શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર
શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અખંડાનંદે કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ દરિદ્રના ઈશ્વર છે એટલે જ તેઓ પર્ણકુટિમાં જન્મ્યા હતા.’ સ્વામી વિવેકાનંદ કહે છે : ‘શ્રીરામકૃષ્ણ અવતારની શક્તિથી જ દલિત, પીડિત, શૂદ્ર, ચાંડાલ, પાપીતાપી સાથે સામાન્ય જનસમૂહ ઉચ્ચતમ મૂલ્યોવાળી કેળવણી તેમજ આધ્યાત્મિક સંસ્કૃતિ પામીને, શ્રેષ્ઠ સંસ્કાર કેળવીને, પૂર્ણ માનવ બનીને ભારતમાં એક મહા જાગરણ લાવશે.’ સ્વામીજી વારંવાર ઘોષણા કરીને કહેતા: બ્રાહ્મણના ઉચ્ચતમ સંસ્કાર ૐકારનાં ધ્યાન અને રટણ તેમજ ગાયત્રી મંત્રના ઉચ્ચારણ દ્વારા સમાજના દલિત, પીડિત, ઉપેક્ષિત ડુંગરવાસી, વનવાસી, ગ્રામવાસી, આદિવાસી વગેરેને ઉચ્ચ સંસ્કાર આપીને તે સમાજનાં બાલક -બાલિકાઓને ઉચ્ચ કેળવણી આપણે સૌએ આપવી પડશે.
છેલ્લાં સો વર્ષથી રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામીજીના આ આદર્શને નજર સમક્ષ રાખીને પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને બિહારના દલિત, પીડિત, આદિવાસી; અરુણાચલ, મેધાલય, ત્રિપુરા, ઝારખંડ અને બસ્તરના ગિરિજનો; કેરળ, તામીલનાડુના દલિત અને ગિરિજનો; તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાતના દલિત અને વનજનોના સાર્વત્રિક કલ્યાણનાં કાર્યો થઈ રહ્યાં છે. આ ભગીરથ કાર્ય દ્વારા ભારતમાં એક મહા નવજાગરણ આવશે.
આ જ આદર્શ સાથે સૌ પ્રથમવાર શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં કચ્છ વિસ્તારના અત્યંત પછાત, નબળા અને પરચૂરણ કામકાજ કરનારાં માબાપના ધો. ૯-૧૦ના ૫૦ વિદ્યાર્થીઓ માટે ૧ થી ૧૦ જૂન સુધી સવારના ૫.૩૦ થી ૧૨.૩૦ અને બપોરના ૩.૩૦ થી રાતના ૧૦.૦૦ સુધી મૂલ્યલક્ષી કેળવણી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજવિદ્યા, રમતગમત વ્યાયામ સાથેની એક વિશિષ્ટ ગ્રીષ્મ શિક્ષણશિબિર યોજાઈ ગઈ.
આ શિબિરમાં સ્વામી વિવેકાનંદના આદર્શ ‘કેળવણી એટલે દરેક માનવની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ’ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનારાયણની અભ્યાસ દ્વારા પૂજા કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી એરવાડિયાએ નબળાં બાળકોનું ઊર્ધ્વીકરણ કરવાની પ્રવૃત્તિ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટને અભિનંદન આપ્યા હતા. સ્વામી જિતાત્માનંદજી ૐનું મહત્ત્વ સમજાવીને ૐનું રટણ અને ધ્યાન કરાવીને વિદ્યાર્થીઓમાં એક આધ્યાત્મિક શક્તિનું સંચરણ કર્યું. આશ્રમના સંન્યાસીઓ સ્વામી ચિતપ્રભાનંદ, સ્વામી સર્વસ્થાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી શિવપ્રેમાનંદ અને અન્ય બ્રહ્મચારી વૃંદના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર, સ્તવનપાઠનું પાન-ગાનકરી રહ્યા હતા. શ્રી મનસુખભાઈ મહેતા, શ્રી ચંદ્રકાંતભાઈ દવે અને શ્રી કૌશિકભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શ્રી એમ.ડી. ઉમરાણિયા, શ્રી કે.જી.દવે, શ્રી હસમુખભાઈ ચૌહાણ, શ્રી અરવિંદસિંહ ઝાલા, શ્રી મેહુલભાઈ પંડ્યા, શ્રી દીપકભાઈ મશરૂ, શ્રી સનતભાઈ પોપટ, શ્રી નાદિરખાન, શ્રી ઝાલાભાઈની માનદ સેવાઓ મળી. હેન્ડીક્રાફટ માટે શ્રી કનુભાઈ ઝાલાનું માર્ગદર્શન સાંપડ્યું. શ્રી સુરમ્યભાઈ મહેતા, શ્રી અશોકભાઈ સોલંકી, શ્રી બકુલેશભાઈ ધોળકિયા વ્યવસ્થાપન અને સંકલનમાં પોતાની સેવાઓ આપી હતી. રમતગમત અને સ્વાસ્થ્ય શિક્ષણમાં સ્વામી શિવપ્રેમાનંદ, શ્રી યોગી, શ્રી કૃણાલ તથા શ્રી પારસ વગેરેએ ઉત્સાહ પ્રેરક કાર્ય કર્યું હતું.
Your Content Goes Here




