની અપેક્ષિત પ્રતિક્રિયા પામતો નથી, પ્રતિપ્રેમ પામતો નથી, એવા પ્રેમનું પણ જ્યારે પારસ્પરિક આદાનપ્રદાન થતું નથી, ત્યારે એ તિરસ્કારનો ઉગમસ્રોત બની જાય છે. એ પ્રેમની વિરોધી લાગણીમાં જ એના અધ:પતનનો ભય દૃષ્ટિગોચર થાય છે. ત્યારે પેલી આસક્તિ, વિમુખતામાં, ઘૃણામાં ફેરવાઈ જાય છે.
આવા પ્રેમમાં કશુંક ખૂટે છે એવું નથી લાગતું? દિવ્ય પ્રેમમાં જે કંઈક છે તે આવા પ્રેમમાં નથી, એવું નથી લાગતું? ભક્ત તો કેવળ આપે જ છે અને એના પ્રિયતમ પાસેથી કશા જ વળતરની અપેક્ષા રાખતો નથી. એ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેશે પણ ક્યારેય કશું વળતર માગશે નહિ.
એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ધાર્મિક મંડળની મુલાકાત લીધી. ત્યાં સંકીર્તન અને અન્ય પ્રકારના ભક્તિસંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણના જીવનની વૃંદાવનલીલાનો પ્રસંગ કેન્દ્રમાં રાખીને ભજનો થતાં હતાં પ્રસંગ રાધાના માનભંગનો હતો. રાધાને છોડીને કૃષ્ણે વૃંદાવનની એક બીજી ગોપીની મુલાકાત લીધી તેથી રાધાને રોષ ઉત્પન્ન થયો હતો. રાધાની સખીઓએ એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે ‘તને મનદુ:ખ શા માટે થવું જોઈએ? એથી તો એમ જણાય છે કે તું કૃષ્ણના સુખનો તો વિચાર જ નથી કરતી અને ફક્ત તારા સુખનો જ વિચાર કરે છે!’ ત્યારે રાધાએ તેમને કહ્યું : ‘હું કંઈ એટલા માટે ગુસ્સે નથી થઈ કે તેઓ ચંદ્રાવલિની નિકુંજમાં ગયા છે. પણ એટલા માટે દુ:ખી છું કે શા માટે ત્યાં તેમણે જવું જોઈએ? શ્રીકૃષ્ણની કેવી રીતે કાળજી લેવી, તેની એને ખબર નથી.’ (ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ, પૃ. ૨૨૧-૨૨) રાધાનો આ ઉપર ટાંકેલો દાખલો જુઓ. રાધા તો નિ:સ્વાર્થ પ્રેમના ઉચ્ચતમ ઉદાહરણરૂપ મનાયાં છે, તે કહે છે કે ‘શ્રીકૃષ્ણ ચન્દ્રાવલી પાસે ગયા એનો તો મને કંઈ વસવસો નથી જ, પણ મારું દુ:ખ એ છે કે ચંદ્રાવલી કૃષ્ણની સેવા કેવી રીતે કરવી, તે જાણતી નથી. કૃષ્ણને એથી દુ:ખ થશે એટલા માટે મને દુ:ખ થાય છે.’ રાધાના આ વલણને નીરખોને! શ્રીરામકૃષ્ણ વારંવાર આ વાતનો નિર્દેશ કરતા. (મને ક્ષમા કરજો. કારણ કે આવા દાખલાઓ કેટલાક કિસ્સાઓમાં અશ્લીલ જણાય છે, પરંતુ, એને માનવજાતની ખૂબ સંવેદનશીલ ભાવનાઓનાં જ ઉદાહરણો સમજવાં જોઈએ.)
આ એક ખૂબ જ ઉત્તમ સંવેદના છે. અને એને એના વ્યંગ્ય અર્થમાં- ધ્વવ્યર્થમાં- કરી રહ્યા છીએ કે જેને નાજુકાઈભરી માવજતની આવશ્યકતા છે. આપણને આવી બાબતોનો પ્રત્યક્ષ-સીધો-અનુભવ તો નથી, અને એટલા માટે આપણે એ વિશે પાર્થિવ રીતે-પાર્થિવ ભાષામાં જ – વાતો કરવી પડે છે. આમ છતાં, આમ કરતાં કરતાં એ સતત યાદ રાખવાની જરૂર છે કે આ બાબતમાં કશું જ પાર્થિવ જેવું છે જ નહિ. આમ હોવાથી એને ખૂબ જ સાવધાનીપૂર્વક સમજવી જોઈએ.
આવી અભિવ્યક્તિઓ કેવળ ગોપીઓના કૃષ્ણ સાથેના સંબંધમાં જ નહિ, પણ અન્ય રહસ્યવાદી સાહિત્યમાં પણ મળે છે. વળી એ પણ ફક્ત ભારતીય રહસ્યવાદી સાહિત્યમાં જ નહિ, પણ બીજા દેશોના એ પ્રકારના સાહિત્યમાં યે – ખાસ કરીને ખ્ર્રિસ્તી રહસ્યવાદી સાહિત્યમાં યે – મળે છે. આવી શબ્દાવલી જ એવે બધે સ્થળે વાપરવામાં આવી છે કારણ કે એ એક એવું સાધન છે કે જેનાથી આ પ્રકારના વિચારોનું કંઈક આછુંપાતળું સંક્રમણ બીજામાં કરી શકાય. અહીં ભાષાના દુરુપયોગની સંભાવનાથી ખૂબ સાવધાન રહેવું જોઈએ. એટલે આપણે એવા બધા શબ્દોનો મર્મ સમજવા માટે કાળજી લેવી પડશે. આવી બધી અભિવ્યક્તિઓ તો કેવળ દાખલા આપવા માટે જ છે અને એ એવા વિચારને સૂચિત કરે છે કે જે વિચારોથી આપણે માહિતગાર હોતા નથી. આમ, એ એક વિચારસંક્રમણ છે. અને એવા વિચારોના સંક્રમણમાં, આપણી સામાન્ય વાતચીતમાં અશિષ્ટ ગણાય એવા શબ્દોનો પ્રયોગ થયો છે. ભગવાનના માણસ માટે તો આવી અશિષ્ટતા હોય જ નહિ આવી અશિષ્ટતા વગરનું પણ એક ઉદાહરણ છે. એક વખત શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં બેસીને જઈ રહ્યા હતા. રસ્તામાં એક શરાબની દુકાન પાસેથી તેઓ પસાર થયા. ત્યાં કેટલાક લોકો પીધેલી હાલતમાં લથડિયાં ખાઈ રહ્યા હતા. અને ઝૂમી રહ્યા હતા. આ દૃશ્ય જોતાંવેંત જ શ્રીરામકૃષ્ણ સમાધિમાં મગ્ન થઈ ગયા! એમણે શરાબનો કે પીધેલાઓનો કશો વિચાર જ કર્યો નહિ. કેવળ એ દૃશ્યે જ તેમનામાં ‘દિવ્ય પ્રેમના પિયાલા’ પીનારા સાધુપુરુષનો ‘નશો’ જગાડી દીધો. અને એકદમ જ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા! આવી રીતે જ્યારે સાધન શુદ્ધ અને નિર્મલ હોય ત્યારે આવાં પાર્થિવ સૂચનો પણ દિવ્ય પ્રેમ તરફ દોરી જાય છે. આમ એ અશિષ્ટ ગણાયેલા શબ્દો કોઈ અશિષ્ટ અર્થ સૂચવતા નથી, પણ દિવ્યભાવની સમજૂતી જ આપે છે; આમ હોવા છતાં જે લોકો એનું અધ્યયન કરતા હોય તેમણે એમની ઈંદ્રિયો પતિત ન થાય એટલા માટે પોતાના મન ઉપર ચોકી પહેરો રાખવો જોઈએ. હું આવું કહું છું કારણ કે એક ખૂબ જ અગત્યનો એ મુદ્દો મનમાં રાખવો જોઈએ કે આપણે ભગવાન વિશે વાતો કરી રહ્યા છીએ, આપણે પાર્થિવ પ્રેમની વાત કરી રહ્યા નથી. આ મુદ્દો સતત મનમાં ઘુંટાતો રહેવો જોઈએ.
શ્રીરામકૃષ્ણ ઘણા પ્રકારના પ્રેમની વાત કરે છે : સાધારણી, સમંજસ, સમર્થ, વગેરે વગેરે… આમાં પહેલા પ્રકારનો પ્રેમ સાધારણ હોય છે, એમાં પ્રેમી પોતાના સુખને ઝંખે છે. સામો માણસ સુખ મેળવે છે કે નહિ, એની એ પરવા રાખતો નથી. ચંદ્રાવલીનું શ્રીકૃષ્ણ પ્રત્યેનું વલણ આવા પ્રકારનું હતું. બીજા પ્રકારનો પ્રેમ પરસ્પરની સમજૂતિવાળો પ્રેમ છે. એમાં બંને અરસપરસ બંનેનું સુખ ઇચ્છે છે. આ પ્રેમ ઉમદા પ્રકારનો છે. પણ ત્રીજા પ્રકારનો પ્રેમ તો સર્વોત્કૃષ્ટ પ્રેમ છે. આવો પ્રેમી પોતાના પ્રેમપાત્રને કહે છે કે ‘મારું ગમે તે થાય, પણ તું સુખી થા.’ રાધાનો પ્રેમ આવો પરમોચ્ચ પ્રેમ હતો. એ કૃષ્ણને સુખે સુખી હતી. ગોપીઓ પણ આ ઉચ્ચતમ પદને પામી ચૂકી હતી – એમ રામકૃષ્ણ કહે છે. (ગોસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ, પૃ.૭૬૬)
દિવ્ય પ્રેમમાં સ્વાર્થી હેતુ સદંતર હોતો જ નથી. એના વિરોધી પાર્થિવ પ્રેમમાં કંઈ પોતાના પ્રેમપાત્રને સુખ આપીને જ પોતે સુખી થવાનું વલણ જોવામાં આવતું નથી પણ આ ઘટનામાં તો પ્રેમી પોતે કશું જ ઇચ્છતો નથી. પોતાના પ્રેમપાત્રને સુખી કરવું એ એકમાત્ર એની ભાવના, એક જ ઉત્સુકતા હોય છે. વિશુદ્ધ-દિવ્ય પ્રેમનો આ માપદંડ છે. ગોપીઓનું ઉદાહરણ આપીને શ્રીરામકૃષ્ણે કહ્યું છે તેમ ગોપીઓનો પ્રેમ ઉત્કૃષ્ટતમ હતો. એ ઉત્કૃષ્ટતમ પ્રેમનાં બે પાસાં છે: એક ‘મારાપણું’ અને બીજું ‘અહંભાવ’. (૧) ‘ઈશ્વર મારો છે’ અને (૨) ‘હું ઈશ્વરને ચાહું છું’, આમ બે પાસાં છે. ભક્ત પોતાના સમગ્ર અસ્તિત્વને દિવ્યતા સાથે અભિન્નપણે જોડાયેલું જ ગણે છે. એના ‘હું’નો અર્થ, શ્રીરામકૃષ્ણ કહે છે તેમ, પાકો ‘અહંભાવ’ છે. એને લાગે છે કે ‘હું ભગવાનનો ભક્ત છું’ અને એના ‘મારાપણા’નો અર્થ ‘ભગવાન મારો છે’ એવો થાય છે. એમાં પહેલું પાસું અહંભાવ છે. ‘જો હું ભગવાનને નહિ સેવું તો તે દુ:ખી થશે’ – આમ ભક્ત અહંભાવી છે. પણ સામાન્ય બુદ્ધિ માને છે એવો અહંભાવ નથી. એ અહંભાવ એટલા માટે છે કે ભક્ત આ રીતે વિચાર માત્ર કરે છે. વળી એ ભક્તની ભાવના એવી છે કે ભગવાન એનો પોતાનો છે. આ રીતે જેમ આપણે આપણી પોતાની માનેલી વસ્તુઓ ઉપર આપણું બધું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેમ પોતાના પ્રેમપાત્રની સુખાકારી ઉપર એવું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે જો આપણા મનમાં સર્વદા પોતાની ભીતરની દિવ્યતાની સભાનતા હોય જ તો તો પોતાના પ્રેમપાત્ર વિષયરૂપ – ભગવાનની સેવા જ થઈ શકે. એવી સ્થિતિમાં સૂક્ષ્મ ઉચ્ચતરપ્રેમની ભાવના અને લગાવ ટકી ન શકે. લાગણીનાં – લગાવનાં આ બંને નાજુક રૂપો (પાકો અહંભાવ અને મારાપણું) પેલી દિવ્યતાની સભાનતા સાથે સમાંતર રીતે વહી શકે નહિ. કારણ કે એવી સભાનતા, પ્રેમભાવનાની તીવ્રતા અને સામીપ્યને ક્ષીણ કરી નાખે છે. એટલે અહીં (ભક્તિમાર્ગમાં) એ સભાનતાને પડદા પાછળ જ રાખી છે. એનો અર્થ એવો નથી થતો કે આ સભાનતા ભક્તમાં હોતી જ નથી! જેમ આપણે ગોપીઓની બાબતમાં જોયું છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો આ નાજુક સંબંધ, એ ખૂબ સંવેદનશીલ બાબત છે – આવી બાબત છે. કારણ કે એ એક એવી લાગણી છે કે જેનો ક્યાંય પણ જોટો જડી શકે એમ નથી. જેને એની અનુભૂતિ થઈ હોય, તે જ એને જાણે-સમજે છે. ભક્ત સિવાય આ વાતને સમજવાનું કોઈનું ગજું નથી. આ એટલી હદ સુધીની વાત છે કે આવી અનુભૂતિની સ્થિતિ સાથે આપણે જો આપણા મનનો સૂર મેળવીએ તો માંડ એ કંઈક બુદ્ધિગમ્ય બને છે. નહિતર સામાન્ય લોકો તો આ વિચાર ઉપર કેવળ કટાક્ષ જ કરે છે – વક્રવાણી જ બોલે છે અને આ વિચાર એક મજાકનો વિષય જ બની જાય છે.
ભાગવતમાં ગોપીઓની કૃષ્ણ સાથેની લીલા તદ્દન પાર્થિવ શબ્દાવલીથી જ ભરચક્ક છે. અને એથી એ એક મજાકનો વિષય બની ગઈ છે. ખાસ કરીને એવા લોકો એની મજાક ઉઠાવે છે કે જેમને એમાં વર્ણવેલી ભાવનાઓની કશી ગતાગમ હોતી નથી. લોકો ધારે છે કે આમ તો એ માત્ર ભૌતિક પ્રેમનું હીન સ્વરૂપ છે. અને એને પછી સાક્ષાત્કાર માટે આધ્યાત્મિક સ્થિતિ તરીકે વખાણી દીધું છે! પણ આ તો સમજણના અભાવનું જ પરિણામ છે, સહાનુભૂતિના અભાવનું જ પરિણામ છે.
મેં અગાઉ એ કહી જ દીધું છે કે રહસ્યવાદી ભગવાન સાથેના પોતાના સંબંધને કેવી રીતે અભિવ્યક્ત કરે છે. ખ્રિસ્તીઓની શબ્દાવલીમાં રહસ્યવાદીઓ પોતાને સ્ત્રી તરીકે કલ્પે છે અને ભગવાનને પોતાના પ્રિયતમ તરીકે જુએ છે. આત્મા હંમેશા ત્યાં સ્ત્રીલિંગી જ માનવામાં આવ્યો છે અને રહસ્યવાદીઓના ગ્રંથોમાં આ દિવ્ય પ્રેમને સ્ત્રી-પુરુષના પ્રેમ જેવો વર્ણવવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રેમ એ કદાચ સાપેક્ષ સ્તર પરની ઊંચામાં ઊંચી પ્રેમની લાગણી છે. અને એ સામાન્ય માણસને પણ સમજાવી શકાય તેવી છે કારણ કે એણે પણ એનો થોડોઘણો અનુભવ કર્યો હોય છે.
આમ છતાં, એ વાતને કાળજીપૂર્વક સમજવાની અને યાદ રાખવાની જરૂર છે કે દિવ્ય પ્રેમને ભૌતિક પ્રેમ સાથે કશી જ લેવાદેવા નથી. ભૌતિક પ્રેમ સાથે એની કોઈપણ રીતે સરખામણી થઈ જ શકતી નથી. એ તો ખૂબ જ વિશુદ્ધ અને સૂક્ષ્મ ભાવના છે, એ સંપૂર્ણ રીતે આધ્યાત્મિક છે આપણી હાડમાંસ સાથે જડાયેલી લાગણીની સાથે એની કોઈ જ સમાનતા નથી.
હંમેશા આ વિચારને આપણા મનમાં હાજર રાખ્યા વગર આવાં પ્રેમસંબંધી શાસ્ત્રોનું વાચન ઉન્નતિકારક બનવાને બદલે અવનતિકારક બની જશે. એટલા માટે સ્વામી વિવેકાનંદે સામાન્ય માણસોને દિવ્ય પ્રેમની કથાઓ વાંચવા-જાણવા ઉત્તેજન આપ્યું નહતું. કારણ કે રખેને એવા લોકો પોતાના અપક્વ મનમાં પેલા પરિચિત એવા ભૌતિક પ્રેમને ઉશ્કેરી મૂકે! એમનામાં એવો પ્રેમ તો મનમાં સૌથી ઉપર હોય છે; જ્યારે મન આવા હીન વિચારોથી તદ્દન મુક્ત અને વિશુદ્ધ થઈ જાય, ત્યારે જ મનુષ્ય આવાં શાસ્ત્રો સમજવાનો અને એના ઉપર ચર્ચા કરવા સુધીનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે.
સામાન્ય સાધક માટે તો આ સિવાયના બીજા માર્ગો છે જ. સલામત સ્થાને રહેવા માટે ભગવાનને પિતા, માતા, મિત્ર કે ગુરુ તરીકે માનવા એ વધારે સારું છે. એનાથી પછી આગળ જવું. એ તો આપદાને આમંત્રણ આપવા જેવું થશે. ખાડામાંથી બચવા માટે ભગવાનને આપણા માતા-પિતા માનવા જ બહેતર છે. ઊંચે કૂદકો મારવા કરતો આપણે જ્યાં છીએ ત્યાંથી જ ચાલવું વધારે સારું છે. મનુષ્યના પ્રિયતમ તરીકે પ્રભુના પ્રેમની ચર્ચા કરતાં પણ આપણા મનમાં ભૌતિક પ્રેમની સંવેદના ન જ જાગે, એટલી હદ સુધી આપણું મન જ્યાં સુધી વિશુદ્ધ ન થઈ ગયું હોય, ત્યાં સુધી તો આપણે આવી બાબતોને સમજી શકવાના જ નથી. અને એટલા માટે સ્વામીજીએ એ માર્ગ અનુસરવાની આપણને મનાઈ ફરમાવી છે.
ભગવાન પ્રત્યે આપણે ભાતભાતનાં વલણો દાખવી શકીએ તેમ છીએ, એ બધામાં સૌથી સલામતીભર્યું વલણ શ્રીરામકૃષ્ણે બતાવ્યું, તે છે. એ વલણ છે. માલિકનું અને નોકરનું છે. ‘ભગવાન મારા માલિક છે; અને હું એનો નોકર-દાસ છું’ – આ સાવ સાદું વલણ છે. અથવા તો મનુષ્ય ઇચ્છે તો એનાથી થોડેક હજુ ઊંચે પણ જઈ શકે છે. એ માની શકે છે કે ભગવાન એના મિત્ર છે. અથવા તો ભગવાન એનું બાળક છે. જ્યારે મનુષ્ય ભગવાનને મિત્ર તરીકે માને છે ત્યારે એ લગભગ જાણે કે એની સમાન કક્ષાએ આવી જાય છે! મૈત્રી તો સમાન કક્ષાવાળાઓની વચ્ચે જ હોય. જો કોઈ આનાથી પણ હજુ ઊંચે જવા શક્તિમાન હોય તો ભગવાનને તે પોતાના બાળક તરીકે લેખી શકે. બાળકને તો પોતાના માતાપિતા પાસેથી પોતાના રક્ષણની જરૂર પડે છે. આ રીતે ભગવાન સાથેના સંબંધો વિવિધ પ્રકારના હોઈ શકે છે. અને છેલ્લો સંબંધ, જે અત્યંત મુશ્કેલીભર્યો છે, તે છે. ‘મધુરભાવ’. બે પ્રેમીઓનો સંબંધ! એ બંનેના મનને જોડે છે. અને બંનેને ‘એક’ કરી દે છે. એને ઊંચામાં ઊંચો સંબંધ કહ્યો છે.
ઉપર બતાવેલાં વલણો પૈકીના કોઈપણ એક વલણની સંપૂર્ણ અભિવ્યક્તિ સાધક માટે પૂરતી થઈ શકે છે – એટલે કે એ પ્રભુના સાક્ષાત્કાર માટે પર્યાપ્ત જ છે. માલિક અને નોકર તરીકે અથવા મિત્ર તરીકે કે ઈશ્વરને બાળક અને પોતાને માતાપિતા તરીકે – આ બધા જ સંબંધો ભગવાનનો ગહનતમ સાક્ષાત્કાર કરાવવા માટે પૂરેપૂરા સમર્થ છે. અને એટલા માટે સાધકે પોતાનું સહજ વલણ બદલવાની જરાય જરૂર નથી. શાસ્ત્રોનો આવો કોઈ મત નથી કે સાધનાનો એવો કોઈ ક્રમ પણ નથી કે સાધકે પોતાનું વલણ બદલવું જોઈએ. માલિક-નોકરના સંબંધમાંથી મૈત્રીના સંબંધમાં અને ત્યાંથી પછી વાત્સલ્યમાં (એટલે કે માતાપિતા અને બાળકના હેતના સંબંધમાં) અને પછી પ્રિયતમ પ્રિયતમાના પ્રેમીઓના સંબંધમાં આવવું જોઈએ – આવી કોઈ ક્રમિક્તાની જરૂર નથી. આ બધાં વલણે પૈકીનું ગમે તે એક વલણ દિવ્ય પ્રેમની પૂર્ણ અનુભૂતિ કરાવી શકે છે. સાધક માટે, જે લાગણીને તે બરાબર રીતે સમજી શક્તો હોય, જે ભાવનાનો એને સહજતાથી અનુભવ થઈ શક્તો હોય, તે ભાવનાથી – તે લાગણીથી જ એ વલણથી જ શરૂ કરવું વધારે સલામતીભર્યું છે, કે જેથી પોતાની પૂરી શક્તિ નિષ્ઠાપૂર્વક એ તરફ વાળી શકાય. કોઈક બીજાનું અનુકરણ કરવા કરતાં આ વધારે સારું છે. સાચી વાત તો એ છે કે આપણે બધા ભીતરના કોઈ ને કોઈક વલણને – કોઈ ને કોઈ રસ-રુચિને – લઈને જન્મ્યા હોઈએ છીએ. અને એ દ્વારા ઉપરનામાંના કોઈ ને કોઈ વલણનું અનુસરણ કરવા માટે આપણામાં યોગ્યતા હોય છે જ. એટલે આપણે એ વલણ – એ ઝોક – ક્યાંય શોધવા જવાની કે ચૂંટવાની જરૂર નથી પડતી. એ વલણ આપણી ભીતર સહજ રીતે પડ્યું જ હોય છે. કોઈ ને કોઈ વલણ અપનાવવાની – અનુસરવાની વાત તો આપણા વ્યક્તિત્વની આવશ્યકતા જ છે. અને કોઈપણ વલણ ઉચ્ચતમ અનુભૂતિ કરાવવા સમર્થ જ છે.
(ક્રમશ:)
Your Content Goes Here




