મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ’ એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીઠાકુરે કહ્યું: ‘જેવી રીતે મોટેથી તાળીઓ પાડતાં જ વૃક્ષ પરનાં પક્ષીઓ ઊડી જાય છે
તેવી રીતે તાળી પાડીને ભગવન્નામોચ્ચારણ થાય છે ત્યારે મનના પાપી વિચારો ઊડી જાય છે.’.. કેટલીક વખત તેઓ ‘હરિ મારા ગુરુ છે, મારા ગુરુ હરિ છે’; ‘હે કૃષ્ણ, હે કૃષ્ણ’; ‘હે ગોવિંદ, તમે મારાં જીવનપ્રાણ છો’; ‘હું નહિ, હું નહિ પણ તું તું’; ‘હું યંત્ર છું અને તું યંત્રી છો’; આમ કહેતાં કહેતાં તેઓ પરમાનંદમાં ડૂબી જતા. આવી ભાવાવસ્થામાં તેઓ જગન્માતાને પ્રાર્થના કરતા પણ એમના શબ્દો અમને ન સંભળાતા. એમનો આ ઈશ્વરીય ભાવોન્માદ જોઈને અમે સૌ આશ્ચર્યમાં ડૂબી જતા. અમને લાગતું કે શ્રીઠાકુર જગદંબાના સંસર્ગ-સંસ્પર્શમાં છે, તેમની સાથે વાતો કરે છે અને જગન્માતા તેમના પ્રશ્નોના ઉત્તર આપે છે. અમને એવી ખાતરી થઈ કે શ્રીરામકૃષ્ણ મનુષ્ય ન હતા, તેઓ ઈશ્વરના એક અવતાર હતા.
– સ્વામી અભેદાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.219)
Your Content Goes Here




